Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 102 and 103 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 102 અને 103

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 102 અને 103

(૧૦૨) દિવેર ઘાટીનું યુદ્ધ

ઇ.સ. ૧૫૮૦ થી ૧૫૮૩ શહેનશાહ અકબર મોગલ સામ્રાજ્યની શિથિલતાઓને ખંખેરી નાખવાના અગત્યના કાર્યમાં રોકાયા હતા. રાજા ટોડરમલને જમીન- મહેસુલ પદ્ધતિ અંગેની યોજના બનાવી કાઢવાનું કામ સોપ્યું.

બંગાળ બળવાના ચાળે ચઢ્યું હતું. ત્યાં વારંવાર બગાવત પોકારવામાં આવતી. વિદ્રોહના સ્વર દાબીને કડક અંકુશ સ્થાપવા સ્વયં અકબરશાહ બંગાળ ગયા હતા. આ કામ માટે ઇ.સ. ૧૫૮૩ નો સમગ્ર સમય ત્યાં પસાર કરવો પડ્યો.

વણ લખ્યો યુદ્ધ વિરામ મળ્યો. સમજી મહારાણા પ્રતાપે પણ સૈન્ય સંગઠન સાધવા માડ્યું.

સત્યવાદી રાજા હરિશચંદ સત્ય માટે, વચન માટે શ્મશાનનો રખેવાળ બન્યો. ભયંકર કસોટીમાંથી પાર ઉતર્યો ત્યારે પ્રભુએ તેમનો હાથ પકડ્યો. મેવાડપતિ મહારાણાએ પણ ભીષ્મ સંકટો વેઠ્યા પછી ભામાશાએ તેમના ચરણોમાં, રાષ્ટ્રની સ્વતંત્રતા માટે અઢળક સંપત્તિ સમર્પિત કરી દીધી. દ્વિગુણિત ઉત્સાહથી હવે સૈન્યની જમાવટનું કાર્ય આગળ ચાલ્યું.

ગુજરાતમાં વિદ્રોહ ચાલુ હતો. મોટી શાહી સેના ત્યાં રોકાઇ હતી. શિરોહીના દંતાલી પાસે મોગલોની અનામત સેના રોકાઇ હતી.

મહારાણા એક એવો ઘા મારવા માંગતા હતા કે જેમાં મેવાડી સેનાને અવશ્ય વિજય મળે અને ઉત્સાહનું મોજું ફરી વળે.

કુંભલગઢથી ૩૦ માઇલ દૂર ઉત્તરપૂર્વમાં અરવલ્લી પર્વતમાળાની દિવેર ખીણના પૂર્વ છેડે દિવેર ગામ આવેલું હતું. આ જગ્યાએ મોગલોનું શાહી થાણું હતું. આ શાહી થાણાનો સેનાનાયક સુલતાનખાન હતો.

“ દેવરઘાટીનું થાણું આપણે મેળવવું છે. આ આક્રમણ હું નહિ યુવરાજ અમરસિંહ કરશે. મેવાડના યુવરાજની હિંમત, વીરતા અને યોગ્યતાની પણ કસોટી થઈ જશે.” મહારાણા પ્રતાપે કહ્યું.”

પોતાના ગુપ્તચર મારફતે જ્યારે આ સમાચાર સુલતાનખાનને મળ્યા ત્યારે તેણે નાના-મોટા થાણાઓ પરથી સિપાહીઓથી ટુકડી બોલાવી લીધી. મોટી મોગલ સેનાની જમાવટ કરી.

મહારાણા પ્રતાપ પોતાની સેના સાથે દેવર આવ્યા.

“કુંવર અમરસિંહ મોગલોની મોટી સંખ્યા છે. આપણી યોજના ફૂટી ગઈ છે. તારી સરદારીની કપરી પરીક્ષા છે.”

“પિતાજી, રાજપૂતો કદી દુશ્મનોની સંખ્યાનો વિચાર કરતા જ નથી.”

ભીષણ સંગ્રામ થયો. પ્રથમથી જ અમરસિંહે વેગીલુ આક્રમણ કર્યું હતું. સંખ્યા બળમાં મોગલો વધારે હતા પરંતુ જુસ્સો રાજપૂતોમાં વિશેષ હતો.

