Tribhuvan Gand - 25 books and stories free download online pdf in Gujarati

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 25

૨૫

સોરઠની વિશિષ્ઠ પરંપરા

ઉદયનને પરશુરામે સમાચાર આપ્યા હતા, તેમાંથી જ એક અનુમાન સ્પષ્ટ હતું: ભુવનેશ્વરીને લક્ષ્મીરાણી સહીસલામત જવા દેશે કે નહિ, એની એના મનમાં જબરદસ્ત શંકા હતી. પણ હવે કેશવ એને દ્વીપ સુધી પહોંચાડવામાં સફળ નીવડે, તો એક અમૂલ્ય તક સાંપડી જતી હતી. એ સંબંધમાં બંદોબસ્ત કરવાનો હતો તે રાતમાં ને રાતમાં કરી નાખ્યો હતો, પ્રભાતે એને ધારાગઢ તરફ જવાનું હતું. પરશુરામે એને પેલી બાઈ વિશેની વાત – એકસો ને એકમી વખત ફરીથી સંભળાવી. એ વાત કહેવામાં પરશુરામને રસ આવતો. એમાંથી ઉદયનને ખાતરી થઇ ગઈ કે, કહો ન કહો, પણ એ વાતમાં કાંઇક ભેદ રહ્યો છે. એટલે પોતે સંધિની વિષ્ટિ લઇ જતો હતો, તે વખતે એ વિશેની કાંઇક પણ વધારે સનસા મળી જાય, તો મહારાજ જયદેવને પોતાને, એ ખબર આપીને આ યુદ્ધનો કાર્યભાર પણ ઉપાડી લેવાય!

અને તો પછી ત્યાં સ્તંભતીર્થમાં ભુવનેશ્વરી એને ત્યાં હોય; આંહીં મહારાજના એના ઉપર ચારે હાથ હોય, ગિરનારી દુર્ગ ઉપર આરસી દેવાલયો ચાલતાં હોય; ને મહાઅમાત્ય ઉદયનને ત્યાં સામંતચક્રોના ગજરાજો સૂંઢ ડોલાવતા ઊભા હોય! – આવું થાય તો સ્તંભતીર્થથી આંહીં આવ્યા પણ પ્રમાણ! નહિ તો એનું સ્તંભતીર્થનું નાનું તો નાનું પણ પોતાને આધીન તંત્ર શું ખોટું હતું?

ઉદય આવા વિચારચક્રમાં પડી ગયો. એમાં એને સાંભર્યું: વાઘરા ગામની સીમમાં ઘીના ફૂંપા પોતે માથે ફેરવતો – ક્યાં એ સમય – ને ક્યાં આ સમય?

એણે ભક્તિભાવથી એક નિશ્ચય કર્યો. આંહીં સોરઠમાં જ્યારે પોતે આવ્યો છે ત્યાર એની ડુંગરમાળા ઉપર, જેવું સ્વપ્ન વિમલમંત્રીએ આરસી પહાડમાં ઊભું કર્યું છે, એવું ભગવાન જિનેન્દ્રનું સ્વપ્ન ખડું કરવું અને ભગવાનના નામની ધજા ફરકાવવી! જેવી ભગવાન સોમનાથની ધજા ફરકે છે એવી જયજિનેન્દ્રની!

પોતાના સ્વપ્નમાં ઉદયન એક ક્ષણ લીન થઇ ગયો. પણ રાજા જયસિંહદેવની વિચિત્રતાઓ બરાબર એને યાદ હતી. એ કોઈને નમતું આપે તેવો ન હતો. એને વિક્રમી સ્વપ્ન મહાન દેખાયું, અને એમાં ખેંગાર જેવી સામંતચક્રાવલિ હોય તો પોતે એક મહારાજ્ય સરજે, એ વસ્તુનું મહત્વ દેખાયું, એટલે આ રાજાએ સંધિની તક, જે મુંજાલે ઊભી કરી હતી તે, ચાલવા દીધી હતી – બાકી એ પોતે તો ગિરનાર પાડ્યા વિના પાછો ન હઠે એવો આગ્રહી હજી પણ ક્યાં ન હતો? પેલી ભુવનેશ્વરી ન મળી હોત તો આંહીંથી કોઈને એક પગલું પણ આમ કે તેમ શેનો ફરકવા દેત?

