Atitrag - 29 books and stories free download online pdf in Gujarati

અતીતરાગ - 29

અતીતરાગ-૨૯

‘દિલીપકુમાર’

હિન્દી ફિલ્મ જગતનું એક એવું નામ જે લાખો લોકોના આદર્શ હતાં.
જેમને જોઇ જોઇને કંઇક કલાકારો અભિનયની એ બી સી ડી શીખ્યા.
તેમની અભિનયની બુલંદીથી અનેક નામી કલાકરો પણ પ્રભાવિત હતાં.

આજે હું એક એવા દિલીપકુમાર દીવાનાનો ઉલ્લેખ કરવાં જઈ રહ્યો છું, જેમણે માત્ર દસ વર્ષની ઉંમરમાં દિલીપકુમારની ફિલ્મો જોઇને એક્ટર બનવાનો ભેખ લીધો. અને સમગ્ર જીવન ફિલ્મ જગતને અપર્ણ કરી દીધું.

અને દસ વર્ષની વયે દિલીપકુમારને પરદા પર જોઇને જેણે બાળ સહજ પણ એવું કઠોર પ્રણ લીધું કે, સમય જતાં એ બાળકના ડીરેક્શનમાં દિલીપકુમારે કામ પણ કર્યું અને ઢગલાં બંધ સુપરહિટ ફિલ્મો પણ આપી.

બાલ્યાવસ્થામાં દિલીપકુમારની ફિલ્મથી અંજાઈને તેમણે તેમનું નામ પણ એ ફિલ્મમાં દિલીપકુમારના પાત્રનું જે નામ હતું તે નામ આજીવન તેમણે અપનાવી લીધું.

આપણે વાત કરીશું.. હરિકૃષ્ણ ગીરી ગોસ્વામીની.. આજની કડીમાં.

હરિકૃષ્ણ ગીરી ગોસ્વામી એટલે, ભારત ઉર્ફે..મનોજકુમાર.

મનોજકુમાર ૧૯૩૭માં અબોટાબાદમાં જન્મ્યા હતાં. આ જગ્યા નોર્થ વેસ્ટ ફ્રન્ટીયર પ્રોવિન્સનો (ઉત્તર પશ્ચિમી સરહદી પ્રાંત ) એક ભાગ હતો. એ સમયે તે પ્રાંત બ્રિટીશ ઇન્ડિયાના કબ્ઝામાં હતો. આજે તે જગ્યા પાકિસ્તાનમાં છે.

વર્ષ ૧૯૭૪માં હિન્દુસ્તાનના ભાગલાં પડ્યાં. અને મનોજકુમારનો પરિવાર દિલ્હી શિફ્ટ થયો ત્યારે મનોજકુમારની વય હતી માત્ર દસ વર્ષ. તેઓ શરણાર્થીના કેમ્પમાં રહેવાં લાગ્યાં.

૧૯૪૭માં પ્રથમવાર સિનેમાઘરમાં હરિકૃષ્ણ ગીરી ગૌસ્વામી નામના દસ વર્ષના બાળકે પરદા પર ફિલ્મ જોઈ, અને એ પણ દિલીપકુમારની...ફિલ્મનું નામ હતું ‘જુગનુ’

એ ફિલ્મ જોઇને બાળક દંગ રહી ગયો.
‘જુગનુ’ દિલીપકુમારની પહેલી હીટ ફિલ્મ હતી.
પણ એ બાળક ઘરે આવીને ખુબ રડ્યો.. કારણ કે ‘જુગનુ ફિલ્મમાં દિલીપકુમારનું પાત્ર મૃત્યુ પામે છે. અને તેનાથી એ દસ વર્ષના બાળકનું મન દુઃખી થઇ ગયું.

