Atitrag - 51 in Gujarati Film Reviews by Vijay Raval books and stories PDF | અતીતરાગ - 51

અતીતરાગ - 51

અતીતરાગ-૫૧

એકવાર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ભાગલાં પડી ગયાં.
અને બે અલગ અલગ જૂથ બની ગયાં.

એક જૂથની આગેવાની કરતાં હતાં લતા મંગેશકર અને બીજા જૂથના આગેવાન હતાં મહમ્મદ રફી.

લતા મંગેશકરના સમર્થન અને જૂથમાં જોડ્યા કિશોરકુમાર,તલત મહેમૂદ,અને મન્ના ડે જેવાં દિગ્ગજ સિંગર્સ.

અને મહમ્મદ રફી સાબના ખેમામાં હતાં એક માત્ર આશા ભોંસલે.

બન્ને જૂથના મતમતાંતરનો મુદ્દો હતો મહેનતાણાનો.

અને આ મુદ્દાના કારણે તિરાડ પડી લતા મંગેશકર અને મહમ્મદ રફી વચ્ચે.
અને તેની ઊંડી અને ઉંધી અસર પડી પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સમગ્ર સંગીતક્ષેત્ર પર.

લતા મંગેશકર અને મહમ્મદ રફી વચ્ચે થયેલા સાર્વજનિક વિરોધમાં કોઈ ત્રીજી વ્યક્તિ ફાવી ગઈ હતી.

શું હતો એ કિસ્સો ?
ક્યાં સમયગાળમાં આ ઘટના બની હતી ?
અને જે માધ્યમના આધારે સમાધાન થયું હતું તે માધ્યમનો આજ સુધી પુરાવો મળ્યો નથી.

એ રસપ્રદ કિસ્સાને મમળાવીશું આજની કડીમાં.

લતા મંગેશકર અને મહમ્મદ રફી વચ્ચે મનભેદની દીવાર ઉભી થઇ હતી સૈધાંતિક વિચારધારાના મતભેદના કારણે.
મુદ્દો હતો રોયલ્ટીનો.
૧૯૬૦માં પહેલીવાર રોયલ્ટી માટે અવાજ ઉઠાવતા લતા મંગેશકરે કહ્યું કે,
‘આજ પછી મને મારાં ગવાયેલા તમામ ગીતો માટે રોયલ્ટી જોઈશે.’

રોયલ્ટી કઈ બલાનું નામ છે ?
અને લતા મંગેશકર શું ચાહતા હતાં ?

જે સમયે લતા મંગેશકરે આ મુદ્દો ઉઠાવ્યો હતો તે સમયે કોઈપણ સિંગરને તેના ગાયન માટે ફક્ત વન ટાઈમ પેમેન્ટ મળતું હતું, અને ત્યારબદ પછી તે ગાયન પર આજીવન હક્ક થઇ જતો, જે તે મ્યુઝીક કંપનીનો.

એ પછી તે મ્યુઝીક કંપની ફિલ્મના ગીતોના રેકર્ડનું વેંચાણ કરીને આજીવન કમાણી કરતી રહેતી.

અને તે કમાણીના પાંચ ટકા હિસ્સો જે સંગીતકારને આપવામાં આવતો. તે હિસ્સો રોયલ્ટી તરીકે ઓળખાતો.

અને લતા મંગેશકરની માંગ હતી કે સંગીતકારને મળતી રોયલ્ટીમાંથી પચાસ ટકા હિસ્સો ગાયકોને મળવો જોઈએ, એટલાં માટે કે તે ગાયનની સફળતા માટે સિંગર્સનું પણ તેટલું જ યોગદાન હોય છે, જેટલું સંગીતકારનું છે.

મહમ્મદ રફી અને આશા ભોંસલેને લતા મંગેશકરની ડીમાંડ ગેર વ્યાજબી લાગી.
ધીરે ધીરે આ ચર્ચાનું સ્વરૂપ ગંભીર થતું ગયું. અને લતા મંગેશકરના ટેકેદારોનું સંખ્યાબળ વધતું ગયું.

આ વિવાદનો નિવેડો લાવવાના આશયથી એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું.
તમામ સિંગર્સ, અને મ્યુઝીક ડીરેક્ટર એકઠા થયાં રોયલ્ટીના મુદ્દાના કારણે પડેલી મડાગાંઠની ગૂંચ ઉકેલવા માટે.

વાતચીતનો દૌર શરુ થયો લતા મંગેશકર અને મહમ્મદ રફી વચ્ચે.
બન્ને પોતપોતની વાત પર અડગ રહ્યાં. અને વાતચીતૈ ઉગ્ર રૂપ ધારણ કરતા અંતે રફીસાબે આકરો નિર્ણય લેતા કહ્યું કે,

‘આજ પછી હું લતા મંગેશકર જોડે કોઈ ગીત ગાઇશ નહીં.’