‘પરશુરામ!’ તેણે કહ્યું. ‘કેશવ નાયક ભુવનેશ્વરીને દ્વીપ સુધી પહોંચાડી દેશે, ધુબાકો એની પહેલાં ત્યાં પહોંચી ગયો હશે જ – કે આપણે મોકલ્યા છે તે પહોંચી જશે. પણ આપણા મહારાજની આ વાત ક્યાં સુધી છાની રહી શકશે?’

‘છાની રહેવી મુશ્કેલ છે!’ પરશુરામ બોલ્યો: ‘મહારાજ તો તસુએ તસુ જમીન ખોળાવશે!’

‘ત્યારે? એનું શું? એના પરિણામનો તેં વિચાર કર્યો?’

‘લક્ષ્મીરાણીના માણસો પણ હમણાં આંહીં આવ્યા દેખાડું!’

‘એ તો ઠીક, એનો જવાબ અપાય તેવો છે, તું આંહીં યુદ્ધમંત્રણામાં હતો એટલે તને શી ખબર? અને હું તો વહેલી સવારે જ જૂનોગઢી ધારાગઢ પહોંચી જઈશ! પણ એમની શંકા ટાળવા માટે એ આવે તો તું ધૂંઆપૂંઆ થતો દોડજે – ભલેને છેક વર્ધમાનપુર સુધી આંટો મારવો પડે!’

‘પણ મહારાજ!... એનું શું?’ પરશુરામને હવે આ સાહસ જણાવા માંડ્યું હોય તેમ એ ઢચુપચુ બન્યો.

‘મહારાજને આપણે કહી જ દેવી વાત કે આમ છે!’

‘જોજે, ગાંડા ભાઈ! એવી ઉતાવળ ન કરતો. એ વાત તો તક આવ્યે. આપણે ત્યાં સ્તંભતીર્થમાં એ પહોંચી જાય પછી કરીશું. હમણાં તો તેં ચલાવ્યું છે તે જ રાખવાનું. મહારાજને કહેવાનું કે ત્રિભુવનપાલની સાથે વહાણમાં ગયા. બીજું ચૂપચાપ. તને ક્યાં ખબર નથી. સ્તંભતીર્થમાં આવે છે તે ત્યાંનું બની જાય છે?’

પણ સવારે પરશુરામે ધાર્યું હતું તેમ જ બન્યું. લક્ષ્મીરાણીના માણસો દોડતા દોડતા આવી પહોંચ્યા હતા. પરશુરામને એ મળ્યા. પરશુરામ ઉદયને કહ્યું હતું તેમ ધૂંઆપૂંઆ આમતેમ ઘૂમવા માંડ્યો, અને છેવટે સૌની સાથે વંથળી ભણી ઉપડ્યો!   

આ વખતે ઉદયન સાથે તો જૂનોગઢી ધારાગઢ દરવાજે પહોંચી ગયો હતો.

કેશવના શબ્દો એને યાદ હતાં. સંધિ થવાની આશા તો એ રાખતો જ ન હતો – છતાં એને નાણી જોવા માટે ફરીને એ શબ્દો સંભારી ગયો.

ગિરનાર ફરતી રા’ની ચોકીઓ હતી. એ ચોકીઓની પરંપરા દ્વારા એણે સલાહ માટે પોતાનો સંદેશો રા’ને મોકલ્યો.

એ હવા ખાતો ત્યાં બેઠો રહ્યો! સાંજ સુધી કોઈ જવાબ આપવા માટે ફરક્યું નહિ. મોડી સાંજે અંધારું થયે એક સૈનિક આવ્યો. રા’ની અનુમતિ એણે ચોકીદારોને બતાવી. ઉદયનને એકને જવાની રજા મળી.

તરત ઉદયનની આંખે પાટા બાંધવામાં આવ્યા. બેસવા માટે એક બંધ સુખાસન આવ્યું. ગાઢ અંધકારમાં ઉદયનને લઈને સૌ આગળ ચાલ્યા. ઉદયને જરાક વાત લેવા બહાર હાથ ફેરવ્યો – જાણે એ અંધકારની ભીંત સાથે અથડાતો હોય તેમ એને લાગ્યું. અંધકાર સિવાય બીજી કોઈ વસ્તુ જણાતી ન હતી. એણે ભોઈઓની લાકડીનો અવાજ પકડીને જમીનની જાત જાણવાનો પ્રયત્ન કર્યો, પણ લોહકડીઓ ખખડાવતી ડાંગો કેવી જમીન ઉપર પડી રહે છે એ જાણવું ઘણું મુશ્કેલ હતું.

