DHULO TO HARKHPADUDO (DTH) - 16 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 16

Featured Books
Categories
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 16

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૬


આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. જેમાં મયુરીઓ કળાકાર અને બૈજુ બાવરી મુસીબતમાં હોવાની જાણ કરી મિત્રવર્ગના પેનિક પ્રતિભાવની રાહ જોઈને જાગી રહ્યાં છે. જોકે સધકીના માસીયાઈ અમિતભાઈને માત્ર એક મહિનામાં યોગ્ય ઠેકાણે પાડવાની લગભગ અશક્ય એવી જવાબદારી કેતલા કીમીયાગારએ સ્વીકારી લઈ હાસ્યાસ્પદ હાલતમાં હલવાયો છે. હવે આગળ...


સોનકી સણસણાટ વોટ્સએપ પર સતત નજર રાખી હતી. મયુરીઓ કળાકાર અને બૈજુ બાવરી એ બંને ઓનલાઇન જ હતાં. સ્વાભાવિક છે એમને બમણી ચિંતા હતી.


એક, પોતાના ઝઘડા અને ચીસનો કોઈ પ્રતિભાવ આવ્યો નહોતો. અને બીજું, એમણે વોટ્સએપ ગ્રુપના દરેક મેરેજ વાંચ્યાં હતાં.


હવે બે શક્યતાઓ પ્રબળ બની રહી હતી. એક, આ વોટ્સએપ મેસેજ, મિત્રવર્ગની મજાક નહીં પણ સાચા હોઈ શકે. કદાચ સાચે જ મૂકલો મુસળધાર હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય. અને બાકીના મિત્રો એમણે જણાવેલી સમસ્યાઓમાં અટવાઈ ગયાં હોય. આ માનવાનું એક સબળ કારણ એ હતુ કે કોઈનો વ્યક્તિગત પ્રતિભાવ પણ આવ્યો નહોતો. એકાદ બે કોલ સિવાય બીજી કોઈ ખાસ ચહલપહલ જણાઈ નહોતી. તો બીજી શક્યતા એ હતી કે એમણે એમની આ મસ્તી પકડી લીધી હોય અને ચુપચાપ નિરુત્તર બેઠાં હોય.


બંને એક જાતના ટેન્શનમાં ચૂપચાપ એકમેક તરફ જોઈ રહ્યાં હતાં. આખરે બૈજુ બાવરીએ ચૂપકી તોડી, "કહું છું, આ લોકો ખરેખર તો કોઈ મુસીબતમાં નહીં હોયને?"


બૈજુ બાવરી એ મયુરીઆ કળાકારને આમ તો મયૂર કહીને જ બોલાવતી પણ એ જ્યારે ચિંતિત હોય ત્યારે 'કહું છું' કહીને સંબોધન કરતી. મયુરીઓ આમ કળાકાર જીવ એટલે એ આ વાત જાણતો. આમ પણ એ પોતે જ ચિંતામાં હતો એટલે એણે બૈજુનું ટેન્શન દૂર કરવા પ્રયાસ રૂપ જવાબ આપ્યો, "મને એવુ લાગે છે કે અત્યાર સુધી કોઈ નક્કર જવાબ નથી આવ્યો એટલે એમણે આપણું લોકેશન કોઈ રીતે જાણીને આપણો આ વાર ફેઇલ કરી નાખ્યો હશે. મારા અનુમાન મુજબ તેઓ આપણાં પ્રતિભાવની રાહ જોઈ હમણાં નિરાંતે જમતાં હશે."


બૈજુ હજી અસમંજસ ભરી સ્થિતીમાં અટવાયેલી હતી. એ કહી રહી હતી, "પણ જો એ લોકો હકીકતમાં મુસીબતમાં હોય તો આપણે એમને હેરાન કરવાને બદલે ફોન કરીને એમની પરિસ્થિતિ જાણવી જોઈએ."


મયુરીઆની અંદરનો કળાકાર જાગ્યો, "બની શકે, પણ એવી શક્યતાઓ વધારે નથી. એનું સાવ સિમ્પલ કારણ એ છે કે એ બધાં, એટલે કે આપણે બધાં, અલગ અલગ ઠેકાણે છીએ. જો ખરેખર આ રીતે દૂર હોવા છતાં પણ વોટ્સએપ ગ્રુપમાં કલાકેકથી કોઈ પણ મેસેજ નથી. જો ખરેખર આપણાંમાંથી કોઈ મુસીબતમાં હોય તો કમસે કમ હિરકીભાભી તો મેસેજ નાંખે જ. આનો સાદો અર્થ એ થઈ શકે કે અત્યારે એ સૌ સાથે બેઠાં છે અને આપણી ફિલ્મ ઊતારી રહ્યાં હશે."


