Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 22 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 22

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 22

પડી પટોળે ભાત

         પૃથ્વીરાજ અને તારાદેવી સુખપૂર્વક જિંદગી પસાર કરી રહ્યા હતા. જ્યારે મેવાડના રાણા રાયમલને પુત્રનાં પરાક્રમો ની જાણ થઈ ત્યારે તેમણે હર્ષપૂર્વક એક દૂત મોકલ્યો.

“આપના પિતાજીએ મારી સાથે આ સંદેશો મોકલ્યો છે.” દૂતે કહ્યું. પૃથ્વીરાજે સંદેશો વાંચ્યો, “બેટા, પૃથ્વીરાજ, તેં ક્ષત્રિયોચિત વીરતા દાખવી છે. મારું નામ ઉજાળ્યું છે કુળને ગૌરવ અપાવ્યું છે. કોમલમેરનો કિલ્લો હું તારા માટે સોંપું છું. તારી ઈચ્છા થાય ત્યારે તું ત્યાં જઈને વસજે.”

 સાથે પુત્રવધુને કીમતી ભેટો અને આશીર્વાદ પણ મોકલાવ્યા. થોડા દિવસ પછી પૃથ્વીરાજે તારાને કહ્યું.

“તારા, આપણે હવે કોમલમેરમાં જઈને વસ્તુ જોઈએ.” હું પણ એ જ ચાહું છું. ત્યાં આપણે જંગલમાં મંગલ કરીશું.” “પિતાજી ,અમે હવે વિદાય થઈશું. તારાએ પિતાને કહ્યું. રાય સુરતન તો અવાચક જેવા બની ગયા. તેમને હવે સમજાયું કે તારા અને પૃથ્વીરાજથી વિયોગ પણ થઈ શકે. ભારે હૈયે તેઓ સંમત થયા.

 એક સૂર્યોદયે આ પ્રણયબેલડી પિતાની આપેલી ધનસંપત્તિ સાથે કોમલમેર જવા નીકળી પડી. કોમલમેરનો કિલ્લો જર્જરિત હતો. ત્યાંની પ્રજાએ પોતાના પરાક્રમી રાજકુમારનું મન મૂકીને સ્વાગત કર્યું. હવે પૃથ્વીરાજે કિલ્લાને સમરાવ્યો. બુરજો ઊંચા બનાવડાવ્યા. ઉંચી ઉંચી મજબુત દીવાલો વચ્ચે મનોરમ્ય મહેલ બંધાવ્યો. પ્રજા કલ્યાણના કાર્યો કરતાં આ બેલડી નો પોતાનો સમય પસાર થવા લાગ્યો. સાંજનો સમય હતો. મંદિરે દર્શન કરીને પૃથ્વીરાજ અને તારા હમણાં જ મહેલમાં પાછાં ફર્યા હતા.

બંને વાતોમાં મશગૂલ હતા ત્યાં કરતલ ધ્વનિ કરીને દાસી શીતલા પ્રવેશી. “મહારાજ, આપને અનુચર મળવા માંગે છે.” “આવવા દે.” અનુચરે આવીને પ્રણામ કર્યા. “મહારાજ, ચિત્તોડગઢથી એક સંદેશવાહક આવ્યો છે. જે આપની શીઘ્રાતિશીઘ્ર મુલાકાત ચાહે છે.”

“ એમ? જરૂર કાંઇ ચિત્તોડમાં નવાજૂની થવાની હશે. મોકલ એને.” સંદેશાવાહક આવ્યો. એ હાંફતો હતો. બહુ જ ઉતાવળથી આવ્યો હોય એમ વર્તાતું હતું. છતાંયે પ્રણામ કરવાનો વિવેક ભુલ્યો નહીં. “મહારાજ, હું વીરમદેવ, મારા પિતા સંગ્રામસિંહે આપને નમસ્કાર કહેવડાવ્યા છે.પ્રુથ્વીરાજ હસ્યા, “ઓહ, તો તમે સંગ્રામસિંહના પુત્ર છો. કહો, તમારા પિતાજીએ શો સંદેશો કહાવ્યો છે?”