થોડી વાર સુધી જંગલ કેડીએ ચાલ્યા બાદ એને લાગ્યું કે હવા કાંઈક બદલાઈ ગઈ છે. કોઈક અંધારઘેરી સાંકડી ભોંયગલીમાંથી પોતે જઈ રહ્યો હોય તેવું એને જણાયું. એક ભોઇએ, બીજાને ભટકી ન જવાય એ માટે ચેતવણી આપવા જરાક મોટેથી ઉચ્ચાર કર્યો. એ સાંભળવા ઉદયને કાન સરવા કર્યા. પણ એટલામાં તો આ અપરાધ માટે પેલા ભોઈના પડખાંમાં એક મુક્કો પડી ગયો લાગ્યો, એટલે એ મૂંગોમૂંગો – કેવળ લોહકડીઓના ખણખણાટ કરતો – આગળ વધવા માંડ્યો. ઉદયનને કેવળ અંધકારનો ખ્યાલ રહ્યો.

એને લાગ્યું કે, વખત ઘણો જાય છે: એટલામાં જ કોઈ સત્તાવાહી અવાજ એને કાને પડ્યો: ‘થોભો – કોણ છે?’

‘મંત્રીશ્વર ઉદયન મહેતા –’ સાથે સૈનિક હતો તેણે પ્રત્યુત્તર વાળ્યો. આગળ જવાની અનુમતિ મળી ગઈ લાગી, પણ ઉદયનને બીજો કાંઈ શબ્દ સાંભળવા મળ્યો નહિ. સવારી આગળ વધી રહી હતી, એટલું જ એણે અનુભવ્યું.

થોડા વખત પછી સવારી અટકી પડી. સુખાસન નીચે આવ્યું. ઉદયનની આંખના પાટા છૂટ્યા. એને હવા અને પ્રકાશ મળ્યાં. પોતે ક્યે રસ્તે થઈને આવ્યો, ને કોણ એને લઇ આવ્યું, એ જોવા એણે જરાક નજર આમતેમ ફેરવી, પણ ત્યાં સુખાસન લઇ આવનારો કોઈ ભોઈ હતો જ નહિ! એની સામે ખુલ્લી તલવારે, એક જુવાન, શાંત ગૌરવભર્યો, પણ તેજસ્વી માણસ શસ્ત્રનમન કરતો ઊભો હતો!     

એ કોઈ અધિકારી જણાતો હતો. ઉદયને પોતાની સાથે  આવેલા સૈનિકને એના વિષે પૃચ્છા કરવા ડોક એક બાજુ ફેરવી, પરંતુ એ પણ ત્યાં ન હતો! એ પણ તાત્કાલિક અદ્રશ્ય થઇ ગયેલો જણાયો! એટલામાં પેલો અધિકારી જેવો માણસ જ બોલ્યો: ‘મંત્રીશ્વર! તમે આવવાના છો એ આંહીં સૌને ખબર છે. તમે જઈ શકો છો –’ તેણે એક બાજુ ખસી જઈ સામે શરુ થતી રાજમહાલયની સોપાનપરંપરા તરફ અંગુલીનિર્દેશ કર્યો. ઉદયને પોતાને રાજમહાલયના છેક સાંનિધ્યમાં આવેલો હજી કલ્પ્યો પણ ન હતો. એને આશ્ચર્ય થયું. વખત એટલો થોડો ગયો હતો કે કોઈ નિકટવર્તી ભોંયગળીમાંથી એને આંહીં આણવામાં આવ્યો હતો એ ચોક્કસ હતું; પણ અનુમાન સિવાય બીજી લેશ પણ નિશાની એની દ્રષ્ટિએ પડી નહિ.

વખત કેટલોક ગયો હશે – એ જાણી લેવા માટે સાધારણ પૃચ્છા કરતો હોય તેમ એ બોલ્યો:

‘કેટલીક ઘટિકા રાત્રિ... બાકી હવે?’

પેલો માણસ સહેજ હસ્યો: ‘પ્રભુ! હમણાં કેટલી રાત્રિ થઇ અને કેટલી બાકી રહી એનો આંહીં કોઈને ખ્યાલ જ નહિ હોય! એવો હિસાબ જ કોઈ રાખતું નથી!’

