Hitopradeshni Vartao - 35 in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | હિતોપદેશની વાર્તાઓ - 35

Featured Books
Categories
Share

હિતોપદેશની વાર્તાઓ - 35

35.

એક નગરમાં જીર્ણધન નામે વાણિયો રહેતો હતો. મા બાપ મરી ગયા પછી એ એકલો જ હતો. લોખંડના માલ સામાનનો વેપાર. નગર નાનું એટલે એનો વેપાર ખાસ ચાલતો નહીં. ઘરાકી બહુ જ ઓછી હતી. એણે વિચાર્યું કે આના કરતાં કોઈ મોટા શહેરમાં જઈ વેપાર કરીશ તો થોડા પૈસા ભેગા કરી શકીશ પણ આ દુકાન અને એના સામાન નું શું કરવું ?

અચાનક એને સામેની દુકાનવાળાનો વિચાર આવ્યો. એના પાડોશીના સંબંધે એને કાકા કહેતો. કાકાની પણ મોટી દુકાન હતી પોતાની દુકાન અને માલ સામાન કાકાને સોંપવાનો વિચાર જીર્ણધને કર્યો. એ એમની પાસે ગયો અને કહે "કાકા, અહીં મારા ધંધામાં બરકત નથી એટલે હું પરદેશ જાઉં છું. ત્યાં થોડા વર્ષો રહી , કમાઈ, પછી અહીં આવી આરામથી રહીશ. પણ મારી આ દુકાન અને સામાન નું શું? દુકાન તો તાળું મારીને રાખી મુકાય પણ સામાન એમ પડી રહે તો કટાઈ જાય. તમે કોઈ વ્યવસ્થા કરી શકો?"

"જો ભાઈ, તારી દુકાનમાં બિનજરૂરી ઘણો સામાન હશે. એ તાત્કાલિક લેનાર કોણ મળે? મારી પણ એટલી શક્તિ નથી કે બધો સામાન હું ખરીદી લઉં. તું બધો સામાન દુકાનમાં રહેવા દે. કોઈ ઘરાક આવશે તો હું વેચી નાખીશ અને બચેલો માલ રહેવા દઈશ."

" હા કાકા, એમ જ કરું. તમે આ દુકાનનો સામાન જોઈ લો. નાનો નાનો પરચુરણ સામાન તો ખાસ નથી, લોખંડ ખૂબ જ છે. એક બે જાતનો સામાન છે. ઘરાકને યોગ્ય કિંમતે વેચી દેજો. આ દુકાન અને સામાન થાપણ રૂપે તમારી પાસે."

"અરે એ શું બોલ્યો? ભાઈ, એ તો મારી ફરજ છે. તું નિરાંતે પરદેશ જા. ધન કમાઇને તું આવીશ ત્યારે તારી થાપણ તને પાછી આપીશ."

આમ જીર્ણધન તો બધું આ કાકા ને સોંપી પરદેશ કમાવા ગયો. પરદેશમાં એનું નસીબ જામ્યું એટલે સારું એવું કમાયો અને જોત જોતામાં દસ વર્ષ વીતી ગયાં. તેણે લગ્ન પણ કર્યાં અને તેને બે પુત્રો પણ જન્મ્યા. એને કમાયેલા ધન અને ઘર સંસારથી સંતોષ થયો એટલે માતૃભૂમિ યાદ આવી. તેણે વિચાર્યું કે ચાલ, એક આટો ગામમાં મારી આવું અને મારી દુકાન સામાનનો નિકાલ પણ કરતો આવું. જીર્ણધન પોતાને ગામ આવ્યો. પોતાનું ઘર તો હતું નહીં. સીધો કાકાને ઘેર ગયો. કાકા એને જોઈ ચમક્યા. પછી ખુશ થવાનો દેખાવ કરી એને આવકાર આપ્યો. જીર્ણધને થોડી વાતો કરી પોતાના સામાનની વાત પૂછી. સામાનની વાત નીકળતાં શેઠ બોલી ઉઠ્યા " અરે ભાઈ, તું ગયો પછી તો ગજબ થઈ ગયો. એક દિવસ વહેલી સવારે ગામમાં ઉંદરોના ટોળા આવી પહોંચ્યાં. જ્યાં જુઓ ત્યાં ઉંદર. આ દુકાનમાં તો માણસો સુતા હતા એટલે ઉંદરોને ભગાડી મૂક્યા પણ તારી દુકાનમાં કોઈ હતું નહીં. ઉંદરોનું મોટું ટોળું તારી દુકાનમાં ગયું હશે. સવારે જોઉં તો આખી દુકાન ખાલી. તારું બધું લોઢું ઉંદરડાઓ ખાઈ ગયેલા. મને થયું કે તું આવીશ ત્યારે તને શો જવાબ આપીશ? પણ હું શું કરું? મારા માણસોને તારી દુકાનનું ધ્યાન રહ્યું નહીં.

જીર્ણધન મનમાં સમજી ગયો કે કાકા ની દાનત ખોરી થઈ છે. ઉંદર વળી લોઢું ખાતા હશે? કાકો બધો માલ વેચી એના પૈસા હજમ કરી ગયો છે. હવે વડીલની સામે તો બોલાય નહીં.

તે ધીમેથી બોલ્યો "કંઈ વાંધો નહીં. મારા નસીબમાં નુકસાન લખાયું હતું તો તમે શું કરી શકો? ચાલો કાંઇ નહી."

"મને પણ બહુ દુઃખ થાય છે ભાઈ. પણ શું કરવું? નસીબમાં હોય તો રહે.ચાલ સ્નાન કરી આવ. પછી આપણે જમવા બેસીએ." કાકાએ વાત બંધ કરી.