“મહારાજ, ચિત્તોડગઢમાં પરિસ્થિતિ વણસી છે. યુવરાજ સૂરજમલ રાજગાદી માટે બળવો કરવા ચિત્તોડગઢ છોડી અન્યત્ર ચાલ્યા ગયા છે. સંભવ છે કે, થોડા દિવસમાં તેઓ ચિત્તોડગઢ પર આક્રમણ કરે.

.પ્રુથ્વીરાજની ભ્રુકૃટિ તણાઈ, “શી વાત? મહારાજ શું કહે છે?”

“ મહારાજ અતિ દુખી છે, બેચેન છે. સૂરજમલજીના અવિચારીપણાએ તેઓને ચિંતાના ભાર તળે દબાવી દીધા છે. આપને વારંવાર યાદ કરે છે. પિતાજીએ આપની મદદ માંગવા માટે આગ્રહ કર્યો ત્યારે તેઓ ગળગળા થઈ ગયા હતા. જાણે સંકોચનું કવચ મૌન રહેવા બાધ્ય કરતું હોય.”

“તો તો વીરમદેવ, આપણે આવતીકાલે સૂર્યોદયે પ્રસ્થાન કરીએ.” તે રાતે કોમલમેરમાં ઘણી હલચલ મચી ગઇ. આખી રાત તૈયારીઓ થતી રહી. પોતાના હજાર સૈનિકો લઈ પૃથ્વીરાજ અને તારા ચિત્તોડગઢ પહોંચી ગયા. બળવો શરૂ થઈ ગયો હતો. સૂરજમલે પોતાના વફાદાર સરદારો સાથે રાણા રાયમલ પર આક્રમણ કર્યું. ત્યાં તો બીજી બાજુથી પૃથ્વીરાજ પોતાના કટક સાથે પહોંચી ગયો. ભયંકર યુદ્ધ થયું. પૃથ્વીરાજ સામે સૂરજમલ ક્યાંથી ટકી શકે? યુદ્ધના મેદાનમાં તારા પણ તીરોના મારા વચ્ચે ધસીધસીને શત્રુ સંહાર કરતી હતી. રાણા રાયમલે જોયું કે, તારા બીકને તો જાણતી જ ન હતી. તાતા તીરો અને વીજળી જેવી તલવારોની ચમક વચ્ચે રણચંડીની માફક ફરતી હતી. રાણાને થયું આ સ્ત્રી નથી કોઈ દેવાંશી આત્મા છે.

સૂરજમલ ભાગ્યો, મેવાડ છોડી જીવ બચાવવા નાસી ગયો. પરંતુ આ યુદ્ધમાં રાણા રાયમલ ઘવાયા. આથી પૃથ્વીરાજ અને તારાને ઘણો સમય ચિત્તોડગઢ રોકાઈ જવું પડ્યું. “બેટા, તારા ઘરમાં છે એ કોઇ સામાન્ય સ્ત્રી નથી. સાક્ષાત રણ ચંડી છે.” “પિતાજી, એ તો સાચે જ વીરાંગના છે. તોંક થોડાના યુદ્ધમાં મદોન્મત હાથી ધસી આવ્યો ત્યારે હતાશ થયા વગર એણે પોતાની તલવાર હાથીની સૂંઢ માં પરોવી દીધી હતી.” પૃથ્વીરાજ બોલ્યો.

“તમને બંનેને અક્ષય કીર્તિ વરો. પિતાના અંતરના આશીર્વાદ મળ્યા. કોમલમેરે એના સ્વામી અને સ્વામિનીના સ્વાગતમાં કશી મણા ન રાખી. મહેલમાં પ્રવેશતાંજ પુષ્પોની વર્ષામાં પૃથ્વીરાજે ઊંચે ઝરૂખામાં જોયું. ત્યાં દાસી શીતલા લાલ ચટક ગુલાબો મહારાજ તરફ ફેંકી રહી હતી. મહારાજ ફાટી આંખે એની તરફ જોઈ જ રહ્યા. યૌવનના અશ્વપર બિરાજતી ગૌરાંગના દાસી શીતલા રાજરાનીના સૌંદર્યને લજવે એવી સ્વરૂપવાન હતી.

