MOJISTAN - 94 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 94

મોજીસ્તાન (94)

હુકમચંદે આંખ ખોલી ત્યારે એ વી.એસ.હોસ્પિટલની સ્પેશિયલ રૂમમાં હતો. ઘણા દિવસોથી એને ભૂખ્યો તરસ્યો રાખવામાં આવ્યો હોવાથી અને માર મારવામાં આવ્યો હોવાથી એ તદ્દન નખાઈ ગયો હતો.

હુકમચંદે આંખ ખોલી કે તરત વીજળી, 'પપ્પા..આ...આ...' કહેતી એને ભેટીને રડવા લાગી.હુકમચંદની પત્નીની આંખોમાંથી પણ આંસુ વહેતા હતા.હુકમચંદે વીજળીના માથા પર હાથ ફેરવીને કહ્યું, ''બસ બેટા હવે હું આવી ગયો છું.ચિંતા કરવાની કે રડવાની જરૂર નથી. મારી આ દશા જેણે કરી છે એને હું આ વખતે જીવતો નહીં છોડું.."
બરાબર એ જ વખતે રવિ અને સંજય ત્યાં આવી પહોંચ્યા. સંજયને જોઈ હુકમચંદ બેઠો થઈ ગયો

"કેમ છો હુકમકાકા, હવે કેવું લાગે છે ? ડોકટરે હજુ તમને આરામ કરવાનું કહ્યું છે." સંજયે સ્ટુલ પર બેસતા કહ્યું.

"અરે..સંજય ! તું અહીં ક્યાંથી દીકરા ? હા, યાદ આવ્યું તું આંય અમદાવાદમાં કોલેજ કરે છે ને. વીજળીએ તને વાત કરી હશે એટલે ખબર કાઢવા આવ્યો એમને ! બહુ સારું કર્યું લે." કહી રવિ સામે જોઈને ઉમેર્યું, ''તારો ભાઈબંધ છે ? કોલેજમાં સાથે હશો."

"હા કાકા એ મારો દોસ્ત છે." કહી સંજયે વીજળી સામે જોયું.

વીજળીને સંજય અને રવિએ હમણાં કશી જ વાત કરવાની ના પાડી હતી.કારણ કે હજી હુકમચંદની તબિયત સારી થઈ ન હતી. એટલે ઉશ્કેરાટ ઓછો થાય ત્યાં સુધી રાહ જોવાનું ઉચિત લાગ્યું હતું.

સંજય અને રવિ સંતરાનું જ્યુસ અને થોડા ફ્રૂટ લાવ્યા હતા.બધા થોડીવાર બેઠા.

હુકમચંદે જ્યુસ અને ફ્ળોને ન્યાય આપ્યો. પણ એનું મન વિચારે ચડ્યું હતું.ખુમાનસંગના માથામાં લોખંડનો પાઈપ મારીને એને ઢાળી દીધા પછી પોતે એ ગોડાઉનમાંથી બહાર નીકળવા શટર સુધી આવ્યો હતો.શટર એનાથી ઉચકાતું નહોતું પણ કોઈએ બહારથી શટર ઊંચક્યું હતું.બહારના પ્રકાશથી આંખો અંજાઈ ગઈ હતી,બસ પછી એને કશું જ યાદ નહોતું. છેક અત્યારે આ હોસ્પિટલમાં પોતે આંખો ખોલી હતી.

"મને હોસ્પિટલમાં કોણ લાવ્યું ?" હુકમચંદે વીજળીને પૂછ્યું. વિજળીએ સંજય અને રવિ સામે જોયું એટલે હુકમચંદે પણ એ બંને તરફ નજર કરી.

"કોઈ અજાણ્યા માણસો તમને અહીં દાખલ કરવા આવ્યા હતા.અમને તમારા ખિસ્સામાંથી મળેલી ડાયરીમાં તમારા ઘરનો નંબર મળ્યો હતો એટલે તમારી દીકરી અને પત્નીને અમે લોકોએ બોલાવી લીધા." બરાબર એ જ વખતે રૂમમાં પ્રવેશેલી નર્સે રવિએ સમજાવ્યું હતું એ મુજબ કહીને હુકમચંદનું પ્રેશર માપ્યું.

