Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 73 books and stories free download online pdf in Gujarati

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 73

 દિલ્હી દરબારમાં રાજ રાજ્યસિંહજીનો પંજો.

સાંજનો સમય હતો. ભગવાન શંકરના મંદિરના પૂજારીનો મધુર પણ પહાડી લય ધરાવતો કંઠ પ્રાર્થના કરી રહ્યો છે.

ચૂડોત સિત ચારૂચંદકલિકા ચં ચં ચ્છિ ખા ભાસ્વરો

લીલાવગ્ઘ વિલોલકામ શલભ: શ્રેયોદશાગ્રેસ્ફુરન

અંત: સ્ફજદ પાર મોહ તિમિર પ્રા. ભાર મુરચાટ્ય

શ્ચેત: સહયાનિ યોગિમાં વિજયે જ્ઞાન પ્રદીપો હર::

દૂર દૂરથી બે અશ્વારોહી આવી રહ્યા હતા. એક હતા હળવદના ઝાલાવંશીય રાજવી રાજ રાઘસિંહજી બીજા હતા તેમના મહેમાન, કોઇ રાજ્યના રાજકુમાર.

“કુમાર, અમારા પૂજારી ભારે વિદ્વાન. આ શ્ર્લોકો ભર્તુહરિના વૈરાગ્ય શતકના છે. એમાં ભગવાન શંકરનો અપૂર્વ મહિમા વ્યક્ત કર્યો છે. ભુર્તહરિ કહે છે. જેમની જટાઓમાં ચંચળ અને ઉજ્જવળ ચંદ્રની કળા શોભાયમાન છે. જેમણે કામદેવરૂપી પતંગને લીલાપૂર્વકજ ભસ્મ કરી નાખ્યો. આવા કલ્યાણ કરવાવાળાઓમાં અગ્રગણ્ય તથા ભક્તોના અંત:કરણના મોહરૂપી અંધકારને દૂર કરવાવાળા અને જ્ઞાનના પ્રકાશને ફેલાવનાર ભગવાન શંકર યોગીઓના હૈયામાં વાસ કરે છે.”

કુમારને રાજવી પ્રત્યે અહોભાવ જાગ્યો. ભગવા વસ્ત્રો માત્રશોભાના પરિધાન કર્યા ન હતા પણ ખરે જ તેઓ ભગવાનના રંગે રંગાયા હતા.

“કુમાર, હળવદ નગરની સ્થાપના થઈ તે પહેલાં અહીં એક નાનકડું ગામ હતું અને ગોલોકેશ્વર મહાદેવનું આ પ્રાચીન મંદિર હતું. એની પ્રાચીનતા વિશે સ્વયં પૂજારી પણ અજાણ છે. એમના પૂર્વજોની ઘણી પેઢીઓ આ મંદિરની પૂજા કરતા વીતી ગઈ છે. કહે છે કે, એમના એક વડવાએ આ અપૂજ મંદિરને જંગલથી ઘેરાયેલું જોયું અને ભક્તિના ઘેનમાં પૂજા કરવા માંડી. કેડી પડી. લોકો આવવા જવા લાગ્યા. નાનકડું ગામ વસ્યું.”

મંદિર આવી ગયું. દર્શન કર્યા અને બંને પાછા ફર્યા.

“મહારાજ, આ હળવદ ક્યારે વસાવ્યું?” કુમારે કુતુહલતા પ્રગટ કરી.

મહારાજ હસ્યા. “કુમાર એની પણ એક સુંદર ઘટના છે. એક દિવસે રાજોધરજી શિકારે નીકળ્યા. આ જગ્યાએ આવતા એમણે એક સુંદર દ્રશ્ય જોયું. તેઓ પસાર થતા હતા ત્યાં તો એક જગ્યાએથી સસલો આવ્યો અને ઘોડાની સામે થયો.

રાજોધરજી નવાઈ પામ્યા. તેજસ્વી તોખારની સામે સસલો થાય? આ ધરતી દેવતાઈ લાગે છે.

એમણે આ વાત મહારાજ વાઘોજીને કરી. સન ૧૪૮૮ માં વાઘોજીએ ઝાલાવંશની રાજધાની તરીકે સ્થાપના કરી.

“કુમાર આ ભૂમિમાં અનેક શૂરવીરો થઈ ગયા. સતીઓ થઈ ગઈ. અહીં ઠેકઠેકાણે આપણે જે પળિયા જોઇએ છે, ડેરીઓ જોઇએ છીએ તે આ શૂરવીરો અને સતીઓની છે.” રાજા રાયસિંહે કહ્યું.

