Prem Kshitij in Gujarati Fiction Stories by Setu books and stories PDF | પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૬

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૬

શ્યામાને જવાબ આપવા માટે એક રસ્તો મળ્યો, દાદા જોડે સમય માંગી લીધો અને મુલાકાત માટે સૌએ સહભાગી થઈને દાદાને માનવી પણ લીધા.
શ્યામા ખુશ થઈ ગઈ, કે એને એની વાત રાખવા માટે હજી એક મોકો મળી ગયો, શ્યામા હવે વધારે મક્કમ બની, એને એના જીવનના લક્ષ્ય વધારે ધારદાર લાગવા માંડ્યા, એ ગમે તે રીતે શ્રેણિકને એની વાત રજૂ કરીને મનાવવા માંગતી હતી, એને શ્રેણિક ગમી તો ગયો હતો પરંતુ એના જીવનની રાહમાં એનો સાથ મળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય, અગાઉ વાત થઈ હતી એ પ્રમાણે શ્રેણિકને એના આગળ ભણવા અને એના પગભર ઊભા રહેવા માટે કોઈ રોકટોક નહોતી, છતાય શ્યામા વધારે મક્કમ બની એની પરમિશન લેવા માંગતી હતી.
ઘરેથી બધાને મનાવી લીધા બાદ શ્યામા અમદાવાદ જવા તલપાપડ થવા માંડી, અમદાવાદ જવાનું એક બહાનું હતું, બાકી શ્રેણિકને મળવાનું મહત્વનું કારણ હતું, યુવાનીના ઉમરે જે શહેરનું વળગણ હતું ત્યાં જઈને મનના માણીગરને મળવાનું મુખ્ય કારણ હતું, શ્યામા આમ તો અમદાવાદ એકલી આવતી જતી, પરંતુ આ વખતે એની જોડે સરલાકાકી અને મહેશકાકા જવાના હતા, સગપણ કોઈ સગાને જોડે રાખવું યોગ્ય હતું માટે દાદાએ શ્યામા જોડે જવા માટે તેઓએ કહ્યું, સરલાકાકી હતા એટલે એને મજા પડી ગઈ.
જવાનું નક્કી થઈ ગયું, આવતીકાલે સવારે તેઓ જવાના છે એવું નક્કી થતાંની સાથે શ્યામા તો જાણે જાન લઇને જવાની હોય એમ મનોમન સજ્જ થઈ ગઈ, શ્રેણિકને જોવાની તાલાવેલી એનામાં દેખાઈ રહી હતી, એણે ફટાફટ પોતાની બેગ તૈયાર કરી લીધી, તેલ નાખેલું માથું ફટાફટ ધોઈને કોરું કરી લીધું, કુર્તીની મેચિંગ જ્વેલરી અને ચપ્પલ તૈયાર કરીને બાજુએ મૂકી દીધું, ઈસ્ત્રી કરીને કપડાં બાજુએ રાખી દીધા. મનગમતા કલરની નેઇલ પોલિશ બહાર કાઢીને રાખી જેથી ભૂલી નાં જવાય.
મહેશભાઈએ પણ ગાડી ધોઈને સાફ કરીને તૈયાર કરી દીધી, સવારે વહેલા નીકળવાનું હતું માટે ને દિવસના બધા કામ પતાવી દીધા, સરલાકાકી પણ તૈયાર થઈ ગયા, શ્રેણીકને મળવા જવાનું હતું એ વાતની ઘરમાં સૌને ખબર હતી પરંતુ ગામમાં કોઈને ખબર ન પડે એ માટે શ્યામાની કોલેજનું કામ છે એમ બહાનું કરીને તેઓ તૈયાર થઈ ગયા.
બીજી બાજુ શ્રેણિક પણ શ્યામા આવવાની હતી તો છાનીમાની રજા લઈ લીધી હતી, નયનને ખબર હતી માટે રીનાબેનને માર્કેટમાં લઈ જઈને બધી તૈયારીઓ કરાવડાવી દીધી હતી જેથી તેઓ આવે ત્યારે કોઈ દોડાદોડી ના રહે, ન્યૂઝીલેન્ડથી પ્રતિમાબેનનો ફોન આવી ગયો, રીનાબેન અને એમની વચ્ચે વાત થઈ ગઈ, મહેમાન આવે ત્યારે કઈ રીતે મહેમાનગતિ કરવડાવવી એ માટેનો એજન્ડા જાણે તેઓએ નક્કી કરી નાખ્યો, રીનાબેને પણ જાણે પોતાના સગા દીકરા માટે જ મહેમાન આવે છે એમ અભરખાભેર બધી તૈયારી કરી નાખી, શ્રેણિક કયા કપડાં પહેરશે તે સુધીની તૈયારી એમણે કરી દીધી, ઇન્ડિયામાં શ્રેણિક જરાય એકલો ન પડે એ માટે અનુભવભાઈ અને રીનાબેન પોતાનાથી થાય એટલી લગનથી તેની પડખે ઊભા રહ્યા.
બીજા દિવસનો સૂરજ ઊગ્યો ને અમરાપરથી ગાડી ઉપડી અને અમદાવાદ આવવા નીકળી, રસ્તો છ સાત કલાકનો હતો માટે આવતા આવતા બપોર થઈ જશે, એટલે અમદાવાદની અસ્સલ ગરમી એમનું સ્વાગત કરવાની હતી, ઉનાળાના દિવસોની શરુઆત હતી પરંતુ અમદાવાદમાં તો ગરમી પડખા શેકે એવી જ હતી, તેઓ ગરમીની તૈયારી સાથે જ નીકળ્યા હતા.
આવતાની સાથે તેઓ સીધા અનુભવભાઈને ત્યાં નહોતા જવાના, એમનાં ત્યાં તો સાંજે છ વાગ્યે જ જવાના હતાં, ત્યાં સુધી મહેશભાઈના મિત્રના ત્યાં તેઓ રોકવાના હતા, અનુભવભાઈ અને શ્રેણિક બન્નેનું કામ અટકે નહિ એનું ધ્યાન રાખીને દાદાએ સાંજનો સમય નક્કી કર્યો હતો.
પરંતુ શ્યામા આવવાની છે એ સંભાળતાની સાથે શ્રેણિક તો ખુશ થઈ ગયો હતો, એનું કામમાં મન પરોવાય શેનું? એને તો રજા જ લઈ લીધી હતી, આમ પણ એનું કામ તો રાતે જ ચાલુ થવાનું હતું ન્યુઝીલેન્ડના સમય પ્રમાણે, એટલે એને તો શ્યામા સવારે આવી ગઈ હોત તો પણ ફરક નહોતો પડવાનો....

ક્રમશઃ


Rate & Review

Usha Patel

Usha Patel 8 months ago

Vaishali

Vaishali 11 months ago

Parash Dhulia

Parash Dhulia 11 months ago

Nimesh Shukla

Nimesh Shukla 11 months ago

Vipul Petigara

Vipul Petigara 11 months ago