સેનાનાયક સુલતાનખાન હાથી પર બેસીને પોતાની સેનાને ઉત્તેજન આપી રહ્યો હતો.

મેવાડી સેનાના રાજપૂતો હવે મરણિયા બન્યા. તેમણે હાથીના પગ અને સૂંઢ કાપી નાંખવાનો નિર્ણય કર્યો, આ કાર્ય માટે સેંકડો રાજપૂતો પોતાની શહીદી વહોરવા તૈયાર થયા. ગમે તે હિસાબે સેનાનાયક સુલતાનખાન હાથી પરથી ખસે તો મોગલસેનાના હોશ ખતમ થઈ જાય. આખરે રાજપૂતોએ હાથીના પગ અને સૂંઢ કાપી નાખ્યા. જોકે સુલતાનખાન કુદીને એક અશ્વ પર સવાર થઈ ગયો.

હવે એ ક્રોધાતુર થઈ રાજપૂતોને સંહારવા લાગ્યો.

કુંવર અમરસિંહે આ જોયું. એણે પોતાના ભાલો ઉઠાવ્યો. બંને સેનાનાયકો ઘોર યુદ્ધ કરવા લાગ્યા.

એક પળે, કુંવર અમરસિંહે પોતાનો ભાલો ઉઠાવીને મોગલ સેનાનાયક સુલતાનખાનની છાતીમાં પરોવી દીધો અને ઝડપથી તલવાર કાઢી ઘોડાના બે ટુકડા કરી નાખ્યાં. દિવેર જીતાયું

“જય હો કુંવર અમરસિંહનો.”

મોગલસેનાને ડારતો મેવાડી સેનાનો અવાજ આકાશને ભેદી નાખે એવા પ્રચંડ નાદથી ગર્જી ઉઠ્યો.

“આ યુદ્ધ મેવાડના ઉદ્ધાર માટેનું પ્રથમ સોપાન છે. મારામાં હવે અપૂર્વ હિંમત આવી છે. મેવાડના સર્વ થાણાઓને હું હવે મુક્ત કરી શકીશ. હવે મેવાડી સેનાની આબરૂ વધી છે. એક નવું ચૈતન્ય સૌના મુખ પર જોવા મળે છે. આજના વિજયનો સેહરો કુંવર અમરસિંહને ફાળે જાય છે.” ગદ્ગગદ્  કંઠે મહારાણા બોલી ઉઠ્યા.

 


 

 (૧૦૩) ચાવંડ રાજધાની બને છે

 

મહારાણા પ્રતાપે મોગલ સલ્તન સામે જંગ જારી રાખવા રાજધાનીઓ પણ બદલી. ઉદયપુર, ગોગુન્દા, કોમલમેર એમાં મુખ્ય હતી. જ્યારે જે શહેર અનુકૂળ લાગ્યું. મહારાણાએ પોતાની પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવ્યું.

શાહબાઝખાન કોમલમેરથી પણ આગળ ખીણમાં મોગલસેનાને દોરીને આગળ વધતો હતો. ઇ.સ. ૧૫૮૩ માં દિવેરઘાટીના વિજય પછી મહારાણા પોતાની રાજધાની કોઇ સુરક્ષિત સ્થળે વસાવવાનો વિચાર કરતા હતા.

એવી શક્યતા મેવાડના દક્ષિણ પ્રદેશમાં જ હોય  એ પણ મહારાણા સમજતા હતા. ગુજરાત, શિરોહી અને માળવા જેવા મિત્ર રાજ્યો નિકટ હોય તેવો પ્રદેશ “છપ્પનનો પ્રદેશ” જ હતો.

એક દિવસે તે પ્રદેશના કેટલાક પ્રજાજનો મહારાણા પાસે આવ્યા.

