Satya ae j Ishwar chhe - 35 books and stories free download online pdf in Gujarati

સત્ય એ જ ઈશ્વર છે - 35

૩૫. બ્રહ્મચર્યના પગથિયાં

પ્રથમ પગથિયું તેની આવશ્યકતાનું ભાન થયું તે છે. એટલા સારુ તે વિષયનાં પુસ્તકોનું વાચનમનન છે.

બીજું, ધીમે ધીમે ઇન્દ્રિયનિગ્રહ આદરવો ઘટે. બ્રહ્મચારી સ્વાદને રોકે; જે ખાય તે કેવળ પોષણ અર્થે. આંખથી મલિન વસ્તુ ન જુએ. આંખને હમેશાં શુદ્ધ વસ્તુ જ જોવામાં રોકે અથવા તેને બંધ કરે. તેથી જ સભ્ય સ્ત્રીપુરુષ હાલતાં ચાલતાં ધરતી ભણી જોતાં રહે ને શરીરની તુચ્છતાનું દર્શન કરે. કાનેથી કંઇ બીભત્સ વસ્તુ સાંભળે જ નહીં, નાકેથી અનેક પ્રકારની વિકાર ઉત્પન્ન કરનારી વસ્તુઓ નહીં સૂંઘે. સ્વચ્છ માટીમાં જે સુગંધ છે તે અત્તર ગુલાબોમાં નથી. જેને ટેવ નથી તે તો એ કૃત્રિમ સુગંધોથી અકળાય છે. હાથપગને પણ એકે બૂરા કામને સારુ નહીં વાપરે. પ્રસંગોપાત્ત ઉપવાસાદિ કરે.

ત્રીજું, પોતાનો બધો સમય સત્કાર્યમાં, જગતસેવામાં જ ગાળે.

ચોથું, સત્સંગ સેવે. સારાં પુસ્તકો વાંચે ને આત્મદર્શન વિના વિકારોનો સર્વથા નાશ નથી જ એમ જાણી રામનામાદિ હમેશાં રટી ઇશ્વરપ્રસાદની યાચના કરે.

આમાં એકે વસ્તુ એવી નથી આવી કે જે સામાન્યમાં સામાન્ય સ્ત્રીપુરુષ પણ ન કરી શકે. પણ - એ જ મોટો પહાડ છે. બ્રહ્મચર્યની આવશ્યકતા વિશે પૂરી શ્રદ્ધા નથી હોતી એટલે મનુષ્ય અનેક પ્રકારનાં ફાંફાં મારે છે. જેને તેની ઇચ્છા થઇ છે તેને એ વસ્તુ સાધ્ય છે એ વિશે કાંઇયે શંકા કરવાનું કારણ નથી. જગત બ્રહ્મચર્યના ઓછાવત્તા પાલનથી જ નભે છે એ જ સૂચવે છે કે તેની આવશ્યકતા છે ને તે સંભવિત છે.

નવજીવન, ૪-૪-’૨૬

બ્રહ્મચર્યનો પ્રયત્ન કરનારા ઘણા નિષ્ફળ જાય છે, કેમ કે તેઓ ખાવાપીવામાં, જોવા ઇત્યાદિમાં અબ્રહ્મચારીની જેમ રહેવા માગતા છતાં બ્રહ્મચર્યનું પાલન ઇચ્છે છે. આ પ્રયત્ન ઉષ્ણ ઋતુમાં શીત ઋતુનો અનુભવ લેવાના પ્રયત્ન જેવો કહેવાય. સંયમીના અને સ્વચ્છંદીના, ભોગીના અને ત્યાગીના જીવન વચ્ચે ભેદ હોવો જ જોઇએ. સામ્ય છે તે ઉપરથી દેખાતું જ. ભેદ ચોખ્ખો તરી આવવો જોઇએ. આંખનો ઉપયોગ બંને કરે. પણ બ્રહ્મચારી દેવદર્શન કરે. ભોગી નાટકચેટકમાં લીન રહે. બંને કાનનો ઇપયોગ કરે. પણ એક ઇશ્વરભજન સાંભળે, બીજો વિલાસી ગીતો સાંભળવામાં મોજ માણે. બંને જાગરણ કરે. પણ એક જાગ્રતાવસ્થામાં હ્ય્દયમંદિરમાં બિરાજતા રામને વીનવે, બીજો નાચરંગની ધૂનમાં સૂવાનું ભાન ભૂલી જાય. બંને જમે. પણ અકે શરીરરૂપી તીર્થક્ષેત્ર નભાવવા પૂરતું દેહને ભાડું આપે, બીજો સ્વાદને ખાતર દેહમાં અનેક વસ્તુઓ ભરી તેન દુર્ગધિત કરી મૂકે. આમ બંનેના આચારવિચારમાં ભેદ રહ્યા જ કરે; અને એ અંતર દિવસે દિવસે વધે, ઘટે નહીં.