બૈજુ બાવરી એના મયૂરની કળા પર ઓવારી ગઈ. એને ધરપત પણ થઈ. એણે મયુરીઆ કળાકારનો સાથ આપવાનું નક્કી કર્યું. એણે ટૂંકો પણ સકારાત્મક નિર્દેશ આપતો જવાબ આપ્યો, "પોઈન્ટ."


હવે બંને પક્ષ શાંતિ જાળવી સામા પક્ષની હિલચાલ પર નજર માંડીને નિરાંતે બેઠાં હતાં. પરિસ્થિતિ એવી નિર્માણ થઈ હતી જાણે મકર સંક્રાંતિ પર્વ ચાલુ છે. બંને પક્ષની પતંગ હવામાં ઊડી રહી છે. એમણે આપસમાં પતંગનો પેચ લગાડ્યો હોય અને બંને પક્ષ ભરપૂર ઢીલ આપીને બીજાનો પતંગ કપાય એની રાહ જોઈ રહ્યાં હોય એવી સ્થિતિ નિર્માણ થઈ ગઈ હતી.


જોકે મૂકલા મુસળધાર પક્ષ વધુ તાકતવર જણાતો હતો કેમ કે તેઓ બધાં એક સાથે બેઠાં હતાં જ્યારે મયુરીઓ કળાકાર અને બૈજુ બાવરી ફક્ત એકમેકની ઓથે ઉભડક જીવે આગળના ભાગમાં શું થઈ શકે એ વિચારોમાં અટવાઈ ગયાં હતાં. સધકી બેડરૂમમાં જઈ પત્તાની બે જોડ લઈ આવી.


હવે આ મિત્ર વર્ગના બે ભાગલા પડી ગયાં. સહેલી વૃંદ અને મિત્ર સભ્ય અલગ અલગ ટીમ બની ગયાં. સર્વ સહેલીઓ એક વર્તુળ બનાવી ગોઠવાઈ ગઈ તો એમના પતિ મિત્રો એક કૂંડાળુ રચીને વ્યવસ્થિત રીતે બેસી ગયા. આ સહેલીઓ બેઠક ખંડમાં સુશોભિત વિશાળકાય સોફા સેટ પર મૂકેલા, મખમલી કવર સજ્જ, ચોરસ આકારીત તકિયા લઈને સુખાકારી રીતે સેટ થઈ ગઈ. તો પુરુષ મિત્રવર્ગ એ જ સોફા સેટ પર સજાવેલા મૃદંગ આકારના આકર્ષિત ઓશિકાં પગ નીચે પીઠ પાછળ એમ આરામદાયક રીતે ગોઠવીને સેટલ થઈ ગયા.


તેઓના બંને જૂથોએ એક એક જોડી પત્તાની કેટ લઈ લીધી. સધકીએ રિમોટથી એસીનું ટેમ્પરેચર ૨૦॰ થી વધારી ૨૪॰ કરી દીધું. હવે આવન જાવન ઘટી જવાની હતી. હવે સૌ પત્તાની રમતમાં તલ્લીન થઈ જવાના હતાં. આ સહેલીઓ 'ગુલામ ચોર' નામની રમત રમતી તો એમના પતિઓ 'મંગૂસ' નામની નિર્દોષ રમત રમતા. આ એમના માટે રાત્રી રોકાણ દરમ્યાન સરસ ટાઈમ પાસ પ્રવૃત્તિ હતી.


અહીં કેતલો ચિંતિત હતો તો ત્યાં સોનકીએ ગંજીફા ચીપવા માંડ્યા હતાં. બીજી તરફ મયુરીઓ કળાકાર અને બૈજુ બાવરી અધ્ધર જીવે મોબાઈલ ફોન તરફ ટકટકી નજરે જોઈ રહ્યાં હતાં. એટલુ તો પાકકુ હતું કે પોતાના મિત્ર વર્ગની ગેમ કરવા જતાં એમની પોતાની ગેમ થઈ ગઈ હતી.


એમને એનો કોઈ છોછ નહોતો. મિત્રો વચ્ચે એવુ બધુ ચાલતુ રહે પણ એમની ચિંતા મૂકલા મુસળધારના સ્વાસ્થ્ય બાબત હતી. છેવટે બંને એ એક બીજા સામે જોયું. આંખો આંખોમાં કુતુહલ, પરસ્પર પ્રશ્ન અને ઉત્તરની આપ-લે થઈ ગઈ. બૈજુએ ભૃકુટિ ઊપર કરી પ્રશ્ન કર્યો. સામે મયુરીઆએ 'હું નહીં, તું' એવો ઇશારો કર્યો. જેના પ્રત્યુત્તરમાં બાવરીએ પાપણ વિશેષ અંદાજમાં નમાવીને એને સિગ્નલ આપ્યું, 'ઓકે.' એણે હીરકી હણહણાટને ફોન જોડ્યો.


