Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 104 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 104

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 104

(૧૦૪)સિરોહીના રાવ સુરતાન સિંહને ધન્ય છે!

-૧-

        અરવલ્લીની ગિરિમાળાના એક છેડે આવેલા અર્બુદાચલની ઉત્તર દિશાએ શિરોહી રાજ્ય આવેલું છે. રાજપૂતાનાની ભૂમિ વીર-પ્રસવિની છે. શિરોહી  પણ એ વાતને સાર્થક કરે છે. શિરોહી દેવડા રાજપૂતોની ભવ્ય ગાથાઓની ક્રીડાભૂમિ છે. દ્ઢતા અને શક્તિના પૂજક શિરોહીના દેવડાઓએ માત્ર રાજપૂતાનામાં નહિ તે વખતે ભારતના ઇતિહાસમાં પણ પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

ગુજરાતના ચક્રવર્તી સમ્રાટ જયસિંહ સિદ્ધરાજે દેવડા રાજપૂતોને શિરોહીમાં વસાવ્યા હતા. ત્યાં તેમના આરાધ્ય દેવ યશોનાથજીનું મંદિર અડીખમ ઉભું છે. તેઓનો ઇતિહાસ જ્વલંત છે. માતૃભૂમિના મહાન પૂજારી ગણાય છે દેવડાના રાજપૂતો.

પરદેશી આક્રમણખોરો સામે લડનાર સૌને સદાયે તેઓએ સાથ આપ્યો હતો. માટે જ શિરોહી સ્વતંત્રતાના જંગ માટે મોટું નામ બની ગયું હતું.

शिरोही री दोनु भली,

रार और तलवार

“બલહથ બંકા દેવડા” ચૌહાણોની ચૌદમી પેઢીમાં શિરોહીની ગાદીએ રાવ માનસિંહજી બિરાજતા હતા. રાવ માનસિંહજીની ધાક અને હાક એમના સરદારો પર જબરદસ્ત હતી. દેવડા રાજપૂતોની ગરિમારૂપ હતા રાજવી માનસિંહજી. તેઓના સિંહનાદથી પટાવતો ગભરાતા. વફાદારોને ઇનામ આપતા અને બેવફા થનારને મૃત્યુ.

આવા રાજવીના અંત:પુરમાં પાંચ પાંચ રાજલોક હોવા છતાં એકપણ સંતાન ન હતું. શિરોહીના ગાદીવારસ માટે રાવ માનસિંહજીએ અણથક પ્રયત્નો કર્યા પરંતુ સઘળા વ્યર્થ ગયા.

છેવટે રાજવંશ સલામત રાખવા એમણે એક બાળકને દત્તક લીધો. એ બાળક હતો દેવડા ચૌહાણોની ૧૦મી પેઢીની લખાવત મહારાવ ઉમેદસિંહના પૌત્ર ભાણસિંહના પુત્ર કુમાર રાવ સુરતાણસિંહ.

“સુરતાણને તાલીમ આપીને મારા જેવો બનાવીશ.” રાવ માનસિંહ ઉલ્લાસભેર કહેતા.

શિરોહીના રાજમહલમાં ઘણાં વર્ષે આનંદનું મોજું ફરી વળ્યું હતું. સૌ આનંદમાં ગરકાવ થઈ ગયા હતા ત્યાં તો અચાનક રાવ માનસિંહજી ટુંકી બિમારી ભોગવી મૃત્યુ પામ્યા.

દૈવે ભયંકર દગો દીધા. શિરોહી શોકમાં ડૂબી ગયું કારણ કે અહીં શોકના વાદળ છવાઈ ગયા હતા.

આ છાયામાં બાળ રાવ સુરતાણસિંહને શિરોહીની ગાદીએ બેસવા તૈયાર કરવામાં આવ્યા.

શિરોહી રાજ્યના સામંતો માટે જાણે સુવર્ણ-અવસર આવ્યો હોય તેમ મનમાં મલકાવા લાગ્યા. કડક શાસનમાંથી મુક્ત થયાનો સર્વને અહેસાસ થવા માંડ્યો. સામંતો શિરોહીના મહારાવ બનવાની હોડમાં ઉતરી પડ્યા. ચારે બાજુ કાવત્રુ, યુદ્ધની તૈયારીનું વાતાવરણ જામી ગયું.

