Atut Bandhan - 12 in Gujarati Fiction Stories by Snehal Patel books and stories PDF | અતૂટ બંધન - 12

અતૂટ બંધન - 12







(સાર્થક અને એનો પરિવારને વૈદેહીને બધું ભૂલી આગળ વધવા કહે છે અને શિખા સાથે બંને કોલેજ જાય છે. કોલેજમાં અપૂર્વ, શિખા અને વૈદેહી વાતો કરી રહ્યા હોય છે જે વિક્રમ જોઈ લે છે અને ગુસ્સે થાય છે. હવે આગળ)

બધાં લેક્ચર પૂરા થયા અને વૈદેહી અને શિખા ક્લાસમાંથી નીકળી કોલેજ ગેટ પાસે પહોંચ્યા. સાર્થક બંનેને લેવા આવ્યો હતો. બંને ગાડીમાં બેઠા. સાર્થકે ગાડી સ્ટાર્ટ જ કરી હતી કે એની નજર અપૂર્વ ઉપર પડી.

"તમે બંને બેસો. હું આવ્યો." સાર્થક આટલું કહી ગાડીમાંથી ઉતરી અપૂર્વ પાસે ગયો.

અપૂર્વ કોઈની સાથે ફોન પર વાત કરતો હતો. સાર્થકને જોઈ એ હસ્યો અને પછી કોલ બેક કરશે એમ કહી ફોન મૂક્યો અને સાર્થક સાથે હાથ મિલાવી કહ્યું,

"હેય સાર્થક, તું અહીંયા ?"

"શિખા અને વૈદેહીને લેવા આવ્યો હતો. યાર, બધી ભાગદોડમાં તેં જે મદદ કરી એનાં માટે તારો આભાર પણ નહતો માની શક્યો. Thank you so much yaar. તારાં વિના આ બધું શક્ય ન બન્યું હોત." સાર્થકે કહ્યું.

"અરે યાર, એમાં thank you કહેવાની કોઈ જરૂર નથી. વૈદેહીને હું બાળપણથી ઓળખું છું. શરૂઆતમાં જ્યારે એ અહીંયા રહેવા આવી ત્યારે એ રક્ષાબંધન પર મને રાખડી બાંધતી હતી પણ પછી એનાં મામામામીનાં સ્વભાવનાં કારણે એણે સોસાયટીમાં બધાં છોકરા સાથે વાત કરવાની બંધ કરી દીધી. અને મને રાખડી બાંધવાનું પણ બંધ થઈ ગયું. ભલે ત્રણ ચાર વખત જ રાખડી બાંધી હોય પણ બહેન તો કહેવાય જ ને. બસ એ રાખડીની જ કિંમત મેં ચૂકવી છે." અપૂર્વએ કહ્યું.

"તારા જેવું વિચારવાવાળા બહુ ઓછાં હોય છે." સાર્થકે કહ્યું.

"વેલ, તારા જેવા પણ બહુ ઓછાં...ઓછાં નહીં પણ હજારે એક હોય છે. તેં વૈદેહીને નવું જીવન આપ્યું છે અને મને ખાતરી છે કે એ તારી સાથે ખૂબ જ ખુશ રહેશે." અપૂર્વએ કહ્યું.

સાર્થક હસ્યો. પછી કંઇક વિચારી એણે કહ્યું,

"અપૂર્વ, જો તું ફ્રી હોય તો અમને જોઈન કરી શકે છે. અત્યારે અમે શોપિંગ કરવા જઈએ છે. પછી મૂવી જોવા જવાનો વિચાર છે. આ બે ગર્લ્સ વચ્ચે હું એકલો પડી જઈશ એટલે પૂછું છું. પણ તું ફ્રી હોય તો જ હાં."

અપૂર્વએ કંઇક વિચારી એનાં એક ફ્રેન્ડને બૂમ પાડી એની પાસે બોલાવ્યો અને એની બાઈકની ચાવી એને આપી દીધી.

"આઈ એમ રેડી."

"Thank you bro..." સાર્થકે અપૂર્વની પીઠ પર હળવો ધબ્બો મારી કહ્યું.