એ પછીના વર્ષ એટલે કે ૧૯૪૮માં દિલીપકુમારની બીજી એક ફિલ્મ રીલીઝ થઇ.
જે ફિલ્મ દેશ ભક્તિના રંગે રંગાયેલી હતી. કારણ કે એક વર્ષ પહેલાં જ દેશ ગુલામીની ઝંઝીરમાંથી આઝાદ થયો હતો. અને દેશ ભક્તિનો જુવાળ દેશના દરેક પ્રાંતમાં પૂરબહારમાં ખીલ્યો હતો.

અગિયાર વર્ષનો હરિકૃષ્ણ ગીરી ગૌસ્વામી પણ તે ફિલ્મ જોવાં ગયો. ફિલ્મનું નામ હતું “શહીદ’. તે બાળકને ફિલ્મ તો ખુબ પસંદ પડી પણ ફરી એકવાર તેનું દિલ દુભાયું, કારણ કે આ ફિલ્મમાં પણ દિલીપકુમારનું પાત્ર ‘શહીદ’ થઇ જાય છે.

૧૯૪૯માં દિલીપકુમારની ફરી એક ફિલ્મ આવી. બાર વર્ષનો એ બાળક તે ફિલ્મ જોઇને અતિ ખુશ થયો કારણ કે, તે ફિલ્મમાં દિલીપકુમારના પાત્રનો ધ એન્ડ નથી આવતો.

આ એક પ્રેમ કહાની પર આધારિત ફિલ્મ હતી અને દિલીપકુમારની સામે તેની હિરોઈન હતી કામિની કૌશલ. ફિલ્મનું નામ હતું ‘શબનમ’.

એ ફિલ્મથી તે બાળક એટલો પ્રભાવિત થયો કે. ફિલ્મ જોતા જોતાં જ તેણે નિર્ણય લઇ લીધો કે તે એક્ટર જ બનશે અને... મારું નામ હરિકૃષ્ણ નહીં પણ ‘શબનમ’ માં
દિલીપકુમારના પાત્રનું જે નામ હતું તે રાખીશ.. ‘મનોજ’

બોલીવૂડમાં કદમ મુકતા તેમણે નામ રાખ્યું .. ‘મનોજકુમાર’

દિલીપકુમાર અને મનોજકુમાર વચ્ચે સામ્યતા એ હતી કે બન્ને નોર્થ વેસ્ટ ફ્રન્ટીયર પ્રોવિન્સમાંથી જ આવ્યાં હતાં.
બોલીવૂડમાં કામ,દામ અને નામ મળતાં સુધીમાં તો મનોજકુમાર અને દિલીપકુમાર બન્ને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ ચુકી હતી. અને એ સંબંધ એટલા સશક્ત હતાં કે,

ફિલ્મ ‘બૈરાગ’ બાદ દિલીપકુમારે પાંચ વર્ષ સુધી કોઈ ફિલ્મ નહતી કરી. અને દિલીપકુમારના એ લાંબા ક્ષેત્ર સંન્યાસ પછી ફરી એકવાર તેમને ફિલ્મી પરદે લાવનાર હતાં, મનોજકુમાર અને ફિલ્મનું નામ હતું... ‘ક્રાંતિ’.

અને એ ફિલ્મ માટે દિલીપકુમારને સંમત કરવાં માટે પણ એક કારણ હતું.. જેની ચર્ચા ક્યારેક અતીતરાગની કોઈ કડીમાં જરૂર કરીશું.

આગામી કડી..
રાજ બબ્બર

નાટ્ય જગતમાં કામ કરતાં કરતાં અને હિન્દી જગતમાં આવતાં પહેલાં બે સુપરહિટ ફિલ્મો તેમણે સાઈન કરી લીધી હતી.

પણ... એ બન્ને ફિલ્મોમાંથી તેમને હટાવી દેવામાં આવ્યાં.

અને જોગાનુજોગ જુઓ..
એ બંને ફિલ્મોની અભિનેત્રી હતી સ્મિતા પાટીલ.

કઈ હતી એ બે સુપરહિટ ફિલ્મો ? શું હતો એ કિસ્સો ?

જાણીશું આગામી કડીમાં.

વિજય રાવલ
૩૧/૦૮/૨૦૨૨