Tribhuvan Gand - 21 books and stories free download online pdf in Gujarati

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 21

૨૧

જગદેવ વિદાય લે છે!

ત્રિભુવનપાલ અને જગદેવ બંને અંદરના ખંડમાં જયસિંહદેવ સાથે ગયા હતા. અંદરનો ખંડ વટાવી રાજા બહાર નીકળ્યો. બંને જણા એની પાછળ-પાછળ ચાલ્યા. 

બહાર મોટું મેદાન હતું. મેદાનની ચારે તરફ ઊંચા ઘાટાં વૃક્ષો આવી રહ્યાં હતાં, મેદાનમાં શું છે એ બહારથી ખબર પડે તેવું ન હતું. મેદાનને છેડે, સામે, ઝૂંપડા જેવું કાંઇક દેખાતું હતું. એ તરફ બોલ્યાચાલ્યા વિના રાજા આગળ વધ્યો.

ઝૂંપડા પાસે સૌ પહોંચ્યા. ત્યાં આગળ એક મોટી લાંબી શય્યા ઉપર કોઈક સૂતેલું લાગ્યું. રાજાને દેખીને શય્યા ઉપરથી, અંધારામાં એક મોટી, જાડી, ઊંચી ભયંકર આકૃતિ ઊભી થતી જણાઈ.

‘બાબરો છે. ત્રિભુવન!’ સિદ્ધરાજે કહ્યું.

બાબરો ઘણુંખરું, પાણખાણમાં રહેતો; હમણાં આંહીં આવ્યો હોય તેમ લાગ્યું, ત્રિભુવન એની સામે જોઈ રહ્યો. કોઈ શૂન્ય સ્થિર  યંત્ર ઊભું હોય એમ એ ઊભો હતો. દેખીતી રીતે આ નિવાસ એને રુચતો હોય તેમ લાગ્યું નહિ. પણ એનામાં પોતાની ઈચ્છા જેવી વસ્તુ રહી ન હોય તેમ જણાયું.

‘બાબરા! ક્યાં રાખેલ છે તેં! થઇ ગયું?’ સિદ્ધરાજે એને પૂછ્યું.

બાબરો જવાબમાં યંત્રવત્ નીચે નમ્યો. પછી તેણે ઝૂંપડાની પાછળ જવાની નિશાની કરી.

જયદેવ ઝૂંપડાના પાછળના ભાગ તરફ ગયો. જગદેવ અને ત્રિભુવન તેની પાછળ ચાલ્યા.

ઝૂંપડાની પાછળ એક ગોખલામાંથી સાદો દીવાનો પ્રકાશ આવી રહ્યો હતો. 

જગદેવ ને ત્રિભુવન જોઈ રહ્યાં. જયસિંહ એક ઘડીભર ન માનતો હોય તેમ આશ્ચર્યમાં ત્યાં સ્થિર ઉભો રહ્યો, એના ચહેરા ઉપર એક ક્ષણભર ઊંડો આત્મસંતોષ દેખાયો. એની પાસે પગ આગળ હંસવિમાન પડ્યું હતું. પોતે ઉડ્યો હતો એમાં અનેક નવી રચના કરી બાબરાએ એને અદભુત બનાવ્યું હતું.  

‘ત્રિભુવન! આ જોયું! હંસવિમાન?’

ત્રિભુવન અને જગદેવ બંનેએ હાથ જોડ્યા: ‘મહારાજ! અમે સાંભળ્યું હતું, માનતા ન હતા.’

બંનેમાંથી એકને આમાં ખાસ રસ લેતા જયદેવે જોયા નહિ. એ વાત એમને રુચિ નહિ એ સિદ્ધરાજ સમજી ગયો. પોતે પણ પહેલી લાગણી શમી જતાં કાંઈ વિચારમાં પડી ગયો.

મેદાનમાં થતા અવાજે , ચારે તરફ ઝાડની ઘટામાં છુપાયેલા ચોકીદારોને જાગ્રત કરી દીધા લાગ્યા. પણ મહારાજે એક તાળી પાડી ને તરત બધે શાંતિ પથરાઈ ગઈ. જયદેવ એક પળભર સ્તબ્ધ બનીને આ વસ્તુને જોઈ રહ્યો. આ સિદ્ધિ આંહીં હતી; એના સુભટ્ટ ત્રિભુવનપાલને અને બીજા અનેકને એમાં નિર્બળ રાજપૂતીનો ધ્વંસ જણાતો હતો; એ સાચું કે ખોટું? એના મનમાં ઘડીભર ગડભાંગ થઇ રહી. આ મહાન સાધન – કદાચ ભવિષ્યમાં આ સાધન મહાન રહે, ને પોતે કાંઈ જ ન રહે, એમ એમાંથી ન થાય: ત્રિભુવન પણ રજપૂતીનો રંગ ઊડી જશે એમ કહી રહ્યો હતો – એનો આ જ અર્થ હતો નાં?