જીર્ણધન સ્નાન કરવા જાય ત્યાં શેઠની આઠ વર્ષની બાળકી રમતી રમતી આવી. તેણે પૂછયું કે આ કોણ છે?

કાકા કહે આ મારી નાની દીકરી વીણા.

" વાહ. વીણાબેન, મારી સાથે નદીએ આવશો? હું તમને ત્યાં ગરમ ગરમ જલેબી અપાવીશ."

" હા. ચાલો મને જલેબી બહુ ભાવે છે. ત્યાં ગંગુ હલવાઈની દુકાને જલેબી બહુ સરસ મળે છે."

" ચાલ ત્યારે. આપણે જઈએ."

" કાકા, હું નદીએ સ્નાન કરી આવું. વીણાને પણ ફેરવતો આવું."

" ભલે." કહી કાકા નિરાંતે બેઠા.

જીર્ણધન વિણાને લઈ નદી કિનારા તરફ ગયો. રસ્તામાં એના જુના મિત્ર નું ઘર આવતું હતું ત્યાં એણે વીણાને બેસાડી અને ખાવાનું આપ્યું. મિત્રને કાનમાં બધી વાત સમજાવી અને વીણાને પોતે લેવા આવે નહીં ત્યાં સુધી સંતાડી મૂકવાની સૂચના આપી. પછી તે એકલો જ નદીમાં નહાવા ગયો. એણે નદીમાં સ્નાન કર્યું. એણે જોયું તો નદી કિનારે મોટા મોટા બગલા ઘણા હતા. એણે અચાનક બૂમાબૂમ કરી મૂકી. "અરે દોડો દોડો. કોઈ બચાવો. આ છોકરીને બગલા ઉપાડી ગયા. બચાવો બચાવો".

એની બૂમાબૂબ સાંભળી બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા અને કૌતુકથી જોવા લાગ્યા. એમાં એકે પૂછ્યું "બગલા ક્યાં છે? એટલો મોટો બગલો મેં જોયો નથી કે છોકરી ઉપાડી જાય."

" અરે ભાઈ, એ છોકરી અહીં બેઠી ગંગુ હલવાઈને ત્યાંથી લાવેલી જલેબી ખાતી હતી ત્યાં બે મોટા બગલા આવ્યા અને એના બે હાથ ચાંચમાં પકડી ઉડી ગયા. નદી કિનારે હો હા મચી ગઈ. જીર્ણધન ત્યાં માથે હાથ દઈ બેઠો. વાત ઉડતી ઉડતી શેઠ ના કાને ગઈ. એ દોડતો ત્યાં આવી પહોંચ્યો. એને જોઈ જીર્ણધને રડતાં રડતાં કહ્યું ,"કાકા, ગજબ થઈ ગયો વીણા અહીં બેઠી બેઠી જલેબી ખાતી હતી ત્યાં બે બગલા એને ચાંચમાં ઉપાડી ઉડી ગયા."

"મૂર્ખ ,બગલા કંઈ આઠ વર્ષથી છોકરીને ચાંચમાં ઉપાડી શકતા હશે ? "

"હું સાચું કહું છું. મેં મારી નજરે જોયું છે."

" ન હોય. લુચ્ચા, મારી દીકરીને તેં ગમે ત્યાં સંતાડી છે. બતાવ, નહીં તો હમણાં કોટવાલને કહી તને પકડાવી દઈશ."

" કાકા, હું ખોટું નથી બોલતો. મારે તમારી દીકરીને સંતાડવાની શું જરૂર?"

" તું એમ નહીં માને. મારે તને સીધો કરવો પડશે." કહી શેઠે એને ધમકીઓ આપી પણ જીર્ણધન મક્કમ રહ્યો એટલે શેઠ એને કોટવાલ પાસે લઈ ગયા. કોટવાલે પણ એને ધમકાવ્યો પણ કાંઈ વળ્યું નહીં. તેને ન્યાયાધીશ પાસે લઈ ગયા. ન્યાયધીશ કહે "જીર્ણધન, તું કહે છે કે શેઠની આઠ વર્ષની છોકરીને બે બગલા ઊંચકી ગયા. પણ એ શક્ય છે ? બગલા છોકરીને ઊંચકી શકે?" "નામદાર, આ બનાવ તમને કૌતુક જેવો લાગે છે પણ મારી અને શેઠની વચ્ચે તો કૌતુક ભર્યા બનાવો બન્યા જ કરે છે." "એટલે શું?"

" નામદાર , શેઠને હું લોખંડના સામાનની દુકાન સોંપી પરદેશ ગયો હતો. આજે આવીને શેઠને પૂછ્યું તો એ કહે મારો લોખંડનો સામાન ઉંદરો ખાઈ ગયા. હવે જો ઉંદરો લોખંડ ખાઈ શકતા હોય તો આઠ વર્ષની છોકરીને બગલા ઉપાડી ન શકે?"

આ વાત સાંભળી શેઠ બધી વાત સમજી ગયો. એણે ત્યાં જ જીર્ણધનની માફી માગી. એનો લોખંડનો સામાન વેચીને જે પૈસા મળ્યા હતા એ આપવાનું કબૂલ્યું અને તરત જ જીર્ણધન પોતાના મિત્રને ત્યાં જઈ વીણા ને લઈ આવ્યો.

આમ તેણે જેવા સાથે તેવા થઈ લુચ્ચા શેઠની શાન ઠેકાણે આણી.