બંનેના નયનો એકબીજાને મૌનની ભાષામાં પળભરમાં કહી ગયા. “હું તને ઝંખું છું.” પરંતુ મર્યાદાની લક્ષ્મણરેખાએ વર્ષો સુધી આ વાતને ત્યાં જ થોભાવી દીધી. કોમલમેરમાં આવ્યા પછીના વર્ષોમાં પૃથ્વીરાજ અને તારાદેવીએ કેટલાંયે યુદ્ધો ખેલ્યા. પ્રદેશો જીત્યા. બંને એકબીજાના સુખ દુઃખના સાથી હતા. આનંદ-હેલીએ સમય પસાર થતો હતો. વર્ષો બાદ એક એકાંત રાત્રે પૃથ્વીરાજ અને શીતલા ભટકાઈ પડયા. એ રાતે શીતલાની ઝંખના પૂરી થઈ. એ એકાંતમાં પ્રણયની અનંત સરહદની પેલેપાર આ બંનેને પહોંચાડી દીધા. પૃથ્વીરાજ બબડ્યો. થોડી સી બેવફાઈ તો ચાલે. અને થોડા દિવસમાં શીતલા ને લાગ્યું કે પ્રણયના અંકુર પાંગરવા લાગ્યા છે. “હવે તો હકીકત બયાન કર્યા સિવાય બીજો માર્ગ નથી.” “મહારાજ, મારી દશા…..” શીતલા ગળગળા સાદે બોલી.

પૃથ્વીરાજે જોયું કે, બે માસમાં તો શીતલા દિવ્ય કાંતિ ધારણ કરી ગઈ છે. તે ધીમેથી બોલ્યો, “શુ કોમલમેરનો ચિરાગ…….”

 ધરતી પર પગના નખને નિહાળતી શીતલાએ હકારમાં મસ્તક નમાવ્યું. એટલામાં રાણી તારા નો અવાજ અથડાયો, “શીતલા મહારાજ આવે તો મને કહેજે.” “રાણીમાં, મહારાજ આવી રહ્યા છે. દોડતી આવીને દાસીએ કહ્યું. હવે તો સમયને પણ ખરેખર પૃથ્વીરાજના સુખની ઇર્ષા આવવા લાગી.

 પૃથ્વીરાજની એક બહેન હતી. એનું લગ્ન શિરોહીના કુંવર પ્રભુરાવ સાથે કરવામાં આવ્યું હતું. શિરોહીનો રાજકુંવર બદચલન હતો. શૌર્ય અને ખાનદાનીની એનામાં ભારોભાર ઉણપ હતી. પિતા રાયમલને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ આ લગ્ન માટે પસ્તાવા લાગ્યા.પરંતુ હવે શુ? પૃથ્વીરાજના હૈયે એ ધરપત હતી કે, પોતાની બહેન સહનશીલતાની મૂર્તિ હતી. એ કૂળની આબરુ માટે પ્રાણ આપી દે તેવી હતી. બહેનના ભાવિને ભાગ્યને ભરોસે મૂકીને સૌ આ વાતને વિસરી ગયા હતા.

અચાનક એક દિવસે શિરોહીથી બહેનનો ભાઇપર પત્ર આવ્યો. “મોટાભાઈ, હું અહીં દુષ્ટોના પંજામાંથી સપડાઇ છે. મારું પળે પળે અપમાન અને શોષણ થઈ રહ્યું છે. દુખોથી ગભરાઉં એવી હું નથી. પરંતુ હવે આ લોકો સીમા વટાવી ચૂક્યા છે. મારા ધૈર્યની હદ આવી ગઈ છે. એક બહેને ભાઈને ન કહેવું જોઈએ પરંતુ હું દુઃખી છું તેથી કહી રહી છું. મારા નારીત્વનું અપમાન થઇ રહ્યું છે. નારીના સન્માન જેવી વસ્તુને તો તેઓ જાણતા જ નથી. તમારી આ બહેનનું જાતિ-ગૌરવ નાશ થવા માંડ્યું છે. હું આપની પાસે દયાની ભીખ માંગું છું. જો આપ નહીં આવો તો હું મોતને ભેટીને મુક્તિ મેળવીશ. આપ મને આ નર્કની યાતનામાંથી છોડાવો. દુઃખના રેગીસ્તાનમાં હમદર્દીના બિંદુની ચાતક ડોળે રાહ જોઇ રહી છું.” પત્ર વાંચીને પુથ્વીરાજના રોમેરોમમાં અગ્નિ વ્યાપી ગયો. એણે આ પત્ર તારાને બતાવ્યો.