‘ત્રિભુવન!’ અચાનક સિદ્ધરાજે એના ખભા ઉપર પ્રેમથી હાથ મૂક્યો, ‘તારા અંત:કરણમાં શું થાય છે એ હું સમજી શકું છે.’

પણ ત્રિભુવન તો એ સાંભળીને ચમકી ગયો. મહારાજ શા વિશે બોલી રહ્યા હતા. એ તરત એ સમજી શક્યો નહિ. મીનલદેવી જે માટે થઈને એના તરફ કાંઇક સ્વભાવપરિવર્તન બતાવી રહી હતી, જેની આછી ગંધ એને આવી ગઈ હતી, એ વિષે જ આ હશે? તો શું મહારાજ પણ વાત જાણતા હતા? એના મનમાં પ્રશ્નપરંપરા ચાલી. તેણે બે હાથ જોડ્યા: ‘મહારાજ! કેમ એમ કહ્યું?’

‘કારણ કે, તું અત્યારનો સર્વશ્રેષ્ઠ પટ્ટણી છે. ત્રિભુવન! મારા કરતાં પણ વધુ પ્રેમથી તે પાટણને ચાહ્યું છે. એનો પ્રેમ તારા રોમેરોમમાં ભર્યો છે. પાટણની પરંપરા તૂટે એ તું  ન જ સહી શકે. તું શું ઈચ્છી રહ્યો છે, એ હું જાણું છું. તું શા માટે યુદ્ધભૂમિ તજી લાટ જવાનું ઈચ્છે છે, એ પણ હું સમજુ છું!’

ત્રિભુવન અકળાયો. મીનલનો અવાજ હજી એના કાનમાં રમી રહ્યો હતો. મહારાજ શું એ અનુસંધાનમાં આ કહી રહ્યા હતા? કે આમાં કાંઈ જુદો જ અર્થ હતો? તેણે નમન કર્યું, ‘મહારાજ! મને ક્ષમા કરો. હું તો સર્વશ્રેષ્ઠ પટ્ટણી પણ નથી, ને એની પરંપરાનો રક્ષક પણ નથી. હું તો મહારાજનો એક સૈનિક છું. સૈનિકને પોતાની આબરૂ હોય છે. એ આબરૂ સહિત મહારાજની સેવામાં મારો દેહ પડે – એટલે બસ; એથી વધુ કાંઈ જ મારી ઈચ્છા નથી.’

‘પણ રજપૂતી – તારી રજપૂતીની આરાધના – ત્રિભુવન! મને પણ એ આકર્ષે છે હા. એ કાંઈ મારાથી અજાણી છે?’ 

ત્રિભુવન અસ્વસ્થ થયો: ‘મહારાજ! બીજા તો ઠીક – તમે ઊઠીને પણ –?’

‘તારી મશ્કરી કરું છું, એમ!’ સિદ્ધરાજે ઉતાવળે જવાબ વાળ્યો: ‘ના, ના, ના, ત્રિભુવન! ના. તને ખબર નથી ત્યારે, હું તને ઓળખું છું... તું...’

‘મહારાજ! આ જગદેવજી રહ્યા. આંહીં આવ્યા ત્યારથી એ મારી રજેરજ હકીકત જાણે છે...’ ત્રિભુવને સ્પષ્ટતા કરવા માંડી: ‘એમને પૂછો, પ્રભુ! મારી મહેચ્છા શી છે તે.’

‘મહારાજ! ત્રિભુવનપાલજી રજપૂતીના અટંકી ઉપાસક છે! શુદ્ધરાજપૂતીની પરંપરા એ જાળવવા ઈચ્છે છે – બીજું કાંઈ જ નથી!’ જગદેવ સમજ્યો હતો કે મહારાજના આ હંસવિમાન વિશે રુચિભેદનો પ્રશ્ન લાગે છે. એટલે એ એવી રીતે બોલ્યો.