"ભલું થજો એ બે ભાઈઓનું. તમને દવાખાને પોગાડ્યા." વીજળીની મમ્મીએ કહ્યું.

હુકમચંદ આંખો બંધ કરીને આરામ તો કરતો હતો પણ એનું મન આરામ કરે એમ ન હતું.હવે રણછોડને પાઠ ભણાવવાની તરકીબો એના મનમાં ઘડાવા લાગી હતી.પોતાને જે યાતના સહન કરવી પડી એના કરતા અનેક ગણી યાતના રણછોડને આપવા માંગતો હતો.

થોડીવાર પછી રવિ,વીજળી અને સંજય હોસ્પિટલની બહાર જઈને કેન્ટીનમાં બેઠા હતા.હુકમચંદ અને રણછોડ વચ્ચે કોઈપણ હિસાબે સમાધાન કરાવવા શું કરવું એ હવે વિચારવાનું હતું.

"તારા પપ્પાએ ખરેખર આવું ન કરવું જોઈએ. આ તો રીતસર પતાવી જ દેવાનો ઈરાદો હતો એમનો.." વીજળીએ નારાજ થઈને રવિને કહ્યું.

રવિ કંઈ બોલ્યો નહિ.એણે સંજય સામે જોયું એટલે સંજયે કહ્યું, "જો વીજળી તારા પપ્પાએ પણ રવિના પપ્પાના બુલેટ પાછળ જીપની ટક્કર મરાવડાવીને એમનો જાન લેવાની કોશિશ કરી હતી.એ તો એમના નસીબ સારા કે કોઈ માણસ એ વખતે ત્યાંથી નીકળ્યો ને સમયસર એમને હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા. રણછોડ અંકલે એ વાતનો બદલો લીધો છે.પણ અત્યારે હવે એ વાતની ચર્ચા કે એકબીજા પર આરોપો નાખવાનો સમય નથી.આપણે બંને વચ્ચે સમાધાન કરાવીએ તો જ તમારા બેઉનું કંઈક ગોઠવાશે."

"પણ યાર એકબીજાના લોહીના તરસ્યા હોય એવા લોકો વચ્ચે સુલેહ કેવી રીતે થશે.આ તો સાપ અને નોળિયા જેવા છે." રવિએ કહ્યું.

"હા, મારા પપ્પા સાપ છે અને તારા પપ્પા નોળિયો છે." વીજળી બોલી.

"ના હો..હુકમઅંકલ જેવો નોળિયો મેં મારી જિંદગીમાં નથી જોયો..મારા પપ્પા પણ કિંગ કોબ્રા જ છે.." રવિએ કહ્યું.

"ના તારા પપ્પા નોળિયો છે. ખતરનાક નોળિયો.."

"નહિ નહિ તારા પપ્પા ખતરનાક,ખોફનાક અને ભયાનક નોળિયાઓમાં પણ જે સૌથી ખતરનાક હોય છે એવો નોળિયો જ છે."

"અરે તમે બેઉ બંધ થાવને યાર..સાપ અને નોળિયાને પડતા મુકો, એક સિંહ તો બીજો વાઘ રાખો બસ ?" સંજયે, રવિ અને વીજળીને લડતા જોઈ જરા ઊંચા અવાજે કહ્યું.

"તો મારા પપ્પા સિંહ અને રણછોડ અંકલ વાઘ રહેશે" કહી વિજળીએ રવિ સામે જીભડો કાઢ્યો.

"કેમ એમ ? તારા પપ્પાની અંદર સિંહ જેવું એક પણ લક્ષણ નથી. એ તો લોહી ચાખી ગયેલો વાઘ છે વાઘ." રવિએ પણ ડોળા કાઢીને કહ્યું.