આવી સ્ફોટક પરિસ્થિતિમાં સદ્‍ગત મહારાવ માનસિંહજીના જમણા હાથ સમા સરદાર દેવડા વિજયસિંહે શામ, દામ, દંડ અને ભેદ નીતિ વાપરી પોતાના સ્પર્ધાઓને દબાવી દીધા. એના મનમાં હવે શિરોહીનું સિંહાસન પચાવી પાડવાનો ઇરાદો પાકો થઈ ગયો.

રાવ સુરતાણસિંહને દેવડા વિજયસિંહે માત્ર બાળક સમજી લીધો. આથી રાવ સુરતાણસિંહનો રાજ્યાભિષેક થાય તે પહેલાં જ મહાત્વાકાંક્ષી વિજયસિંહ દેવડાએ પોતાને શિરોહીના મહારાવ તરીકે જાહેર કરી દીધા.

શિરોહી રાજ્યના બે મોટા સરદારો દેવડા વિજયસિંહ અને અબાવત સુરતાણસિંહ બંને વચ્ચે કાયમ પ્રાપ્તિ માટે હરિફાઇ રહેતી. બંનેને એકબીજા સાથે અણબનાવ હતો. દેવડા વિજયસિંહ મહારાવ માનસિંહજીની ઓથમાં એકવાર અબાવત સુરતાણસિંહનું ભારે અપમાન કર્યું હતું. આથી તેઓ હંમેશા બદલાની આગમાં સળગ્યા કરતાં હતા.

મધ્યરાત્રિએ અબાવત સુરતાણસિંહની ડેલીએ ત્રણ ઘોડેસવાર આવ્યા.

આવનાર ઘોડેસવારમાં એક હતા વિજયસિંહ દેવડા.

“સુરતાણસિંહજી, આપણે લડતા રહીશું ને શિરોહી ખતમ થઈ જશે. મહારાજે દત્તક લીધેલા બાળક માટે કોણ લડશે? દિલ્હી, ગુજરાત મુસ્લીમ સત્તાથી છવાઈ ગયું છે. રાજપૂતાના આમેર, જોધપુર અને રણથંભોર અકબરે જીતી લીધાં છે. સાંભળ્યું છે, ચિત્તોડગઢ પર અકબરશાહનો ડોળો ફરી રહ્યો છે. માળવાના બાઝ બહાદુરનો કાંટો કાઢી નાખ્યોછે ત્યારે શિરોહી બાળ સુરતાણની આગેવાનીથી શું મેળવશે?”

“આપ કહેવા શું માંગો છો?”

“મારી વાત સ્પષ્ટ છે. શિરોહીને બચાવવા, સાચવવા મારે તમારી મદદ જોઇએ છે. આવતી કાલે શિરોહીને બાદશાહ સામે ટક્કર લેવી પડે તો?”

“આપ નિશંક રહો, શિરોહી માટે મારો આપને સાથ હશે જ.”

“પરંતુ શિરોહીના તમે સેનાપતિ બનો તો?”

અને દેવડા વિજયસિંહ પોતાની યોજના સમજાવી. સેનાપતિ પદની લાલસાએ અબાવત સુરતાણસિંહે તેની સાથે હાથ મિલાવ્યો.

બીજે દિવસે સવારે દેવડા વિજયસિંહ શિરોહીના રાજવી જાહેર થયા. આ સમાચાર જ્યારે બાળ સુરતાણને મળ્યા ત્યારે તેઓ ગર્જી ઉઠ્યા.

“હું આ કુચક્રને ભેદીને જ જંપીશ. બેવફાઇનો અંજામ મોત જ હોઇ શકે.”

યુવરાજની આ વીરવાણી સાંભળી તેની પાંચે માતાઓ ગદ્‍ગદ્‍ થઈ ગઈ. એમણે શિરોહીના સરદારોને વફાદારી બતાવવાનો આદેશ પાઠવી દીધો.

શિરોહીના બે મોટા સરદારોની સંયુક્ત સેના એકબાજુ અને બીજી બાજુ કુમારવયના સુરતાણસિંહની આગેવાની હેઠળ શિરોહીના વફાદાર સરદારોની સેના. જબરો જંગ જામ્યો.