‘અને મને શું એ ઈચ્છા નથી? ત્રિભુવન! તારા વિશે મારા મનમાં લેશ પણ શંકા...’

‘મહારાજ! પહેલી વાત તો આ છે: આવી વસ્તુઓ સોએ સો ટકા સાચી હોતી નથી!’

ત્રિભુવને મીનલની વાતનો ઉદ્દેશ મનમાં રાખીને કહ્યું હતું. જગદેવ એ વિમાન વિશે સમજી રહ્યો હતો.

‘અને મહારાજનાં મનમાં મારે વિશે શંકા હોય?’ ત્રિભુવને આગળ ચલાવ્યું: ‘મહારાજે મને નાણી જોયો છે – આ તો રાજમાતા.’

‘રાજમાતા? શાની વાત તું કરે છે, ત્રિભુવન?’ જયસિંહદેવે પૂછ્યું. એને લાગ્યું કે, ત્રિભુવન કાંઇક જુદી જ વાત કરી રહ્યો છે. ત્રિભુવન સમજી ગયો – કાંઇક કાચું કપાયું છે. જયદેવ મહારાજને મીનલદેવીવાળી કાંઈ વાતની ગંધ હજી આવી નથી; એમનું મન સ્વચ્છ જણાય છે. પણ જયદેવને શંકા ગઈ, ભુવનેશ્વરી વિશે કાંઇક ચડભડ ચાલતી લાગે છે. ત્રિભુવને એકદમ વાતને બદલી નાખી: ‘રાજમામા પણ એ જ કહેતા હતા.’

‘રાજમામા? કોણ ઉદો?’

‘હા.’

‘શું?’

‘એમ કે તમે છો, જગદેવ પરમાર છે, અને મહારાજ –’

‘બર્બરકનો ઉપયોગ કરવા માગે છે, એમ?’

‘હા પ્રભુ!’

‘ત્યારે જો...’ વાત કાંઇક ઠેકાણે આવતી લાગી: ‘તને એમ લાગે કે રાજા મને કાઢીને આપણી પાટણની રાજપૂતીથી પરંપરાને હાનિ પહોંચાડશે, પણ હું ભગવાન સોમનાથના શપથ લઈને કહું છું કે તારું મન દુભાય...’

‘અરે! પણ, મહારાજ! મહારાજ!’

‘સાંભળી લે, તારું મન લેશ પણ દુભાય, તેવું મારે કરવું નથી. હું આ વાપરું. આ જુદ્ધમાં, તો તેં કહ્યું હતું નાં દેવુભાને – તારા સાત જનમારા અફળ જાય: પણ ભગવાન સોમનાથ મને ઉપરાઉપરી ચીડ જન્મારા અફળ આપે – જો હું આ વાપરું તો!’

ત્રિભુવનને હવે માર્ગ સ્વચ્છ દેખાયો. એનો જયદેવ હજી એનો એ હતો. વાત તો બર્બરક વિશેની જ હતી. એ રાજાની સ્વચ્છતા જોઈ રહ્યો. એટલામાં એની પડખેથી જગદેવ આગળ આવતો દેખાયો: ‘મહારાજ! તમે આ દાખવીને તો રજપૂતી ઉજ્જવલ કરી બતાવી. આ સાધન-વિક્રમી સાધન છે, સંસ્કાર હોય, વિદ્યા હોય, હેતુ કે શુભ અર્થ હોય, તો એ દૈવી: નહિતર દૈત્યની શક્તિ. તમે આંહીં આ વાપર્યું હોત – તો એમાં નામર્દની ને નામોશીની પરિસીમા હતી! મારું માનો તો, પ્રભુ! એનો નાશ જ કરી નાખો.’ ત્રિભુવનપાલને મહારાજની મહેચ્છાની ખબર હતી: કોઈનું પણ દુઃખ પહેલું પોતે જાણી લે – અને ત્યાં દોડીને એને મદદ કરે – એવી ઘરઘરની દુઃખકથા – મહારાજનો એ જીવનમર્મ હતો. કેવલ પોતાના તરફ પ્રેમથી દોરીને એમણે આ વાત કરી હતી. ત્રિભુવનને જગદેવની વાત રુચિ નહિ: ‘પરમાર! જુદ્ધ અને જશ તો ઠીક, લોકોના ઘરઘરમાં વિક્રમનું જે સ્થાન છે – મહારાજની એ મહેચ્છા છે. આ સાધનનો નાશ ન હોય!’