"ના તારા પપ્પા જ લોહી ચાખી ગયેલો વાઘ છે,એટલે જ આવો હુમલો કર્યો.."

"હુમલો તારા પપ્પાએ પાછળથી કર્યો હતો.. ના..ના...કરાવ્યો હતો.એ વાઘનું જ લક્ષણ છે સિંહ તો સામી છાતીએ હુમલો કરે.મારા પપ્પાએ સામી છાતીએ જ હુમલો કરેલો છે.એટલે સિંહ તો એ જ કહેવાય.તું ભલે ગમેં તે કહે પણ તારા પપ્પા વાઘ કહેવડાવવાને પણ લાયક નથી.એ તો હાઈના એટલે કે લકકડબખ્ખા છે..!''

"તારા પપ્પા તો વરૂ જેવા છે..."

"તમે લોકો આમ જ કરવાના હો તો હું જાઉં હવે.એકેયના બાપ માણસ તો નથી જ એમ ને ? સાપ કે સિંહ બનાવવા છે પણ માણસ નહિ બનાવે.. લડી મરો તમારા બાપની જેમ.બંને જઈને બાપને ટેકો કરો અને બદલો કેમ લેવો એ વિચારો..હું જાઉં છું. માઈ ગયું બધું..!" કહીને સંજય ઉભો થઈને ચાલવા લાગ્યો.

એને જતો જોઈ પેલા બંને ભાનમાં આવ્યા.અને હસી પડ્યા. રવિએ દોડીને સંજયનો હાથ પકડી લીધો.

"યાર એમ નારાજ ન થા.દરેકને ચોઇસ કરવાનો રાઈટ છે યાર.બે જનાવરમાંથી પણ સિલેક્ટ કરવાની વાત હોય તો સારું હોય એ જ સૌને ગમે ને ? ચાલ હવે નહિ ઝગડીએ.બંનેના બાપને ભેગા કરવા શું કરવાનું છે એ આઈડિયા વિચારીએ આપણે."

"ના ના એકવાર ધરાઈને સાપ નોળિયો, સિંહ-વાઘ અને લકકડ બખ્ખો-વરુંમાંથી જેને બાપ બનાવવો હોય એને બનાવી લો.." સંજયે નારાજ થઈને કહ્યું.

"મારા મનમાં તો એવું કંઈ નથી. હું તો બંનેને સરખા જ ગણું છું. જાની દુશ્મનો છે.કોણ જાણે શેમાંથી આ લોકોને આવડી દુશ્મની થઈ ગઈ છે ! તે દિવસે મને ઓરડામાં પુરીને તાળું ન મારી દીધું હોત તો આજ અમારે એકાદ છોકરું થઈ ગયું હોત. બિચારી વીજળી કેવી હેરાન થઈ.તે દિવસથી મને મારા પપ્પા માટે જરા પણ માન રહ્યું નથી.અને બાકી હતું તે વળી હુકમ અંકલની આ દશા કરી.આઈ હેઈટ હિમ !"
કહી રવિ કેન્ટીનના બાંકડે બેસી ગયો.

"મારા પપ્પા પણ ઓછા નથી યાર.તારા પપ્પાને મારી નાખવાના ઈરાદાથી જ એમણે જીપની ટક્કર મરાવડાવી હશે.અને એ ટકકર મરનાર બંને જણને હું સારી રીતે ઓળખું છું.એ મારા પપ્પાના ડાબા અને જમણા હાથ જેવા લોકો છે.જગોભાઈ અને નારસંગ અંકલ મારા પપ્પાની જીપ ચલાવે છે." વીજળીએ કહ્યું.

"હા એ મને ખબર છે. ચાલો હવે એ વિચારીએ કે આ સાપ અને નોળિયા...કે પછી સિંહ અને વાઘ કે પછી લક્ક્કડ બખ્ખો અને વરૂ વચ્ચેની દુશ્મનીને દોસ્તીમાં કેવી રીતે બદલવી." સંજયે કહ્યું.

