Chhotubhai Purani in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | છોટુભાઈ પુરાણી

Featured Books
Categories
Share

છોટુભાઈ પુરાણી

છોટુભાઈ પુરાણી

ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા, સ્વતંત્રતા સેનાની અને સાહિત્યકાર એવા છોટુભાઈ પુરાણીનો જન્મ ૧૩ જુલાઇ ૧૮૮૫ના રોજ તેમના મોસાળ ડાકોર ખાતે બાલકૃષ્ણ નરભેરામ પુરાણી અને પ્રસન્નલક્ષ્મીને ત્યાં થયો હતો. તેમના માતા તેઓ માત્ર બે વર્ષની વયના હતા, ત્યારે મૃત્યુ પામ્યા હતાંએમણે પ્રાથમિક શિક્ષણ ડાકોર ખાતે લીધું હતું. પછી તેઓ પિતા સાથે જામનગર ગયા હતા અને ત્યાં એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા હતા. ઇતર પ્રવૃત્તિઓમાં ઘેલું લાગવાને કારણે તેઓ ઇન્ટરમાં પાસ થઈ શક્યા ન હતા અને આથી અમદાવાદ છોડી વડોદરાની કોલેજમાં દાખલ થયા હતા. ત્યાંથી તેઓ મુંબઈની કોલેજમાંથી જીવવિજ્ઞાનના સ્નાતક થયા હતા અને નારાયણ વાસુદેવ પુરસ્કાર મેળવ્યો હતો. તેમના લગ્ન ઇ.સ. ૧૯૦૨માં નડિઆદમાં ચંચળલક્ષ્મી સાથે થયા હતા. તેમના નાના ભાઇ અંબુભાઈ પુરાણી મહર્ષિ અરવિંદના અનુયાયી અને સ્વતંત્રતા સેનાની હતા.

૧૯૦૮માં તેમણે વડોદરામાં ગુજરાતની સૌ પ્રથમ વ્યાયામ શાળા 'શ્રી લક્ષ્મીનાથ વ્યાયામશાળા' શરૂ કરી હતી. તેમના ભાઈ અંબાલાલ પુરાણી સાથે મળીને તેમણે ગુજરાતમાં વિવિધ સ્થળોએ અખાડાની સ્થાપના કરી હતી. ૧૯૧૦માં તેઓ લાહોરની દયાનંદ એંગ્લો વૈદિક કોલેજમાં જીવવિજ્ઞાનના અધ્યાપક તરીકે જોડાયા. આ દરમિયાન તેઓ પંજાબના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા હતા.૧૯૧૬માં તેઓ વડોદરા પરત આવ્યા હતા. ૧૯૧૮માં તેમણે ભરૂચમાં કેળવણી મંડળની સ્થાપના કરી અને નાગરિકો માટે ઉદ્યોગ દ્વારા કેળવણીનો પ્રયોગ શરૂ કર્યો. તેઓ રમત દ્વારા કેળવણીના ચુસ્ત હિમાયતી હતા. ૧૯૩૭માં અમદાવાદમાં તેમણે કાંકરિયા તળાવ પાસે વ્યાયામ વિદ્યાલય શરૂ કરેલું. રાજપીપળામાં તેમણે સૌપ્રથમ વ્યાયામ દ્વારા સ્નાતક થવાનો અભ્યાસક્રમ ધરાવતી કોલેજની સ્થાપના કરી હતી.

તેમણે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય પણે ભાગ લીધો હતો. ૧૯૦૮માં તેઓ ક્રાંતિકારીઓના સંગઠનમાં જોડાયા હતા. ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે ૧૯૩૦ની સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લીધો હતો અને કારાવાસમાં ગયા હતા. ૧૯૪૦ના વ્યક્તિગત સત્યાગ્રહમાં તેમણે ભાગ લીધો અને ૧૯૪૨ની હિંદ છોડો ચળવળમાં ભૂગર્ભમાં રહી વ્યાયામ પ્રવૃત્તિના યુવકોને માર્ગદર્શન આપીને ભાંગફોડની પ્રવૃત્તિની દોરવણી કરી હતી. તેમણે બ્રિટિશ સરકાર સામે ચળવળ માટે રાજદ્રોહ નામની પત્રિકાનું સંચાલન કર્યું હતું.તેઓ સામાજિક સુધારણા, અસ્પૃશ્યતા નિવારણ, ગ્રામોદ્વાર, કેળવણી, સમાજસેવા જેવી સામાજીક પ્રવૃતિઓમાં જીવનભર સંકળાયેલા રહ્યા હતા.