“મહારાજ, આપણે ક્ષત્રિયો શૂરવીરતામાં અજોડ છીએ પરંતુ સંગઠનના અભાવે આપણો સમ્રાટ કોઇ રાજપૂત નહિં, મોગલ છે. આજે યુગમાં મહારાણા પ્રતાપ જેવી હસ્તી રાજપૂતાનામાં હોવા છતાં આ સ્થિતિ?”

“કુમાર, સૌથી વધારે આજ બાબત કઠે છે. છતાં બીજું એક પરિબળ એ છે કે, અકબરશાહે જે રીતે રાજપૂતોને મિત્રો બનાવ્યા તેથી મહારાણાની તરફેણમાં જતાં અચકાયા. મને જ મકનભારથીએ કેદ કરીને બાદશાહને સોંપ્યો અને બાદશાહે બંધુની માફક જાળવ્યો. આ ગુણો અલબત્ત મહારાણામા છે પરંતુ હિંદના બીજા રાજપૂત રાજાઓમાં છે? અને નાના રાજાઓના સદ્‍ગુણો મોટા બાદશાહોની ઉદારતા સામે કયાં ગણાય છે?”

“હવે તો અકબરશાહ અને મહારાણા વચ્ચેનો જંગ શાંત છે. વણલખી સંધિ જેવું છે. છેલ્લા ચાર વર્ષથી રાજપૂતાનામાં કોઇ યુદ્ધ નથી.”

“કુમાર, એ પણ મોગલ સમ્રાટની રાજનીતિ છે.”

****************

         હળવદ નરેશ ઝાલા રાયસિંહજી શૌર્યવાન, શીલવાન ઝાલા વંશના પ્રતાપી રાજવી હતા. ઇ.સ. ૧૪૮૮ માં વીર વાઘોજીએ હળવદની સ્થાપના કરી. તેમના પછી રાજોધરજી, રાજોજી, માનસિંહજી અને હાલ રાજા રાયસિંહજી શાસન કરતા હતા.

         કાઠિયાવાડના આ રાજવીની વગ બાદશાહ અકબર સુધી હતી. તેઓના જીવનની પાનખર ચાલતી હતી. તેમનિ યુવાનીમાં, તેમણે ભલભલાનો અહંકાર ઓગાળી નાંખ્યો હતો.

         હાલ તો યુદ્ધો, રાજખરપર અને સાંસારિક મોહમાયામાંથી ભક્તિ તરફ તેમણે મન પરોવી લીધુ હતું. તેઓએ ભગવા વસ્ત્રો ધારણ કરવાની ટેક લીધી હતી. વિશાળ ભાલ, પડછંદ કાય, મોટી મોટી લીંબુની ફાડ જેવી આંખો,  અણીદાર નાક,  સંસ્કારી મુખ, વિનમ્રતાપૂર્ણ ચહેરો,  એ રાજર્ષિ કરતાં બ્રહ્મર્ષિ વિશેષ લાગતા હતા.

ઇ.સ. ૧૫૯૩ ની સાલ હતી.

જીવનવનમાં પ્રવેશી ચૂકેલા રાજવીને ઉંઘ ઓછી આવતી. રાતના પાછલા પહોરે તેઓ જાગી જતા. મહેલની અટારીએ ઉભા રહી સમગ્ર નગર તરફ દ્રષ્ટિપાત કરી લેતા. સાચા પિતા, સાચા રાજવી એ જ કે, જેની પ્રજા નિરાંતે સૂતી હોય અને રાજા જાગતો હોય. રાતના બીજા પ્રહરે તેઓ જાગી ગયા. પ્રભુનું ધ્યાન ધર્યું. થોડીવાર પછી બેચેની લાગતા રાજમેહલની અટારીએથી ક્ષિતિજ તરફ, દૂર દૂર મીટ માંડી ચાંદનીરાતના ગગનની અનેરી શોભા નિરખવા માંડ્યા.

વિચારોમાં ડૂબેલા રાજવીને પોતાનો ભૂતકાળ યાદ આવ્યો.

કચ્છના રાવ ખેંગારજીના નાનાભાઇ સાહેબજી સાથે માળિયા આગળ ઇ.સ.૧૫૭૦ માં યુદ્ધ થયું. આ યુદ્ધમાં સાહેબજી મિત્રના મૃત્યુનો પ્રતિશોધ લેવાના પ્રત્યત્નમાં વીરગતિ પામ્યા. રાજા રાયસિંહજી પણ ઘાયલ થયા. ઘા જીવણેલ હતો.

