Tribhuvan Gand - 24 books and stories free download online pdf in Gujarati

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 24

૨૪

દેવી ભુવનેશ્વરી

‘પરશુરામ?’

‘કાકા! આ દેવી ભુવનેશ્વરી!’ પરશુરામે તરત કહ્યું. અને પછી ઉદયનને બતાવીને પેલી સ્ત્રીને કહ્યું: ‘આ મંત્રીજી! આપણે વાત થઇ એ પ્રમાણે, કાકા! હું જવાનો હતો – ત્યાં એ રસ્તામાં જ મળી ગયાં. પણ આંહીં આપણને કોઈ સાંભળે તેમ નથી નાં! એમણે થાપ મારી છે – જેવા તેવાને નહિ, લક્ષ્મીદેવીને – એટલે સંભાળવાનું છે!’ પાછલા શબ્દો પરશુરામ અતિ ધીમેથી બોલ્યો હતો. અંદર ગુપચુપ બેઠેલા કેશવના કાન સરવા થઇ ગયા હતા. પણ ઉદયન પોતાના વિશે કાંઈ બોલ્યો હોય એમ લાગ્યું નહિ. કારણકે પરશુરામ હજી આગળ વધી રહ્યો હતો: ‘અને આ ભેટો પણ કાકા: અકસ્માત જ થઇ ગયો!’

‘એમ?’ ઉદયને કહ્યું, પણ એ હજી ક્ષોભમાંથી મુક્ત થયો ન હતો. એને પરશુરામની બુદ્ધિનો બહુ વિશ્વાસ ન હતો. એનામાં સાહસિક ઘોડા કરવાની શક્તિ ભલે હતી પણ આંહીં એ અત્યારે આને લાવ્યો – એમાં એક તો બાજી ખુલ્લી પડી જતી હતી; અને બીજું, આ ભુવનેશ્વરીની પરિસ્થિતિનો કે એના અધિકારનો સાચો ખ્યાલ હજી મળ્યો ન હતો. એણે કાંઇક વ્યગ્રતાથી પરશુરામ સામે જોયું અને પછી એણે વાપરેલા દેવી શબ્દના ખ્યાલે એ બે હાથ જોડીને આસન તરફ એને દોરતો હોય એમ અભિનય કરતો ઊભો રહ્યો. ભુવનેશ્વરી આગળ વધીને ત્યાં બેઠી. એના મોં પર દીપકનો પ્રકાશ આવી રહ્યો હતો એક ક્ષણ શાંતિ થઇ. કેશવે એક ઝીણી તરાડમાંથી દ્રષ્ટિ કરી. અને એ છક્ક થઇ ગયો. એનું આખું શરીર, કોઈ દિવ્ય વસ્તુ જોવાનો આનંદ મેળવતું હોય તેમ, એક પ્રકારનો નશો અનુભવી રહ્યું. આ ભુવનેશ્વરી? આ તો ખરેખર અદભુત છે. અત્યારે એના શરીરને થાક હતો. થોડો વિશોદ હતો – છતાં એ ચહેરો પોતાની રમણીયતા પ્રગટ કરતો હતો. કેશવને લાગ્યું કે એક વખત જોયા પછી એ ચહેરો ભૂલ્યોભુલાય તેવો ન હતો. એને લાગ્યું કે જયદેવની વિક્રમી સૃષ્ટિનાં બીજને જલ સિંચનારી આ જેવી તેવી તો નથી જ. એટલામાં અત્યંત મધુરતમ અવાજ એને કાને આવ્યો: ‘મંત્રીજી!’

ભુવનેશ્વરી ઉદયનની મૂંઝવણ કળી ગઈ લાગી – ‘હું આંહીં આવી, મંત્રીશ્વર! કારણકે, મારે જવાનો આ એક જ માર્ગ છે – દ્વીપ થઈને સ્તંભતીર્થ. પછી ત્યાંથી હું અવંતી જઈશ.’