સંજયની વાત સાંભળીને પેલા બંને હસી પડ્યા. એ જ વખતે ઓર્ડર કરેલા ગરમાગરમ અમદાવાદી ખમણ અને ચા આવી ગયા. નાસ્તાની મોજ લેતા લેતા એ લોકોએ એક યોજના બનાવી.જો એ યોજના સફળ થાય તો હુકમચંદ અને રણછોડ સમઘન બને એવી શકયતા હતી.નહિતર બંને પોતપોતાની રીતે લંબઘન તો હતા જ ને !!

*

નગીનદાસે કેટલાય ફોન કર્યા પણ નીનાનો ફોન સ્વીચઓફ જ આવ્યો.નીનાને ભણાવી ગણાવીને મોટી કરી,એણે જે માંગ્યું તે લાવી આપ્યું.કાળજાનો કટકો ક્યારેક કાળજામાં જ ખુંપી જતો હોય છે, નગીનદાસને નીના ભાગી ગઈ એનું દુઃખ અને અફસોસ તો હતો જ પણ ટેમુ જોડે ગઈ એ વાતનો એને બહુ મોટો વાંધો હતો. એક તો ટેમુ એની જ્ઞાતીનો નહોતો અને બીજું એ ગામના જ એક કંદોઈ કે જેની સાથે નગીનદાસને જરાય ભડતું નહોતું એવા મીઠાલાલનો છોકરો હતો.વળી ખુદ પોતાની પત્ની અને નીનાની માએ જ એ લોકોને ભાગી જવાની સગવડ કરી આપી હતી..!

ગામમાં ઈજ્જત તો જવાની જ હતી પણ વેવાઈને શું મોઢું બતાવવું એ પણ સવાલ હતો.આવતીકાલે સવારે જ એ લોકો મહેમાન થવાના હતા.

નગીનદાસ ઓસરીમાં પડેલી ખુરશીમાં હારેલા યોદ્ધાની માફક હતાશ થઈને બેઠો હતો.એની દશા પલળી ગયેલા કાગડા જેવી હતી. નયનાએ તો જાણે કશું જ બન્યું ન હોય એમ ઓરડો બંધ કરીને સુઈ ગઈ હતી.

'હવે મારે શું કરવું ! કાલે મહેમાન આવશે તો ? ના ના કાલે એ લોકોને આવવાની ના તો કહેવી જ પડે.ધજાગરો તો થયો જ છે,પણ વધુ ફજેતો થવા ન દેવાય.મારો જ રૂપિયો જ્યારે ખોટો સાબિત થયો છે ત્યારે સામેવાળાને દોષ શું કામ દેવો !' આમ વિચારીને ફોન કાઢીને નગીનદાસે વેવાઈનું નામ સર્ચ કર્યું. થોડીવાર એ ડીપીમાં દેખાતા વેવાઈના ચહેરાને જોઈ રહ્યો. 'કેવા સારા અને સજ્જન માણસો છે ! અને પૈસે ટકે પણ સુખી.નીના રાજ કરત આ ઘરમાં..'

'રાજ કરત ? નીના શું કામ ઘેરથી નાસી ગઈ ? સાવ ભાંગેલ ગાડે જઈને શું કામ બેઠી એ તું નથી જાણતો ? બીચારીએ કેટલીવાર તને કહ્યું કે વિરલનું કેરેકટર સારું નથી.તેં એકવાર પણ વેવાઈને આ બારામાં ફોન કર્યો ? અલ્યા એના ઘરમાં વહુ બનીને તારે જવાનું હતું ? જે માણસનું મન જ બીજે લાગેલું હોય એ સુખ આપી શકે ? તારી દીકરીને સગવડો તો મળી રહેત પણ સુખ મળેત ?' નગીનદાસની અંદરથી બીજો નગીનદાસ બોલ્યો.