“અબઘડી શિરોહી જઈને આપણે નંદબાને લઈ આવીએ.” તારા બોલી. પરંતુ પોતાની બહેનની વધુ દુરાવસ્થા તારા આગળ છતી ન થાય તેવી ઈચ્છાથી પૃથ્વીરાજ બોલ્યો. “અરે આતો મામુલી પારિવારિક કલહ છે. હું જ એ પતાવીને આવી જઈશ. તારે આવવાની કાંઇ જરૂર નથી.”

“પરંતુ તમે એકલા જાઓ એ મને રૂચતું નથી.”

“કે પછી મારો વિયોગ સહેવાતો નથી. “હસતાં હસતાં પૃથ્વીરાજ બોલ્યો. પૃથ્વીરાજ શિરોહી જવા તૈયાર થયો ત્યારે તારાનો ચહેરો ખીન્ન હતો. “કોણ જાણે કેમ, તમે શિરોહી જાઓ એ મને ગમતું નથી. મારું મન ના પાડે છે. કદાચ એ મારા મનની ભ્રમણા હોય. પરંતુ તમે જાઓ છો તો શીઘ્ર જઈને પાછા આવજો. મારું હૈયું ધડકે છે. જેમ બને તેમ જલ્દી પાછા વળજો. કોઈ જોખમ તો નથીને? શિરોહીવાળાઓ ના કપટથી સાવધ રહેજો. કાયરોનું શસ્ત્ર કપટ હોય છે.

“નારે, બહેનને ઘેર ભાઈને શાનુ જોખમ? માટે મનની દુર્બળતા ખંખેરી નાખ. સાહણ સાથે છે પછી કોની મગદૂર છે. પૃથ્વીરાજનો વાળ વાંકો કરવાની?

 આમ પૃથ્વીરાજે એને મનાવી, પટાવીને, સાંત્વના આપી. પૃથ્વીરાજના ઘોડાનું નામ સાહણ હતું. એ ઘોડેસવાર થઇને નીકળી પડ્યો. જતાં જતાં વળી એના કાને તારાના શબ્દો અથડાયા.

“પરંતુ પ્રાણનાથ, હું ચાતકની જેમ તમારી રાહ જોઇશ. તમારા આવ્યા સિવાય મને ચેન નહીં પડે. જેમ બને તેમ જલ્દી પાછા ફરજો.”

“આ તારા, મેં એની સાથે થોડી-સી બેવફાઈ પણ કરી છે.” આ વિચાર આવતા એણે દૂરથી મહેલ ની બારીએ નજર કરી. બારી આગળ ઉભેલી શીતલાને જોઈ. “શીતલા, મેં પ્રેમ કર્યો છે. હું તને અને તારા ભાવિ સંતાનને એનું સ્થાન અપાવીશ.” અને પૃથ્વીરાજ શિરોહીથી આવી અવશ્ય એ બાબતે તારા ને મનાવી લેશે એવી શીતલાને પણ શ્રદ્ધા હતી. કારણ પૃથ્વીરાજ પ્રેમી હતો વાસનાખોર ન હતો.

 સહોદરાનો સ્નેહ સ્મરીને ઘોડો દોડાવતો પૃથ્વીરાજ રાત્રિએ શીરોહી પહોંચ્યો. પ્રેમનો બંધ હવે ટૂટી ગયો હતો. હૈયું બહેનને મળવા અધીરું થઇ ગયું હતું. મહેલને જોતાની સાથે જ બહેનને મળવાની ઉત્કંઠા તીવ્ર બની. એ પર્વતપુત્ર હતો. મહેલની દીવાલ પર ચઢીને બહેનના ઓરડાની બારીએ જોયું.