બ્રહ્મચર્ય એટલે મનવચનકાયાથી સર્વ ઇન્દ્રિયોનો સંયમ. આ સંયમને સારુ ઉપર પ્રમાણે ત્યાગોની આવશ્યકતા છે એમ હું દિવસે દિવસે જોતો ગયો. આજે પણ જોઇ રહ્યો છું. ત્યાગના ક્ષેત્રને સીમા જ નથી, જેમ બ્રહ્મચર્યના મહિમાને નથી. આવું બ્રહ્મચર્ય અલ્પ પ્રયત્ને સાધ્ય નથી, કરોડોને સારુ તો એ હમેશાં કેવળ આદર્શરૂપે જ રહેશે. કેમ કે, પ્રયત્નશીલ બ્રહ્મચારી પોતાની ઊણપોનું નિત્ય દર્શન કરશે, પોતાનામાીં ખૂણેખાંચરે છુપાઇ રહેલા વિકારોને ઓળખી લેશે, ને તેમને કાઢવા સતત પ્રયત્ન કરશે. જ્યાં લગી વિચારો ઉપર એવો કાબૂ નથી મેળવ્યો કે ઇચ્છા વિના એક પણ વિચાર ન આવે ત્યાં લગી સંપૂર્ણ બ્રહ્મચર્ય નથી. વિચારમાત્ર વિકાર છે. તેને વશ કરવા એટલે મનને વશ કરવું તે વાયુને વશ કરવા કરતાંયે કઠિન છે. આમ છતાં જો આત્મા છે, તો આ વસ્તુ પણ સાધ્ય છે જ. આપણને મુશ્કેલીઓ આવી નડે છે તેથી તે અસાધ્ય છે એમ કોઇ ન માને. એ પરમ અર્થ છે. અને પરમ અર્થને સારુ પરમ પ્રયત્નની આવશ્યકતા હોય એમાં શું આશ્ચર્ય ?

પણ આવું બ્રહ્મચર્ય કેવળ પ્રયત્નસાધ્ય નથી એ મેં દેશમાં આવીને જોયું. ત્યાં લગી હું મૂર્છામાં હતો એમ કહી શકાય. ફળાહારથી વિકાર જડમૂળથી નાબૂદ થાય એમ મેં માની લીધેલું, ને હું અભિમાનથી માનતો કે હવે મારે કંઇ કરવાપણું નથી.

પણ આ વિચારના પ્રકરણને પહોંચવાને વાર છે. દરમ્યાન એટલું કહી દેવું આવશ્યક છે કે, ઇશ્વરસાક્ષાત્કાર કરવાને અર્થે, મેં વ્યાખ્યા આપી છે તેવા બ્રહ્મચર્યનું જેઓ પાલન ઇચ્છે છે, તેઓ જો પોતાના પ્રયત્નની સાથે જ ઇશ્વર ઉપર શ્રદ્ધા રાખનારા હોય, તો તેમને નિરાશ થવાનું કશું કારણ નથી.