‘તો તમે, પણ ત્રિભુવનપાલજી! બળવાનમાં બળવાન મનુષ્ય પણ નિર્બળ છે. આજે એ માટે રહેલું સાધન – એક સમય એવો આવશે કે – મહારાજ માટે કલંકરૂપ થશે!’

‘ત્યારે!’

‘એનો તો નાશ જ ઘટે, ત્રિભુવનપાલજી! હું જે કાંઈ સમજ્યો છું તે તો આમ છે. પહેલી સાધના, પછી સાધન. વીરવિક્રમ અમરફળ શોધવા નીકળ્યાની દંતકથા ક્યાંય નથી. એને અમર રાખવા ઇચ્છનાર – એની પાસે અમરફળ આપવા આવે છે; એટલી એ દંતકથા – સાચી, ખોટી કે અરધીપરધી જે હોય તે – વિક્રમજીવનનો સમગ્ર ખ્યાલ હરકોઈને આપે તેમ છે! વિક્રમ જો આ ભૂમિમાં શક્ય હશે – તો સાધન કાંઈ છાનાં રહેશે?’

ત્રિભુવન કાંઈ જવાબ વાળે તે પહેલાં તો સિદ્ધરાજે તાળી પાડી. જવાબમાં બાબરો દોડતો આવ્યો.

‘મહારાજ!’ ત્રિભુવનને એનો ઉદ્દેશ સમજાયો નહિ.

‘બાબરા! આનો નાશ કરી નાંખ!’ સિદ્ધરાજે એકદમ દ્રઢતાથી સ્પષ્ટતાથી કહ્યું.

‘અરે! પણ મહારાજ...!’ 

‘હેં?... એ... એ... એનો નાશ!’ આનો નાશ?’ બાબરો બોલ્યો.

‘તેં પોતે કહ્યું હતું તે તું ભૂલી ગયો? તું રાક્ષસ નથી. કેવળ રાક્ષસ હોય એ જ રાક્ષસી સાધન રાખે!’

‘પ્રભુ!’ ત્રિભુવને બે હાથ જોડ્યા: ‘એનો નાશ ન હોય,મહારાજ!’

‘ત્રિભુવન! પરમારની વાત સાચી છે. બાબરા, આનો નાશ કર. તેં જ નહોતું કહ્યું કે, એનો ઉપયોગ કરવાવાળામાં વિક્રમી ગુણ જોઈએ?’ સિદ્ધરાજ બોલ્યો. એના અંતરમાં ત્યાગવલ્લીના શબ્દો સંભળાતા હતાં: ‘આ ભૂમિમાં હવે નહિ આવે... વિક્રમ...’ અને જગદેવ પણ એ જ કહી રહ્યો હતો.

‘પ્રભુ!...પણ...પણ... પછી આ વસ્તુ થાતી હશે!’

‘મહારાજ!’ ત્રિભુવને બે હાથ જોડ્યા: ‘તમે એક દિવસ એ નહિ મેળવો?’

‘શું?’

‘વિક્રમી યશ!’

‘ત્રિભુવન! ત્યારે ભારતભરમાંથી કોઈ ને કોઈ મારે આંગણે આવીને મને એ આપી જશે. આ ચીજ એ રીતે આવશે – એ રીતે નહિ. એ હશે તો હરકોઈ ટકોર કરશે કે એ તો પેલું ઉડણ-ખાટલું હતું, એટલે, બાબરા! એની કરચેકરચ ઉડાડી દે!’

બાબરાએ એક મક્કમ પગલું આગળ ભર્યું. તેણે પોતાનો લોહદંડ જેવો હાથ ઊંચે કર્યો એક વજ્જર મૂઠી વિમાન ઉપર પડી – તેની સાથે જ અંદરની રચના તૂટી પડી. બાબરાએ પોતાની શલ્યા ઉપાડી.

રાજા ત્યાંથી તરત આઘો ખસી ગયો. ત્રિભુવન ને જગદેવ પણ પાછળ ચાલી નીકળ્યા. ત્રિભુવનનું અંતર આજે અનેક ભાવથી ભર્યું હતું. એણે સિદ્ધરાજને એના શુદ્ધતમ સ્વરૂપે અત્યારે દીઠો. પોતાના પરાક્રમથી જ એક પરંપરા સ્થાપવી – ને એ પરંપરા ટકાવવી – એ જ જાણે કે એનો જીવનમર્મ હતો. પણ રાજસિંહાસન વિશે જે વાત નૈમીત્તિકે મીનલદેવીને કહી હતી એ એને અત્રે સાંભરી આવી. એ રાજભક્ત હતો. એ ઝાંખો પડી ગયો.

