DHULO TO HARKHPADUDO (DTH) - 18 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 18

Featured Books
Categories
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 18

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૮


આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. એ દરમ્યાન રેખાએ અમિતને મેસેજ કરી પોતાની અમેરીકા જવાની અનિચ્છા દર્શાવી હતી. આમ અમિત માટે હવે લાઇન ક્લિયર હતી છતાં પણ એની સાથે સવાર પડતાં જ વાત કરી ખુલાસો કરવાનું નક્કી થયું હતું. આમ છતાં પણ એ સમયે, એટલે કે મધરાતે, સધકીના મીનામાસી અને અમિતની માતાનો સધકી સંધિવાત પર બીજી વખત ફોન આવ્યો. હવે આગળ...


મીનામાસીનો અડધી રાતે ફરી એક વાર અચાનક ફોન આવ્યો એટલે સૌ સાથે સાથે સધકી સંધિવાત પણ ચિંતામાં પડી ગઈ. શું કોઈ ખુશ ખબર હશે કે…! સધકી સંધિવાત હજી બૈજુ બાવરી સાથે મોબાઈલ પર વાત કરતી હતી એને હોલ્ડ પર રાખી એણે પહેલાં મીનામાસીનો કોલ રિસીવ કર્યો. જોકે માનસિક અપેક્ષા પ્રમાણે સામે છેડેથી માસીનો રડમસ અવાજ આવ્યો, "સંધી, અમિતને..." વળી એક એવો જ ધ્રુસકો સંભળાયો. સધકી સંધિવાત આ વખતે ખૂબ ભાવુક થઈ ગઈ, "શું થયુ અમિતભાઈને? એમની તબિયત તો ઠીક છે ને?"


માસીએ રડતાં રડતાં નવી માહિતી આપી, "અમિતને રેખાનો ફરી મેસેજ આવ્યો છે કે અમિતભાઈ, સોરી. મારી અંગત સહેલી અમિતાને મેસેજ મોકલતા, નામની જોડણી ભૂલને લીધે અજાણતા તમને સેન્ડ થઈ ગયો. તમે મારી અડધી રાતે પણ ચિંતા કરી એ બદલ આભાર. અમ સહેલીઓ વચ્ચે આવી હળવી મજાક શનિવારની રાતભર ચાલુ જ હોય છે. આપને ફરી એક વાર સોરી. આપના નામની સમાનતાને લીધે અને અર્ધ ઊંઘમાં હોવાને લીધે આવી ભૂલ થઈ હોવાથી, હવે એ રિપીટ ના થાય માટે આપની કોન્ટેક્ટ ડિટેલ મારા મોબાઈલ ફોન પરથી ડિલિટ કરી દીધી છે. જેથી આવી ભૂલ ફરી વખત નહીં થાય એનો ખાતરી રાખજો, બાય."


આ વખતે સૌ મિત્રવર્ગ સાથે સાથે ભાવલો ભૂસકો પણ હસી પડ્યો. જોકે સધકી સંધિવાતની સ્થિતિ (હકીકતમાં મનોસ્થિતિ) કથળી ગઈ. એ વરાળ સમાન વણસી, "એ રેખલી સમજે છે શું પોતાની જાતને! ઓલા અમેરીકન ડોહલાની ડોલરિયા બીન પર ગ્રીન કાર્ડ ડાન્સ કરતી હોય તો ભલે કરે. પણ મારા અમિતભાઈને 'અમિતભાઈ' કહેવાની એની હિંમત કેમ થઈ! મારા અમિતભાઈ કાંઈ રસ્તામાં નથી પડ્યા, સમજી! મારા કેતનભાઈ, મારા અમિતભાઈ માટે છોકરીઓની લાઇન લગાડી દેશે, લાઈઈઈન."


એણે એક આશા વ્યક્ત કરતાં કેતલા કીમીયાગાર સામે જોયું. કેતલાએ ભાવલા ભૂસકા તરફ જોયુ. સધકી કેતલાનો હાવભાવ શૂન્ય ચહેરો જોઈ પ્રસ્થાપિત પરિસ્થિતિથી પરિચિત થઈ ગઈ હતી. એ ક્રોધમાં ભાવલા ભૂસકા તરફ જોઈ રહી હતી. ભાવલો ફિક્કો પડી ગયો એટલે એ ફરી બેડરૂમમાં જતી રહી.


