Atitrag - 43 books and stories free download online pdf in Gujarati

અતીતરાગ - 43

અતીતરાગ-૪૩

મહાન ડીરેક્ટર, પ્રોડ્યુસર મહેબૂબખાન નિર્મિત ‘મધર ઇન્ડિયા’ તે સમયગાળાની ખુબ ખર્ચાળ ફિલ્મ હતી. અને તે ફિલ્મે સૌથી વધુ કમાણી પણ કરી હતી. મહેબૂબખાને તેની સઘળી મૂડી ‘મધર ઇન્ડિયા’ ફિલ્મના નિર્માણ પાછળ ખર્ચી નાખી.

અને જયારે એ સઘળી મૂડી ખર્ચતા પણ નિર્માણ કાર્ય અટકી પડ્યું ત્યારે મદદે આવ્યાં ફિલ્મના હિરોઈન નરગીસજી.
નરગીસજીએ મહેબૂબ ખાનને ખૂટતી આર્થિક સહાય કરી..

કરી રીતે ફિલ્મ ‘મધર ઇન્ડિયા’નું નિર્માણ સંપ્પન થયું તેના વિશે જાણીશું આજની કડીમાં.

‘મધર ઇન્ડિયા’ મૌલિક સર્જન નથી. મહેબૂબ ખાને વર્ષ ૧૯૪૦માં ડીરેક્ટ કરેલી ફિલ્મ ‘ઔરત’ની રીમેક હતી ‘મધર ઇન્ડિયા’. ‘ઔરત’ ભારતની આઝાદી પહેલાં બની હતી એટલે જુનવાણી પધ્ધતિ અને રીતિ રીવાજો મુજબ બની હતી.

ફિલ્મ ‘ઔરત’ના દરેક પાસાંનો ઝીણવટ ભર્યો અભ્યાસ કર્યા પછી નિર્માણ હાથ ધરાયું ‘મધર ઇન્ડિયા’નું.

‘ઔરત’ અને ‘મધર ઇન્ડિયા’ની વાર્તા સરખી હતી પણ બન્ને ફિલ્મના કલાકારો અલગ અલગ હતાં સિવાય એક કલાકાર.. ‘કન્હૈયા લાલ’.

કન્હૈયાલાલે બન્ને ફિલ્મમાં ભૂમિકા ભજવી અને પાત્રનું નામ પણ એ જ હતું ‘સુખીલાલા.’

ફિલ્મ ‘ઔરત’ અને ‘મધર ઇન્ડિયા’ ના ડીરેક્ટર પણ એક જ હતાં, મહેબૂબ ખાન.
પણ નિર્માતા અલગ અલગ હતાં.

‘ઔરત’નું નિર્માણ કર્યું હતું, ‘નેશનલ સ્ટુડીઓ’એ.

‘નેશનલ સ્ટુડીઓ’ને રૂપિયા ૩૫૦૦૦ ચૂકવીને મહેબૂબ ખાને ‘ઔરત’ના કોપી રાઈટ ખરીદ્યા હતાં.

‘મધર ઇન્ડિયા’ના શૂટિંગનો પ્રારંભ થયો ૧૯૫૪માં. ફિલ્મનું સંપૂર્ણ નિર્માણ સંપ્પન થતાં ત્રણ વર્ષનો સમય લાગ્યો.
શરૂઆતમાં ‘મધર ઇન્ડિયા’ના નિર્માણનું બજેટ હતું આશરે ૨૫ લાખ રૂપિયા.

ધીમે ધીમે સમય જતાં ફિલ્મનું બજેટ વધવા લાગ્યું, કારણ કે નિર્માતા નિર્દેશક મહેબૂબ ખાન અને ફિલ્મના કેમેરામેન ફળદૂ ઈરાની ફિલ્મના દ્રશ્યોને શક્ય એટલી વાસ્તવિક સાથે કચકડે મઢવા માટે આઉટડોર શૂટિંગ્સને વધુ પ્રાધાન્ય આપવાં લાગ્યાં.

પણ આ ચક્કરમાં ફિલ્મના બજેટની રકમ જે પહેલાં ૨૫ લાખની તે રકમ બમણીથી પણ વધીને ૬૦ લાખ સુધી પહોંચવા આવી.

સંજોગો એવાં વિકટ ઊભાં થયાં કે, એક સમયે ફિલ્મનું નિર્માણ રદબાતલ કરવું પડે એવી પરિસ્થતિ સર્જાઈ.