‘અવંતી?’ ઉદયને પરશુરામ સામે અર્થવાહી દ્રષ્ટિથી જોયું – એણે જે વાત કરી હતી તેની સત્યાસત્યતા જાણવા માટે.

‘એ તો ઠીક, કાકા! સ્તંભતીર્થનો આપણો ગરીબ આરસી મહાલય – એમના જેવાને નજરે ન આવે; પણ આપણે આપણું ધન્યભાગ્ય થોડુંક જતું કરીશું? એ તો, સ્તંભતીર્થ પહોંચ્યા પછીની વાત પછી!’

પણ ઉદયનને અત્યારે નિશ્ચાત્મક વાણી જોઈતી હતી. કાવ્ય તો એણે ઘણાં સાંભળ્યાં હતાં. એનો વાગ્ભટ જ કાવ્યો કરતો!

પણ પરશુરામના પ્રત્યુત્તરમાંથી ઉદયનને ન મળેલો આ નારીનો પરિચય એણે પોતે જ આપવો શરુ કર્યો: ‘મંત્રીજી હું આંહીં આવત નહિ – શું કરવા આવું? – તમને મારા પરિચયથી અત્યારે તો કેવલ વ્યગ્રતા જ મળે. પણ હું અવંતીની છું. અવંતીથી આવી છું!અવંતી ભારતવર્ષનું સંસ્કૃતિધામ. હું ત્યાંની છું. મારી પાસે એક દિવ્ય વસ્તુ છે, માટે હું આવી છું! તમને એનો પરિચય આપવા... ક્યારેક કામ લાગે.’

ઉદયનને લાગ્યું કે, આવી વાણી – આવો અવાજ અને અર્થવાળી વાણી – આજે એણે પહેલવહેલાં જ સાંભળી. કોઈ કોઈ સમય, સંસ્કૃત મહાકાવ્યોની નાયિકાનો પ્રસન્ન ટંકારવ, ક્યારેક સાધુ હેમચંદ્ર પોતે સ્તંભતીર્થમાં બોલતાં ત્યારે, એ અવાજમાં આવો જ જબરદસ્ત આત્મશ્રદ્ધાનો ગૌરવી રણકો સંભળાતો. તાત્કાલિક લાભની કેડી ઉદયન ભૂલું જતો જણાયો. કેશવ તો અંદર રહ્યો આ નારીની વાણીનું પાન કરવા માંડ્યો હતો: પરશુરામ અર્ધમિલિત નેત્રે એની સામે જોઈ રહ્યો હોત.

‘હું આંહીં આવત નહિ,’ ભુવનેશ્વરીએ કહ્યું, ‘શું કરવા આવું? કેવળ તમને વ્યગ્ર કરવા માટે? પણ ના, મારે તમને મારો પરિચય આપવો જોઈએ. તમે ગમે તેમ પણ આંહીં મંત્રી છો. બીજા કોઈએ હું ઓળખતી નથી. મારી પાસે એ વારસાની વસ્તુ છે. હું એવી નારી છું, મંત્રીજી! હું પરંપરાને વહન કરનારી નારી છું. હું એ શક્તિ ધરાવું છું. તમને લાગે છે કે, હું કોઈ રાજકારણની દાસી છું – પણ ના, ના, ના, આજે જ્યારે આખા ભારતવર્ષમાં કોઈને પણ શ્રદ્ધા રહી નથી – વીર વિક્રમના પુનરાગમનની – ત્યારે માત્ર હું એક જ – હજી પણ એ આશા રાખું છું. શ્રદ્ધા ધરાવું છું. વીર વિક્રમ આ પૃથ્વી ઉપર આંહીં આવશે, વિક્રમની ખુદ અવંતી નગરીમાં. પણ મારી શ્રદ્ધામાં હું એકલી જ છું. હું કાંઈ હોઉં તો આ છું!’

‘અને આંહીં હું શા માટે આવી એમ?’ ભુવનેશ્વરી પોતે જ પોતાને પ્રશ્ન કરી રહી હતી. એના ચહેરા ઉપરથી થાકના ચિહ્ન અદ્રશ્ય થઇ ગયાં હતાં. કોઈ દિવાસ્વપ્ન જોતી હોય એમ હવે તે સ્વગત બોલી રહી હતી: ‘આંહીં હું આવત નહિ: આંહીં શું કરવા આવું? પણ હું તો નારી છું, રાજકારણની દાસી નથી, કોઈની સ્ત્રી નથી, કોઈની રાણી નથી. કોઈની રાણી થવાની મને તમન્ના નથી. હું નારી છું; હું જ પરંપરાને વહન કરવાની શક્તિ ધરાવું છું. વીર વિક્રમી સ્વપ્નના પુરુષસિંહને હું શોધી રહી હતી. ગુરુ ભાવબૃહસ્પતિએ કહ્યું કે, જયદેવમાં વિક્રમી સત્વ છે. એની પાસે પરંપરા છે. મેં એ પરંપરા શોધી મેળવી, પરિશુદ્ધ કરી ગ્રહણ પણ કરી. આજ એ મહામોલી વસ્તુ મારી પાસે છે, મંત્રીજી! એટલે હું આંહીં આવી – તમે મંત્રી છો એટલે તમારે કાને વાત નાખવા. કોઈ સમય એવો આવે, જ્યારે આનો પરિચય આપવા હું પોતે પાછી ફરું, ત્યારે તમને યાદી રહે! વીર વિક્રમી વારસાને એક દિવસ ભારતવર્ષમાં ફરી જીવંત કરવાના મને કોડ છે, મારી એ શ્રદ્ધા છે. નારી સિવાય એ વારસાને કોણ જાળવી શકે તેમ છે? પરંપરાને એના વિના બીજું કોણ સંભાળી સાચવી જાણે તેમ છે? કોણ વહન કરે એમ છે? અર્જુનને – અર્જુનને પોતાને – પણ ખબર ન હતી, એવડા મહાસમર્થ આત્માનો પરિચય, ચિત્રાંગદાએ એક દિવસ એને સામે જઈને આપ્યો ન હતો? એ કથા યાદ કરો, મંત્રીશ્વર! એટલે મારી અચળ શ્રદ્ધા સમજાશે – વીર વિક્રમને ફરી ભારતવર્ષમાં લાવવાની.’

ધનુષટંકારવ સમો ગૌરવભર્યો એની વાણીનો ટંકારવ કેશવ સાંભળી રહ્યો હતો. ક્ષણભર એ વિચારમાં પડી ગયો. આણે કહી એ વાત સાચી હશે? હોય તો?

ઉદયનની શંકા જન્મી તેવી જ શમી ગઈ. એને આ નારીની દિવાસ્વપનાવસ્થાએ આકર્ષ્યો હતો, પણ એને ખબર હતી કે, માણસના પગ પૃથ્વી ઉપર નથી હોતા, તો એ નીચે પડે છે. એણે ઘીના કૂંપા ઉપડ્યા હતા, હજી એના માથાના વાળ ત્યાં પડેલી ટાલમાં પાછા ઊગ્યા ન હતાં. એટલે નાનું સ્વપ્નુંબપનું તો ઠીક, પણ તેણે જોયું કે, પરશુરામની વાત સાચી હતી. પણ જેમ આ ભુવનેશ્વરીને સાચવવાની હતી, તેમ આંહીંની બાજી પણ જાળવવાની હતી. હવે તો, એ ક્યાં છે. આંહીં આવી હતી કે, નહિ અને ક્યાં ગઈ, એની જેટલી ગુપ્તતા જળવાય તેટલું સારું ને મહારાજને પણ પાછળથી સમય જોઇને જ વાત કહેવાય.

