Kutch New Year books and stories free download online pdf in Gujarati

કચ્છી નૂતન વર્ષ

લેખ:- કચ્છી નૂતન વર્ષ
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની






અષાઢી બીજ એટલે ભગવાન શ્રી જગન્નાથજીની પોતાની વ્હાલી બહેન સુભદ્રા અને ભાઈ શ્રી બલભદ્ર સાથે નગર ભ્રમણ કરવાનો દિવસ. આ દિવસે આ ત્રણેય ભાઈ બહેન નગરજનોને પોતાનાં દર્શન આપવા સ્વયં નગરમાં પધારે છે. આ ત્રણેયની નગરયાત્રા એટલે જ પવિત્ર રથયાત્રા. પરંતુ આ દિવસ એટલે માત્ર રથયાત્રા જ નહીં, બીજો પણ એક ખાસ તહેવાર આજનાં દિવસે ઉજવાય છે - એ છે નવું વર્ષ. હા, બરાબર વાંચ્યું. આજે નવું વર્ષ છે, આપણાં કચ્છી માંડુઓનું. આજનાં દિવસને નવા વર્ષ તરીકે ઉજવવા પાછળ ઘણી બધી લોકવાયકાઓ પ્રચલિત છે. ચાલો, આપણે પણ જાણીએ આની પાછળ રહેલો ઈતિહાસ.


પુંજાજી ચાવડાના શાસન સમયે જામ રાયધણજીએ તેમની પાસેથી શાસન લીધું અને ગુરુ ગોરખનાથે તેમને અષાઢી બીજના દિવસે ગુરુમંત્ર આપ્યો. ત્યારથી આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું. આ બાબત સાથે વરસાદ પણ જોડાયેલ છે, જેને કેટલાંક ઇતિહાસકારો માત્ર વાતો કહે છે. આ પહેલી લોકવાયકા.


બીજી લોકવાયકા મુજબ જોઈએ તો ત્યારબાદના રાજવીઓ ભુજની સ્થાપના સમયથી આ દિવસને નવા વર્ષ તરીકે મનાવે છે. કચ્છના કુશળ શાસક લાખો ફુલાણી દેશવટો ભોગવી કચ્છ પરત ફર્યા અને તે દિવસે કચ્છમાં મનભરીને વરસાદ વરસ્યો અને તરસ્યા કચ્છના લોકો આનંદિત થઈ આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. તેના પણ ઇતિહાસમાં કેટલાક દાખલા છે.


એક સમય હતો જ્યારે કચ્છમાં રાજાશાહી સમયમાં નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી થતી, વિશાળ યાત્રા નિકળતી, રાજાને મળવા માટે દરબાર ભરાતો. આ ઉજવણી આજે ફીકી પડી છે.


દરિયાખેડુ અને ખેડૂતો પણ આ કચ્છી નવા વર્ષના ઇતિહાસ સાથે સંકળાયેલા છે. અષાઢી બીજ, કચ્છી નવા વર્ષ અંગેનો ઈતિહાસ સાથે પાણીનો મહિમા પણ જોડાયેલો છે. દરિયાખેડુઓ આ દિવસો દરમ્યાન દરિયો ખેડીને પાછા આવતા હોવાથી પણ તેમના પરિવારમાં ખુશી છવાઈ છે. તેથી પણ અષાઢી બીજને નવા વર્ષ તરીકે ઉજવાય છે. તો ખેડૂતો આ દિવસો દરમિયાન ખેતીના મંડાણ કરતા હોવાથી પણ આ દિવસ વિશેષ બને છે.


"કચ્છડો ખેલે ખલક મેં, જીં મહાસાગર મેં મચ્છ, જિત હિકડો કચ્છી વસે, ઉતે ડિયાણી કચ્છ."


આ સિવાય પણ પહેલા આ દિવસ અનોખી રીતે ઉજવાતો નવા વર્ષના નવા સિક્કા બહાર પડાતા, નવું પંચાગ બહાર પડતું, અને વિવિધ આકર્ષણો સાથે શહેરમાં નગરયાત્રા નીકળતી, દરબાર ભરાતો અને સૌ નગરજનો તેમાં ભાગ લેતા અને રાજા માટે ભેટ સોગાદો લઈ આવતા હતા. જોકે રાજાશાહી સમયની ઉજવણી આજે બંધ છે. તેમાં અષાઢી બીજના દિવસે જો વરસાદ આવે તો આ અષાઢી બીજની ઉજવણી વિશેષ બને છે.


રાજાશાહી વખતમાં અહીં ટંકશાળ હતી, જેમાં 562 રજવાડા પૈકી 13 રજવાડાંઓને જ સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી. ટંકશાળ એટલે કે જ્યાં ચલણી નાણું છાપવામાં આવે એ જગ્યા. 300 વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જૂની ટંકશાળ હતી. ત્યાં કચ્છ રાજનું તત્કાલિન ચલણી નાણું છપાતું. અને અષાઢી બીજે અહીં નવા સિક્કા બહાર પાડવામાં આવતા. એક સદી પહેલાં મહાદેવ નાકા પાસે નવી ટંકશાળ શરૂ કરવામાં આવી હતી પછી ત્યાં મામલતદાર ઓફિસ અને તિજોરી કચેરી બેસતી. આજે અહીં બોર્ડર વિંગની કચેરીઅને પેન્શનર્સોની ઑફિસ આવેલી છે.


ઉપરાંત કચ્છના રાજવી જ્યારે દિલ્હી જતા ત્યારે તેમને 17 તોપોની સલામી આપવામાં આવી હતી. ઉપરાંત દરરોજ રાજાનું લાંબું આયુષ્ય જળવાઈ રહે તે માટે બપોરે 12 વાગ્યે 1 તોપની સલામી આપવામાં આવતી. દર અષાઢી વર્ષે એટલે કે કાચી નવા વર્ષે ભુજના હૃદય સમા હમીરસર તળાવના કિનારેથી રાજા માટે 17 તોપની સલામી આપવામાં આવતી હતી.


"શિયાળે સોરઠ ભલો,
ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો,
પાંજો કચ્છડો બારે માસ"

કચ્છ હોય કે કચ્છ બહાર જ્યાં જ્યાં કચ્છીઓ વસે છે ત્યાં આ દિવસે ચોક્કસ નવા વર્ષની ઉજવણી કરે છે. ભલે પહેલા જેવી ઉજવણી આજે થતી નથી. પરંતુ વર્ષો પહેલા શરૂ થયેલી આ ઉજવણી આજે પણ થાય ચોક્કસ છે. આજે પણ લોકો એક બીજાને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે અને પ્રાર્થના કરે છે કે કચ્છડો બારે માસ રહે અને કુદરતની મહેર કચ્છ પર કાયમ રહે.


તમામ કચ્છીઓને દરેક વર્ષે આજનાં દિવસે મારી ઘણી શુભેચ્છાઓ.



આભાર

શ્રીમતી સ્નેહલ રાજન જાની.