કુમાર સુરતાણસિંહે એક તીર વડે અબાવત સુરતાણસિંહને વીંધી નાખ્યો. વીરને વયના  બંધન નડતા જ નથી. યુદ્ધક્ષેત્ર જયનાદથી ગાજી ઉઠ્યું.

કુમારે ગર્જના કરી.

“શિરોહી બહાદુરો, આપસમાં લડવાનો આ અવસર નથી. બે દગાબાજોમાંથી એક તો ભૂંડે હાલે ખતમ થઈ ગયા છે. મારા પિતાજીની ઇચ્છાને માન આપી જે મારી સત્તા માન્ય રાખશે.એને હું હજુ પણ ક્ષમા આપવા તૈયાર છું. નહીં તો તમે જોયું છે ને? અમારી સામે બેવફા થનારનો અંજામ.”

યુદ્ધનો રંગ પલટાઇ ગયો.

દેવડા વિજયસિંહે પોતાના સાથીઓને ઇશારત કરી અને રણક્ષેત્રમાંથી તેઓ ભાગી છુટ્યા. ઇડર તરફ પ્રયાણ કર્યું.

રાવ સુરતાણસિંહે ગાદીએ આવતા પહેલાં જ, બે મહાવીરોને ધૂળ ચાટતા કરી દીધા અને પોતાની યોગ્યતા સાબિત કરી બતાવી.

આમ, રાવ સુરતાણસિંહે કુમારવયથી જ અદ્‍ભૂત શૂરવીરતા અને બુદ્ધિચાતુર્ય દાખવી રાજ્યની લગામ મજબૂત રીતે પોતાના હાથમાં પકડી અને બે માથાભારે સરદારના ભૂંડા હાલહવાલ કર્યા આથી રાજ્યના બીજા સરદારો પર ધાક બેસી ગઈ.

રાવ સુરતાણસિંહના તાજપોશી સમારંભમાં સર્વે હોશભેર આવી ગયા. કેટલાંકને  તેઓની પ્રખરશક્તિ નિહાળવી હતી તો કેટલાંક ભવિષ્યમાં પોતે હેરાન ન થાય તે માટે.

આ ભવ્ય દરબારમાં કવિ ડુંગરાવત, કવિ પુરમસિંહ અને સમરસિંહ આવ્યા. કવિ સમરસિંહે સુરતાણસિંહને બિરદાવ્યા.

जातर क्रांति, जाण माण तणा, सुरताण है।

पोरसमेर प्रमाण सो, मालक थांरे सही॥

તો રાજપૂતાનાના એ સમયના વિખ્યાત કવિ ભસનીએ શૂરવીર સુરતાણને આ શબ્દોથી બિરદાવ્યા.

पर्वत जतो प्रमाण, नख जतरी अजस नहीं ।

जास तजा सुरताण, बिधो माण नरंद व्रत ।

હવે સુરતાણસિંહે શિરોહીની રાજ્યવ્યવસ્થા તરપ્ફ ધ્યાન આપ્યું. શિરોહી એક મજબૂત રાજ્ય તરીકે ઉપસી આવ્યું. શાસક સદ્‍ચરિત્રવાન શિરોહીની પ્રજા ભાગ્યશાળી હતી. ભય વિના પ્રીતિ સંભવે જ નહિ. વર્ષો પર વર્ષો પસાર થઈ ગયા. કાળચક્રનો સપાટો રાજપૂતાના પર ફરી વળ્યો હતો.

*            *                *                *

-૨-

રાવ સુરતાણસિંહ પ્રજાનો પ્રેમ સંપાદન કરી ચૂક્યા હતા. તેઓની સૈનિક વ્યવસ્થા અતિ સુંદર હતી. જાસૂસી ખાતુ ઝડપી અને વફાદાર હતું. જાસુસ એ રાજાની ત્રીજી આંખ છે. શિરોહી રાજ્યની સરહદે અને તેની પેલેપારની હિલચાલથી મહારાવ સદાયે સતર્ક રહેતા.