અને એને અચાનક સાંભર્યું: પેલો કેશવ નાયક આ બધું સાંભળી રહ્યો હતો. હવે? અને એ બામણો બટક બોલો છે.

તે માથું ખંજવાળવા લાગ્યો. ‘જો પરશુરામ!’ તેણે કહ્યું. ‘જાણે આજે આરામ લેવાનો; કાલે દ્વીપ પહોંચવાનું. ત્યાં આપણો મિત્ર નૃપનાગ શ્રેષ્ઠી છે. પછીની વાત પછી. આજે કોઈને શંકા પડે તેમ નથી –’

‘શંકા તો, સારું થયું કે લક્ષ્મીદેવીના પંજામાંથી તો રાશિને લીધે આ છૂટ્યાં. દ્વીપ જવાને બદલે આ તરફ વળ્યાં એ પણ સૌને ખોટે રસ્તે દોરવા માટે, એમની પાછળ માણસ છૂટ્યા ન હોય એ તો કેમ બને? એટલે સૌ આ રસ્તે ખાંખાખોળા કરે, ત્યાં અમે અત્યારે જ ઊપડી જઈએ... દ્વીપ તો જ પહોંચી જવાય! નહિતર મહામુશ્કેલી ઊભી થાય. આંહીં રહેવાનું શું, વધારે સમય થોભવાનું પણ નથી.’

‘હા... એ તો એમ જ, મંત્રીજી! આથી વિશેષ આંહીં કોઈ છે નહિ... થોભાય તો નહિ જા!’

‘પણ મહારાજને – મહારાજની ઈચ્છા – જાણવાની...’

‘મંત્રીજી! તમે ક્યાંના?’

‘હું તો સ્તંભતીર્થનો... કેમ?’

‘ત્યારે તમારે ત્યાંથી કોઈ મહાન શિલ્પીએ સ્વચ્છ અકીકી પથ્થરમાંથી, વીર વિક્રમી સિંહાસનની જે બત્રીસ પૂતળીઓ ઘડી હશે, એ બત્રીસ પૂતળીઓમાંની એક પૂતળી હું છું એમ સમજી લ્યો. મારે દિવાસ્વપ્ન નીરખવાને... અત્યારે એક પળનો પણ સમય કાઢવો પોસાય નહિ. તમે માનશો? મેં જ ભોજરાજને ના પાડી હતી – એ સિંહાસન ઉપર પગ મૂકવાની! મેં જ એને કહ્યું હતું – આ તો વિક્રમી યશની કલગી છે. તમારી પાસે વિક્રમી પરાક્રમ હોય, વિક્રમી રાજ હોય, વિક્રમી વંશ હોય, વિક્રમી લોકસેવા હોય ત્યારે આવજો! રાજા! આના ઉપર પગ મૂકવા. મેં જ આ કહ્યું હતું... મને કોઈ રાજવૈભવનો મોહ હોઈ શકે ખરો?’

‘પણ... પણ... ત્યારે તો...’ ઉદયન જરાક અચકાયો.

ભુવનેશ્વરી મોટેથી હસી પડી: ‘મૂંઝાઈ ગયા કાં? મંત્રીશ્વર ઘણા મૂંઝાઈ જાય છે. માણસ ઝેર જીરવી શકે છે; ભાવના ભાગ્યે જ જીરવી શકે છે. અવંતીમાં એ વાતાવરણ  હતું – આજે નહિ – વિક્રમી જમાનામાં. એ જમાનાની હું. મારે હવે, તમને, મહારાજને, કોઈને વ્યગ્રતામાં મૂકવા નથી. મહારાજ મને ઈચ્છે છે, પણ આંહીં કોઈ ન ઈચ્છે એમાં મારું ગૌરવ શું? અને મહારાજનું પોતાનું પણ ગૌરવ શું? અને એવી વસ્તુસ્થિતિની મારે જરૂર પણ શી? મેં તમને ન કહ્યું? મેં જે જોયું છે, એના પ્રમાણમાં આંહીંનો તમારો વૈભવ એ તો ભિખારીની હાંડલી સમો છે, મંત્રીજી! મેં તો કવિ કાલિદાસની અલકાનગરી જોઈ છે, આંહીં છે શું? હું તો હવે આંહીંથી તરત નીકળી પડું – કે તમારું મન પણ આરામ પામે. અમારે આટલું જ કામ હતું – કાં પરશુરામજી?’