અપૂર્વ સાર્થકની ગાડીમાં બેઠો. બાજુમાં બેઠેલી શિખાને જોઈ એણે સ્માઈલ કરી. સામે શિખા પણ એને જોઈ ખુશ થઈ ગઈ. શા માટે એ ખુશ થઈ એ એને પોતાને પણ નહતું સમજાઈ રહ્યું પણ એને અપૂર્વનું સાથે આવવું ગમ્યું. સાર્થકે ગાડી માર્કેટ તરફ લીધી. વૈદેહી અસમંજસભરી નજરે સાર્થક તરફ જોવા લાગી અને પૂછ્યું,

"અત્યારે આપણે ક્યાં જઈએ છે ? મતલબ ઘરનો રસ્તો તો..."

"શોપિંગ કરવા. તારા માટે કપડાં લેવાના છે ને એટલે." સાર્થકે જવાબમાં કહ્યું.

"પણ અત્યારે ? ઘરે આંટીને કોઈ કામ હશે તો ? એમને તો મેં કંઈ પૂછ્યું પણ નથી ?" વૈદેહી થોડી ટેન્શનમાં આવી ગઈ.

"વૈદુ, તારે મમ્મીને કંઈ પૂછવાની જરૂર નથી. મમ્મીએ જ કહ્યું છે કે તારા માટે થોડી શોપિંગ કરી લેવી. તો જસ્ટ ચીલ." શિખાએ કહ્યું.

સાર્થકે ગાડી એક મોલ પાસે ઉભી રાખી. ત્રણેય ગાડીમાંથી ઉતર્યા અને સાર્થકે ગાડી પાર્કિંગ એરિયામાં પાર્ક કરી. શિખા વૈદેહીને અલગ અલગ શોપમાં લઈ ગઈ અને એની પસંદના બ્રાન્ડેડ કપડાં ખરીદ્યા. વૈદેહીને આટલાં મોંઘા કપડાં લેવા કે પહેરવાની આદત નહતી તેથી એણે થોડીવાર આનાકાની કરી પણ પછી સાર્થક અને શિખા સામે એનું કંઈ ચાલ્યું નહીં.

સાર્થકે પણ એનાં માટે થોડી ખરીદી કરી અને એણે અપૂર્વ માટે પણ એક ઘડિયાળ ખરીદી જે એણે એને ગિફ્ટ કરી. અપૂર્વએ પહેલાં તો ના કહ્યું પણ સાર્થકે એને કહ્યું કે એક મિત્ર તરીકે એ એને આ ઘડિયાળ ગિફ્ટમાં આપે છે તો એણે એ સ્વીકારી લીધી.

શોપિંગ કરવામાં જ સાડા પાંચ જેવા થઈ ગયા.

"તો વૉટ નેકસ્ટ ?" સાર્થકે શિખા અને વૈદેહી તરફ જોઈ પૂછ્યું.

"સૌથી પહેલાં તો મારે મસ્ત ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાવી છે. પછી બીજી વાત." શિખએ એક આઈસ્ક્રીમ પાર્લર તરફ જોઈ કહ્યું.

ચારેયે આઈસ્ક્રીમની મજા માણી અને પછી સાર્થકે ગાડી સિનેમા હોલ તરફ લીધી. તેઓ છ થી નવનો શો જોવા ગયા હતા. બહાર હાઉસ ફૂલનું બોર્ડ હતું. પણ સાર્થકે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોવાથી એમને કોઈ પ્રોબ્લેમ ન થઈ.

મૂવી દરમિયાન વૈદેહી વારંવાર ઘડિયાળમાં જોતી હતી. સાર્થકે આ જોયું એને કહ્યું,

"ઘરે જઈને તારે કોઈને રિપોર્ટ કરવાનો નથી તો વગર ટેન્શને શાંતિથી મૂવી જો." આ સાંભળી વૈદેહીને થોડી રાહત થઈ.

મૂવી જોઈ તેઓ બહાર નીકળ્યા ત્યારે સવા નવ જેવા થઈ ગયા હતા. તેથી એમણે બહાર જ ડિનર કર્યું. ત્યાંથી સાર્થક પહેલાં અપૂર્વને એનાં ઘરે ડ્રોપ કરવા ગયો.

"મને લાગે છે કે તારે તારા મામા મામીને મળી લેવું જોઈએ." સાર્થકે કહ્યું.

"પણ એમને મળીને હું શું કહીશ ? એ લોકો તો મારા પર ગુસ્સે થશે." વૈદેહી બોલી.