 શિરોહી-રાજકુમાર ખરેખર શરાબની મદહોશી માં હતો. બહેન એના ત્રાસથી કાંપતી હતી. એના પત્રની યથાર્થતા માલુમ પડી. પૃથ્વીરાજ ગુસ્સાના આવેશમાં આવી ગયો. એણે ભેટમાંથી કટાર કાઢી. શરાબના નશામાં બક્વાસ કરતા શિરોહી રાજકુમાર પ્રભુરાવને પકડ્યો.

અચાનક પોતાના મોટાભાઈને કટાર લઈને ધસી આવતાં જોઈને ચિત્તોડની રાજકુમારી સ્તબ્ધ બની ગઈ. કાંપી ઊઠી. “ના, ના, મોટાભાઈ એમને કાંઈ ન કરતા. એ મારું સૌભાગ્ય છે. મારે ખાતર માફી બક્ષો. હું આપની પાસે એમના પ્રાણોની ભિક્ષા માંગુ છું.” એ દરમિયાન પ્રભુરાવ પણ હોંશમાં આવી ગયો હતો. એણે જોયુંકે, સામે રુદ્રાવતાર પૃથ્વીરાજ ખુલ્લી કટારે ઊભો છે. પ્રાણ સંકટમાં છે. “પુથ્વીરાજજી, મારી ભૂલ માફ કરો.”

 પૃથ્વીરાજને આટલુંજ જોઇતું હતું. બનેવી પોતાની ભૂલ સમજી જાય અને સન્માર્ગે વળે એ જ એના માટે પૂરતું હતું. પરંતુ પછી વિચાર આવ્યો કે, આ શરાબીને સબક તો શિખવાડવો જોઇએ. આથી ગુસ્સામાં તેઓ બોલ્યા. “અવિચારી રાજકુમાર, તમે કેવા કુછંદે ચડી ગયા છો? ગરદન કાપી નાખો તોય ઉંહકારો ન ભરે એવી મારી બહેનની તમે કેવી હાલત બનાવી છે? એની માન, મર્યાદા અને સ્વમાનનું  ખૂન કરીને તમે એને જીવતી લાશ બનાવી છે. સાચા ગુનેગાર તો એના છો. તો તમારો હિતેચ્છુ છુ. માફી તો તમારે એની માંગવી પડશે.”

પ્રભુરાવને આ વસ્તુ તો અસહ્ય લાગી પરંતુ પ્રાણરક્ષા માટે બીજો કોઈ ઉપાય ન હતો. એણે પત્નીની માફી માંગી. પરંતુ અપમાનનો ડંખ સુષુપ્ત રીતે એના મનમાં જડાઈ ગયો.

 શિરોહીના રાજપરિવારે પૃથ્વીરાજનું ભાવભીનું સ્વાગત કર્યું. રાજકુમાર પ્રભુરાવે મહેમાનગતિ કરવામાં કશી મણા ન રાખી. નમન નમન મેં ફેર હૈ, બહુત નમે નાદાન, કુત્તા, ચોર, કમાન.

 મને કમને બે દિવસ પૃથ્વીરાજ રોકાયો. એને થયું કે, બહેનના સુખ ખાતર બે દિવસ ભલે રોકાઈ જાઉં. તારા ભલે બે દિવસ રાહ જોતી. “મોટાભાઈ.” બહેનની આંખોમાં હર્ષના આંસુ હતાં. “પૃથ્વીરાજજી, આપે મારી જીવનનૈયાને આંધીમાંથી બચાવી. મેં હવે સઘળા દૂષણો ત્યાગી દીધા છે. રાજકુમાર પ્રભુરવ બોલ્યો. “જીજાજી, તમારે શિરોહીની પ્રજાના સરતાજ થવાનું છે. તમે ભાવિ નરેશ છો. તમે પોતાની જાતને એ મહાન ગાદીને યોગ્ય બનાવો એ જ મારી અંતરની અભિલાષા છે.”