અહીં જામેલી બાજીમાં એક મોબાઈલ રિંગે ખલેલ પહોંચાડી. એ હીરકીનો મોબાઈલ હતો. એણે મૂકલા તરફ જોઈ, જાણે મયુરીઓ અને સાંભળી ના જાય એમ ફૂસફૂસી અવાજમાં બોલી, "બૈજુ છે." મૂકલા મુસળધારે મલકાટ કરી એને ફોન રિસીવ કરવાની ના પાડી. પણ બધાંને શાંતિ થઈ ગઈ કે વધુ એક વખત મૂકલાએ સચોટ અનુમાન લગાવી એક મસ્તીની ગેમ મસ્તીથી જીતી હતી. હવે સૌના હૈયે ધરપત હતી કે મયુરીઓ કળાકાર અને બૈજુ બાવરી સલામત હતાં. ગેમ એ જ હતી પણ પાસાં બદલાઈ ગયા હતાં, શિકારી ખૂદ યહાં શિકાર હો ગયાની જેમ. મૂકલાની આ જ ખાસિયત હતી.


કળાકાર મયુરીઆએ મુકલા મુસળધારને ફોન લગાડ્યો. પછી વારાફરતી વિનીયા વિસ્તારીને, કેતલા કીમીયાગારને, ભાવલા ભૂસકાને અને અંતમાં ધૂલા હરખપદૂડાને ફોન લગાવ્યો. દર વખતે નકારમાં માથુ ધુણાવતા મૂકલાએ આ વખતે હકારમાં માથુ ધુણાવતા ધૂલાને ફોન રિસીવ કરવા ઇશારો કર્યો.


એણે ફોન સ્પીકર પર કરી, કોલ રિસીવ કર્યો પણ કાંઈ પણ બોલવાનુ ટાળ્યુ. સામેથી મયુરીઓ કળાકાર ચીસ પાડી ઊઠ્યો, "કપાતરો, ફોન કેમ નથી ઊચકતાં?" મૂકલાએ મલકાટ કર્યો એટલે સમજદાર ધૂલાએ 'બચાવ' એવી બૂમ પાડી કોલ કાપી નાખ્યો.


હવે સધકીએ બૈજુને સામેથી કોલ જોડ્યો. પછી એમની અને સાથે સાથે એ લોકોની કેમ ગેમ થઈ ગઈ એ સંક્ષિપ્તમાં જણાવી એના અમિતભાઈ કેમ લટકી ગયા એ વિશે વિશેષ રીતે સવિસ્તાર માહિતગાર કર્યા. જોકે એણે કેતનભાઈએ આ ચેલેન્જ સ્વીકારીને આવતી શનિવારીય બેઠક પહેલાં જ એમના વિવાહ યોગ્ય ઠેકાણે કરી આપનાર છે એ પણ આનંદ પૂર્વક જણાવ્યું.


બૈજુ બાવરીએ મમરો મૂક્યો, "કેતનભાઈ તો સબ બંદરના વેપારી છે. મને ખાત્રી છે કે આવતી શનિવારીય બેઠક પહેલાં નક્કી તો ઠીક પણ અમિતભાઈની સગાઈ થઈ જ ગઈ હશે. તું તૈયારીઓ શરૂ કરી દે છેડાછેડી બાંધીને ભાઈ પાસે લાગો લેવાની." એ હજી બોલતી હતી ને મીનામાસીનો ફોન આવ્યો એટલે સધકીએ ઝડપભેર કોલ કાપીને માસીનો ફોન લીધો, "માસી, અત્યારે?"


માસીનો રડમસ અવાજ આવ્યો, "સંધી, અમિતને..." એક ધ્રુસકો સંભળાયો.


શું થયુ હશે અમિતને? કોઈ તકલીફ વગર આ રીતે માસી અડધી રાતે ફોન કરે નહીં. શું એના લગ્ન લેવાશે કે કોઈ અઘટિત બનાવ બની ગયો હશે? કેતલા કીમીયાગારનો આ દાવ સફળ થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર હલ મળશે ફક્ત જોડે રહેજો અને આપણી નવલકથા 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૧૭' નું સ્વાગત કરવા તૈયાર રહેજો. આભાર (ક્રમશ...).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR)