Tribhuvan Gand - 26 books and stories free download online pdf in Gujarati

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 26

૨૬

ઉદયન રસ્તો શોધવા મથે છે

ઉદયન વિચાર કરી રહ્યો: આ માણસ ખુલ્લા દિલનો નર્યો યોદ્ધો હતો. એનો સર્વનાશ થશે એ ચોક્કસ હતું; આને નમાવવાની વાત ગગનકુસુમ જેવી હતી. તેણે બે હાથ જોડયા: ‘મહારાજ! હું તો મહારાજ જયદેવનો મોકલ્યો તમારી પાસે આવ્યો છું. મારે એક-બે વાત કરવી છે. ને આંહીંનો સંદેશો લઈને તરત પાછા ફરવું છે!’

‘જુઓ ભા, ઉદા મહેતા! તમે આવ્યા એ અમારાં આંખ-માથા ઉપર. વાત તમે કહેશો તે સાંભળીશું. અમને આવડે એવો જવાબ પણ આપીશું. પણ, ભા! અમારી આંહીં સોરઠની તો રાજરીત છે, જુદ્ધ તો હાલ્યા કરે, એમાં શું? પણ તમે આંગણે આવ્યા છો ને રોટલા વિના વાતું થાશે?’

‘મહારાજ! મારે તો અણઆથમી રહી – અને...’

રા’ ખુલ્લું નિખાલસ હાસ્ય કરી રહ્યો હતો: ‘અરે, ભા! ઉદા મહેતા! તમે પણ ઠીક અમારી આબરૂનો કાંકરો કાઢવાની વેતરણ કરી છે, હોં! પણ આંહીં તમે કાંઈ જૂનોગઢી દુર્ગમાં આવ્યા નથી, રા’ને ઘેર આવ્યા છો. પણ લ્યો, હવે ઘર જેનું છે ઈ પોતે જ આવ્યા...! જુઓ, સાંભળો, હવે મારે કહેવું નહિ પડે!’

ઉદયનને કાને મધુર રણકાર કરતી કાંબીનો અવાજ આવી રહ્યો હતો. તેને આશ્ચર્ય થયું: રાણકદેવી પોતે આવી રહી હતી કે શું? એને ઝાઝી વાર શંકામાં રહેવું પડ્યું નહિ. સામે એક ગૌરવ ભરેલી, જુવાન, રૂપાળી સ્ત્રી આવી રહી હતી. એનામાં મા અંબાભવાનીની આકર્ષક તેજસ્વિતા હતી. જાણે કે એ પોતે રૂપભરી ન હતી – પણ હવાને રૂપ આપતી ચાલી આવતી હતી! ઉદયનને આ નવો જ અનુભવ હતો!

તે ઢોલિયા ઉપરથી બેઠો થઇ એક બાજુ હાથ જોડતો આઘે ખસીને ઊભો રહ્યો.

એટલામાં રાણકદેવીનાં પગલાંનો રણકાર કરતો કાંબીનો અવાજ ખંડમાં જ સંભળાયો.

ઉદયને ઉતાવળે બે હાથ જોડી માથું નમાવ્યું. શું બોલવું, શું ન બોલવું એનો એ વિચાર કરે છે ત્યાં એના મોંમાંથી એની મેળે જ શબ્દ સરી પડ્યો: ‘મહારાણીબા! દેવી! હું.’

‘આ ઉદયન મહેતા આવ્યા છે, દેવી! – સ્તંભતીર્થથી...’ રા’એ કહ્યું.

‘હા, એ મેં સાંભળ્યું ને હું આંહીં આવી જ એટલા માટે.’ રાણકદેવીએ મીઠ્ઠો ઘરગથ્થુ વાણીમાં સ્મિતભરેલાં તેને કહ્યું: ‘હું બોલાવવા આવી છું. હાલો, રોટલા ટાઢા પડે છે!’

‘પણ મારે તો બા! અણઆથમીનું વ્રત છે. મહારાજને મેં હમણાં એ જ કહ્યું. એક-બે વાત મહારાજ સાથે થઇ જાય તો પછી રજા લઉં!’

‘પણ આંહીં અમારે, મહેતા! સોરઠમાં વાળુ પહેલું ને વાતું પછી.’ રાણકે આકર્ષક મોહક વાણીમાં ઉત્તર વાળ્યો. ‘મને એ જ બીક હતી. મારા રોટલા ટાઢા પડી જાશે, લ્યો હાલો, ત્યાં આવો છો કે આંહીં લાવું?’

‘પણ પ્રભુ!’

‘જુઓ, મહેતા! રાણકદેવી બોલી, ‘આંહીં જાણે હવે તમે મારા ઘરમાં છો. દેસાણ ચંદરાવળીનું એક તાંસળી બાખડ દૂધ ને બાજરાનો રોટલો – જે કટકબટક ભાવે ઈ, પણ તે પહેલાં કોઈ વાત તમારી સાંભળે ઈ વાતમાં કોઈ માલ નથી. મહેતા! લ્યો, હવે મારા રોટલા ટાઢા પડે છે. તમારે બહાર જઈને અમારા રસોડાની આબરૂના કાંકરા કરાવવા લાગે છે! કાં રા’ દેવ?’

‘મેં પણ એ જ કહ્યું, દેવી!’

ઉદયનને એક નવાઈ લાગી: આટલી બધી રમણીયતા છતાં રાણકદેવીનું લેશ પણ આકર્ષણ જાણે એના રૂપમાં રહ્યું જ ન હોય એમ એને લાગ્યાં કરતું હતું. એની આસપાસની હવામાંથી જાણે એક પ્રકારના અજેય તત્વનો પ્રવાહ ચારેતરફ વહી રહ્યો હોય – ને પોતે પણ એ પ્રવાહમાં જ ખેંચતો હોય – એવું એને ભાન થયું. એણે રા’ તરફ જોયું તો રા’, રાણકદેવીમાં જાણે કોઈ શક્તિની પ્રતિમા વસી રહી હોય તેમ, નેહભર્યા ભક્તિભાવે એના તરફ જોઈ રહ્યો હતો; તો રાણકદેવીના દિલમાં રા’ના અજેય દેવત્વની શ્રદ્ધા વસી રહી હતી. આ લડતાં શત્રુરાજાનો મંત્રી છે, વધારે વખત રહેશે તો કાંઈ જાણી જશે ને આ દેખશે કે તે દેખશે – એવી કોઈ પણ ક્ષુલ્લક વસ્તુ, રાણકદેવીની આંખે દેખાતી જ હતી. એનો સ્વર શુદ્ધ હતો, વાણી ખુલ્લી, નિખાલસ, પ્રેમભરેલી હતી. યુદ્ધની વ્યાકુળતા ને થાક બેમાંથી એકે એના દિલમાં ન હતાં. ‘લ્યો હાલો, ભા! મહેતા! અમારે તો જેવી દુર્ગની એવી જ અમારા રસોડાની આબરૂ પણ છે. તમે વાળુ કરો પછી વાતું થાશે!’

ઉદયનને લાગ્યું કે, હવે બીજું કાંઈ બને તેમ નથી. જુદ્ધનો કે જુદ્ધના સંચાલનનો લેશ પણ ભાર આંહીં આ ઘરમાં દેખાતો ન હતો. એને પહેલી વખત સમજાયું કે દુર્ગ રા’નો હતો, પણ ઘર દેવી રાણકનું હતું અને રાણક એને રોટલા વિના કોઈ વાતનો આરંભ કરવા દે તેમ લાગ્યું નહિ.

આંહીં આવતાં પહેલાં સોરઠ વિશે એણે બે વાત સાંભળી હતી: એક સોરઠની મહેમાનીની; બીજી સોરઠની માનુનીની, આજ એને બંનેનો પરિચય થયો. પણ એણે હવે જ પોતાની જાતને સાચવી લેવાની હતી. પોતે જે કામ માટે આવ્યો હતો – સંધિ કરવાના – એમાં ગગનકુસુમ જેવી આશા છતાં, પોતે જો સફળ થાય તો એણે મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી કહેવાય. ઉદયન એ વિશે પણ વિચાર કરી રહ્યો.

જ્યારે પાછાં ફર્યા ત્યારે ત્રણ જ જણાં હતાં: રા’, રાણકદેવી ને ઉદયન. ભા દેવુભાને સોઢલને રા’એ બોલાવવા મોકલ્યા હતાં. એ સૌ આવે એ પહેલાં ઉદયને તક પકડી: ‘મહારાજ! તેણે શાંતિથી કહ્યું. ‘હું આવું છું મહારાજ જયદેવના તરફથી, પણ મહારાજની અસાધારણ શૂરવીરતાએ મને પોતાનો બનાવ્યો છે. સોરઠના રા’ ભલે સોરઠના રહે – સમાધાન કરે તો વાંધો શો?’

‘શી રીતે ઉદા મહેતા?’

‘પ્રભુ! આ દુર્ગ જૂનોગઢી એ કલહમૂળ છે. આવા દુર્ગ ઉપર તો માઅંબાભવાનીનું બેઠણું હોય! ત્યાં આબુમાં છે નાં? વિમલ મંત્રીએ કરાવ્યા છે એવા દેરાં આંહીં ઊભા હોય એટલે કલહમાત્ર ઘટી જાય. ત્યાં સમુદ્રકાંઠે ભગવાન સોમનાથ – ને આંહીં ડુંગરટોચે ભગવાન નેમિનાથ!’

‘એટલે રા’નું વંશપરંપરાનું દુર્ગમાતમ જાય, એમ?’

‘પ્રભુ! આ ડુંગરા તો એને ખપના – જેને જુદ્ધ ચલાવ્યાં જ કરવાં હોય! જૂનોગઢનો રા’ આમ પાટણ સાથે કાયમ લડ્યા જ કરશે, એમ! કેટલાં વરસ થયાં આ વાતને? જૂનોગઢ અને પાટણ લડતા રહ્યા – પરિણામ શું આવ્યું? ભગવાન સોમનાથ ઉપર ઘા મારનારો ઘા મારીને ચાલ્યો ગયો. કોને ખબર છે, એવો કોઈક ફરીને નહિ આવે? ત્યાંસ્તંભતીર્થમાં હું તો એવો કોઈ ને કોઈ હંમેશા નીરખું છું!’

‘જુઓ! ઉદા મહેતા! આ તમે બોલાવ્યો એટલે બોલું છું: આ દુર્ગ જૂનોગઢી. એ કોઈ દુર્ગ નથી, એ તો અમારી બોંતેર પેઢીનું બેઠણું છે, ભા! એ તો અમે નહિ હોઈએ ત્યારે એ નહિ હોય! અમારું કુળ તો મૂળથી જાદવનું! આંહીંથી દ્વારકેશ ને દ્વારકેશથી છેક સ્તંભતીર્થ – ત્યાં સુધીની ભૂમિ અમારે મન જાદવકુળની રમણભૂમિ! તમને ખબર ન હોય તો કહું, તમારે મન એ સ્તંભતીર્થ હશે; અમારું તો એ ઘરઆંગણુ છે!’