આમાંથી જયદેવ એક કાંકરી પણ ખેરવી શકે એ ઉદયનને હવે અશક્ય લાગવા માંડ્યું. જાણવાનો કોઈ પણ પ્રયત્ન ન કરવામાં ગૌરવ સચવાતું એણે જોયું. એટલે તરત બોલ્યાચાલ્યા વિના એણે આગળ પગલું ભર્યું: તમે?...’

‘હું આંહીંનો દુર્ગપતિ...’

‘સોઢલજી કહે છે એ? હેં? અરે, ત્યારે ભલા માણસ...’ ઉદયને હાથ લાંબો કરી એનો હાથ પકડ્યો: ‘તમે તો અમને પળે પળે સાંભરો છો, સોઢલજી! કેમ ન સાંભરો? શાસનદેવને મેં પ્રાર્થના કરી છે કે સાત જનમારા સુધી આવા જ દુશ્મનો આપજો... ને આવા મિત્રો આપજો! તમારી ગઢીની નામના તો, સોઢલભા, દેશવિદેશમાં આજે ગવાઈ રહી છે!... મારે ક્યાં, ત્યાં જાવાનું છે?’ ઉદયને સામે નજર માંડતાં કહ્યું.

‘હા, મહારાજ! મંત્રીરાજ ત્યાં આવશે...’

સોઢલે સામેની સોપાનપરંપરા ભણી નજર કરી ઉપરના ખંડ તરફ અંગુલીનિર્દેશ કર્યો.

ઉદયન વિચાર કરતો આગળ વધ્યો. આંહીં પોતે આવ્યો, સઘળું જોયું. મુંજાલની સત્તા દીઠી. પોતે કાંઈ ન હતો એ પણ અનુભવ્યું, અને આ વાત જે આખી નિષ્ફળ જવાની હતી, એમાં પોતાને મોકલવામાં આવ્યો, એ શા માટે? ફજેતી કરવા? વખત મેળવવા? કોઈ યોજનાને વધુ દ્રઢ બનાવવા? કે માત્ર મહારાજને બતાવવા? કે રા’ને છેતરવા?

મુંજાલની દ્રષ્ટિ ગમે તે હોય, પણ એને પોતે હવે આંહીંની પરિસ્થિતિનો પૂરેપૂરો લાભ ઉઠાવવાનો નિશ્ચય કરવાનો હતો. નહિતર એ સ્તંભતીર્થ પણ ખોવાનો હતો, ને પાટણમાંથી પણ રખડવાનો હતો! મુંજાલના એક પાયા તરકી એને સ્થાન હતું. એ ચોક્કસ, પણ એણે તો મુંજાલને જ ઉલાળી મૂકવાનો નિર્ણય કર્યો હતો. એ તીક્ષ્ણ વેધક દ્રષ્ટિથી નાનામાં નાની વાતને પણ નજરમાં રાખતો આગળ વધ્યો. સોઢલજી ત્યાં ઊભો હતો એ એના ધ્યાનમાં હતું. એના મનમાં પરશુરામવાળી પેલી સ્ત્રી હજી રમી રહી હતી. એ આ વાત જાણતી જ હોવી જોઈએ – સંધિસલાહ કરવા માટે સૈન્યમાંથી પોતે આવવાનો છે એ. બીજું કાંઈ નહિ તો કેવળ કૂતુહલની ખાતર પણ એને જોવા માટે એ ક્યાંક ને ક્યાંક ઊભી રહેવાની એ ચોક્કસ! રાશિજીએ સામે ચાલીને જેને સોંપી દીધી હશે એ રાજકુટુંબની જ હોઈ શકે. ને તો એ આટલામાં જ એને જોઈ લેવા કે એની વાત જાણવા ફરતી હોય! અંધકારને અજવાળતી એનેક દીપાવલીઓની વચ્ચે થઈને એ આગળ ચાલ્યો.

અચાનક એની દ્રષ્ટિએ, ડાબી બાજુ તરફ જતાં સાંકડી નળી જેવા માર્ગને છેડે, કોઈક સ્ત્રી નજરે પડી! એને એમ લાગ્યું, કે ખરેખર એ એમ હતું? – એના વિશે એ કોઈ પણ નિર્ણય કરે તે પહેલાં, તેણે એક પછી એક પ્રગટતાં ત્રણ કોડિયાં દીઠાં! હવે એને શંકા ન રહી. ત્યાં એક સ્ત્રી ઊભી હતી. એણે જરાક એ તરફ દ્રષ્ટિ કરી. પણ જેવી એણે દ્રષ્ટિ કરી કે તરત પેલી સ્ત્રી એક પછી એક ત્રણે કોડિયાં ધીમે ધીમે બુઝાવતી ગઈ!