તેમણે વ્યાયામ પ્રવૃત્તિની સાથે સાહિત્ય સર્જન પણ કર્યું હતું. જે આ મુજબ છે: ઉષ્મા (૧૯૦૭),આર્થિક દ્રષ્ટિએ વનસ્પતિ શાસ્ત્ર (૧૯૧૨),મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ (૧૯૧૭),ગુજરાતી વાચનમાળા (૧૯૨૫),પ્રાકૃતિક ભૂગોળ (૧૯૨૫),હિન્દનો પ્રાચીન ઇતિહાસ (૧૯૩૨)

તેમનું અવસાન ૨૨ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ મુંબઈ ખાતે થયું હતું. વડોદરા ખાતે અકોટા વિસ્તારમાં આવેલ રમત-ગમતના મેદાનને ‘શ્રી છોટુભાઈ પુરાણી પેવિલિયન’નામકરણ કરવામાં આવેલ છે.

રાજપીપળામાં તેમણે સ્થાપેલી કોલેજને તેમના અવસાન પછી ‘છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય’ નામ અપાયું હતું. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ તરફથી 1950ની સાલમાં ભરૂચ જિલ્લાના રાજપીપળા મુકામે સ્થપાયેલી ગુજરાતની સૌપ્રથમ શારીરિક શિક્ષણ તાલીમી સંસ્થા. તેના સ્થાપક પ્રખર વ્યાયામ પ્રવર્તક શ્રી છોટુભાઈ પુરાણી હતા. તેમનું અવસાન થતાં તેમની પુણ્ય સ્મૃતિ રૂપે આ સંસ્થા સાથે તેમનું નામ જોડાયેલું છે. રાજપીપળા જેવા નિસર્ગસુંદર સ્થળે આવેલા આ વિશાળ રમતગમત સંકુલમાં 73.10 હેક્ટર જેટલા જમીન વિસ્તારમાં પથરાયેલાં વિવિધ રમતો માટેનાં સુસજ્જ ક્રીડાંગણો – 400 મી.નો સિન્ડર ટ્રેક, આકર્ષક બાલવાટિકા, વિવિધ શિક્ષણસંસ્થાઓ માટેનાં વિશાળ મકાનો, સુવિધાયુક્ત છાત્રાલયો, અજોડ વ્યાયામભવન, અદ્યતન મનોરંજન ખંડ, ઓપન ઍર થિયેટર, સુસજ્જ તરણકુંડ, સમૃદ્ધ પુસ્તકાલય વગેરે વિવિધ સગવડો વિકસેલી છે. અહીં 1905થી રાજ્ય સરકારમાન્ય શારીરિક શિક્ષણનો પ્રમાણપત્ર (સી. પી. એડ્.) અભ્યાસક્રમ, 1959થી સરકારમાન્ય શારીરિક શિક્ષણનો ડિપ્લોમા (ડી. પી. એડ્.) અભ્યાસક્રમ તથા 1985થી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાન્ય શારીરિક શિક્ષણનો ડિગ્રી (બી. પી. ઈ.) અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. 1993થી શારીરિક શિક્ષણમાં અનુસ્નાતક (એમ. પી. ઈ.) અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે અને એ રીતે રાજ્યની શિક્ષણસંસ્થાઓને હજારોની સંખ્યામાં નિષ્ણાત, નિષ્ઠાવાન અને તાલીમબદ્ધ વ્યાયામશિક્ષકો પૂરા પાડનાર સૌથી પીઢ અને પ્રગતિશીલ તાલીમી સંસ્થા તરીકે તે પ્રસિદ્ધિ પામેલી છે. અત્રે ચાલતી શારીરિક શિક્ષણની ડિગ્રી કૉલેજ સમગ્ર ગુજરાત રાજ્યમાં એક જ છે.

ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાની સાથે સાહિત્યકાર અને ખાસ વ્યાયામ પ્રવૃતિના પ્રણેતા શ્રીછોટુભાઈ પુરાનીને જન્મજયંતીએ શત શત વંદન.