‘મહેતા! રાણકદેવી બોલી, ‘ત્યાં સ્તંભતીર્થમાં તમે હોય, આંહીં સોરઠમાં રા’ હોય, સિંધ ને કચ્છમાં પણ સિંધુનાથ ને લાખા ફુલાણીનો વેલો હોય – તો તમારું પાટણ પોતાને સાચવે. પણ તમારા જેસલદેવને તો જગતઆખાનાં ઘેટાં ભેગાં કરવા છે, ને આંહીં તો નીપજ કેસરીની છે, મહેતા! અને કેસરીના ક્યાંય ટોળાં જોયાં! એનો કોઈ ગોવાળ દીઠો!’

‘પાછું ફરવું હોય મુંજાલ મહેતાને તો મારગ મોકળો છે, ભા!’ રા’એ કહ્યું. ‘આંહીં કોઈ વાંહે નહિ ફરકે, બસ? તમારે પાછું માળવાનું માથે ગાજતું હશે નાં? જે મારગે જાવું હોય ઈ મારગે પાછો ફરો – ફરવું હોય તો – એટલું મારું વેણ. બસ?’

‘ક્યાં વળી જાવું છે, ભા? આ કોણ? ઓ હો હો! ઉદા મે’તા? કેટલાં વરસ થ્યાં એકબીજાને મળ્યાં? કાંઈ સાંભરે છે? આવો, આવો, ભા!’ ભા દેવુભા આવી પહોંચ્યો હતો. તેણે વાતનો દોર ઉપાડી લીધો. ને બથ ભરીને ઉદયનને મળ્યો. એની પાછળ જ રા’ના ભાણેજ દેશળ ને વિશળ પણ ઊભા હતાં. ઉદયને એમનાં તરફ જોયું. એમનાં ચહેરા ઉપરથી પામી ગયો: એમની આંખમાં સંકેત રમી રહ્યો હતો. આ બંને આ સ્થળ સાથે કોઈ રીતે મેળમાં ન હતાં. એને લાગ્યું કે, મુંજાલ મહેતાની પાસે જે ચાલ છે એને આમની સાથે સંબંધ છે જ. સૌથી પાછળ થોડાબોલો પણ વજ્ર જેવો સોઢલ ઊભો હતો. આ સૌ ભેગા થયા – એમનો પ્રત્યુત્તર શો હશે એ વગર કહ્યે સમજાય તેમ હતું. એટલે હવે કેશવે પોતાને કહ્યું હતું એમાં કાંઈ સાર છે કે નહિ એ નાણી જોવાનો એણે તરત નિશ્ચય કરી લીધો; તે તરત રાણકદેવી તરફ ફર્યો; ‘બા! મારે તમને એક વાત કહેવાની હતી!

‘હા... આવો ને, મહેતા! આવો...’ રાણકદેવી તરત સાંગામાંચી ઉપરથી ઊભી થઈને અંદરની ઓશરી ભણી ચાલી. અંદર પ્રવેશતાં જ ઉદા મહેતાએ કોઈને ઝડપથી દોડી જતાં જોઈ લીધું. ચોક્કસ પેલી લીલીબા! એને મુંજાલની ચાલની એક વધુ કડી મળતી જણાઈ.

‘બા!’ એણે રાણકદેવી જરાક ત્યાં પડેલી પાટ ઉપર બેઠી કે તરત કહ્યું. ‘કેશવ નાયકે તમને સંભાર્યા હતાં!’

‘હા... મહેતા! કેશવ નાયક? એ યુદ્ધમાં છે? એ તો માલવા ભણી છે એમ સાંભળ્યું હતું ને?’

‘મને મળ્યા ત્યાં – ત્યારે કહ્યું હતું! બાને આપવાનો એક સંદેશો પણ મને આપ્યો હતો!’

‘શો?’