રફી સાબના અવાજમાં ઘમંડનો સૂર સંભળાતા ગુસ્સે થયેલા લતા મંગેશકરે પણ રોફથી પ્રત્યુતર આપતાં કહ્યું કે,

‘હવે પછી હું પણ મહમ્મદ રફી સાથે કોઈ ગીત ગાવા માટે રાજી નથી.’
અને તમામ સંગીતકારોને પણ કહી આપ્યું કે, આજ પછી મારુ અને રફીસાબનું કોઈ યુગલ ગીત એરેન્જ કરશો નહીં.’

આટલું બોલી લતા મંગેશકર મીટીંગ છોડી ચાલતા થયાં.
લતાજીના આ સ્ફોટક નિવેદનથી સૌથી મોટી ફાળ પડી સંગીતકારોને.
અને મહદ્દઅંશના મ્યુઝીક ડીરેકટરોએ લતાજીને રોયલ્ટીની ઝીદ્દ છોડી દેવા માટે સમજાવ્યા.

અને હાસ્યાસ્પદ વિડંબણા એ હતી કે આ એ જ સંગીતકારો હતાં જે ખુદ પાંચ ટકા રોયલ્ટી સહર્ષ સ્વીકારવામાં કોઈ નાનપ નહતા અનુભવતા.

લતા મંગેશકરે આ વાત શંકર-જયકિશન, નૌશાદ અને એસ.ડી.બર્મનને કહ્યુ કે. તમને મળતી રોયલ્ટીની રકમમાં મારા સ્વરની પણ હિસ્સ્સેદારી છે.

લતાજીના કરોડો ફેન ફોલોઅર્સ, નિર્માતા, નિર્દેશક અને મ્યુઝીક ડીરેકટરના દબાવના કારણે આખરે મ્યુઝીક કંપનીએ ઘૂંટણીયે પડવું પડ્યું, અને તમામ સિંગર્સને રોયલ્ટીના અઢી ટકા હિસ્સો આપવાનું જાહેર થયું.

પણ આ વિવાદનું પરિણામ આવતાં સુધીમાં લતા મંગેશકર અને મહમ્મદ રફીના મધુર સંબંધમાં ખાસ્સી કડવાસ આવી ગઈ હતી.

૧૯૬૩થી લઈને છેક ૧૯૬૭ સુધી લતા મંગેશકર અને મહમ્મદ રફી વચ્ચે પરસ્પર વાતચીતના પણ સંબંધ નહતા.
જયારથી આ વિવાદનો મધપુડો છંછેડાયો હતો ત્યારથી મ્યુઝીક ઇન્ડસ્ટ્રીઝ બે ભાગમાં વહેંચાઇ ગઈ હતી.

લતા મંગેશકર મદન મોહનના ફેવરીટ હતાં એટલે તેમણે મહમ્મદ રફીને રિપ્લેસ કર્યા. અને મદન મોહને રફી સાંબની જગ્યાએ ચાન્સ આપ્યો મહેન્દ્ર કપૂરને.

અને લતા મંગેશકરની વિરુધ્ધમાં જે સંગીતકાર હતાં તેમણે લતા મંગેશકરને રીપ્લેસ કર્યા અને તક આપી સુમન કલ્યાણપુર અને આશા ભોંસલેને.

ગાયિકા સુમન કલ્યાણપુરનો સુવર્ણકાળ હતો ૧૯૬૩ થી લઈને ૧૯૬૭ દરમિયાન.
તેમને તેમની કારકિર્દીના યાદગાર ગીતો ગાવાની તક મળી આ સમયગાળા દરમિયાન.
સુમન કલ્યાણપુર અને લતા મંગેશકરના સ્વર વચ્ચે ઘણી સામ્યતા હતી. અને સુમન કલ્યાણ પુરના સ્વભાવમાંમાં ઘણી શાલીનતા પણ હતી

એ પછી લતા મંગેશકરના શુભચિંતકોએ લતાજીને સમજાવ્યા કે. તમે આ રીતે તમારી જીદ્દ પર મક્કમ રહેશો તો લાંબા ગાળે તમને જ આર્થિક નુકશાન જશે અને તમારા હિસ્સાના યાદગાર ગીતો કોઈ અન્યના નામે અમર થઇ જશે.

ખાસ્સા ચિંતન અને આત્મ મંથન પછી લતા મંગેશકરે મહમ્મદ રફી જોડે સમાધાન કરી લેવાના નિર્ણય માટે વિચાર્યું.