યુદ્ધનું કારણ મામુલી હતું.

ધ્રોળ નરેશ જસોજીની ભગિની હળવદ પરણાવી હતી. ઝાલા રાજવી માનસિંહજી સાથે થયા હતા. હાલએ ભગિનીનો વીરપુત્ર રાયસિંહજી હળવદ નરેશ હતો.

ભગિનીના મૃત્યુ બાદ ભાણેજ પર જસોજીનો પ્રેમ દિગુણિત વધી ગયો. ધ્રોળ નરેશે પોતાના નગરને શણગારીને ભાણેજ રાયસિંહજીનું ભાવભીનું સ્વાગત કર્યું, મન મૂકીને ભાવભીનો આવકાર આપ્યો. બંને રાજવી શતરંજની રમત રમતા દિવસો પસાર કરતા હતા.

એક દિવસે શતરંજની રમત બરાબર જામી હતી ત્યાં તો રમતમાં ભંગ પડ્યો. ધ્રોળના પાદરે ડંકા વાગ્યા.

ધ્રોળ નરેશનો મિજાજ હાથથી ગયો. મગજ તપી ગયું. આંખોમાં રતાશ ઘસી આવી. “નગરના પાદરે ડંકા કોણ વગાડે છે? તપાસ કરાવો?”

હાંફતો હાંફતો સિપાહી સમાચાર લાવ્યો કે, પોતાની જમાત સાથે મહંત મકનભારથીએ ધ્રોળના પાદરે પડાવ નાખ્યો છે, ડંકો એમના તરફથી વાગે છે.

નરેશનો સઘળો ક્રોધ લોપ થઈ ગયો. તેઓ બોલ્યા. “સાધુની જમાતના ડંકા છે. ભલે વાગે.”

ભાણેજે પ્રશ્ન કર્યો. “મામાશ્રી, જો બીજા કોઇ રાજવીના ડંકા હોત તો?”

“તો એના નગારા તૂટી જાય? ધ્રોળના પાદરે બીજા રાજવીના નગારાંના ડંકા વાગે એ વાત બને ખરી?” મૂછેવળ દેતા જસોજી બોલ્યા. ધ્રોળ નરેશના અવાજમાં ક્રોધ મિશ્રિત અહંકાર હતો.

રાજ રાયસિંહ આ વખતે મહાપ્રયાસે મૌન સાધી શક્યા. હળવદ પાછા ફર્યા. “ધ્રોળના રાજવીનો મદ ઉતારવોજ જોઇએ.” રાજ રાયસિંહજી વિચારવા લાગ્યા. પછી એમણે ધ્રોળ નરેશનો અહંકાર ઉતારવા માટે સૈનિક તૈયારી કરવા માંડી.

ધ્રોળના પાદરે, હળવદની સેના સાથે રાજ રાયસિંહ આવી પહોંચ્યા.

ડંકાનિશાન ગોઠવાયા. તેની ચારે બાજુ સેના ગોઠવાઈ. રાજ રાયસિંહે આદેશ આપ્યો. “ડંકા વગાડો. જોરથી વગાડો.”

“મહારાજ, ગજબ થઈ ગયો. રાજ રાયસિંહ સેના સાથે પધાર્યા છે અને તેઓના આદેશથી ડંકા વાગી રહ્યા છે.”

સમાચાર આપનારે જ્યારે આ કહ્યું ત્યારે ધ્રોળ નરેશ સંકટમાં પડી ગયા. પછી પોતાના સેનાપતિ સાથે કહેણ મોકલ્યું. “રાયસિંહજી, આ નાદની તમે કેમ આદરો છો? મુર્ખામી ના કરો. ડંકા વગાડવા બંધ કરો. નહિ તો નિરૂપાયે તોડી નાખવા પડશે.”

“આપની ટેક પ્રમાણે ડંકા તોડવા પધારો.”

જબરૂં યુદ્ધ થયુ. જસોજીને એક સચોટ ઘા વાગ્યો અને તેઓ વીરગતિ પામ્યા. તેમના પુત્રને ગાદી સોંપી રાજ રાયસિંહજી પાછા ફર્યા.

આ પરાજયની વાત જસોજીના ચારણે સાહેબજીને કરી.