ઉદયનને આ સઘળી કલ્પનામાં રસ ન હતો. એને આ ઢંગધડા વિનાની હવાઈ કલ્પનાનું કામ પણ ન હતું. એ તો એટલું સમજ્યો કે વાત પરશુરામની સાચી હતી. આની ચોટલી પકડી રાખી હોય, તો પાંચે-પંદર-પચીસે પણ રાજસત્તા પગ આગળ નાચે. પણ જો પરશુરામને બદલે કેશવ નાયકને જ આની સાથે દ્વીપ મોકલ્યો હોય – તો એને મોંએ ખંભાતી પણ રહે ને પરશુરામ આંહીં જ હોય – એટલે કોઈને શંકા પણ ન પડે! એ બામણાને અમસ્તો પણ હવે હાથમાં તો રાખવો પડશે. એ પણ આની વાત કહી જ રહ્યો હતો. એટલે તો આ વાત કૂદીને તરત લઇ લશે. અને આ નારી...’ એ જરા બેઠો થયો. 

‘પરશુરામ!’ તેણે પરશુરામને એક બાજુ બોલાવ્યો.

‘કાકા! એ તો... આપણું કર્યું કરાવ્યું...’

પરશુરામના કાનમાં ઉદયને વાત કરતાં જ એ ચડભડી ઊઠ્યો. એને લાગ્યું કે, આ ત્રણ ભાગ થાય છે. એની કલ્પના પ્રમાણે તો મહામંત્રી ઉદયન, મહાસેનાપતિ પોતે, ને મહારાજ જયદેવ એમ હતું. ઉદયને આ ભુવનેશ્વરી દ્વારા અભ્યુદયની વાત કરી હતી એ એને બરાબર મનમાં બેસી ગઈ હતી.

‘પણ ગાંડા ભાઈ! હજી અત્યારે જ ક્યાં દૂધ વાસણમાં પડ્યું છે? હજી તો એ સ્તંભતીર્થ રહેશે – હજી તું જો તો ખરો, આપણે એને હાથમાં રાખવી છે, એ રહે છે. મહારાજને જાળવવા છે, એ જળવાય છે. ઉઘાડા ઉઠવું નથી, એ સચવાય છે. ને વધુમાં કદાચ કાંઇક સનસા થાય તો સપડાય છે આ બામણો!’ તેણે બહુ જ ધીમેથી ઉમેર્યું: ‘જો તારે ને મારે ખભે ધોતિયાં! હું મોકલું છું સ્તંભતીર્થ માણસને, હમણાં જ. તે આને વહાણમાંથી પરબારી આરસી મહાલયમાં લઇ જાશે. પછી એ ત્યાં જ રહેશે! આને કાંઈ એમ રેઢી મુકાય એમ નથી – એમ તો પાછું એ માલવાનું નંગ છે. આપણે સૌને બનાવીને માલવા પહોંચી જાય તો? ને આ નાયક આ ખપમાં લાગે એવો છે. આપણે પાછું આપણું કાંધ જાળવવું પડશે નાં? તું ને હું બે વાત જાણતા હતાં – એ ત્રીજો જાણી ગયો છે. તો એને આમાં કાં ન સપડાવવો!’

‘જાણી ગયો છે? એટલે?’