‘બા! નાયકે એમ કહેવરાવ્યું હતું કે, દુર્ગ તો આવે ને જાય; રાષ્ટ્ર પડે ને ચડે; પણ માણસની પરંપરા તૂટે... નારીજીવનનો એવો કરુણ અંત, જેના વડે પુરુષની પરંપરા તૂટે – અને તે પણ રા’ જેવા નરસિંહની...’ ઉદયન આગળ બોલતો અટકી ગયો. એની સામે જાણે રાણકદેવી નહિ, રાણકદેવીનું પ્રેત ઊભું હોય, એવી વ્યગ્રતા એણે એના ચહેરામાં દીઠી. પણ એ ચિહ્ન એક પળમાત્ર ત્યાં ટકી રહ્યું; બીજી ક્ષણે તો એ ચહેરામાં પાછી ગિરનારી ખડકની અડગતા ઝળકી ઊઠી.

‘મહેતા!’ રાણકદેવી બોલી, ‘કેશવ નાયકની વાત તો હું સમજુ છું, પણ મારા જેવી તો એક હજાર ને એક નારી આવે ને જાય – એના જીવનના કરુણ અંતનો શો હિસાબ? પણ આ ગિરનારી ઉત્તુંગ ડુંગરમાળાના શિખર પડે...’ તેની દ્રષ્ટિમાં કોઈ અનેરું તેજ ઉદયને જોયું; ‘તો સોરઠના રા’નું દેવત્વ જાય. માનવવેલો રહે કે ન રહે, એની શી મહત્તા છે? પણ એક નરોત્તમનું દેવત્વ જાય – પછી તો ઉદા મહેતા! સોરઠની, સોમનાથથી માંડીને સ્તંભતીર્થ સુધીની, આ રણભૂમિ કોની પાસેથી પ્રેરણા મેળવે? શેના ઉપર નભે? કયા બળ ઉપર ગૌરવભરી ટકી શકે? કયા વારસા ઉપર ઝઝૂમી રહે? કઈ પ્રાણશક્તિને આધારે અમરવેલની પેઠે પાંગરે? સોરઠના રા’ જુદ્ધ લેતા નથી; લીધા પછી એ મૂકતા નથી. અણનમ પ્રણાલિકા આંહીંની ભૂમિની! એ તો કદાપિ નહિ તૂટે – પ્રાણ રહે કે ન રહે. જેસલભાને સમજાવજો – સમજે તમારાથી તો – આબરૂભેર જવાનો મારગ હજી છે! બાકી રા’ જૂનાગઢનો જુદ્ધ છોડે – દેવત્વ છોડે – એ વાત આળપંપાળ છે! અમારે આંહીં તો જુદ્ધ કદાપિ છૂટતાં જ નથી.’

ઉદયનને વધારે વાત ચલાવવી નિરર્થક જણાઈ. સામે રાણકદેવી હતી; ત્યાં રા’ હતો. આ રણઘેલી સોરઠીઓની દ્રઢતા ડગાવવી નિરર્થક હતી.

‘બા!’ ઉદયને હાથ જોડ્યા: ‘હું તો રહ્યો વાણિયો. મારું કામ બેની તડજોડ સાંધવાનું, એટલે આ પ્રયત્ન હાથમાં લીધો’તો. તમને કેશવનું કહ્યું; ન કહ્યું તો વિશ્વાસભંગ થાય! શાસનદેવની ઈચ્છા. બસ, આટલું જ – આ કહેવું’તું!’

રાણકદેવીની પાછળ ચાલી રહેલો ઉદયન મનમાં વિચાર કરી રહ્યો; આનું નામ અસાધારણ આતિથ્ય, આની અસાધારણ નિખાલસતા, અસાધારણ સ્ત્રીત્વ, અને છેવટની આ અસાધારણ રણઘેલછા – આ ભૂમિની જ શું એ વિશિષ્ટતા હશે? – સર્વનાશના પંથને પણ અનોખું સામર્થ્ય છે એમ ગણવાની? ભગવાન કૌટિલ્યના સમયમાં સોરઠના જોદ્ધાઓની ગણના થતી – વીરમાં; શું એ હથિયાર ન છોડવાની ઘેલછા, રા’ને પણ હતો ન હતો કરી નાંખશે?