“ચેતનહારા ચેત. મિત્ર કમોતે મરી ગયો;

સાહેબજી સરદાર! મૂંગો શું બેસી રહ્યો?

સાહેબજી મિત્રના મૃત્યુનો બદલો લેવા રણે ચડ્યો એ પણ રણમાં રોળાયો, રાયસિંહજી સેના સાથે હળવદ જવા રવાના થયા.

********************

         હિંગળાજ માતાના દર્શન કરી મકનભારથી પોતાની જમાત સાથે વતન જઈ રહ્યા હતા. હરદ્વાર તરફ.

         “ગોસાંઈજી, તમારા ડંકાએ તો રાજા.......... અને કચ્છના મહારજકુમાર સાહેબજીના પ્રાણ રોળાયા, બે યુદ્ધો ખેલાયા.” એક ચારણે મકનભારથીને સંપૂર્ણ વાતકરી.

         મહંત મકનભારથી વિચારવા લાગ્યા. અરેરે! મારા ડંકાને લીધે આટલી બધી માનવહત્યા? રાજ રાયસિંહે શા માટે આટલો બધો રક્તાચાર કર્યો? મારે પણ રાજ રાયસિંહજીને બોધપાઠ શીખવવો જોઇએ. ધર્મની આડમાં કેવું ખતરનાક ઝનૂન?

         રાજ રાયસિંહજીની છાવણી થોડે દૂર જ હતી. મનનો ભાવ છુપાવીને તેમણે રાજાની છાવણીમાં સંદેશો મોકલાવ્યો, “વાહ! ક્ષત્રિયવટના રખેવાળ, તમારી શૂરવીરતાથી મને અત્યંત આનંદ થયો છે. આપનું શૌર્ય મને પ્રસન્નતા પ્રેરે છે. તમારા ઘાની મને અત્યંત ચિંતા થાય છે. હું આ ઘાથી સ્વાસ્થ્ય સાંપડે તે માટે, માતા હિંગળાજનો પ્રસાદ મોકલી રહ્યો છું. બીજી એક અગત્યની વાત છે. હું ઘા રૂઝાવાની અક્સીર દવા જાણું છું. જો થોડા દિવસ આપ મારી પાસે રહેશો તો ઘાવ રૂઝાઈ જશે.”

         મહંતના પ્રેમભર્યા વચનોએ રાજવી મહાત થયો. જમાતમાં જઈને બેઠા. બંને વચ્ચે લાંબી ધર્મચર્ચા ચાલી.

         મહંતના વચનોમાં ભરોસો મૂકી પોતાના બંધુઓ સહિત સેનાને હળવદ રવાના કરી. “તમે રાજધનીએ પહોંચો. હું થોડા દિવસ ગોસાંઈજી સાથે રજીશ.” રાજ રાયસિંહે પરોક્ષ આદેશ આપ્યો.

         મહંતની જમાત આગળ ચાલતી હતી. પાલખીમાં રાજ રાયસિંહ આરામથી આગળ જઈ રહ્યા હતા. થોડો સમય વીતી ગયો.

         એક સવારે, ચાલતી પાલખીમાં, રાયસિંહજી સામે ગુરૂ સાભરી આંખો કાઢી મહંત મકનભારથી બોલ્યા, “રાજવી, તેં જસોજી અને સાહેબજીના પ્રાણ લીધા. હવે તું મારી કેદમાં છે.

         ક્ષણાર્ધમાં જ રાજ રાયસિંહજી સમજી ગયા કે પોતે મહંતની ચાલબાજીમાં આબાદ સપડાઈ ગયા છે. સખત ધાના કારણે ગોસાંઈજી સામે પ્રતિકાર કરવો પણ અસંભવ હતો.

         જમાત આગ્રા પહોંચી. ગોસાંઈજીએ રાજ રાયસિંહજીને બાદશાહ અકબરને હવાલે કર્યો. બાદશાહે હળવદનું રાજ્ય પોતાને હસ્તક લીધુ ને ત્યાં મોગલ પ્રતિનિધિ રાજકારોબાર ચલાવવા લાગ્યો.

         ઇ.સ. ૧૫૭૦ ની સાલ હતી.

         અકબરશાહ રાજપૂતોને પોતાના મિત્રો બનાવવા માંગતો હતો. રાજપૂતાનાના ઘણાં રાજવીઓએ તેની સર્વોપરિતા સ્વીકારી હતી. આમેરના રાજપૂત કછુવાહા રાજા ભારમલની સૌન્દ્રર્યવતી પુત્રી જોધાબાઈ સલ્તનતની મલિકા હતી. તેનો પુત્ર, શાહજાદો સલીમ સૌને અત્યંત પ્રિય હતો.

