Ek Poonamni Raat - 110 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ - ૧૧૦

એક પૂનમની રાત -

સિદ્ધાર્થ સાથે એની કુમક જંગલમાં આગળ વધી રહી હતી અને જંગલમાં એટલાં વૃક્ષો ને ઝાડી હતી કે ધોળે દિવસે અંધારું લાગી રહેલું ત્યાં અચાનક આંધી જેવું વાતાવરણ થઇ ગયું ધૂળની ડમરીઓ ઉડી રહી હતી જીપ આગળ ચલાવવાની મુશ્કેલ થઇ રહી હતી. સિદ્ધાર્થ હવે આવાં બનાવોથી માહીતગાર હતો એણે જીપ ઉભી રખાવી અને બોલ્યો અહીં ઉભા રહીએ આંધી પસાર થઇ જવા દો આ કોઈક સંકેત છે અને તેઓ બધાં જંગલમાં ઉભા રહી ગયાં.

સિદ્ધાર્થ મનોમન ઝંખનાને યાદ કરી રહેલો એને હતું ઝંખના આવી જશે મારાં બોલાવવાથી પણ ઝંખનાં ના છેલ્લાં શબ્દો યાદ આવી ગયાં કે હવે આ એક દિવસ આપણે નહીં મળીએ ..... તો આ આંધી શેની છે ? શા માટે મને અહીં અટકાવી રહી છે ?એનાં મનમાં શંકા કુશંકા વધી રહી હતી હજી થોડીવાર ઉભા રહ્યાં ત્યાં પાછળથી કોઈનાં ચીસ જેવાં અવાજ આવવા લાગ્યાં સિદ્ધાર્થ આષ્ચર્ય અને ભયથી એ તરફ જોવા લાગ્યો.... એણે હિંમત કરી જીપની બહાર નીકળ્યો તો અંધારાં અજવાળાનાં વાતાવરણમાં કોઈ આકૃતિઓ જોઈ રહેલો એને સમજ નહોતી પડી રહી એ સામે કોઈ આવે એની રાહ જોઈ રહેલો એણે હિંમત સાથે રાડ પાડી કોણ છો ? જે હોય સામે આવો .... પણ ત્યાં આંધી શમી ગઈ અને સિદ્ધાર્થે કહ્યું આપણે હવે ઝડપથી મહેલ તરફ જઈએ.

******

આ બાજુ નાનાજી સાથે બધાં જંગલમાં આગળ વધી રહેલાં. વિક્રમસિંહજી સાથે બધાં ઉચ્ચક જીવે ટુરિસ્ટ વાન અને જીપમાં બેઠેલાં . દેવાંશ અને વ્યોમા આવનાર ક્ષણો કેવી હશે હવે શું થશે ? વિધી વિધાન નાનાજી કરવા માંગે છે એ સારી રીતે પૂર્ણ થશે કે કેમ ? બધાની માનસિકતા ડર અને શ્રદ્ધા એક સાથે આંખોમાં ડોકાઈ રહી હતી. વિક્રમસિંહજીએ કહ્યું નાનાજી તમારાં કહેવાં પ્રમાણે વડોદરાનાં રાજવી પરિવાર પણ અહીં પહોંચી રહ્યો છે એવું તમે કહ્યું હતું એલોકો સલામતિ પૂર્વક આવશેને ?

નાનાજીએ ધરપત આપતાં કહ્યું તમે નિશ્ચિંન્ત રહો એલોકો ત્યાં પહોંચી જશે એમનાં માટે એ સ્થળ નવું નથી અને એ લોકો પણ જાણે છે કે ત્યાં કેમ પહોંચવાનું છે ત્યાં પહોંચી આર્કિઓલોજિસ્ટ ડો દેવદત્તજી અને કમલજીત પણ ત્યાં પહોંચી જશે તમારો આસિસ્ટન્ટ સિદ્ધાર્થ એમના સ્ટાફ સાથે ત્યાં પહોંચશે વચ્ચે ભલે કોઈ અંતરાય આવે પણ કોઈ રોકી નહીં શકે. તમે લોકો પણ કોઈ ગભરાશો નહીં હવે જે થવાનું છે એ થઈનેજ રહેશે. આ વિધિનું ખુબ મહત્વ છે એટલે કાળી શક્તિઓ આપણને રોકવા ઘણાં ધમપછાડા કરશે પણ કોઈનું કઈ ચાલવાનું નથી જ.