નગીનદાસ વિચારમાં પડ્યો.

'જે વાત મેં મારા જીવનમાં સ્વીકારી હતી એ વાત નીના સ્વીકારે એવું મારે માની લેવું ઉચિત ગણાય ? નયના સાથે પરણ્યો પછી થોડા દિવસોમાં જ મને ખ્યાલ આવી ગયો હતો કે નયનાના દિલમાં કોઇ બીજું છે.અને કેમ ખ્યાલ ન આવે ! નયનાની આંખોમાં ક્યારેય મેં મારા માટે પ્રેમ જોયો નથી.એની ફરજ સમજીને એ ઘરનું બધું કામ કરતી.પત્ની તરીકેની ફરજ પણ મૂંગા મોએ બજાવતી હતી.ઘરની બધી જ જવાબદારી ઉઠાવી લઈને સારામાં સારી પત્ની બની હતી પણ એના દિલમાં કોઈ બીજું જ વસતું હોવાનું મને લાગ્યા કરતું હતું.ઘણીવાર પૂછવા છતાં એણે ક્યારેય કીધું નહિ કે એ રણછોડને પ્રેમ કરે છે, હા એના ગામનો રણછોડ ! બહુ મોટો ખેડૂત અને રાજકારણી છે.ઘણીવાર રાજદૂત લઈને ગામમાં મેં જોયો છે.નયનાને મળવા જ આવતો હતો.એને એમ છે કે મને ખબર નથી, પણ હું બધું જ જાણું છું.પણ તારા ગરીબ માવતરની અને તારી નાની બહેનોની મને દયા આવી.તું વખત જતા તને મારી કિંમત સમજાશે અને તું જરૂર સુધરી જઈશ એવી મારી આશા તે પુરી કરી.આખરે તેં રણછોડ સાથેના સબંધનો અંત લાવી દીધો પણ મને ક્યારે અપનાવીશ ? હું કંઈ રણછોડથી ડરતો નહોતો,પણ તારા કુટુંબનો હું મોટો જમાઈ,એટલે તારું કુટુંબ એ મારું કુટુંબ કહેવાય.તારા કુટુંબની આબરૂ એ મારી જ આબરૂ મેં ગણી હતી એટલે હું ચૂપ રહ્યો.તને એમ છે કે મને કશી જ ખબર નથી પણ મેં ચુપચાપ સહન કર્યું કારણ કે તું ભલે મને ચાહતી નથી પણ નયના મેં તને મારી પત્ની તરીકે, મારી અર્ધાંગિની તરીકે,મારા જીવનના ગાડાના બીજા પૈડાં તરીકે ખૂબ પ્રેમ કર્યો છે. તને દુઃખી નહિ થવા દેવાના સૌગંધ મેં તારી સાથે ફેરા ફર્યો ત્યારે ખાધા હતા.એટલે તારી બધી હરકતો મેં સહી છે. પણ આજ તેં તારી દીકરીને પણ એ જ રસ્તે મોકલી દીધી જે રસ્તે ક્યારેક તું જઈ શકી નહોતી.'

નગીનદાસની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.

'પત્ની કે પુત્રી ! જેની માટે રાત દિવસ મહેનત કરી,જેમના સુખ માટે જીવનભર ઝઝૂમ્યો એ લોકોને મારા માટે જરાય પ્રેમ નથી.એકે જીવનભર સાથે રહીને પણ સાથ ન નિભાવ્યો અને બીજી એકદમ લાગણીવિહીન થઈને ભાગી ગઈ. સગા બાપને ઝુરતો મૂકીને ચાલી ગઈ.બે છોકરા છે,પણ કોણ જાણે એ મારા માટે શું કરશે !'