         અકબરશાહ ગુજરાત તરફ આકર્ષાયા હતા. તે નાનો પરંતુ ઘનાઢ્ય પ્રાંત હતો. આથી ગુજરાતના એક નાના રાજ્યના રાજવીને પણ પોતાને ત્યાં માનપાન સાથે રાખ્યા.

         મિત્ર રાયસિંહ, “રાજખટપટ તો હોયજ. તમે મારી રાજધાનીમાં નિરાંતે રહી જાઓ. જ્યારે ખાનખાનાન ગુજરાત તરફ જશે ત્યારે અમે તેમની સાથે તમને મોકલીશું. તમારૂં રાજ્ય પરત કરીશું” સાહે કહ્યું હતું.

         રાજ રાયસિંહના ઘા રૂઝાવા માટે ખાસ હકીમની જરૂર હતી. ખુદ શહેંશાહે પોતાના ખાસ હકીમને તેમની તહેનાતમાં મૂકી દીધા. પરિણામે બે અઢી વર્ષના ગાળા દરમિયાન તેઓના તમામ ઘા પર રૂઝ આવી ગઈ. તેઓ પૂર્ણ સ્વસ્થ થયા.

         ઇ.સ. ૧૫૭૩ ની સાલ હતી. ગુજરાત પર મોગલ વિજય થઈ ચુક્યો હતો. દરબારે-અકબરીમા, એક દિવસે, રાજ રાયસિંહે બાદશાહને વિનંતી કરી, “જહાંપનાહ, હવે હળવદ યાદ આવે છે. હું પૂર્ણ સ્વસ્થ થયો છું. આપ મારૂં રાજ્ય પરત કરશો તો હું આપનો જિંદગીભર ઋણી રહીશ.”

         શહેનશાહ અકબર હસ્યા. તેમને હાલ મિત્રોની વધારે જરૂર હતી.

         “રાજ રાયસિંહજી, બહાદુરો પ્રત્યે મને અનેરૂ માન છે. રહીમ ખાનખાનાન થોડા દિવસોમાં ગુજરાત રવાના થવાના છે. તેઓ જાતે, તમારી રાજધાનીમાં આવીને તમને સત્તા સોંપશે.” અકબરશાહ બોલ્યા.

         થોડા દિવસ પછી રાજા માનસિંહ તેઓને મળવા આવ્યા.

         “રાજ રાયસિંહજી, શહેનશાહ રાજપૂતોને મિત્રો બનાવવા માંગે છે. ભારતના રાજકીય ક્ષિતિજે પરિસ્થિતિ બદલાઈ છે. ગયે વર્ષે જ, મેવાડમાં ઉદયસિંહ મૃત્યુ પામ્યા અને પ્રતાપ મહારાણા બન્યા. તેઓએ સ્વતંત્રતાની અહાલેક જગાવી છે. હું હાલ ગુજરાતથી, મેવાડ થઈને અહીં આવ્યો છું. મેવાડમાં તેમની મુલાકાત લઈને આવ્યો છું. મને લાગે છે કે, મેવાડીઓ અને મોગલો વચ્ચે થોડા વર્ષોમાં જ ભયાનક સંઘર્ષ ખેલાશે. હું ધારૂં છું કે આપ બાદશાહના મિત્ર બની ચૂક્યા છો. આપ સામે પક્ષે ન હો એવી અપેક્ષા વધારે પડતી તો નહિ હોય ને?

         રાજ રાયસિંહજી હસ્યા અને બોલ્યા, “માનસિંહજી બાદશાહનો મહેમાન બન્યો ન હોત તો મહારાણાના પક્ષે, અવશ્ય મોગલો સામે આવ્યો હોત પરંતુ હવે મારી નિષ્ઠા કર્ણ-નિષ્ઠ બની ગઈ.”

         બંને રાજપૂત વીરો હસી પડ્યા. ભેટી પડ્યા.

(૨)

         ખાનખાનાન અબ્દુલ રહીમ ગુજરાતના મનસબદાર બનીને રાજ રાયસિંહજી સાથે હળવદ પહોંચી ગયા.