‘તારા આવ્યા પહેલાં એ આંહીં જ હતો. આમાં બેઠો છે...’ ઉદયને પાસેના વસ્ત્રખંડ તરફ નિશાની કરી.

‘આમાં?’

‘હા.’

‘ત્યારે તો કાકા!... બીજું  હવે તો શું થાય?’ પરશુરામને વસ્તુસ્થિતિની અનિવાર્યતા જણાતાં એ ખચકાતો હકારાત્મક ડોકું ધુણાવવા લાગ્યો. સમય થોડો જ હતો.

ઉદયને તરત એક તાળી પાડી: ‘દેવી! તમને સ્તંભતીર્થ સીધાં બરાબર પહોંચાડી દે – ને વળી મહારાજનાં વિશ્વાસુ મિત્ર ગણાય, એવા એક સજ્જન આંહીં સદભાગ્યે અત્યારે છે. એ તમારી સાથે આવે છે. પરશુરામજીને કોઈ કામગીરી આવી પડે તો એ વખતે એમની આંહીંની ગેરહાજરી નવી શંકા ઊભી કરે, ને આપણે તો કોઈ પીછો ન પકડે એ પણ જવાનું છે. નાયકજી!’ ઉદયને બે હાથે ફરીને તાલી પાડી.

પણ કેશવને રાહ જોવામાં સલામતી લાગી.

‘કેશવ નાયક! બહાર આવો – પરશુરામજી આવ્યા છે. તમારે લાયકનું કામ છે....’

પડખેથી કેશવને બહાર આવતો પરશુરામે જોયો. તેને નવાઈ લાગી. પણ એટલામાં તો ભુવનેશ્વરીને નમીને એ ત્યાં ઊભો હતો.

‘મહારાજના એ મિત્ર અમારા દોસ્ત છે ને ગોધ્રમંડળના સેનાનાયક છે,’ ઉદયને તરત કહ્યું, ‘આંહીં કામે આવ્યા હતાં. એમને પણ સ્તંભતીર્થ જ જવાનું છે! એટલે મેં એમને યાદ કર્યા. કેશવ નાયક! આ દેવી ભુવનેશ્વરી પોતે!’

કેશવ ફરીને બે હાથે નમી રહ્યો. એણે કલ્પનામાં નિહાળેલી મૂર્તિ પ્રત્યક્ષમાં એક હજારગણી વધારે મનોરમ બની જતી હતી.

‘નાયક! ઉદયને સ્પષ્ટતા કરી, ‘તમે આ દેવી સાથે દ્વીપ જાઓ. ત્યાં શ્રેષ્ઠી નૃપનાગ બંદોબસ્ત કરી દેશે. વહાણમાં સ્તંભતીર્થ જાઓ. તમારે એ જ પંથ છે, ને તમારો આંહીંનો મામલો શંકા રહિત બને છે. તમે બધું સાંભળ્યું તો છે જ ને, તમે વાત પણ જાણો છો; પળ પણ ગુમાવવાની નથી.’

‘મંત્રીજી! આપણી પળેપળ – હવે તો...’

‘હા, કાકા! પછી તો કોઈ ને કોઈ...’

‘તો નાયક...’

‘ઓઢલ મારી ભેગો છે...’

‘એને ઠેકાણું આપી દઈશું... ખેટકપંથમાં તમારી રાહ જોશે...’

‘એ બરાબર...’ કેશવને એ વાત રુચિ. ભુવનેશ્વરીમાં પ્રાચીન આર્યવર્તની એક પ્રણાલિકાનો સમર્થ આત્મા પ્રગટતો એણે જોયો હતો. એને પણ તરત નીકળવાનું તો હતું જ. તેણે ઓઢલને બોલાવવા એક માણસને મોકલ્યો.

થોડી વારમાં એ આવ્યો ને રાતના અંધારામાં કેશવ ને ભુવનેશ્વરી અદ્રશ્ય થઇ ગયાં!