'નગીન, તું નીના અને નયનાને દોષ ન આપ. બીજી રીતે પણ તારે વિચારવું જોઈએ.નયનાને આખી જિંદગી કદાચ ડંખ રહ્યો હોય, 'દિલ આપના ઓર પ્રીત પરાઈ' જેવી જિંદગી એ જીવી હશે.તને પ્રેમ કરવાનો પ્રયત્ન તો એ કરતી જ હશે,પણ નહીં કરી શકતી હોય.કારણ કે એનું દિલ એના કહ્યામાં ન હોય એવું બને. આમેય દિલ કોઈનું કહ્યું ક્યાં માનતું હોય છે.એક ભવમાં બે ભવ જીવવા એ કેટલું અઘરું હોય છે એ કદાચ નયનાને જ ખબર હશે.એના બાપ અને તારી આબરૂને આંચ ન આવે એટલા ખાતર એ મન મારીને જીવી હશે.એવું દોહ્યલું જીવન દીકરીને પણ જીવવું ન પડે એ માટે એણે આવું પગલું ભર્યું હોય. કદાચ એ પણ ઘરમાં જઈને રડતી હશે.તું અહીં બેઠો બેઠો એને કોસી રહ્યો છો પણ એની દશા તારા કરતા કંઈ સારી નહિ હોય.ઉઠ ઉભો થા અને જેને દુઃખી નહિ કરવાની કસમ ખાધી છે એને છાની રાખ.' નગીનદાસના અંતરાત્માએ અવાજ કર્યો.

નગીનદાસ તરત જ ઉઠ્યો.ઓરડાના બંધ કમાડ પર હળવેથી હાથ મુકતા જ કમાડ ખુલી ગયું.અંદર લાઈટ શરૂ હતી.નયના પલંગની ધારે બેસીને હીબકાં ભરતી હતી.એણે ઊંચું ન જોયું.

નગીનદાસ એની પાસે જઈને બેઠો.હળવેથી નયનાના ખભા પર હાથ મુક્યો.એ સાથે જ નયનાએ એના પગમાં માથું ઢાળી દીધું.

"મને માફ કરો.મેં નીનાને જવા દીધી..કારણ કે...કારણ કે..." નયનાએ રડતા રડતા કહેવા માંડ્યું.

નગીનદાસ નયનાની રડતી આંખોમાં ઘડીભર તાકી રહ્યો.ત્યાં પસ્તાવના વહેતા પુર એણે જોયા.બીજી જ પળે નયનાના હોઠ પર એણે આંગળી મૂકી દીધી.

"મને બધી જ ખબર છે નયના..જેવી જિંદગી તું જીવી એવી જિંદગી તારે તારી દીકરીને ન જીવવી પડે એટલે તે એનો સાથ આપ્યો. હા,નયના દિલમાં કોઈ બીજું હોય અને જીવવું બીજા સાથે પડે એવી જિંદગી જીવવી કદાચ બહુ અઘરી પડતી હશે.તું રણછોડને ચાહતી હતી,એને પરણવા માંગતી હતી,એની જોડે ભાગી જવા માંગતી હતી પણ ભગવાનને એ મંજુર નહોતું.તારે કંઈ કહેવાની જરૂર નથી. હું તારી કહાની પૂરેપૂરી જાણું છું.વિરલ કુમાર કોઈ બીજી છોકરીને ચાહતો હોવા છતાં એના બાપના દબાણને કારણે નીના સાથે પરણી રહ્યો હોય તો એ નીનાને સુખ ન જ આપી શકે.મેં તને અપનાવી લીધી પણ નીના બીજી કોઈને દિલ દઈ ચૂકેલા છોકરા સાથે લગ્ન કરીને જાણી જોઈને શું કામ ખાડામાં પડે ! મારે એ સમજવું જરૂરી હતું. હું એ ન સમજી શક્યો પણ તું સમજી. તેં સારું જ કર્યું નયના.. હવે રડીશ નહિ." કહી નગીનદાસે નયનાને પોતાની તરફ ખેંચી.

નયના નગીનદાસને ભેટી પડી. એ દિવસે નગીનદાસને લાગ્યું કે નયના સચોસાચ એને ભેટી છે !!