         હળવદની પ્રજાએ આ અનેરા પ્રસંગને મુક્તમને ઉજવ્યો. હળવદની પ્રજાના હૈયામાં બાદશાહ વિષે આદર પેદા થયો. અહીં રાજ રાયસિંહજીની વિચારમાળા અટકી. તેઓ ખૂબ ભ્રમિત હતા. રાત્રિનો અંતિમ પ્રહર શેષ હતો. પથારીમાં પોઢતાની સાથેજ નિદ્રા આવી ગઈ. થોડા દિવસો વળી પસાર થઈ ગયા.

         ગોલોકેશ્વર મહાદેવના મંદિરમાંથી અવાજ આવતો હતો. પૂજારીના કંઠે ભગવાન શંકરની પ્રાર્થના ગવાઈ રહી હતી. ભગવા વસ્ત્રો ઘારણ કરેલા રાજવી સાધુ લાગતા હતા અને છતાં મુખનું તેજ તો રાજવંશી હતું.

         વાહ! કેવો સુંદર શ્ર્લોક? ભોગીને રોગનો ભય, કુલીનને પતનનો ભય. ધનવાનને રાજાનો ભય. માનીને દૈન્યભય, બળવાનને શત્રુનો ભય, રૂપને લુંટાવાનો ભય, શાસ્ત્રને વાદનો ભય, ગુણને ખલનો ભય અને શરીરને યમનો ભય હોય છે. આ રીતે તો મનુષ્ય સર્વ પ્રકારે ભયથી ઘેરાયેલો છે. પરંતુ ભગવાન શંકરના ચરણોમાં જે બેઠો તે નિર્ભય છે. આપની શરણમાં આવેલો જ નિર્ભય રહે છે.”

         રાજવીએ પૂજારીના ચરણોમાં મસ્તક નમાવ્યું.

         “આપનો હંમેશા જય હો, વિજય આપના કદમોમાં હો.”

****************

         હળવદનો દરબાર ભરાયો હતો. ઉચ્ચાસને રાજ રાયસિંહજી બિરાજમાન હતા. એક બ્રાહ્મણે પ્રવેશ કર્યો.

         “મહારાજ હું નિર્ધન છું. મારી દીકરીના લગ્ન માટે...”

         ખજાનચી, ભૂદેવની દીકરીના લગ્ન માટે વ્યવસ્થા કરી આપો.

કેટલાક વેપારીઓ પ્રવેશ્યા.

“મહારાજ, અમે ઘોડાના સોદાગર છીએ.”

અશ્વ પરીક્ષક રાજકુમારને ઘોડા ખરીદવાનું કામ સોંપવામાં આવ્યું. એક કેદી રજૂ કરવામાં આવ્યો.

“મહારાજ, આ કેદી એક ગામમાં ઘરમાં ઘૂસી એક સ્ત્રી સથે...”

આવા દુષ્ટને રાજની અંધારી કોટડીમાં પૂરી દો. બરાબર છ માસ પછી એનો ન્યાય થશે.

આમ મહારાજ રાજકાજ પતાવતા હતા ત્યાં મોગલ શહેનશાહનો દૂત આવ્યો. દૂતે રાજવીને વળીવળીને વંદન કર્યા અને બાદશાહનો પત્ર સ્વહસ્તે રાજવીના હાથમાં મૂક્યો.

એ પત્ર એક આમંત્રણ-પત્રિકા હતી. બાદશાહે દિલ્લી દરબારમાં પોતાના જન્મોત્સવનું ભવ્ય આયોજન કરાવ્યું હતું. રાજા રાયસિંહજીને મિત્ર તરીકે પધારવા ભાવભીનું આમંત્રણ હતું.

સમય, પાણીના પ્રવાહની માફક ઝડપભેર વહી ગયો. ઇ.સ. ૧૫૯૩ ની સાલ આવી પહોંચી.

બરાબર વીસ વર્ષે પણ બાદશાહે રાજ રાયસિંહને યાદ કર્યા.

અફઘાનીસ્તાન, બંગાળ, બિહાર, કાશ્મીરના લાંબા યુદ્ધો પછી પોતાના મહાન સેનાનીઓ સાથે બાદશાહ દિલ્લી આવી પહોંચ્યા હતા.

આ દરમિયાન બાદશાહે ફત્તેહપુર સીકરીથી આગ્રા અને ત્યાંથી દિલ્હી રાજધાની બદલી હતી.