એ બહાર આવી તો એના હાથમાં પાંચસોની નોટની એવી જ થપ્પી હતી. એક નજરે દેખતા તો એ પહેલાં કરતાં જરા તગડી જણાતી હતી. એણે એ પૈસા મુઠ્ઠીમાં દબાવી બે હાથે કાન પકડ્યાં અને બોલી, "સોરી, કેતનભાઈ. આ લઈ લોને પ્લીઝ. ડબલ કરતાં વધુ જ હશે. મેં ગણ્યા પણ નથી. પ્લીઈઈઈઝઅઅ."


જોકે કેતલાએ અપેક્ષિત રીતે કોઈ પ્રતિભાવ આપવાનું ટાળ્યુ. એ નિરપેક્ષ નજરે પોતાના હાથમાં રહેલ પત્તાને તાકી રહ્યો. ભોંઠી પડેલી સધકી સંધિવાત હવે પિતલી પલટવાર તરફ ફરી, "પિતલી, ભાવેશ તરફથી પણ હું માફી માંગું છું. કોઈ જરા કેતનભાઈને સમજાવોને, પ્લીઝ."


પિતલીએ એના સ્વભાવથી વિપરિત પલટવાર કરવાને બદલે એણે પોતે પૈસા લઈ લીધાં અને બોલી, "દોસ્તીમાં કિટ્ટા બુચ્ચા ચાલ્યા કરે. તારું કામ થઈ જશે. બસ." એ સધકીએ આપેલ પૈસા પોતાની પર્સમાં મૂકવા લાગી. જોકે એ પૈસા પિતલી પલટવારની પર્સમાં જાય એ પહેલાં કેતલો કીમિયાગાર, સધકી સનેપાતના અવાજ અને લહેકામાં ગર્જ્યો, "એ મારા પૈસા છે, લાવ અહીં." અને સૌ ખડખડાટ હસી પડ્યાં. ફરક માત્ર એટલો હતો કે આ વખતે ભાવલો ભૂસ્કો પણ એ હાસ્યમાં દીલથી જોડાયો. અને સધકીનો સંધિવાત સમયસર શમ્યો.


હવે સૌ ફરી પત્તાની રમતમાં તલ્લીન થયાં કે સધકીના ફોન પર રિંગ રણકી. એ કોલ બૈજુનો હતો. પણ જેવો એ સધકીએ સ્પીકર ઓન કરી રિસીવ કર્યો સામેથી અવાજ મયુરીઆ કળાકારનો આવ્યો, "આ શું નાટક છે? વારંવાર અચાનક ફોન કાપી પાછો ફરી કરવો નહીં, એમ થોડી ચાલે!"


સધકીએ ફરી આખી પરિસ્થિતિ એમને સમજાવી. એટલે વાત થાળે પડી. એ રાત તો હસી મજાકમાં પસાર થઈ ગઈ. પણ સૌને ખરો આનંદ તો ઓલા અમિતનો હાંસીપાત્ર ચહેરો કલ્પીને જ આવી.


*


સવારે ચા નાસ્તો કરી સૌ છૂટા પડ્યાં ત્યારે સૌની આંખો ઘેરાતી હતી. સૌને ભરપૂર ઊંઘ આવતી હતી. ફક્ત કેતલા કીમીયાગારની ઊંઘ વેરણ થઈ ચૂકી હતી. હવે તો ખૂબ આકર્ષક ઓફર મળી ચૂકી હતી, વળતર સ્વરૂપે. એટલે એના મનમાં એ એકની એક વાત ઘૂમરીની જેમ વલોવાઈ રહી હતી.