ઉદયનની આંખ વધારે તીણી થઇ ગઈ. એનો હાથ આ સંકેતનો ઉકેલ લેવા મથતો હોય તેમ સહજ દાઢી ઉપર ફરી રહ્યો. પણ ગતિને મંદ થવા દેવાય તેમ પણ નહોતું. તો વધારે ઝીણવટથી જોવા માટે ઊભું તો શાને રહેવાય? સોઢલની દ્રષ્ટિ એની પાછળ જ હોવી જોઈએ! પેલી સ્ત્રી પણ અદ્રશ્ય થઇ ગઈ હતી!

એ વિચાર કરી રહ્યો: આ તો સ્પષ્ટ રીતે કાંઇક સંકેત હતો; પેલી બાઈએ આપ્યો હતો. એ બાઈ – એ જ હોવી જોઈએ, જેના વિશે પરશુરામે વાત કરી હતી. તો આ સંકેત – આગલા કોઈ સંકેતના સમર્થનમાં હોય – કે ફેરફારમાં હોય કે નવો જ હોય? મુંજાલનો મોકલ્યો પોતે આવી રહ્યો છે આ વાત બાઈની સમજણમાં હોય. એટલે મુંજાલને કોઈ સંકેત આપ્યો હોય. ઉદયનને અચાનક નવું અજવાળું આવતું જણાયું. આજ કઈ તિથી હતી? સુદિ ત્રીજ. ત્યારે ચોક્કસ આવતી વદિ ત્રીજ – હાં એણે દીપક બુઝાવ્યા હતા – એટલે અંધારી ત્રીજે. આ સંકેતઓ એ અર્થ હશે? પણ તો અંધારી ત્રીજે શું? મળવાનું હશે? કે કોઈ ગુપ્ત માર્ગની માહિતી આપવાની હશે? શું હશે?

એમ ને એમ વિચાર કરતો એ ઉપર પહોંચ્યો. ત્યાં દ્વારની બંને બાજુએ બે માણસ ઊભેલા એણે દીઠા. એ બંને કોણ હશે – એનો એ વિચાર કરે છે. ત્યાં એની નજરે એક માણસ સહેજ ઠેરવતો હોય તેમ, ત્રણ આંગળી પોતાના ઓડિયાવાળા માથામાં પસાર કરી, અને પછી પાછળના ખભામાં ભેરવેલ તીર ઉપર એ હાથ જરાક થોભતો હોય તેમ થોભી ગયો. ઉદયનની ચપળ દ્રષ્ટિએ  એક ક્ષણમાં આ સંકેત છે એમ જાણી લીધું. એને ભારે આશ્ચર્ય થયું. આમાં પણ નિર્દેશ ત્રણનો જ હતો. વિશાળ ખંડમાં બીજું કોઈ ક્યાંય જણાતું ન હતું. ને તદ્દન ધીમેથી બોલાય, તોય પોતે શબ્દ પકડી શકે એટલો એ માણસની નજીકમાં હતો, છતાં એ બોલ્યો ન હતો.

પેલા માણસની સહજ જ ઊંચી જણાતી દ્રષ્ટિ પાછળ એણે પોતાની નજર મોકલી તો ત્યાં પોતાની જ ઉપર, સામે, પોપટનું એક પાંજરું લટકતું હતું! ઓત્તારીની! આવડા વિશાળ ખંડમાં બીજું કોઈ નથી એ જોઇને એ સહેજ આશ્ચર્યથી પેલા બંને દ્વારસ્થ પુરુષોનાં નમનને પ્રત્યુત્તર વાળતો જરાક આગળ વધ્યો તો, એને આવકાર આવ્પવા માટે હોય એમ એક માણસ એક તરફના સ્તંભ પાસેથી આગળ આવતો દેખાયો. ઉદયન સચેત થઇ ગયો. પેલો માણસ હાસ્ય હસી રહ્યો: ‘ઓ હો હો! ચંદ્રચૂડજી! મેં તો તમને જોયા જ નહિ’ – ચંદ્રચૂડનો એને એક વખત સ્તંભતીર્થમાં ભેટો થયેલો, એટલે એને એ જાણતો હતો. દ્વાર ઉપર પેલા માણસે આપેલા સંકેત વિષે આને શંકા તો નથી પડી કે? એ જાણવા એણે એની દ્રષ્ટિ ઉપર મીટ માંડી. ‘હું ત્યાં થોભ્યો – દ્વારપાલજી પાસે.’ 