એટલામાં એણે પોતાના ખભા ઉપર કોઈનો હાથ દબાતો અનુભવ્યો. એ અટકી ગયો. જગદેવ પરમાર એને કાંઇક કહેવા માટે રોકી રહ્યો હતો. સિદ્ધરાજ એકલો આગળ ચાલતો રહ્યો.

‘હેં!...’ ત્રિભુવનના કાનમાં જગદેવે કાંઇક કહ્યું, ને એ તો સ્થિર જડ બની ગયો. તે આગળ વધી શક્યો નહિ, કે પાછળ જઈ શક્યો નહિ. તેનાથી આશ્ચર્યમાં અવાજ નીકળી ગયો: ‘અરે! હેં! ખરેખર? પરમાર! પણ ત્યારે તમે આજ દિવસ સુધી બોલ્યા નહિ...? અરે! પરમાર! તમે તો અમારી પાટણની આબરૂ લીધી – ભારે કરી! હવે? તે સ્તબ્ધ જેવો ઊભો રહી ગયો.

‘હું તો જવાનો હતો... આજે જ... પણ રજપૂતીને ઉજ્જવલ રાખવા, એમણે આવી હાથ ચડેલી સિદ્ધિ કાંઈ ન હોય તેમ ફેંકી દીધી – હવે એની પાસે પ્રકટ થયા વિના હું જાઉં – તો એમાં મારું ભૂષણ શું? રજપૂતીને જોવી અને એમાં રાચવું એ મારો જીવનધર્મ છે. એટલે મેં તમને આ કહ્યું. અને સાથે જ તમારી પાસે હવે મારી એક યાચના પણ છે!’

‘શી?’

‘આજની જુદ્ધમંત્રણાને અંતે લાટ જવાનાં છો એ વાત તો મને મળી હતી અને આંહીં બીજો રસ તો કાંઈ હતો નહિ. સર્પ જેમ કાંચળી તજે તેમ મેં જે તજ્યું એ તો તજ્યું જ છે – એટલે મારે તો આંહીથી જવું હતું હિમાળો – કેદારજાત્રાએ. વચ્ચે એક થાનક છે – વિજયમાલ ચૂડાલાનું – એ પણ જોવું છે! એટલે તો હવે આંહીંથી જ મહારાજની વિદાય રજા લઉં – એ મારી યાચના છે. હવે હું ત્યાં જુદ્ધમંત્રણામાં નહિ આવું!’

‘પરમાર! તમે તો....’ ત્રિભુવનપાલને શું કરવું તે સમજણ પડતી ન હતી. તેણે આગળ ચાલ્યા જતાં મહારાજની પાછળ દોટ મૂકી.

‘મહારાજ! મહારાજ!’ તે ઉતાવળો શ્વાસભેર બોલ્યો.

‘કેમ, શું છે ત્રિભુવન? શું થયું છે?’

‘પ્રભુ! જગદેવજી પરમાર. પરમાર જગદેવજી, પ્રગટ થઈને – જવા માંગે છે!’

‘પ્રગટ થઈને જવા માંગે છે એટલે? તું શું કહે છે, ત્રિભુવન? ક્યાં ગયા જગદેવજી પોતે?’

‘મહારાજ! એ તો માલવાના લક્ષ્મદેવ છે!’

‘હેં! હેં! ત્રિભુવન, શું? કોણે કહ્યું? એ લક્ષ્મદેવ છે? માલવાના? આંહીં? કાંઈ ગાંડો થયો છે? લક્ષ્મદેવ તો ક્યારના સિધાવી ગયા છે!’

‘ના પ્રભુ! ના એ પોતે જ છે – એમણે પોતે કહ્યું ને આવી અનુપમ સિદ્ધિ આમ ચપટી વગાડે એમ મહારાજે છોડી દીધી – શુદ્ધ રાજપૂતીનો રંગ જાળવવા – એ જોઇને એ પોતે ડોલી ગયા! એટલા માટે એ મહારાજને મળીને વિદાય લેવા માગે છે...! મહારાજ પાસે પ્રગટ થયા વિના જવું એમને હવે આકરું લાગ્યું, આ આવે પ્રભુ...!

