Prem Kshitij - 44 in Gujarati Fiction Stories by Setu books and stories PDF | પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૪

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૪

(સાત વર્ષ બાદ અમરાપર ગામે.....)


ગામની સીમથી લઈને છેક ડેલી સુધી જાણે બધું બારીકાઈથી નીરખી રહેલી શ્યામા આજે જાણે અહી ભૂલી પડી હોય એમ લાગી રહી હતી, શ્રેણિક સાથે લગ્ન બાદ વિદાય પછી પહેલીવાર પિયર આવેલી શ્યામા પિયરની સીમના વડલાને જોઈને જ એટલી હરખાઈ ગઈ તો એના સ્વજનોને જોઈને તો ખુશી સાતમે આસમાને જઈ પહોંચશે!


અહીંના દરેક સ્વજનો એને રૂબરૂમાં ઘણા વખતે મળવાના છે એ વાતની ખુશી એના સ્મિતમાં ઝળકી રહી હતી, શ્રેણિક સાથે સજોડે એ પહેલી વાર અહી આવવાની છે એ વાતની જાણ એણે પહેલા ઘરે કરી દીધી હતી માટે એના ભાઈઓ એને સામે લેવા પહોંચી ગયા હતા, ગામની આગળ વહી નીકળતી નદી જાણે એનું સ્વાગત કરતા એનું ખળખળતા પ્રવાહને વેગીલો કરી રહી હતી, જેના પાણીથી ભીંજાઈને જેણે શ્રેણિકને પેહલી વાર અજાણતામાં જોયો હતો એ વાતને તાજી કરતાં એ ખુશ થતી હતી, એ વખતે શ્રેણિક રસ્તો પૂછતાં માયા સાથે થયેલી નયનની તકરાર અને પોતે અજાણતા જ એની મૃગનયની નયનોનો કેવી રીતે આશિક બની ગયો હતો એ વાતને શ્યામા જોડે વાગોળી રહ્યો હતો, એમ કરતાં કરતાં વાતો આગળ ધપી રહી હતી અને સામે પ્રયાગ અને મયુર દેખાઈ ગયા, તેઓ પોતાની જીપ લઈને એમનું સ્વાગત કરતા હાથમાં ગુલદસ્તો લઈને ઊભા હતા,એમને જોતાની સાથે જ શ્રેણીકે ગાડી ધીમી પાડી અને તેઓ ઊભા રહ્યા.


"આવો કુમાર...આવ શ્યામા....!"- ઉમળકાભેર કહેતાં મહર્ષિ જીપનો દરવાજો ખોલીને નીચે ઊતર્યો, જોડે મયુર પણ સ્મિતસહ આવીને શ્યામાને ભેટી પડ્યો, વર્ષોથી લાડકવાયી બહેન આવી હોય અને ભાઈઓ હરખે નીરખ્યા.


"મહર્ષિ....મયુર તમે તો સાવ બદલાઈ ગયા....મોટા થઈ ગયા તમે તો!" કહેતાંની સાથે શ્યામા બન્નેને ભેટીને ખુશ થઈ ગઈ, ભાઈ બહેનનો પ્રેમ ઉમટી પડ્યો, શ્રેણિક એ ત્રણને જોઈને ખુશ થઈ ગયો.


"અરે કુમાર...આવો આવો તમે કાં દૂર ઊભા સો? આવતાં રયો અમારી પાહે....!"- કહીને મયુર એકદમ કાઠિયાવાડી અંદાજમાં શ્રેણિકને હાથ ખેંચીને જોડે બોલાવ્યો.


"હા...ભલે....મજામાં ને તમે?"- શ્રેણિક જરા અચકાતા નમ્રતા સાથે બોલ્યો, એને સાસરીમાં પહેલી વાર આવ્યાનો અહેસાસ થયો, એ હવે પહેલા કરતા વધારે ગંભીર જણાયો.


"હાઉ...અમારે તો જલસા....તમે ક્યો? અમારી શ્યામા તમને હેરાન તો નથ કરતી ને?"- મયુર હસતાં હસતાં જીજાની ઠેકડી ઉડાવતા બોલ્યો.


"શું કઈ પણ મયુરિયા? હું તને બધાને હેરાન કરતી હોવ એવી લાગુ છું?"- શ્યામાએ એની સામે ડોળા કાઢ્યા કહ્યું અને હસવા માંડી.


"હાઇ લા...હું તો બિવાઈ ગયો....નક્કી જીજુ તારી ધાકમાં કઈ બોલી જ નહિ શકતા!"- મયુરે એને ટપલી મારતાં કહ્યું.


"હાલો.. હાલો...તમારે બે એ અહી જ ઝગડી લેવું સે કે ઘરે પુગવું સે?"- મહર્ષિએ બન્નેની વાતને અટકાવી અને ગાડી તરફ ઈશારો કર્યો.


"ચાલો કુમાર....ઘરે બધા વાટ જોવે સે....દાદા કયુનાં આઘાપાછા થાય સે..."- કહીને મયુરે શ્રેણિકને ઘરે આવવા નિમંત્રણ આપ્યું.


"ભલે.....ચાલો...તમે આગળ લઈ લો...મને રસ્તો નહિ સુજે!"- શ્રેણિક બોલ્યો."હા...ખબર છે.... અમરાપરમાં તમને ખોવાઈ જવાની બીમારી છે!"- કહીને શ્યામાએ શ્રેણિકને કોણી મારી, ને બંને હસવા માંડ્યા.


"તું જોડે હોય ને હું શેનો ખોવાઈ જાઉં હવે?"- શ્રેણિક એની આંખમાં આંખ પરોવતા બોલ્યો.


"હા..હવે રહેવા દો! ચાલો ગાડી ઉપાડો!"- શ્યામા હસી.


"હા..સાહિબા...હવે તો તમારા ઇલાકામાં છું...તમે કહો એમ જ ચાલશે આ તમારો સેવક!"- શ્રેણિક એકદમ હળવા મૂડમાં બોલ્યો.


"ઓહ....જુઓ તો જનાબને! જમાઈ તમે છે અને અહી સેવકની વાત ચાલે!"

"જમાઈ હું બીજાનો પણ તમારો તો સેવક જ સાહિબા!"- કહેતાં શ્રેણિકે ગાડી પાછળ ચલવતા કહ્યું, હળવા મૂડ સાથે તેઓ જીપની પાછળ જતાં ગયા, રસ્તામાં આવતી વસ્તુઓ અને દીવાલો અને મકાનોને નિરખતી શ્યામા શ્રેણિક સાથે ખુશ જણાઈ રહી હતી, જૂની એની સ્કૂલ કેટલી બદલાઈ ગઈ છે એ વાત કરતા કરતાં એ ઢાળવાળી શેરી આવી ગઈ!

ક્રમશઃ


Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

Vipul Petigara

Vipul Petigara 4 months ago

Parash Dhulia

Parash Dhulia 4 months ago

manubhai dave

manubhai dave 4 months ago

Mamta Ganatra

Mamta Ganatra 4 months ago