એ સમયે મહેબૂબ ખાનને આર્થિક કટોકટીમાંથી બહાર લાવ્યાં નરગીસજી.
મહેબૂબ ખાન અને નરગીસજીના પારિવારિક સંબંધોનો સિલસિલો કાફી પુરાણો હતો.

‘મધર ઇન્ડિયા’ નિર્માણના ૨૦ વર્ષ પહેલાં, ૧૯૩૭માં એક ફિલ્મ રીલીઝ થઇ હતી.
નામ હતું,‘નાચવાલી’.
એ ફિલ્મમાં નરગીસજીની માતા જદ્દનબાઈ જોડે મહેબૂબ ખાન એક્ટર તરીકે કામ કરી ચુક્યા હતાં.

અને નરગીસજીને માત્ર ચૌદ વર્ષની ઉંમરે લીડ રોલમાં પરદા પર લાવવાનું શ્રેય મહેબૂબ ખાનને મળ્યું હતું. ફિલ્મનું નામ હતું, ‘તકદીર’ વર્ષ ૧૯૪૩. ડીરેક્ટર હતાં ખુદ મહેબૂબ ખાન.

નરગીસજી પર મહેબૂબ ખાનના ઘણા ઉપકાર હતાં એ સંબંધના અનુસંધાનમાં નરગીસજીએ મહેબૂબ ખાનને નાણાંકીય સહાય કરી.

‘મધર ઇન્ડિયા’ બનતાં સુધીમાં નરગીસજી આશરે ચાળીશેક ફિલ્મોમાં કામ કરી ચુક્યા હતાં અને આર્થિક રીતે ઘણાં સદ્ધર હતાં.

આખરે ૨૫ ઓક્ટોબર ૧૯૫૭ના દિવસે ‘મધર ઇન્ડિયા’ જોરશોર સાથે રીલીઝ થઇ.
તેની સાથે સાથે રીલીઝ થઇ ગુરુદત્તની ‘પ્યાસા’ અને બી.આર.ચોપરાની ‘નયા દૌર’.
પણ આ દૌડમાં ‘મધર ઇન્ડિયા’એ સૌને પાછળ રાખી દીધા.

૬૦ લાખની લાગતમાં બની ‘મધર ઇન્ડિયા’ એ આઠ કરોડનો વ્યવસાય કર્યો.

ફિલ્મના બજેટની રકમ ડબલ થઇ જવાનું કારણ એ હતું કે, ફિલ્મના વિશાળ દ્રશ્યોને વાસ્તવિકતાથી કચકડે મઢવામાં ખુબ ખર્ચો થયો હતો.

ફિલ્મના મુખ્ય આર્ટીસ્ટ અને જુનીયર કલાકારો સિવાય ૨૦૦ એક્સ્ટ્રાસને કામ પર રાખવામાં આવ્યાં હતાં, ગ્રામીણ પરિવાર અને ખેડૂતોના રૂપમાં.
૩૫ બળદગાડા મંગાવવામાં આવ્યાં હતાં. અને ૫૦૦ એકર જમીનની ખેતીનો ખડકલો કરાવામાં આવ્યો હતો.

મુંબઈ સ્થિત મહેબૂબ ખાનના ‘મહેબૂબ સ્ટુડીઓ’ સિવાય નાસિક, સુરત અને કોલ્હાપુરમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. અને આઉટડોર શૂટિંગ કોઈપણ ફિલ્મકાર માટે ખર્ચાળ હોય તે સ્વાભાવિક છે.

‘મધર ઇન્ડિયા’ નરગીસજી માટે માઈલ સ્ટોન મૂવી બની ગઈ. ‘મધર ઇન્ડિયા’ એ નરગીસજીને નામ, દામ, ઈજ્જત ઘણું બધું આપ્યું. જે બીજી ફિલ્મોએ પણ આપ્યું હતું. પણ...

‘મધર ઇનીડીયા’ એ નરગીસજીને તેમનો જીવનસાથી પણ આપ્યો.

જી હાં, સુનીલ દત્ત સાબ.

ફિલ્મ ‘મધર ઇન્ડિયા'ના ક્લાઈમેક્સના દ્રશ્યનું શૂટિંગ શૂટ થઇ રહ્યું હતું. સૂકા ઘાસના ખડકલાંમાંથી નરગીસજીએ પસાર થવાનું હતું. આગ લાગી છે, એવું ફિલ્માવાનું હતું,
પણ હવાના વધુ પડતા જોરના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું.

