Prem Kshitij - 58 in Gujarati Fiction Stories by Setu books and stories PDF | પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૮

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૮

"સંભાળ મારી વાત પહેલાં....."- શ્રેણિકે નયનને ખભે હાથ મૂકીને રોક્યો.

"ભાઈ પણ બહુ મોડું થઈ ગયું છે!"- નયન રડમસ અવાજે બોલી રહ્યો.

"હું પણ જાણું છું એ તો...પરંતુ ધીરજના ફળ મીઠા હોય."- શ્રેણિકે એને સાંત્વના આપી.

"તો બોલ હું શું કરું હવે?"- નયન તો જાણે સાવ પાછલી પાટલીએ બેસી ગયો.

"જો એક વાત સાંભળ, તને ખબર પડી ગઈ છે કે માયા તને પ્રેમ કરે છે પરંતુ માયાને ખબર નથી કે તને આ વાતની જાણ છે!"

"તો?"

"તો એને સરપ્રાઇઝ આપ...એની ખુશીમાં ચાર ચાંદ લગાવી દે!"- શ્રેણિકે હસતાં હસતા કહ્યું.

"યાર સીધું કહે ને...મને કશી સમજ નથી પડતી."

"તને મારા પર વિશ્વાસ છે?"

"હા...મારા કરતાં પણ વધારે યાર..."

"તો બસ હું કહું એમ એમ કર...માયા તને આજે કાયમી માટે મળીને જ રહેશે... ટ્રસ્ટ મી!"- શ્રેણિકે એની આંખમાં આંખ નાખીને વિશ્વાસ અપાવ્યો.

"હા...પણ મારે કરવાનું શું છે?"- કહીને નયન ઊભો થયો, બંધબારણે બે મિત્રોમાં કઈક એવી ખીચડી રંધાઈ રહી હતી કે જેનું પરિણામ આજે ધડાકાભેર બહાર આવવાનું હતું, માયા અને નયન નું મિલન કરાવીને શ્રેણિક અને શ્યામા સાચી મિત્રતા નિભાવા જઈ રહ્યા હતા.

બીજીબાજુ દુલ્હનના શણગારમાં સજેલી શ્યામા માયા જોડે એકલી હતી, શ્યામા થોડી વ્યાકુળ લાગી રહી હતી, માયા પણ બેચેન હતી, નયન એને મૂકીને જતો રહેશે એ વિચારથી એને આખી રાત ઊંઘ નહોતી આવી,એની આંખો રડી રડીને સૂઝી ગઈ હતી, શ્યામા બધું જાણતી હતી, તો પણ અજાણ બનીને એ માત્ર એની ખોટી વ્યથા માયા આગળ રજૂ કરવા બેસી ગઈ હતી, એ જાણતી હતી કે માયા એના માટે કઈ પણ કરશે.

"માયા એક વાત કહું?"- શ્યામાએ હતી એટલી બધી એક્ટિંગ ભેગી કરીને માયા આગળ રડમસ અવાજે શાંત ઓરડામાં એક સવાલ વેર્યો.

"હા બોલ ને....!- માયાએ એની માયુસીને વેગળી મૂકીને એની જોડે જઈને કહ્યું.

"હું આ લગ્નથી ખુશ નથી... મારે આ લગ્ન નથી કરવાં."

"શું? શું વાત કરે છે શ્યામા?"- માયાને તો જાણે સાપ સૂંઘી ગઈ હોય એમ પોતાની જગ્યાએથી ઉભી થઈને શ્યામા જોડે આવી ગઈ અને એના ખભે હાથ રાખતા એકીશ્વાસે બોલી ઉઠી.

"હા સાચી વાત છે ... મારે હવે શ્રેણિક જોડે લગ્ન નથી કરવાં...ઉપરથી હું તો એને ડિવોર્સ આપવાનું નક્કી કરું છું."

"તો પછી આ બધું શા માટે?"- માયા ભડકી.

"માત્રને માત્ર દુનિયાને દેખાડવા...હું ફેમિલીની ઈચ્છા આગળ કશું કહી ના શકી અને બધાની હા સાથે હા કરતી રહી."

"પણ મને તો તમારા બંને વચ્ચે કંઈ એવું નથી લાગી રહ્યું તો અચાનક કેમ આમ બોલે છે? તું મજાક તો નથી કરી રહી ને?"- માયાએ એની વાતની ઊલટતપાસ કરવા માંડી.

"ના...આઇ સ્વેર...હું હવે શ્રેણિકથી સાવ કંટાળી ગઈ છું, બહુ જ જિદી છે એ..મારી જરા પણ કેર નથી કરતો, આખો દિવસ બાદ કામ કામ કામ...મારા માટે એને સમય જ નથી.!"- માયા આગળ ઢોંગ કરવા માટે શ્યામાએ એનાથી થતી બધી જ મહેનત ઠાલવી.

"તો હવે શું?"- માયાએ તો જાણે એની પર વિશ્વાસ કરી લીધો હોય એમ એને લાગ્યું, શ્યામા મનોમન ખુશ થઈ પરંતુ મોઢાં પર વ્યથા દેખાડવામાં વ્યસ્ત રહી.

"હું ભાગી જાઉં?"- શ્યામાએ મોકાનો લગ જોતાં જ સવાલ પૂછી લીધો.

"શું વાત કરે છે? પાગલ થઇ ગઇ છે કે શું? શું ઈજ્જત રહેશે અમરાપરમાં દાદાની?"' માયાએ એને થોડી ડરાવી.

"આ બધાના ચક્કરમાં જ હું ભેરવાઈ ગઈ છું, હવે મારે કોઈનું કઈ જ નથી સંભાળવું."

"પણ....!" માયાએ એને રોકી.

"જો હું તો જાઉં છું!"- કહીને શ્યામાએ માથે નાખેલી ઓઢણીને કાઢીને સોફા પર નાખી દીધી, દુલ્હનના કપડાં ચેન્જ કરીને એને ફરી કેપ્રી અને ટીશર્ટ પહેરી લીધા.

"પણ આવું ના કરાય શ્યામા....તું મારી વાત તો સાંભળ....એવું હોય તો તું બધા જોડે જઈને વાત કર."

"શું વાત? કોઈ ના સંભાળે...મને તારા એક્ટિવાની ચાવી આપ તો....હું જાઉં છું...તું અહી બધું સાંભળી લેજે...મને વિશ્વાસ છે તારા પર!"- શ્યામાએ માયાને સમજાવી.

"પણ જાન આવી જ ગઈ છે...!"- માયાએ એને રોકાતા કહ્યું.

"જો આજે તો મને કોઈ જ નહિ રોકી શકે ...તું વ્યર્થ પ્રયત્ન ના કરીશ."- શ્યામાએ મોઢું ફેરવીને મૂછમાં હસતાં હસતાં કહ્યું.

"તો હવે શું કરું?"- માયા ટેન્શનમાં આવી ગઈ, એના ધબકારા વધી ગયા.

શ્યામા ઓઢણી વડે પોતાને બાંધીને ત્યાંથી કોઈને ખબર ન પડે એમ બારીમાંથી ચાલી ગઈ, એ ત્યાંથી જઈને નીચે સીધી શ્રેણિકના ત્યાં પહોંચી ગઈ.

ક્રમશ:


Rate & Review

Vaishali

Vaishali 7 months ago

Nimesh Shukla

Nimesh Shukla 7 months ago

Usha Patel

Usha Patel 8 months ago

Parash Dhulia

Parash Dhulia 8 months ago

Vaishali

Vaishali 8 months ago