વિજયો તો બાદશાહ અકબરે ઘણાં હાંસલ કર્યા હતા પરંતુ એકાએક દિલ્હીમાં આરામ કરતા કરતા બાદશાહને વિચાર આવ્યો કે, દક્ષિણ ભારતના રાજ્યોને મોગલ સલ્તનતમાં ભેળવવા માટે, ભવિષ્યમાં સંઘર્ષ અનિવાર્ય બનશેજ. આથી પોતાના સામ્રાજ્યની શક્તિનું પ્રદર્શન કરવા તેઓએ, પોતાની ૫૧મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કર્યું.

આમ તો, ૧૩ વર્ષની વયે ગાદીનશીન થનાર બાદશાહ ૫૧ વર્ષની વયે શિથિલ જણાતા હતા. મોઢું કરચલીઓથી ભરાઈ ગયું હતું. પરંતુ તુષ્ણા કહેવાય કોને? એ તો વય વધવા સાથે, ઘટવાને બદલે તરૂનજ બનતી જાય છે એમ કેમ?

એનુ રહસ્ય તો કબીર પણ જાણતા ન હતા.

મન મરે, માયા મરે,

         મર મર જાયે શરીર,

આશા તૃષ્ણા નહિં મરે,

         કહ ગયે દાસ કબીર.

રાજા રાયસિંહજીએ દિલ્હી પ્રસ્થાન કર્યું. મિત્રના બોલને રાખવાની વેળા હતીને? રાડ પડે રાજપૂત છૂપે નહિ.

દિલ્હીનગરીને નવવધુની માફક શણગારવામાં આવી હતી. મોગલ દરબાર હીરા-માણેકથી ઝગમગતો હતો. માનવ રત્નોથી શોભતો હતો. વિશ્વના શ્રેષ્ઠ ચિત્રકારોની કળા કામે લાગી હતી. ફૂલોની ખુશ્બૂ અને વારાંગના ઓના રૂપથી દરબારમાં એક માદક વાતાવરણ છવાઈ ગયું હતું. શાહજાદો સલીમ નવજુવાનીમાં આવી ગયો હતો. એના ઇશ્કની ચર્ચાઓમાં આખાયે સામ્રાજ્યમાં ચર્ચાતી હતી. ટેકલાક તો એવું કહેતા કે, લોકો બાદશાહ કરતાં વધારે તો શાહજાદાને જોવા આવ્યા હતા. કેટલાક ચહેરા કાળના ગર્ભમાં વિલીન થઈ ગયા હતા. પરંતુ સમય સમયને કોણ રોકી શકે? અત્યારે તો રાજા માનસિંહ બાદશાહનો જમણો હાથ હતો.

કવિઓ, કળાકારો, વારંગનાઓ, ગવૈયાઓનો ઝમેલો જામેલો હતો. હિંદભરના રાજવીઓ પધારવાના હતા.

આજનો મોગલ દરબાર અદ્વિતીય બની રહે તે માટે શાહી ખજાનો ખુલ્લો મુકાયો હતો. સૌએ તન, મનથી પરિશ્રમ કર્યો હતો.

અતિથિઓ આવીને, બાદશાહને અભિવાદન કરીને પોતાનું સ્થાન ગ્રહણ કરતા હતા. એવામાં રાજ રાયસિંહજી પણ હર્ષોલ્લાસ સાથે પધાર્યા. અબ્દુલ રહીમ ખાનખાનાને તેઓને જોયા. તેઓ ઝડપથી આગળ વધ્યા અને પ્રવેશદ્વાર બહાર જઈ ભેટી પડ્યા ને ચાલ્યાગયા.

રાજ રાયસિંહજીએ પ્રવેશદ્વારમાં પગ મૂક્યો તે વેળા બાદશાહની નજર તેમના પર પડી. દ્રષ્ટિ મળતાં જ હાસ્યની આપલે થઈ. સંકેત અપાઈ ગયો કે, “જહાંપનાહ, હું આવી ગયો છું.”

એજ સમયે, ચારણે મોટા અવાજે પ્રશસ્તિવચન પોકાર્યા. ઝાલાવંશના કૂળદીપક, ગો બ્રાહ્મણ પ્રતિ પાળક, સાધુચરિત મહાન રાજવી, જેમની કીર્તિ ચારે દિશાઓમાં ફેલાઈ છે તે રાજ રાયસિંહની, બાદશાહના પરમ મિત્ર દરબારમાં પધારે છે.”