સિદ્ધરાજને એક વિચાર આવ્યો તેવો જ ઊડી ગયો. કેટલાક પુરુષો બીજું ગમે તે કરે, પણ આ તો ન જ કરે એવી એમની છાપ પડી જાય છે. જગદેવ એવાઓમાં હતો. તે સાહસ કરે. દગો નહિ કરે. માલવાનો તો હશે જ – છે – ને લક્ષ્મદેવ મરાયો કહેવાતો હતો. તે હોય તો ના નહિ!’

એટલી વારમાં જગદેવ આવી ચડ્યો. સિદ્ધરાજે એની સામે જોયું તે બે ડગલાં સામે ચાલ્યો: ‘અરે! માલવરાજ! અવંતીનાથ! અમને આમ છેતરાય? હવે અમારે તમારી ક્ષમા પણ શી રીતે માગવી? તમે ઊઠીને.... અમને શંકા તો ક્યારેક ઊઠતી...’ સિદ્ધરાજ એને હાથે ભેટી પડ્યો.

‘પ્રભુ! હું માલવરાજ નથી,’ જગદેવે કહ્યું. ‘અવંતીનાથ પણ નથી; માલવાનો પણ રહ્યો નથી; હું તો રજપૂત છું. મેં પહેલેથી જ એ કહ્યું હતું, આજ તો આપની આ રજપૂતી જોઇને મન ડોલી ઊઠ્યું! એટલે મળ્યા વિના જાવાનું મન જ ન હાલ્યું! ને મળ્યાં ત્યારે સાચા મળીએ. એમ અંતર બોલી ઊઠ્યું. પણ એ વાત જ જાણે જાવા દ્યો, મહારાજ!’

‘તે ભલે, પણ હવે તમને આંહીંથી જાવા કોણ દેશે... જગદેવજી? તમને હવે કાંઈ જાવા દેવાય?’

‘મહારાજ! મારો વખત તો હિમાચળે જવાનો ક્યારનો ભરાઈ ગયો છે. વચ્ચે એક તીર્થ છે એ કરતો જઈશ ને ચાલ્યો જઈશ. હું તો જાત્રાળુ છું. મહારાજને મળ્યો ત્યારે મેં એ જ કહ્યું હતું.’

સિદ્ધરાજ એની સામે જોઈ રહ્યો: જગદેવજી! પણ ત્યારે તમે તો પાટણને....’

‘પ્રભુ! એટલે તો હું આંહીંથી જ વિદાય લેવા માંગુ છું. ઘોડો પણ મારો તૈયાર છે. નહિતર પણ આજે ત્રિભુવનપાલજી વિદાય લે એટલે હું જવાનો હતો!’

જયસિંહને એક ક્ષણભર તો શો પ્રત્યુત્તર આપવો એની સમજણ પડી નહિ. ત્રણ જણા એવા વાતાવરણમાં હતા કે બીજો કોઈ વિચાર તો તેમાં સ્થાન મેળવે તેમ ન હતો.

‘જગદેવજી! હવે થોડા દી થોભી જાઓ ત્યારે!’ સિદ્ધરાજ બોલ્યો.

‘ગુર્જરેશ! કેટલાને એમનો નિર્માણકાલ હોય છે; મારે હવે જવું જોઈએ! ને મહારાજને તો આવતીકાલથી જુદ્ધે ચડવું પડશે!’

‘પણ એ બધાંને એક ચમત્કાર લાગશે!’

‘આંહીં જે મહારાજે જાણ્યું તે મહારાજ માટે જ છે. મારે કેદારતીર્થ બાકી રહ્યું છે. અને વચ્ચે એક મહાન રાજપૂતી તીર્થ છે. મારે એ જોવાની ક્યારની ઈચ્છા પણ છે! ત્રિભુવનપાલજી! તમને તો ખબર હશે!’

‘શાની?’

‘જેમ નદીકાંઠો, પર્વતમાલા,વનરાજિ, ઝરણાં એ સઘળાં તત્વજ્ઞો માટે ને કવિઓ માટે તીર્થો છે, તેમ પાળિયા, રણક્ષેત્રો, ખંડેરો સતીશૂરાનાં થાનક, એ રજપૂતી રંગને જીવંત રાખવાના તીર્થો છે. એવું તીર્થ ત્યાં છે – વલ્લમંડળના રેતીપ્રદેશમાં. ત્યાં એક થઇ ગયા – વિજયપાલ ચૂડાલા!’