‘એમને ઓળખ્યા નહિ?’

‘ના, હું તો એમને દ્વારપાલ માનીને જડ જેવો ત્યાં ઊભો રહ્યો...’

‘એ અમારા લીલીબાના દેશુભા, ને પેલા વિશુભા!’

‘એમ? આ તો અજાણ્યું, ને આંધળું બરાબર! ક્યારેય મળેલ નહિ નાં? તમને તો જાણીએ.’ તેના મગજમાં એક વીજળી દોડી રહી હતી: ત્યારે પેલી બાઈ એ ચોક્કસ લીલીબા ને આ એના છોકરા!

‘મંત્રીશ્વર! હું બે ક્ષણમાં આ આવ્યો – મહારાજને ખબર કરીને, દેશુભા!’

‘અરે! વાંધો નહિ ચંદ્રચૂડજી! હું ક્યાં આંહીં વગડામાં ઊભો છું!’ 

ઉદયને ઈચ્છ્યું કે જાય તો સારું; દેશુભા મન મોકલું કરે પણ પોતાનાથી શરૂઆત થાય તેમ ન હતું; વખતે પોતે કાંઈ સમજ્યો જ ન હોય તો? સંકેત માનતો હતો એ પણ નાટક હોય તો? એનો રસ્તો અટપટો હતો.

એટલે ચંદ્રચૂડ ગયો કે ઉદયન ચારેતરફ જોવા માંડ્યો. ત્યાં આખા સોરઠની વગડેવગડાની જાણે સમૃદ્ધિ ઠાલવી હોય તેમ ભરતભરેલાં વસ્ત્રોથી ભીંતોની ભીંતો શણગારેલી હતી. એક તરફ સોરઠી સોમનાથના ભવ્ય મંદિરની પ્રતિકૃતિ ઊભી હતી; બીજી તરફ ગીરના સિંહણના બચ્ચાં કંદબની છાયામાં રમી રહ્યાં હતાં. શંખ, કોડી, શંખલાં, છીપલાં, ફટક મોતી, સાચાં મોતી, સોનું, રૂપું, હીરા-માણેક – દરેકેદરેક પ્રકારના આભરણથી આખો ખંડ જાણે ભર્યોભર્યો લાગતો હતો. આખા સોરઠની એકએક વસ્તુને સંભારીને આંહીં ભરી હતી. જોનારને લાગે કે આભરણસૃષ્ટિ જોવા માટે નહિ પણ એની વચ્ચે બેસનારાના અંતરમાં રહેલી જીવનકવિતાને તાલ દેવા માટે કોઈએ ઊભી કરી છે!

ચારેતરફ ભીંત ઉપર અનેક પ્રકારનાં શસ્ત્રો લટકતાં હતાં. અને જુદીજુદી સમશેરો પણ હતી. એક અર્ધખુલ્લા ગવાક્ષમાંથી સામે ગિરનારી ડુંગરમાળાનાં ઉત્તુંગ શિખરો ઉપરની દીપાવલિ દેખાતી હતી. એક તરફ એક સાંગામાંચી હતી. તેની પાસે ખૂણામાં એક મોટી દીપિકા હતી. બીજી તરફ ઢોલિયા ઉપર રા’ના હોય તેવાં ઢાલ અને તલવાર પડ્યાં હતાં. એટલામાં ઉદયનની નજરે એક સશસ્ત્ર સૈનિક ખૂણામાં શાંત ઊભેલો નજરે ચડ્યો. માથા ઉપર પોપટનું પાંજરું લટકતું દીઠું. એક પણ શબ્દ બોલવામાં જોખમ રહ્યું હતું એ એ કળી ગયો તે ચારેતરફના દ્રશ્યોમાં જ રસ લેતો હતો. બહાર મેદાનમાંથી હજી પણ કોઈક વખત મયૂરોની કેકાના પડછંદા પડતા હતાં, ઠેકાણ ઠેકાણેથી સૈનિકોની રણહાકના અવાજ આવતા સંભળાતા હતાં.