એને પિતલીના તારામાસી સતત નજર સમક્ષ દેખાતાં હતાં. આ તારામાસી હજી સુધી કોઈ સારૂ પાત્ર મળી જાય એ આશાએ હજી એક પાત્રી નાટકમાં મુખ્ય પાત્ર તરીકે અભિનય કરી રહ્યાં હતાં. જોકે સમસ્યા એ હતી કે એમની આ એકાંકીમાં નવુ પ્રકરણ ઉમેરણ થઈ શકે એવો નસીબદાર હજી એમને જડ્યો નહોતો. ટૂંકમાં હજી એમના સપનાનો માણીગર પાણીભર થયો નહોતો એટલે એમનું પાણિગ્રહણ હજી પુલકિત થવાનું બાકી હતું. ફક્ત એક જ વાત નડતર સ્વરૂપ હતી કે એમણે વન પ્રવેશ કરી લીધો હતો. એટલે એમ કહી શકાય કે એમણે અમિત કરતાં કદાચ દસેક દિવાળી વધુ જોઈ હતી. વળી એમને ઘૂંટણની તકલીફ હોઈને શ્રમજનક વ્યાયામ કરવાનો મહાવરો ન હોવાથી એમનું શરીર પીપાકાર પ્રકારે પાતાળુ થઈ ગયું હતું. આમ જોવા જઈએ તો ચાર ફૂટ ચાર ઇંચ જેવી પ્રતિષ્ઠિત ઊંચાઈ માટે સત્તાણુ કિલો વજન વધારે તો ચોક્કસ ના જ કહેવાય. આવી બધી વિચારધારાઓની ગડમથલ એના કીમીયાગાર મગજમાં કથાઓ વણતી હતી. જોકે હવે પાછળ હટવાનો કોઈ અર્થ નહોતો. એને કોઈ જૂની હિન્દી ફિલ્મનો ડાયલોગ યાદ આવી ગયો, 'યે ગુનાહોં કી દુનિયા હૈ. યહાં સબ આતે અપની મરજી સે લેકિન કોઈ યહાં સે અપની મરજી સે બહાર નહીં નીકલ પાતા.' વગેરે.


એણે પિતલીની તારામાસીને ફોન જોડ્યો. ઘણી વાર બાદ તારામાસીએ ફોન લીધો. એમના મોબાઈલ ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં આ નંબર સેવ્ડ હતો. અચાનક કેતલાનો કોલ જોઈ એ વિચારમાં પડી ગયાં. કારણ જો એમને એ માસીનું કામ હોય તો પણ પ્રિતી ફોન કરે. પણ કેતનકુમાર જમાઈનો એમને સીધો કોલ પ્રથમ વખત આવ્યો હતો.


એમણે અનુમાન લગાવ્યું કે મારા ઘરે જમવા આવવાના હશે. આ વાતની એમને સખત ચીડ એટલે એ આ આવા અકારણ સામેથી નિમંત્રણ માંગતા લોકોથી ડરતા હતાં. કેતનનો કોલ જોઈ એમણે કયો પેંતરો રચી એમને આવતા રોકવા એ નક્કી કર્યા બાદ જ એનો ફોનને જવાબ આપ્યો, "ઓ હો હો, કેતનકુમાર, આજે તો અમારા ભાગ્ય ઉઘડી ગયાં કે તમે અમને યાદ કર્યા. બોલો જમાઈ, શા સમાચાર છે?"


થોડીવાર આડી અવળી વાતચીત દરમ્યાન બંને પક્ષ કંટાળ્યા હતાં. છેવટે તારામાસીએ ડાયરેક્ટ પૂછી લીધું, "કેતનકુમાર, મને ખબર છે કે તમે ખૂબ વ્યસ્ત રહો છો અને કામકાજ વગર ફોન કરો એવા નથી. પણ વાત કરતા ખચકાટ અનુભવી રહ્યા છો. જો તમને કોઈ વાંધો ના હોય તો વાતમાં મોણ નાખ્યા વગર જણાવી દો."


"આભાર તારામાસી. તમારા શબ્દોએ મને જરૂરી હિંમત આપી છે. વાત જાણે એમ છે કે...." એ પોરો ખાવા અટક્યો, "જો તમને માઠું ના લાગે તો જ વાત કરૂ."


"બોલો. વાતને હોરર ફિલ્મોની જેમ રહસ્યમય બનાવવાને બદલે બેધડક જણાવો." અંદરથી ક્રોધિત તારામાસી મહા મહેનતે પોતાની જાત પર કાબુ રાખી રહ્યા હતાં.


હવે કીમિયા અજમાવવા માટે યોગ્ય સમય આવી ગયો હોઈ કેતલાએ ધડાકો કર્યો, "માસી, હું તમારે માટે માસા શોધી લાવ્યો છું." એ એક શ્વાસે બોલી ગયો.


એક ચીસ સંભળાઈ, "શું?" તારામાસી હેબતાઈ ગયાં.


શું તારા અને અમિતની જોડી જામશે? જો તારામાસી ગુસ્સે થઈ ગયાં તો કેતલો કોઈ નવો કીમીયો અજમાવી શકશે? શું કેતલો કીમિયાગાર અમિતના લગ્ન કરાવી આપવાની સ્વીકારેલ ચેલેન્જ પ્રમાણે ગોઠવણ કરી આપશે? આપના દરેક સવાલનો જવાબ મળશે, ફક્ત જોડે રહેવા વિનંતી. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૧૯ તથા આગળના દરેક ભાગ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).