"એમને તારા પર ગુસ્સે થવાનો હવે કોઈ હક નથી." સાર્થકે કહ્યું અને બંને ગાડીમાંથી બહાર નીકળ્યાં. વૈદેહી ઘરમાં જવાથી ડરી રહી હતી. સાર્થકે એનો હાથ પકડ્યો અને એને આંખો વડે જ એ એની સાથે છે એવો ઇશારો કર્યો. વૈદેહીએ ધ્રૂજતાં હાથે દરવાજો ખખડાવ્યો. દયાબેને દરવાજો ખોલ્યો. સામે વૈદેહીને જોઈ એમણે પહેલાં તો મોઢું બગાડ્યું પણ પછી સાથે સાર્થકને જોઈ એમણે કમને એને ઘરમાં આવકારી. વૈદેહી અને સાર્થકે દયાબેન અને ગોવિંદભાઈને પગે લાગી આશિર્વાદ લીધા. બંનેએ પરાણે બંનેનાં માથે હાથ મૂકી ખુશ રહો એવા આશિર્વાદ આપ્યા. વૈદેહી અંજલી પાસે ગઈ અને એને ગળે લગાડી.

"દીદી, તમે તો બહુ નસીબદાર છો હાં. પહેલાં એ સિરાજ તમને એની રાણી બનાવવા માંગતો હતો અને આ લગ્ન પછી તો ખરેખર તમારા રાણી જેવા ઠાઠ છે." અંજલીએ બહાર ઊભેલી મોંઘીદાટ ગાડી જોઈ કહ્યું.

"અઅઅ..અરે તમે બંને ઊભા કેમ છો ? બેસો ને. જમાઈરાજ તમે તો પહેલીવાર ઘરે આવ્યા છો તો કંઈ ઠંડુ પાણી કરીને જ જજો." ગોવિંદભાઈ માંડ બોલ્યાં.

"નહીં નહીં, એની કોઈ જરૂર નથી." સાર્થકે કહ્યું.

"જમાઈરાજ, અમે સારી રીતે જાણીએ છીએ કે તમે અમારા પર ગુસ્સે છો. તમને થતું હશે કે અમે અમારી ફૂલ જેવી દીકરીને સિરાજ જેવા ગુંડાને સોંપવા રાજી થઈ ગયા પણ અમે પણ મજબૂર હતા. એ ગુંડાએ અમને ધમકાવ્યા હતા. એની ધમકી સામે અમે લાચાર બની ગયા હતા." દયાબેને દયામણો ચહેરો બનાવી કહ્યું અને અંજલીને શરબત બનાવવા કહ્યું અને શિખા જે બહાર ઉભી હતી એને જોઈ ઉમેર્યું,

"અરે શિખા બેટા, તું બહાર કેમ ઉભી છે. અંદર આવ."

આમ પણ તેઓ સાર્થકને નહતા ઓળખતાં પણ તેઓ શિખાને સારી રીતે જાણતા હતા અને એમને સારી રીતે ખબર હતી કે શિખા ઉચ્ચ વર્ગમાંથી આવે છે અને તેથી જ દયાબેન અને ગોવિંદભાઈ અત્યારે સારા બનવાનું નાટક કરી રહ્યાં હતાં. શિખા અને સાર્થક આ સારી રીતે જાણતા હતાં. પણ બંને ચૂપ જ રહ્યાં અને કોઈપણ પ્રકારની ફોર્મલિટી કરવાનું એમણે ના કહ્યું.

વૈદેહીએ એનાં મામા મામીને મોટું મન રાખી માફ કરી દીધા. એનાં મામા મામીએ એને શગુન રૂપે સાડી આપી અને સમય મળે ઘરે જમવા આવવા કહ્યું જે સાંભળી વૈદેહીને સુખદ આશ્ચર્ય થયું. બે કલાક જેવા તેઓ ત્યાં રોકાયા. આ પહેલીવાર હતું કે વૈદેહી આ ઘરમાં શાંતિથી બેઠી હતી. બાકી તો એને કોઈ પણ મહેમાન આવે ત્યારે બેસવાની પરમિશન નહતી. એને તો બસ રસોડામાં જ ભરાઈ રહેવું પડતું પણ આજે તો એનાં મામી અને અંજલી એની આગતાસ્વાગતા કરી રહ્યા હતા.