સુનીલ દત્તએ જોયું કે, નરગીસજી આગની જ્વાળામાં ફસાઈ ચુક્યા છે, ત્યારે તેમણે તેના જીવની પરવા કાર્ય વગર ઝંપલાવ્યું, અગન જવાળામાં.

એ જીવલેણ ઘટનામાં બંને ઘવાયા. એ પછી નરગીસજીએ સુનીલ દત્ત સાબની સારી એવી સારવાર કરી. આ સારવાર થઇ રહી હતી સુરતની નજીક આવેલા બીલીમોરા ગામમાં.

પરસ્પર ચાલતી સારવારના પારવાર સત્સંગ દરમિયાન પ્રેમાંકુર ફૂટ્યાં અને નરગીસ બન્યાં, નરગીસ દત્ત.

રાજધાની દિલ્હી ખાતે ‘મધર ઇન્ડિયા’ના સ્પેશિયલ સ્ક્રીનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથી વિશેષ હતાં, તત્કાળ રાષ્ટ્રપતિ ડો, રાજેન્દ્ર પ્રસાદ અને વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ.

‘મધર ઇન્ડિયા’ હિન્દી ફિલ્મ જગતની પહેલી ફિલ્મ હતી જેને ઓસ્કારમાં મોકલવામાં આવી હતી.

‘બેસ્ટ ફીચર ફિલ્મ ઇન ફોરેન લેન્ગવેજ’ કેટેગરીની અંતિમ પાંચ ફિલ્મોમાં પણ ‘મધર ઇન્ડિયા’નો સમાવેશ થઇ ચુક્યો હતો પણ બદ્દ્નસીબે...માત્ર એક મતની અપૂર્તિના કારણે ‘મધર ઇન્ડિયા’ ઓસ્કાર એવોર્ડ મેળવતાં ચુકી ગઈ. ઓન્લી વન વોટ.

ઓસ્કાર એવોર્ડ ન મળ્યો પણ..
‘મધર ઇન્ડિયા’ એ હિન્દી ફિલ ઇન્ડસ્ટ્રીઝને આંતરરાષ્ટ્રીય ફલક પર લાવીને મૂકી દીધું હતું.

આ ઇન્ટરનેશનલ અહોભાગ્ય મેળવવાનું શ્રેય જાય છે, મહેબૂબ ખાન અને નરગીસજીને.

૧૯૫૮ બેસ્ટ એક્ટ્રેસ ફિલ્મફેર અવોર્ડ... નરગીસ ફોર ‘મધર ઇન્ડિયા’
૧૯૫૮ બેસ્ટ ફિલ્મ ફિલ્મફેર એવોર્ડ ... ‘મધર ઇન્ડિયા’
૧૯૫૮ બેસ્ટ ડીરેક્ટર ફિલ્મફેર એવોર્ડ મહેબૂબ ખાન.... ‘મધર ઇન્ડિયા’
૧૯૫૮ બેસ્ટ કેમેરામેન ફિલ્મફેર એવોર્ડ ફળદૂ ઈરાની.... ‘મધર ઇન્ડિયા’
૧૯૫૮ બેસ્ટ સાઉન્ડ ફીમ્લ્ફેર એવોર્ડ આર. કૌશિક...... ‘મધર ઇન્ડિયા

આગામી કડી...

હવે પછીની કડીમાં આપણે ચર્ચા કરીશું હિન્દુસ્તાન અને પાકિસ્તાનની બે મહાન જગ મશહુર ગાયિકાઓ વિશે.

હિન્દુસ્તાનના સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર અને પાકિસ્તાનના સુરીલી અવાજની મલ્લિકા નૂરજહાં.

કઈ રીતે બન્ને દિગ્ગજ પહેલીવાર અને ક્યાં મળ્યાં અને કઈ રીતે તેમની વચ્ચે સાત સૂરના સરગમ જેવો મધુર સંબંધ પાંચ દાયકા સુધી સળંગ રહ્યો.

સ્વર સંબંધના નિયતિની સંગતી અને સંયોગના સંવાદનો સત્સંગ કરીશું આગામી કડીમાં..

વિજય રાવલ
૦૬/૦૯/૨૦૨૨