‘વિજયપાલ ચૂડાલા?’

‘મહારાજ! એને માતાની ઉપાસના હતી. હાથમાં ચૂડલો હતો. એણે માતાની સમક્ષ એક પ્રતિજ્ઞા કરી: દેશ ઉપર એક વખત, મહારાજ ભીમદેવના સમયમાં આવી હતી તેવી, આપત્તિ આવી; ધાડાં ને ધાડાં પરચક્રીઓ આવ્યા. ચૂડાલાએ એ વખતે રજપૂતી રંગ રાખ્યો. માતાને એણે વેણ આપ્યું કે, હે મા! બીજું તો શું? જો આ પરચક્રીઓને હરાવું તો મારું શીશ માને ચરણે ધરાવું! વિજય – વિજયનું એક મોટું લાંછન છે મહારાજ! વિજય મેળવ્યા પછી સત્તાનો શોખ જાગે, કીર્તિનો મોહ થાય. પણ યુદ્ધ –ધર્મયુદ્ધ હોય, તો રાજપૂત એમાં ખપી જાય એટલે બસ. એનું કામ પૂરું થાય. ચૂડાલો તો માને નામે જુદ્ધે ચડ્યો. પરચક્રીઓને એણે હરાવ્યા. પછી અરધી રાતે વિજયપાલ માને શીર્ષ સમર્પણ કરવા એકલો જાય છે – અને માએ પોતાનું સુવર્ણકંકણ પોતાને સ્વહસ્તે વિજયપાલના હાથમાં પહેરાવ્યું – ત્યારથી એ વિજયપાલ ચૂડાલો કહેવાયો એવી વાત છે. એ તીર્થ મારે, મહારાજ! કરવાનું છે.

વિજયપાલની વાતે જયસિંહદેવ ઘડીભર ઊંડો ઊતરી ગયો. એને પોતાને જગદેવનો હિંગળાજ ચાચરનો અનુભવ સાંભરી આવ્યો. ત્યારે પણ ત્રિભુવન, પોતે  અને જગદેવ ત્રણ હતા. આજે પણ એ જ ત્રણ હતાં.

જગદેવ આગળ વધ્યો: ‘મહારાજ! હવે તો મળીએ ત્યારે! પણ કોઈ દી કોઈ સંભારે તો કહેજો કે એક જગદેવ પરમાર આંહીં આવ્યો હતો! પેલું નામ – એ તો મરણ પામ્યું છે! ત્રિભુવનપાલજી! તમને પણ એ જ કહું છું. મને મહારાજ! હવે વિદાય દ્યો!’ જગદેવે બે હાથ જોડ્યા.

બે ઘડી હ્રદયનો બહાર અનુભવતા સૌ ત્યાં શાંત ઊભા રહ્યા. થોડી વાર પછી જગદેવે શીર્ષ નમાવ્યું: ‘મહારાજ!’ એણે વિદાય માગી.

ત્રિભુવનપાલ ને સિદ્ધરાજ બંનેના શીર્ષ એકસાથે જગદેવને નમ્યાં. એમને લાગ્યું કે એક ખરો રજપૂત ધર્મપુરુષ એમને આંગણેથી ચાલ્યો જાય છે, પણ એને રોકી શકાય તેમ ન હતું.

એને જતો બંને જોઈ રહ્યા. એ અદ્રશ્ય થયો કે સિદ્ધરાજે ત્રિભુવન તરફ જોયું.

‘ત્રિભુવન! એમ લાગે છે, જાણે કોઈ માણસ નહિ, પણ વાતાવરણ ચાલ્યું હતું! આની પાસે સાચી રજપૂતી હતી! એની વાત તદ્દન સાચી: તમારાં શસ્ત્ર-અશસ્ત્ર ખરાં, પણ માની સાચી ઉપાસના જ, તમને શક્તિ આપે છે, બીજું બધું પછી.;

‘એટલે તો મહારાજ! આજ છેલ્લી પળે પ્રગટ થયા વિના એ જઈ શક્યો નહિ! રજપૂતીની ઉપાસના – આપણને પણ લાગે છે કે, એ માલવાનો ન હતો. ભારતવર્ષનો પણ ન હતો -  એ તો અણિશુદ્ધ રજપૂતીનો વારસ હતો. એ જ્યાં હોય ત્યાંનો જગદેવ! પછી એ પૃથ્વીનો ગમે તે ખૂણો હોય!’