વિક્રમસિંહજીએ કહ્યું દેવાંશ -વ્યોમા અને બીજા બધાં ટુરીસ્ટ વાનમાં પાછળ સાથેજ આવી રહ્યાં છે એટલે એમની ચિંતા નથી આપણે બંદોબસ્ત પાક્કો કરેલોજ છે જંગલની અડધા ઉપરની સફર પુરી થઇ ગઈ છે હવે એક કલાકમાં તો મહેલ સુધી પહોંચી જઈશું. આપણે પહોંચીએ પહેલાં સિદ્ધાર્થ એની ટીમ પહોંચી ગઈ હશે.

******

સિદ્ધાર્થ એની ટીમ ઝડપથી આગળ વધી રહી હતી હવે મહેલ થોડોક્જ દૂર રહેલો. સિદ્ધાર્થની ચકોર નજર આગળ રસ્તા પર મંડાયેલી હતી. તેઓ મહેલની નજીક પહોંચવાની તૈયારીમાં હતાં અને દ્રાઇવરે એકદમ જ બ્રેક મારી.... આંચકા સાથે જીપ ઉભી રહી.... સિદ્ધાર્થે દ્રાઇવર સામે જોયું અને દ્રાઇવરે ફાંટી આંખે સિધાર્થ સામે જોઈને કહ્યું સર આગળ જુઓ ..... સિદ્ધાર્થે દ્રાઇવરનાં કહ્યાં પ્રમાણે જોયું તો મહેલ દેખાઈ રહેલો પણ તેનાં પહેલાં એક નાગ -નાગણની જોડી રસ્તા ઉપર ફેણ લગાવી ઉભા રહેલાં.

સિદ્ધાર્થનાં શરીરમાં ભયનું લખલખું પસાર થઇ ગયું આટલી મોટી ફેણ ..... નાગ -નાગણનું કદ ખુબ મોટું હતું જાણે સાક્ષાત શેષનાગ હોય એવાં બંન્ને ફૂંફાડા મારી રસ્તાની વચ્ચો વચ્ચ ઊભાં હતાં અને જીપ તરફ જોઈ ફૂંફાડા મારી રહેલાં. સિદ્ધાર્થ વિચારમાં પડી ગયો હવે શું કરવું ? એણે મનોમન ઈશ્વરને પ્રાર્થનાં કરવા માંડી એને ઝંખનાનો વિચાર આવી ગયો કાશ એ સાથે હોતતો રસ્તો કાઢત આ નાગ-નાગણ કોણ છે એ કહી શકત. આ અગોચર દુનિયા વિશે મને તો જ્ઞાન નથી પણ ઝંખના.... હજી એ વિચાર કરે છે ત્યાં નાગ - નાગણ ફેણ શાંત કરી મહેલ તરફ સરકવાં લાગ્યાં.

સિદ્ધાર્થે દ્રાઇવરને એલોકો પાછળ ધીમે ધીમે જીપ મહેલ તરફ લેવાં માટે સૂચના આપી. સિદ્ધાર્થે કહ્યું આપણે આપણી મંઝીલ સુધી તો આવી ગયાં પરંતુ આવા પરચાં મળી રહ્યાં છે આપણે સાવધાન રહેવું પડશે. થોડે આગળ જઈ નાગ -નાગણ અદ્રશ્ય થઇ ગયાં સિદ્ધાર્થે હાંશકારો ખાઈને કહ્યું હવે ઝડપથી મહેલ પાસે લઇ લો અને તમારાં હથિયાર તૈયાર રાખજો હું આદેશ આપું એમ એક્શનમાં આવજો. જીપમાં સાથે આવેલાં સિપાહીઓ પોતાનાં હથિયારો બંદૂક અને રીવોલ્વર લોડ કરીને સચેત થઇ ગયાં. બધાંનાં ચહેરાં પર ડર અને આષ્ચર્ય બંન્ને દેખાઈ રહેલાં.

મહેલની સાવ નજીક આવીને સિદ્ધાર્થે કહ્યું અંધારું થાય પહેલાં આપણે મહેલમાં અંદર પહોંચી જવાનું છે આપણે સાથે લાવેલ ટોર્ચને બધું તૈયાર રાખી પ્રવેશ કરવાનો છે. મને સમજાતું નથી કે આવતીકાલે પૂનમ છે તો નાનાજીએ આજે આવું સાહસ શા માટે કરાવ્યું ? પોતાનાં મનના વિચારો દાબીને દ્રાઇવરને કહ્યું મહેલની સાવ નજીક જીપ ઉભી રાખો.