ઉદયન ત્યાં પડેલી એક પાટ ઉપર શાંતિથી બેસી ગયો. તેણે ચારેતરફ ઝીણવટથી જોવા માંડ્યું. કોઈ જગ્યાએ ખંડમાં રા’નાં થાકનાં ચિહ્ન એની નજરે પડ્યાં નહિ. તે મનમાં ને મનમાં વિચાર કરી રહ્યો... એટલામાં તો એણે સામેને બારણેથી એક પુરુષને આ તરફ આવતો દીઠો. એનું માથું ઉઘાડું હતું. માથા ઉપર રૂપાળા કેશ ઓળેલા હતાં. એની ભરાવદાર મૂછનો આંકડો, એની વિશાળ લાલ સુરેખી આંખ સાથે એટલા તો સંવાદી મેળમાં હતો કે, એના આખા ચહેરાને, એને લીધે, એક પ્રકારની મોહક રમણીયતા પ્રાપ્ત થતી હતી. એવી જ આકર્ષકતા એની નાકદંડીમાં હતી. સમર્થ, તેજસ્વી, પાતળો, સશક્ત, વીજળીની રેખા જેવો, વીરત્વની મૂર્તિસમો તે દેખાતો હતો. એને જોતાં તરત જ ઉદયનની સમજમાં આવી ગયું: આ જ રા’ હોવો જોઈએ. એને તરત જ બીજો વિચાર આવી ગયો: આ રા’ હોય તો એ અજેય દુર્ગ સમો માનવી હતો. આની રાંગમાં ઘોડું હોય ને હાથમાં સમશેર હોય પછી ભલેને એની સામે આખી સેના ઊભી હોય! આવા માણસો જાણે જન્મે છે જ જુદ્ધનો રંગ માણવા. એને પોતાને તો ખાતરી જ હતી કે આંહીં સંધિની કોઈ આશા ન હતી – પણ હવે એને એ વિશે વધુ ખાતરી થઇ ચૂકી. તે રા’ને જોતાં જ ત્વરાથી ઊભો થઇ ગયો.

એટલામાં રા’ ખંડમાં આવી પહોંચ્યો. ‘પ્રભુ! મહારાજ!’ ઉદયને બે હાથ જોડીને માથું નમાવ્યું: ‘જરાક કઢંગે સમે હું આવ્યો છું...’

‘ઓ હો હો! અરે ભૈ! કઢંગો ને સઢંગો – તમે આંહીં ક્યાંથી? આવો, આવો! ક્યારે હમણાં જ આવ્યા નાં? મુંજાલ મહેતા તો પાસે રહ્યા, હજાર વખત મળે, પણ તમે ક્યાંથી, ભા? આવો, આવો. તમે તો ક્યાં હમણાં સ્તંભતીર્થ છો નાં?’

‘હા મહારાજ! સ્તંભતીર્થ, આંહીં હમણાં તો બધે સરખું છે નાં?’

‘આવો – ત્યારે આવો, લ્યો...’ રા’એ પોતે એનો હાથ પકડી એને ઢોલિયા તરફ દોર્યો. રા’ના આવા ખુલ્લા નેહભર્યા સત્કારમાં કેટલો યોદ્ધાનો રંગ છે, કેટલો મુત્સદ્દીનો સ્વાંગ છે, એ એક કોયડો હતો. પણ ઉદયને રા’ વિશે સાંભળ્યું હતું; એની યોદ્ધાની દિલાવરી વિશે એણે જાણ્યું હતું;  એ જો સાચું હોય તો તો સંધિની આશા રાખવી એ વાત જ ફોકટ હતી. મુંજાલથી આ કાંઈ અજાણ્યું ન હોય – આ રા’ એ તો નર્યો જ યોદ્ધો હતો. યોદ્ધાઓ કદાપિ યુદ્ધ લેતા નથી. અને લીધા પછી બધું ગુમાવે પણ યુદ્ધ ગુમાવતા નથી, પોતાની નિષ્ફળતા ઉદયને સ્પષ્ટપણે જોઈ લીધી.

રા’ પોતે ઢોલિયા ઉપર બેઠો, ને પાસેની જગ્યાએ હાથ ઠબકાર્યો, ‘આવો! ઉદા મહેતા! આંહીં... આવો, બોલો, અમારી વાળુવેળા છે: ભાણાં આંહીં આવે કે અંદર આવો છો?’