()

તેથી રામનામ ને રામકૃપા એ જ આત્માર્થીને છેવટનું સાધન છે, એ વસ્તુનો સાક્ષાત્કાર મેં હિંદુસ્તાનમાં જ કર્યો.

આત્મકથા, પા. ૨૦૬-૮

મને કાયિક બ્રહ્મચર્યના પાલનમાં પણ મહાકષ્ટ વેઠવું પડ્યું છે. અત્યારે એમ કહી શકાય તેને વિશે હું નિર્ભય બન્યો છું. પણ મારા વિચારોની ઉપર જે જય મારે મેળવવો જોઇએ તે મને મળી શક્યો નથી. મારા પ્રયત્નમાં ન્યુનતા હોય એમ મને લાગ્યું નથી. પણ કયાંથી અને કઇ રીતે આપણે ન ઇચ્છીએ તે વિચારો આપણા પર ચડાઇ કરે છે તે હું હજુ જાણી નથી શક્યો. વિચારોને પણ રોકવાની ચાવી મનુષ્ય પાસે છે એ વિશે મને શંકા નથી. પણ એ ચાવી દરેક પોતાને સારુ શોધવી રહી છે એવા છે એવા નિર્ણય ઉપર અત્યારે તો હું આવ્યો છું. મહાપુરુષો આપણે સારુ પોતાના અનુભવો મૂકી ગયા છે તે માર્ગદર્શક છે. તે સંપૂર્ણ નથી. સંપૂર્ણતા એ કેવળ પ્રભુપ્રસાદી છે, અને તેથી જ ભક્તો પોતાની તપશ્ચર્યાથી પુનિત કરેલા અને આપણને પાવન કરનારા રામનામાદિ મંત્રો મૂકી ગયા છે. સંપૂર્ણ ઇશ્વરાપૂર્ણ વિના વિચારોની ઉપર સંપૂર્ણ જય ન જ મળી શકે. આ વચન બધાં ધર્મપુસ્તકોમાં વાંચ્યું છે ને તેનું સત્ય હું આ બ્રહ્મચર્યના સૂક્ષ્મતમ પાલનના પ્રયત્નને વિશે અનુભવી રહ્યો છું.

આત્મકથા, પા. ૩૧૮

મરો કબૂલ કરવું જોઇએ કે સત્યનારાયણ પર અવિચળ શ્રદ્ધા રાખ્યા વિના બ્રહ્મચર્યનું પાલન કરવું અશક્ય છે. ઇશ્વરને જીવનમાંથી સદંતર ઉડાવી દેવાનો અને જાગ્રત ઇશ્વર પર જાગ્રત શ્રદ્ધા રાખ્યા વિના જીવનની પરાકાષ્ઠાએ પહોંચી શકાય છે એવો આગ્રહ રાખવાનો આજકાલ ધો ચાલ્યો છે. જે લોકોને પોતાના કરતાં અનંતગણી ઊંચી શક્તિ પર જરાયે શ્રદ્ધા નહોય અને એવી શક્તિની જરૂર ન ભાસતી હોય તેવાને ગળે આ નિયમનું સત્ય ઉતારવાને હું અસમર્થ છું એ મારે કબૂલ કરવું જોઇએ. મારા પોતાના અનુભવ પરથી મને એટલું જ્ઞાન મળ્યું છે કે જે સચેતન નિયમને વશ વર્તીને આખું વિશ્વ ચાલે છે તેના પર અવિચળ શ્રદ્ધા રાખ્યા વિના પૂર્ણ જીવન અશકય છે. એ શ્રદ્ધા વિનાનો માણસ મહાસાગરનીબહાર ફેંકાયેલા બિંદુ જેવો છે ને તેનો નાશ થયા વિના રહેવાનો નથી. મહાસાગરમાં રહેલું દરેક બિંદુ મહાસાગરની ભવ્યતાનો અંશ અનુભવે છે અને આપણને જીવનનો પ્રાણવાયુ (ઓઝોન) આપવાનું માન ભોગવે છે.

હરિજનબંધુ, ૨૬-૪-’૩૬