“મહારાણાજી, અમારા પ્રદેશમાં રાજા જ જુલ્મી થઈ ગયો છે. “લૂણો ચાવંડિયો” રાજા નથી. લૂંટારો છે. પ્રજાનું પાલન કરવા કરતાં લૂંટવામાં તેને વિશેષ રસ છે. એના આ કાર્યમાં એના જાતિભાઇઓ સંપૂર્ણ સહયોગ આપે છે. રાઠોડો આ પ્રદેશને તબાહ કરી રહ્યા છે. અમે આ આતંકથી બચવા માંગીએ છીએ. એક જમાનામાં મેવાડના રાણાઓની છત્ર-છાયા નીચે અમારા વડવાઓ સુખી હતા.”

આ પ્રદેશમાં મીણા લોકો વસતા હતા. તેઓ એક પ્રકારે ભીલ જ હતા.

“પૂંજાજી, મીણા લોકો શું ઇચ્છે છે?”

બે દિવસમાં જ વીર પૂંજાજીએ મહારાણા સમક્ષ ઉપસ્થિત થઈ નિવેદન કર્યું. “મહારાણાજી, મીણા લોકો રાઠોડોના જુલ્મથી મુક્તિ ચાહે છે. તેઓ આપના પરમભક્ત છે.”

મહારાણાએ છપ્પન પ્રદેશના રાજા લૂણા ચાવડિયા પર ચઢાઈ કરી.

“લૂણા ચાવડિયા, પ્રજાના રક્ષક બનવાને બદલે ભક્ષક બનવાની આ સજા ભોગવ.” કહી વીર ગુલાબસિંહે એનો વધ કર્યો.

જૂજ પ્રમાણમાં રહેલા રાઠોડો ઉચાળા ભરી મોગલ પ્રદેશમાં ચાલ્યા ગયા.

લૂણા ચાવંડિયાની રાજધાની ચાવંડ શહેરમાં મેવાડપતિ એ પ્રવેશ કર્યો.

પ્રજાએ વીરનાયકનો ભાવભીનો સત્કાર કર્યો.

“ઘણાં સમયથી હું નવી રાજધાનીનો વિચાર કરતો હતો. ઉદયપુર, ગોગુન્દા અને કોમલમેર કરતાંયે ચારે બાજુથી પહાડીઓથી સુરક્ષિત ચાવંડ મેવાડની રાજધાની માટે યોગ્ય સ્થળ પુરવાર થશે. હું જાહેર કરૂં છું કે, હું ચાવંડમાં જ હવે પછી નિવાસ કરીશ. આ શહેરને રાજધાની બનાવીશ.”

અને મહારાણાજીના વિચારને સૌએ વધાવી લીધો.

“આ નગરની પ્રાકૃતિક રચના મને અત્યંત ગમી ગઈ છે.” મહારાણાજીએ પોતાનો હર્ષ વ્યક્ત કર્યો.

સૌ પ્રથમ, ચામુંડા માતાના મંદિરની રચના કરવા બાંધકામ શરૂ કરાવ્યું.

તુર્ત જ દૂર સુદૂરથી શિલ્પીઓને બોલાવવામાં આવ્યા.

“મહારાણાનો પરિવાર રાજમહેલોમાં આવશે માટે રાજમહેલ ભવ્ય અને સુંદર બનાવજો.” સરદાર કાળુસિંહ શિલ્પીઓને પોરસ ચઢાવતો. જોકે પોરસ ચઢાવવાનો સવાલ હતો જ નહી. શિલ્પીઓ મહારાણા તરફના પૂજ્યભાવથી જ આવ્યા હતા.

ચાવંડમાં સેનાનાયકોના નિવાસસ્થાનો બન્યા. મંદિરો બન્યા. શિવાલયો બન્યા. એક વિશાળ જલાશય બાંધવામાં આવ્યું.

રાજધાની હતી એટલે અશ્વશાળા, હાથીખાનુ, શસ્ત્રાગાર વગેર તૈયાર થયા.

અલ્પ સમયમાં ચાવંડ એક રમણીય ધબકતી નગરીમાં ફેરવાઈ ગયું.

મેવાડના ઇતિહાસમાં નાનકડું ચાવંડ, મહારાણાપ્રતાપના પુનિત પગલાંથી રાજધાની દરજ્જો પામ્યું.

મહારાણા હવે અહીંથી પોતાનું શાસન ચલાવવા માંડ્યા.