પથ ઘણો લાંબો છે. રસ્તામાં ભૂખ લાગે તો આ મીઠાઈ ખપમાં આવશે.” રાજકુમાર પ્રભુરાવે મીઠાઈ આપતા કહ્યું. પૃથ્વીરાજ બનેવીની સ્નેહાસક્તિ ભેટને કરી શક્યા નહીં. પ્રેમથી આપેલી મીઠાઈ તેમણે લઈ લીધી. પોતાની પ્રિય પત્નીને મળવા પૃથ્વીરાજે કોમલમેરના માર્ગે ઘોડો દોડાવી મૂક્યો. કાગના ડોળે રાહ જોતી તારા પોતાને નિરખીને કેટલી હર્ષિત થશે એ વિચારે એ મલકાતો હતો. મુસાફરી કરતા કરતા પૃથ્વીરાજ એક ગામની ભાગોળે આવી પહોંચ્યો. હવે એને ભૂખ લાગી હતી. એક ઝાડ નીચે બેસીને એણે મિઠાઇની પોટલી ખોલી. બનેવીના જીવન-પરિવર્તનની મધુર કલ્પના કરતો કરતો પૃથ્વીરાજ સઘળી મીઠાઇ ખાઈ ગયો. એક બાલિકા પાસે, ગામના કૂવા પર એણે પાણી પીધું અને ઘોડો દોડાવી મૂક્યો. દૂર દૂરથી એને ઊંચા કોમલમેરના કિલ્લાના કાંગરા દેખાવા માંડ્યા. તારાની કલ્પનાથી એ ખુશ થઈને ગીત લલકારવા માંડવો. અચાનક એની છાતીમાં વેદના ઉપડી. મસ્તક ચકરાવા માંડ્યું. ઘોડાને થોભાવી એક વૃક્ષ નીચે થોડો આરામ કર્યો. સારું લાગતા ફરી ઘોડાપર સવાર થઈને આગળ વધવા માંડ્યો. પરંતુ ફરીથી છાતીમાં દુખાવો ઉપડ્યો અને મસ્તક ચકરાવા માંડ્યું. પહેલાં કરતાં દર્દની માત્રા વધી ગઈ હતી. હવે પૃથ્વીરાજને ખ્યાલ આવી ગયો કે, ડંખીલા અને કપટી પ્રભુરાવે છળ આદરીને મીઠાઈમાં ઝેર નાખ્યું અને હું એ મીઠાઇ ખાઈ ગયો.

અરે રે! હું કેવો બેવકૂફ, મેં ભરોસો રાખીને મિઠાઈ ખાધી. હવે? હવે મૃત્યુ સિવાય બીજો આરો નથી.

“મારી તારા….. બિચારી શીતલા…… મારો કોમલમેરનો કિલ્લો, હે એકલિંગજી, મને ફક્ત એકવાર કોમલમેર પહોંચી જવા દો. પરંતુ ઝેરની અસર કામ કરી રહી હતી. સામે મંદિર હતું. કોમલમેર તો થોડું દૂર હતું. તે નાભાદેવ ગામના મંદિર આગળ આવી ગયો હતો. તે માંડ માંડ મંદિરે પહોંચ્યો.

“પૂજારી, પૂજારી, જલદી, જલદી દોડો. પૂજારી બૂમ સાંભળી હાફળો-ફાફળો આવ્યો. જોયું તો સ્તબ્ધ બની ગયો. “મહારાજ, મહારાજ”

“ભાઈ ઝટ કિલ્લામાં જા અને તારાને બોલાવી લાવ. મને ઝેર આપવામાં આવ્યું છે. જા ઝ્ટ ખબર આપ.”

 આટલું સાંભળતા જ પૂજારી પૃથ્વીરાજના ઘોડાપર બેસીને દોડ્યો. અર્ધબેભાનાવસ્થામાં પૃથ્વીરાજ વિચારી રહ્યો હતો. દુષ્ટ પોતાની દુષ્ટતા ક્યારેય છોડતા નથી. પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં.

આહ, તારા, તારૂં કહ્યું ના માન્યું. તને મળવાના અરમાન અધૂરાં રહી ગયા. અરે….. પ્રાણ થોભી જા, તારાને એક ક્ષણ મળી લેવા દે. શીતલા તારું શું થશે…..

 પરંતુ સમય ક્યાં કોઈની પરવા કરે છે. પૃથ્વીરાજના પ્રાણ દેહને ત્યજીને પરલોક ગમન કરી ગયા.