Atitrag - 57 books and stories free download online pdf in Gujarati

અતીતરાગ - 57

અતીતરાગ- ૫૭

આજની ‘અતીતરાગ’ સીરીઝની કડીમાં જે ફિલ્મ વિષે ઉલ્લેખ કરવાનો છું, તે ફિલ્મના કલાકારોની સૂચીમાં સામેલ હતાં, કિશોર કુમાર, સુચિત્રા સેન, ઉષા કિરણ, ડેવિડ, કેસ્ટો મુખરજી, મોહન ચોટી, નિરુપા રોય, દુર્ગા ખોટે, નાઝીર હુસેન અને અભિનય સમ્રાટ દિલીપ કુમાર.

ફિલ્મના દિગ્દર્શક હતાં, ઋષિકેશ મુખરજી.

શું આપને ફિલ્મનું નામ યાદ આવ્યું...?

નામ કરતાં પણ આ ફિલ્મ વિષેની ચર્ચા એટલે વિશેષ છે, કારણ કે આ ફિલ્મમાં મહાન કલાકાર દિલીપ કુમારે કોઇપણ રકમનું આર્થિક વળતર લીધાં વગર, મતલબ વિનામુલ્યે તેમની ભૂમિકા બખૂબી ભજવી હતી.

વિસ્તારમાં વધુ વિગત જાણીએ આ કડીમાં.

ઋષિકેશ મુખરજી નિર્મિત અને દિગ્દર્શિત એ ફિલ્મમાં કોઈપણ પ્રકારનું મહેનતાણું લીધાં વગર દિલીપ કુમારે ફિલ્મમાં ભૂમિકા ભજવી હતી તેનું એક મુખ્ય કારણ એ હતું કે, બન્ને વચ્ચેની મિશાલ જેવી ગાઢ મિત્રતા.

આ ગહેરી મિત્રતાના મૂળ એ સમએ રોપાયા હતાં, જયારે દિલીપ કુમાર બિમલ રોયની ફિલ્મો કરતાં હતાં. જેવી કે ‘દેવદાસ’ અને ‘મધુમત્તી.’
અને તે સમયે ઋષિકેશ મુખરજી ફરજ નિભાવી રહ્યાં હતાં, બિમલ રોયના આસિસ્ટન્ટ ડીરેક્ટર તરીકેની.

બીજી એક અગત્યની વાત એ હતી કે, ઋષિકેશ મુખરજીને સ્વતંત્ર ડાયરેક્ટર બનવા માટેના ભરપુર આત્મ વિશ્વાસનું ઇજન પૂરું પડ્યું હતું દિલીપ કુમારે.

અને સૌથી ગહન અને મહત્વની વાત એ હતી કે, ઋષિકેશ મુખરજીનું ઈન્ડીપેન્ડન્ટ ડીરેક્ટર બનવાનું સપનું પૂરું કરવા દિલીપ કુમારે ફક્ત દિલાવર દોસ્તના નાતે ફીસ લીધાં વિના ફિલ્મમાં કામ કરવાનું વચન આપ્યું, અને તે પણ એ સમયગાળા દરમિયાન જયારે વર્ષ ૧૯૫૭માં દિલીપ કુમાર વ્યસ્ત અને સુપરસ્ટાર એકટર હતાં.

એ ફિલ્મથી ઋષિકેશ મુખરજી પ્રથમવાર સ્વતંત્ર દિગ્દર્શક અને નિર્માતા બન્યાં હતાં.
એ ફિલ્મના રાઈટર પણ ખુદ ઋષિકેશ મુખરજી હતાં.

આ ફિલ્મની વાર્તા ત્રણ અલગ અલગ ભાગમાં વહેંચાયેલી હતી.
દિલીપ કુમાર અને કિશોર કુમારનો સંગાથે એક પણ સીન શૂટ કરવામાં નહતો આવ્યો.

ત્રણ જુદા જુદા ભાગમાં વહેંચાયેલી વાર્તાની ઋષિકેશ મુખરજીએ તેની કલાસૂઝથી એ રીતે ગુંથણી કરી હતી કે, ત્રણેય વાર્તા સાથે પરસ્પર એકબીજાનું અનુસંધાન જોડાયેલું રહે.

જેમાં કે ફિલ્મની વાર્તામાં આવતું એક મકાન, તેમના મકાન માલિકની ભૂમિકા ભજવતા ડેવિડ અને ચાઈવાલાનું પાત્ર ભજવતો મોહન ચોટી આ બધું જ કોમન હતું.

આ ફિલ્મના સંગીતકાર હતાં, સલિલ ચૌધરી. એક સમયે સલિલ ચૌધરી પણ બિમલ રોયની ટીમના એક સદસ્ય હતાં. ફિલ્મના ગીતકાર હતાં શૈલેન્દ્ર.

આ ફિલ્મમાં દિલીપ કુમારે ભજવેલું પાત્ર તેમની ફિલ્મ ‘દેવદાસ’ની ભૂમિકા સાથે ઘણું મળતું આવતું હતું . એક એવું પાત્ર જે તેની જિંદગીથી છુટકારો મેળવવા માંગે છે.

ફિલ્મ ‘દેવદાસ’માં દિલીપ કુમારની જે હિરોઈન હતી, સુચિત્રા સેન. તેમનું અને દિલીપ કુમાર સાથેનું એકપણ દ્રશ્ય આ ફિલ્મમાં ફિલ્માવાયું નહતું.

દિલીપ કુમારે ફ્રી ઓફ કોસ્ટ કરેલી એ ફિલ્મનું નામ છે... ‘મુસાફિર.’

પણ દુર્ભાગ્યવશ ‘મુસાફિર’ ફિલ્મ બોક્સ ઓફીસ પર અસફળ રહી. દિલીપ કુમારની ઉપસ્થિતિ હોવા છતાં પણ.

આ ફિલ્મના રેકોર્ડિગ સમયે લતા મંગેશકર અને દિલીપ કુમાર વચ્ચે થોડી તૂ-તૂ,
મેં-મેં પણ થયેલી. એ ઘટના વિષે વાત કરીશું નેક્સ્ટ એપિસોડમાં.

આગામી કડી...
દિલીપ કુમાર અને લતા મંગેશકર.

બોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના આ બે એવાં નામ છે કે, ભાગ્યે જ કોઈ આ બે નામ સાથે સંકળયેલું ન હોય.

દિલીપ કુમાર અભિનીત કોઈ ફિલ્મ ન નિહાળી હોય, અથવા લતા મંગેશકરનું કોઈ ગીત ન સાંભળ્યું હોય, એ વાત અતિશયોક્તિ ભરી લાગે.

દિલીપ કુમાર અને લતા મંગેશકર બન્નેની પહેલી અને અંતિમ મુલાકાત ક્યાં અને કઈ રીતે થઇ હતી, અને શું ચર્ચા થઇ હતી એ મુલાકાત દરમિયાન તેના વિષે જાણીશું, આગામી કડીમાં.

વિજય રાવલ
૧૫/૧૧/૨૦૨૨