જીપ મહેલનાં કમ્પાઉન્ડમાં પ્રવેશી ગઈ ચારે બાજુ મોટાં મોટાં વૃક્ષો -વેલીઓ એટલી બધી વધી ગઈ હતી અને ઝાડી ઝાંખરાં ને કારણે વાતાવરણ વધારે ભયાનક લાગી રહેલું પવનનાં સુસવાટા એટલાં જોરથી વાઈ રહેલાં કે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. એક ક્ષણ માટે સિદ્ધાર્થને એવો આભાસ થયો જાણે વેલીઓ ધીરે ધીરે એના તરફ વધી રહી છે.

સિદ્ધાર્થ રિવોલ્વર સાથે જીપમાંથી નીચે ઉતર્યો અને બધાને ઉતારવાની સૂચના આપી. જીર્ણંશીર્ણ થયેલાં મહેલ ભૂતબંગલા જેવો લાગી રહેલો. એ મહેલનાં મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યો. એની સાથેનાં માણસોને સૂચના આપી કે બધાં સાવધાની પૂર્વક આગળ વધો.

મહેલની હાલત જોઈને લાગી રહેલું કે વર્ષો સુધી અહીં કોઈ આવ્યું નથી મહેલનાં આગળનાં ભાગમાં ચોકમાં વનસ્પતિ ઉગી નીકળી હતી. સિદ્ધાર્થ સાવચેતી પૂર્વક આગળ વધ્યો હજી અંધારું થયું નહોતું તેથી મહેલનો મુખ્ય દરવાજો સ્પષ્ટ જોવા મળી રહેલો એણે એક હવાલદારને સાથે લીધો અને મહેલનાં દરવાજા પાસે આવીને દરવાજાને જોરથી ધક્કો માર્યો પણ એ વર્ષોથી બંધ દરવાજો ખુલ્યો નહીં દરવાજાની આસપાસ કરોળિયાનાં જાળા અને ઝાડી ઉગી નીકળેલાં હતાં હવાલદારને બધું સાફ કરવા જણાવ્યું.

બીજા માણસોની મદદ લઈને દરવાજાંની આસપાસ બધું સાફ કરાવ્યું અને 3-4 સિપાહીઓએ સાથે મળી પુરાણા ભારે દરવાજાને જોરથી ધક્કો માર્યો અને ક ડ ડ ડ ...... અવાજ સાથે દરવાજો ખુલી ગયો. દરવાજો ખુલતાં અંદરથી ચામાચિડીયાઓનું મોટું ઝુંડ ઉડીને બહાર નીકળ્યું પણ અંદરનો નજારો જોઈને બધાની આંખો ફાંટીને ફાંટીજ રહી ગઈ તેઓ આખું દ્રશ્ય જોઈને સાચું નહોતાં માની રહ્યાં.

સિદ્ધાર્થે આંખો ચોળીને જોયું કે આ શું સત્ય છે ? હું જોઈ રહ્યો છું એ શક્ય છે ? દરવાજો ખુલતાં ત્યાં મોટો ખંડ હતો એ એકદમ સાફસુથરો હતો જાણે અહીં રોજ નિયમિત સફાઈ થતી હોય અને અંદર કોઈ રહેતું હશે.

રાજવી રાચરચીલુ હતું રાજવી સોફા ખુશી મેજ મોટું વિલાયતી ઘડિયાળ ,ઝુમ્મરો અને સામેની બાજુ ઉપર જવાનાં દાદર નક્શી અને કારીગરીથી ભરપૂર આખો ખંડ એકદમ ભવ્ય લાગી રહેલો. તેલનાં દીવા પુરી ઝુમ્મરો અને દિવાલો ઉપર જે દિવા મૂકેલાં એ પણ સાફ હતાં.

સિદ્ધાર્થ આષ્ચર્યથી જોઈ રહેલો એણે અંદર પ્રવેશ કર્યો એણે જોયું દિવાલો પર રાજવી શૈલ ચિત્રો હતાં જે જુના જરૂર લાગી રહેલાં પણ સ્વચ્છ હતાં અને ત્યાં એની નજર સામે ભવ્ય દાદર પર પડી અને .......

 

વધું આવતાં અંકે પ્રકરણ - 111