આજે વૈદેહી ખુશ હતી. ઘણાં સમય પછી એ આજે દિલથી ખુશ હતી. અને એની આ ખુશીનું કારણ ક્યાંક ને ક્યાંક સાર્થક હતો. એણે આભારવશ નજરે સાર્થક તરફ જોયું. એણે મનોમન સાર્થકને પોતાના જીવનમાં લાવવા બદલ ભગવાનનો આભાર માન્યો. મોડી રાત્રે તેઓ ઘરે પહોંચ્યા. ગરિમાબેન અને રજનીશભાઈ બેઠક ખંડમાં જ હતા.

"આવી ગયા બેટા. બહુ મોડું કર્યું તમે લોકોએ !" ગરિમાબેને પૂછ્યું.

"સૌથી પહેલા શોપિંગ પછી આઈસ્ક્રીમ પછી મૂવી પછી ડિનર અને છેલ્લે વૈદુનાં મામા મામીનાં ત્યાં ગયા. જ્યાં અમે લગભગ બે કલાક જેટલો સમય ગાળ્યો તો મોડું તો થાય જ ને." શિખાએ બેઠકખંડમાં મૂકેલા આલીશાન સોફા પર લંબાવતા કહ્યું.

"ચાલો, આ કામ સારું કર્યું. બાકી હું કહેવાનો જ હતો કે ત્યાં જઈ આવજો." રજનીશભાઈએ કહ્યું.

"તમે ત્રણેય થાકી ગયા હશો. રાત પણ બહુ થઈ ગઈ છે તો હવે જઈને આરામ કરો." ગરિમાબેને કહ્યું અને બધાં પોતપોતાનાં રૂમમાં ગયા.

ફ્રેશ થઈને વૈદેહી અગાશીમાં જઈને ઉભી રહી. એ એકીટસે આકાશમાં જોઈ રહી હતી. સાર્થક એની બાજુમાં આવીને ઊભો રહ્યો એને કહ્યું,

"મને ખબર નહતી કે તું તારાઓ પણ ગણી શકે છે ?"

"નહીં એ તો હું..."

વૈદેહી બોલતાં બોલતાં અટકી ગઈ. એને સમજાઈ ગયું કે સાર્થક મજાક કરી રહ્યો છે. એ હસી પડી અને કહ્યું,

"એક વાત કહું ?"

"હમ્મ ! બોલ."

"Thanks. Thank you so much. મને સમજાઈ નથી રહ્યું કે હું તમારો આભાર કયા શબ્દોમાં વ્યક્ત કરું."

"આ જ વાત કહેવી હતી તારે ?" સાર્થકે આંખો ઝીણી કરીને પૂછ્યું.

વૈદેહીએ ડોકું હલાવી હા કહ્યું.

"સોરી, હું તારું આ thank you એક્સેપ્ટ નથી કરી શકતો. યાર, મિત્રતામાં આવું બધું નહીં હોય. કાં તો પછી તેં હજી સુધી મને તારો મિત્ર નથી માન્યો."

"એવું નથી. તમને હું મારા મિત્ર માનું જ છું પણ..."

"પણ શું ?" સાર્થકે એની સામે જોઈ કમર પર હાથ મૂકી પૂછ્યું.

"સોરી...મતલબ નહીં...મારો કહેવાનો મતલબ હતો કે..."

વૈદેહી બોલવામાં જે લોચા મારી રહી હતી એ સાંભળી સાર્થક હસવા લાગ્યો અને સાથે સાથે વૈદેહી પણ હસવા લાગી.

બંનેએ ત્યાં જ બેસી મોડા સુધી વાતો કરી. બંને એ વાતથી અજાણ હતા કે કોઈ સવારથી એમની ઉપર નજર રાખીને બેઠું છે અને અત્યારે પણ એ એમના ઘરથી થોડે દૂર ઉભા રહી ટેલિસ્કોપની મદદથી એમને જ જોઈ રહ્યું છે.

વધુ આવતાં ભાગમાં....


Rate & Review

Vijay

Vijay 4 months ago

Himanshu P

Himanshu P 5 months ago

Dipti Patel

Dipti Patel 6 months ago

Roshni Joshi

Roshni Joshi 6 months ago