ત્રિભુવન અને સિદ્ધરાજ બંને મંત્રણાસભામાં પાછા ફર્યા. બેમાંથી કોઈ કાંઈ બોલ્યું ન હતું. બંનેને જગદેવ પરમારની રજપૂતીની ઉપાસનાએ વિચારતરંગમાં મૂકી દીધા હતાં.

એમણે પ્રવેશ કર્યો. ઉદયન, મુંજાલ અને મીનલદેવીએ તેમની સામે જોયું. સૌને લાગ્યું કે કાંઇક અવનવું બન્યું છે. ત્રિભુવનના ચહેરા ઉપરથી ઉદયને અનુમાન કર્યું કે એના અંતરમાં ઊંડો જખમ થયો છે.

એટલામાં મીનલદેવીએ પૂછ્યું, ‘પરમાર ક્યાં ગયા, જયસિંહદેવ?’

‘એમને મા! મેં એક અગત્યના કામે મોકલી દીધા છે. હવે એ મોરચે નહિ હોય.’

‘નહિ હોય?’

‘ના. અને ત્રિભુવન પણ લાટ જાય છે!’

‘હેં બેટા, ત્રિભુવન! જાય છે તું?’ મીનલદેવીએ હેતથી કહ્યું. ત્રિભુવન ઈચ્છી રહ્યો કે એને આ હેતાળ શબ્દો કરતાં મીનલદેવીએ બે તમાચા માર્યા હોત! તે મીનલદેવીને પ્રત્યુત્તર આપી શક્યો નહિ. માત્ર હાથ જોડીને તેણે તેને નમન કર્યું. પછી તે આગળ વધ્યો, ને જયસિંહદેવ સમક્ષ પોતાનું શીર્ષ નમાવીને એક ક્ષણભર ઊભો રહ્યો. 

તે બોલ્યો ત્યારે એનો અવાજ રૂંધાતો હતો: ‘કાકા! તેના સ્વરમાં કરુણતા હતી: ‘મારી એક જ માગણી છે: મારા બાપની પરંપરાનું તેજ મને મળવા દેજો. મહારાજને ગમે તે ક્ષણે, ગમે ત્યાં, ને ગમે તે જોખમમાં મારો ખપ પડે, ત્યારે મને સંભાર્યા વિના ન રહે – એટલી જ મારી યાચના છે. હવે હું જાઉં છું, કાકા! બા!’

તેણે બે હાથ જોડી મીનલને પ્રણામ કર્યા. તે બીજા કોઈની સામે જોઈ પણ શક્યો નહિ. તે ઝડપથી ત્યાંથી સરી ગયો અને થોડી વારમાં જ એના ઘોડાના ડાબલાનો અવાજ સૌને કાને પડ્યો. 

‘હવે શું કરવું છે, જયદેવ?’ મીનલે એ અવાજ શમી જતાં તરત પૂછ્યું.

‘શાનું મા?’

‘આ તેં ઉપાડ્યું છે એનું?’

સિદ્ધરાજે મીનલદેવીના દ્વયાશ્રયી અર્થને એકદમ પકડી પાડ્યો. તેણે પણ એવો જ પ્રત્યુત્તર વાળ્યો: ‘જુઓ, મા! હું કોઈ કામની શરૂઆત વગર વિચાર્યે કરતો નથી; કામ શરુ કર્યા પછી એમાંથી પાછો ફરતો નથી!’

‘પણ માલવાનો વિચાર કર્યો છે, મા માલવાનું કુદરતી સ્થાન ભારતવર્ષમાં નેતૃત્વનું છે. એ સ્થાન હવે ગુજરાતને મળે – એ માટેનો આ પ્રયત્ન છે’

‘પણ, મહારાજ! આ જુદ્ધ વિશે પહેલાં વિચાર કરો ને, એનું શું કરવું છે?’

‘આપણે સૌએ વિચાર કરીએ. મને લાગે છે કે, જ્યાં સુધી દુર્ગ છે ત્યાં સુધી ખેંગાર અજિત છે... અને રાણક છે...’ સિદ્ધરાજનું વાક્ય એના મોંમાં રહી ગયું.

સામેથી કૃપાણ ઉતાવળો ઉતાવળો આવી રહ્યો હતો.  

Share

NEW REALESED