*

લાભુ રામાણી આજ ઘણા દિવસે અમદાવાદથી ગામ આવ્યા હતા રઘલાની સારવાર કરાવીને એને ગામમાં મોકલી દીધા પછી એ લાંબી રજા પર ઉતરી ગયા હતા.
પોચા માસ્તરે ઉભા કરેલા ભુતનો બાબાએ પર્દાફાશ કર્યો પછી જે ઘટનાઓ બની હતી એ બધુ નર્સ ચંપાએ ફોન કરીને એમને જણાવ્યું હતું.ચંપા ડોકટરને જલ્દી પાછા આવી જવાનું વારંવાર કહેતી હતી.પણ ડોકટર હવે સુધર્યા હતા.જીવનમાં ઘણી ગુલાંટો મારીને હવે થાક્યા પણ હતા.શેષ જીવન હવે લોકોની સેવામાં જ પૂર્ણ કરવાનું એમણે નક્કી કર્યું હતું.રૂપિયાની લાલચમાં ચંપાએ ડોક્ટરનું દિલ બહેલાવ્યું હતું પણ હવે એ ડોક્ટરને સચોસાચ પ્રેમ કરવા લાગી હતી.

ડોકટર આવવાના હતા એના આગળના દિવસે ચંપાએ બે મજૂર કરીને ડૉક્ટરનું ક્વાર્ટર સાફ કરાવ્યું હતું.ડોકટર સવારે અગિયાર વાગ્યે એમની મારુતી ફ્રન્ટી લઈને આવ્યા ત્યારે ચંપા એમના ક્વાર્ટર પર દોડી આવી હતી.ચંપાએ એના હાથે જ ચા બનાવીને ડોક્ટરને પીવડાવી હતી.

"તમે તો માયા લગાડીને જતા જ રીયા.પાછું આવવાની તો ખબર જ નો પડી તમને ! આંય કોઈ રાહ જોતું નો હોય ?" કહી ચંપા ડોકટરની બાજુમાં બેસીને ડોક્ટરને વળગી પડી.

ડોકટરે ચંપાની પીઠ પર હાથ ફેરવીને કહ્યું, "ડિયર ચંપુ, હું પણ તને મીસ કરતો હતો ડાર્લિંગ.પણ મારે કેટલાંક કામ પતાવવા જરૂરી હતા."

"જાવ ને હવે જુઠ્ઠા છો તમે.તમને તો હું ક્યાંથી યાદ પણ આવતી હોઉં."

"તારા સમ બસ ? ચાલ હવે દવાખાને જઈએ. દર્દીઓ રાહ જોતા હશે." ડોકટરે ચંપાને દૂર કરતા કહ્યું.

"કોઈ લુમ્ભો ભઈ પણ આવ્યો નથી દવાખાને.અને આવ્યો હશે તો બેહશે ઘડીક. કેટલા દિવસે આવ્યા છો તો મને જરાક મળી તો લેવા દયો.હું પણ દર્દી જ છું, મારી દવા તો કરો વળી.પહેલા કેવો પ્રેમ કરતા'તા ! કોઈ બીજી તો નથી મળી ગઈ ને અમદાવાદમાં ?" કહી ચંપાએ ડોક્ટરને ધક્કો મારીને સોફામાં પાડી દીધા.અને ડોકટરના બંને ગાલ પર હથેળીઓ મૂકીને ડોકટરની આંખોમાં જોવા લાગી.

ડોકટરે તરત જ ચંપા ફરતે હાથ વીંટાળીને પોતાની તરફ ખેંચી.ચંપા પણ એ ક્ષણની જ રાહ જોતી હતી.બંને પ્રેમીઓ મનભરીને મળ્યા.

અડધા કલાક પછી ડોકટર અને ચંપા દવાખાને આવ્યા ત્યારે તખુભા એ બંનેની રાહ જોઈને બેઠા હતાં.

(ક્રમશઃ)