દિલ્હીનો એક મલ્લ દરવાજા પાસે ઉભો હતો. એણે રાજ રાયસિંહજીના ભગવા વસ્ત્રો અને દાઢી જોયા. આ પહેલવાન કુશ્તીમાં અજોડ ગણાતો. અત્યારસુધીમાં તેણે દિલ્હી, આગ્રા, અલ્હાબાદ, મથુરા, અજમેર, ક્યાંયે હાર ખાદી ન હતી. જ્યાં કુશ્તી જામતી ત્યાં વિજય તેને જ મળતો. આથી તેનામાં ખુમારી વધી ગઈ હતી. એણે અટ્ટહાસ્ય કરતાં કહ્યું. “આવો સાધુ તે હળવદનો રાજા હશે? અને તેની કીર્તિ ચારે દિશામાં ફેલાતી હશે? આ તો બાવો લાગે છે સામાન્ય બાવો.”

પહેલવાન ખડખડાટ, હસવા લાગ્યો.

રાજ રાયસિંહે પહેલવાન તરફ જોયું. તેઓ શુદ્ધ રાજપૂત હતા. તેમના હૈયામાં ગુસ્સો ઉમટ્યો. પરંતુ સંયમની પાળે,  વિચારવા લાગ્યા.

“આ પહેલવાન મૂર્ખ લાગે છે. ગમે તેમ લવારો કરી, ખોટું પરિણામ ભોગવવા તૈયાર થયો છે.”

તેઓ બોલ્યા, “પહેલવાન, તું તારી ઝબાન કાબુમાં રાખ કોને માટે, શું બોલે છે એનું તને લગીરે ભાન નથી. તું તારી ખેરિયત ચાહતો હોય તો ચૂપ થઈ જા. તે કાયા વધારી છે પણ બુદ્ધિ નહિં.”

પરંતુ પહેલવાનના મસ્તકે તો શક્તિનું ભૂત સવાર હતું. વિજયનો મદ છલકતો હતો. આવા રાજા તો દિલ્હીના બજારોમાં સેંકડો રખડતા હતા. આ સાધુ શું કરી લેવાનો હતો? આમ વિચારી તે તોછડાઈથી બોલ્યો. “તારા જેવા સાધુથી હું ડરતો નથી. વધારે ગરબડ કરીશ તો મારા હાથના એક જ મુક્કાથી માર્યો જઈશ.”

વાત વિવાદે ચઢી.

રાજ રાયસિંહજીએ તેને મલ્લકુશ્તી માટે પડકાર્યો. મદાંધ પહેલવાને પોતાની તાકાતના નશામાં રાજ રાયસિંહજીને ધક્કો માર્યો. બીજો કોઇ માનવી હોત તો ભોંયભેગો થઈ જાત. પરંતુ રાજ રાયસિંહ સહેજ ડગી ગયાને પળમાં સાવધ થઈ ગયા. અત્યારસુધી મલ્લપર દયા કરવાનો વિચાર હતો. પરંતુ હવે સમગ્ર બદનમાં લોહી ગરમ થઈને દોડવા માંડ્યું.

મોગલ દરબારમાં શસ્ત્રહીન દશામાં આવવાનો રિવાજ હોવાથી રાજ રાયસિંહ પાસે પોતાનું ખડગ ન હતું નહિં તો મલ્લની ગરદન ક્યારનીયે કપાઈ ચૂકી હોત.

રાજ રાયસિંહજીએ હાથનો એવો તો જોરદાર ધક્કો માર્યો કે, પહેલવાન જબરદસ્ત આંચકા સાથે જમીનપર પછડાયો અને તત્ક્ષણ એના પ્રાણ નીકળી ગયા. રાજ રાયસિંહજીના હાથનો ધક્કો દિવાલને પણ વાગ્યો ને દરબાર ખંડની દિવાલનો પથ્થર પણ મોટા અવાજ સાથે બહાર નીકળી ગયો. આ બળ જોઇએ સર્વને નવાઈ લાગી.

શહેનશાહ અકબરે રાજ રાયસિંહજીને અભિનંદન આપ્યા. દરબારમાં તેમના શૌર્યની પ્રશંસા કરવામાં આવી.

અપની ઔકાતસે જો બાહર જાતા હૈ, ઉસકા યહી અંજામ હોતા હૈ, રાજ રાયસિંહજી હમારે બહુત બડે સુરમા હૈ.

તે જ વખતે, ખૂણામાં બેઠેલો ચારણ બોલી ઉઠ્યો,

હથલ રાયા સંગરી! દિલ્લી રે દરબાર.