અંતે સમાધાન તો થયું, પણ બીજો એક વિવાદ સર્જાયો.

લતા મંગેશકરએ એવું નિવેદન આપ્યું કે, મહમ્મદ રફીએ શંકર-જયકિશન મારફતે માફીનામુ મોક્લ્યાવ્યું પછી તેઓ સમાધાન માટે સંમત થયાં હતાં.

અને એ વિવાદ વકરતા રફી સાબના પુત્ર શાહિદે લતા મંગેશકરની કોમેન્ટને નકારતા એવો ખુલ્લો પડકાર ફેંક્યો કે, જો આવું કોઈ માફીનામું હોય, તો તે જનતાની સમક્ષ જાહેર કરે, નહીં તો મહમ્મદ રફીને બદનામ કરવાનું ષડ્યંત્ર બંધ કરે.

રફી સાબ અને લતાજી વચ્ચે સમાધાન થયાં પછી ૧૯૬૭માં જયારે મુંબઈના શંમુખાનંદ હોલમાં એસ.ડી.બર્મન નાઈટના ઇવેન્ટમાં લતા અને રફી પ્રથમવાર મંચ પર આવ્યાં ત્યારે..ચાર વર્ષના લાંબા સમયગાળા બાદ બન્નેએ યુગલ ગીત લલકાર્યું..

‘દિલ પુકારે.. આરે..આરે..’ ફિલ્મ ‘જ્વેલ થીફ’
આ ગીતનું રેકોર્ડિગ ૧૯૬૩માં થઇ ચુક્યું હતું.

એ મ્યુઝીકલ નાઈટમાં લતા મંગેશકર અને મહમ્મદ રફીની સાથે ઉપસ્થિત હતાં. મુકેશજી,મજરૂહ સુલતાનપુરી,તલત મહેમૂદ, એસ.ડી.બર્મન, નરગીસજી, અને મદન મોહન.

લતા મંગેશકર અને મહમ્મદ રફીના વિવાદમાં કોણ સાચું હતું અને કોણ ખોટું ?

લતા મંગેશકર સાચા હતાં, એવું ઘણા વર્ષો પછી કહ્યું હતું.. મહમ્મદ રફીના પરિવારના એક સદસ્યએ.

જેનું નામ છે, યાસ્મીન રફી.
યાસ્મીન રફી એ રફી સાબની પુત્રવધુ છે. રફી સાબના સુપુત્ર ખાલીદની પત્ની.

આ વાતનો ખુલાસો કર્યો છે, યાસ્મીન રફીએ તેની બૂકમાં.
જે બૂકનું નામ છે, ‘મહમ્મદ રફી માય અબ્બા.’
અને આ વાત સાથે રફી સાબના સુપુત્ર ખાલીદ પણ સંમત હતાં કે. રોયલ્ટીના મુદ્દામાં રફીસાબનો નિર્ણય ખોટો હતો.

અને ઘણાં વર્ષો પછી રફી સાબને પણ ઊંડે ઊંડે એવી પ્રતીતિ થઇ હતી કે લતાજી તેની જગ્યાએ સાચા હતાં. અને રફી સાબનું વ્યક્તિત્વ અને વિચારો સૂફી પ્રકૃતિના હતા. તેથી તેમને ધન-સંપતિ પ્રત્યે વધુ લગાવ નહતો.

રોયલ્ટી મળવાના કારણે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કંઈક એવાં કલાકરોને તેના નિવૃતકાળ અથવા બેરોજગારીના દિવસોમાં એ રોયલ્ટીની રકમ બુઢાપાની લાઠી તરીકે કામ આવી. અને આ નેક કામનું શ્રેય જાય છે, લતા મંગેશકરને.

અગામી કડી..

યોડલી.. કિંગ, કિશોરકુમાર.
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મહાન ગાયક કિશોરકુમારે અસંખ્ય હીરો માટે યાદગાર ગીતો ગયા.

પણ બોલીવૂડના આધાર સ્તંભ જેવાં બે દિગ્ગજ કલાકારો માટે ગાયક કિશોરકુમારને ફક્ત એક જ વખત તક મળી પ્લેબેક સિંગિંગની.

કોણ હતાં એ મહાન કલાકાર ?

જાણીશું આગામી કડીમાં..

વિજય રાવલ
૧૧/૦૯/૨૦૨૨

Rate & Review

Balkrishna patel

Balkrishna patel 3 months ago

Ketan Sony

Ketan Sony 4 months ago

Vijay Raval

Vijay Raval Matrubharti Verified 4 months ago

Krishvi

Krishvi Matrubharti Verified 4 months ago

Ranjan Rathod

Ranjan Rathod 4 months ago