Festivals, students and parents in Gujarati Moral Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | તહેવારો, વિદ્યાર્થીઓ અને વાલીઓ

Featured Books
Categories
Share

તહેવારો, વિદ્યાર્થીઓ અને વાલીઓ

લેખ:- તહેવારો, વિદ્યાર્થીઓ અને વાલીઓ.
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.


આપણો ભારત દેશ મહાન છે એનાં સંતો, ફકીરો અને વિવિધતાને કારણે. અહીં સર્વધર્મ સમભાવ પ્રમાણે દરેક ધર્મને પૂરતું સન્માન આપવામાં આવે છે. દરેક તહેવારો હળીમળીને ઉજવવામાં આવે છે. ઘણી બધી ખુશીઓ અને ઉમંગો લઈને આ તહેવારો આવે છે. રંગેચંગે તહેવારોની ઉજવણી થાય છે. દરેક તહેવારના પાછા પકવાન જુદાં!


હવે વિચારો કે આપણો મનગમતો તહેવાર આવી રહ્યો હોય અને એ જ સમયે બાળકની પરીક્ષાઓ પણ હોય તો? દુઃખ લાગે, ખરું ને? એમ જ વિચાર આવે કે, "આ તહેવારના ટાણે ક્યાં સ્કૂલવાળાઓ પરીક્ષા ગોઠવીને બેઠાં? એમને કંઈ ભાન છે કે નહીં?" પણ શું એ વિચાર નથી આવતો ક્યારેય કે પરીક્ષામાં બાળકો પાસેથી વધારે ગુણ લાવવાની અપેક્ષા પણ વાલીઓ જ રાખતાં હોય છે? તહેવારો તો તિથિ પ્રમાણે જ્યારે આવવાનાં ત્યારે આવવાનાં જ છે - ક્યારેક વહેલાં તો ક્યારેક મોડા!


જ્યારે પરીક્ષાઓ તો નક્કી જ હોય છે કે આ મહિને આવશે જ! તો શા માટે આપણે પરીક્ષાની જાહેરાત થાય, એનું સમયપત્રક અપાય અને પછી સ્કૂલ પર દોષારોપણ કરવા મોકો શોધીએ? શું બાળકને વર્ષનાં પહેલાં દિવસથી જ ન ભણવા માટે પ્રેરી શકીએ? તહેવારોની ઉજવણીમાં બાળક ભાગ પણ લઈ શકે અને એનાં ભણતરને પણ અસર નહીં થાય એની જવાબદારી વાલી તરીકે આપણી જ બને છે! વર્ષની શરૂઆતથી જ જે બાળક અભ્યાસની તૈયારી કરે છે એ તમામ તહેવારો ખૂબ જ સારી રીતે માણે પણ છે અને ખૂબ જ સુંદર પરિણામ પણ મેળવે છે. ઉપરાંત, અગાઉથી તૈયારી કરી હશે તો પરીક્ષાના સમયે જો એને કંઈ પણ થશે તો એની એનાં પરિણામ પર અસર નહીં થાય.


બાળકોને તહેવારો સમયે શાળામાં રજા પડાવી ફરજીયાત તહેવારના નિયમો પળાવવાનો કોઈ અર્થ નથી. એનાં બદલે બાળકને એ તહેવારનું મહત્ત્વ સમજાવો. શા માટે એ તહેવાર ઉજવવામાં આવે છે એ સમજાવો. દરેક તહેવાર પાછળ રહેલું ધાર્મિક અને વૈજ્ઞાનિક સત્ય સમજાવો. નહીં તો જેવું ગણેશજીનાં તહેવાર વખતે થાય છે એવું જ થશે - બાળકને માટે એ દસ દિવસ એટલે મંડપમાં બેસીને ફિલ્મોનાં ગીતો સાંભળવા. આ ધર્મ નથી કે નથી તહેવારની ઉજવણી. આ જ રીતે નવરાત્રિ દરમિયાન પણ જો પરીક્ષા હોય તો જાણે શું મોટો અપરાધ કર્યો હોય સ્કૂલવાળાએ(!) એવું વર્તન કરાય છે વાલીઓ તેમજ બાળકો દ્વારા! માતાજીની ભક્તિ કરવા માટે મોડી રાત સુધી ગરબે ઘૂમવું જરૂરી નથી, જરુરી છે સાચી શ્રદ્ધાથી એક કલાક ગરબા રમવા!


ભણતર અને તહેવારો - બંને વચ્ચે તાલમેલ ત્યારે જ બેસશે જ્યારે બાળકને એમનાં માતા પિતા દ્વારા બંને માટે માનસિક રીતે તૈયાર કરવામાં આવશે. ભણતરમાં તહેવાર અને તહેવારમાં ભણતર ક્યારેય આડા આવતાં નથી, આડા આવે છે તો બસ આળસ, કામચોરી અને વગર જોઈતા બહાનાં. દરેક બહાનું વ્યક્તિને સફળતાથી દૂર લઈ જાય છે. જેટલું નાની ઉંમરથી બાળકને જૂઠું બોલતાં કે બહાના આપતાં શીખવાડીએ એટલું જલદી એ માનસિક રીતે નબળું પડવા માંડે. કોઈ પણ વિપરિત પરિસ્થિતિનો સામનો કરવા માટે એ બાળક ક્યારેય તૈયાર નહીં થાય.


તહેવારોનો આનંદ કારકિર્દી જોખમમાં મૂકીને ક્યારેય લૂંટી ન શકાય. તહેવારો તો આપણી સંસ્કૃતિ છે અને શિક્ષણ આપણું જીવન! બંને જ જીવનમાં જરુરી છે. એક સુખી જીવન જીવવા માટે ભણતર જરુરી છે કે જેથી છેક જ મજૂર જેવું જીવન ન જીવવું પડે અને પોતાનાં બાળકો તેમજ પરિવારનાં અન્ય સભ્યોનું યોગ્ય જતન કરી શકીએ, બાળકોને પણ યોગ્ય શિક્ષણ અપાવી શકીએ. માટે શિક્ષણ પણ લો અને સંસ્કૃતિ પણ માણો.


આભાર.


શ્રીમતી સ્નેહલ રાજન જાની.
શિક્ષિકા: વી. એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલ.
સુરત.