શિરોહીના રાજવી દેવડા સુરતાણસિંહ સવા છ ફૂટ ઉંચા, ગૌરવાન, તેજસ્વી આંખો, બલિષ્ઠ બાહુ, આજાનબાહુ શમશેરબાજ, મહાન ધનુર્ધર, ઇતિહાસમાં આવા મહાશક્તિશાળી નરપુંગવો ભાગ્યે જ જોવા મળે છે. સૌ સરદારો મહાવીર શાસકના ભયથી પ્રજાભિમુખ બની ગયા.

ઇ.સ.૧૫૮૩ નું વર્ષ ચાલતું હતું.

મોગલ સલ્તનમાં શિરોહી અને મેવાડ હજુ જોડાયા ન હતા.

શહેનશાહ અકબરે દિને-ઇલાહીની સ્થાપના કરી હતી. સર્વ ધર્મોના તત્વોનો પાસ એને લાગ્યો હતો. હવે એ એક રૂપસુંદરીને હાંસલ કરવા કત્લેઆમ ચલાવતો યુવાન શહેનશાહ અકબર રહ્યો ન હતો. આંબેરની જોધાબાઇએ આ મોગલને સંસ્કારી બનાવ્યો હતો. પોતાના જનાનામાં કૃષ્ણ મંદિર બનાવ્યું હતું.

મોગલ શહેનશાહને રાજપૂતોની શક્તિનો પરચો મળી ચૂક્યો  હતો. પોતાની સત્તા ટકાવવા માટે રાજપૂતોની મૈત્રીની અનિવાર્યતા એ સમજી ચૂક્યો હતો. હવે તો મુલ્કી અને લશ્કરી ખાતામાં હજારોની સંખ્યામાં હિંદુઓને લેવામાં આવ્યા હતા. સ્વયં શહેનશાહ હિંદુઓની માન્યતા અને લાગણીઓને માન આપવા લાગ્યા હતા.

ગાયને પવિત્ર ગણતા હિંદુઓને લીધે એણે જાહેરમાં ગાયની કતલ કરવાની મનાઇ ફરમાવી. અમુક તહેવારોએ તો સદંતર પશુવધ બંધ કરવાનો આદેશ ફરમાવ્યો હતો. તે હિંદુઓના તહેવારોમાં સક્રિય રસ લેતો હતો. દિપાવલી અને શિવરાત્રી જેવા તહેવારોમાં બાદશાહ સક્રિય બનતો.

અજમેર જતા શાસકને ખાસ સુચના આપવામાં આવતી કે, જો મેવાડમાં પ્રતાપ આક્રમણ ન કરે તો તમારે એને છંછેડવાની કોશિશ કરવી નહી.

વિજયસિંહ દેવડો પોતાની કારમી હારનો ડંખ ભૂલ્યો ન હતો. વર્ષોથી એ વેરની આગ અને બદલાનો ભોરિંગ સંઘરીને બેઠો હતો. એ કોઇ તકની રાહ જોતો હતો.

આ બાજુ, શિરોહીના એક ભાગમાં, નાનકડી જાગીરમાં નિર્વાસિત દશામાં કુંવર જગમાલ પોતાનો સમય પસાર કરી રહ્યો હતો.

આવા વાતાવરણમાં, સરોવરના શાંત નીરમાં જેમ કોઇ કાંકરી ચાળો કરે અને પછી એમાંથી  વર્તુળો જામે તેમ વિજયસિંહ દેવડાએ અકબરશાહના એક જાસૂસને શિરોહીના સુરતાણસિંહ વિરૂદ્ધ ઝેર  ઓક્યું.

પરિણામે, દિલ્હી દરબારમાં, શહેનશાહ અકબરને એના ગુપ્તચરોએ ખબર આપી કે, મેવાડની સાથે સાથે શિરોહી જેવું નાનકડું રાજ્ય પણ સ્વતંત્રતાની ખુમારીમાં મોગલ સલ્તનતની અવગણના કરી રાખ્યું છે. એ વેળાસર અંકુશ મુકવામાં નહીં આવે તો શિરોહીના સુરતાણસિંહ “બીજો પ્રતાપ” પુરવાર થશે.

બાદશાહ અકબર વિચારમાં પડ્યો. એનું દિમાગ થોડી જ વારમાં ઝળકી ઉઠ્યું. સોગઠાબાજીના સોગઠા ગોઠવાઇ ગયા. એ હસ્યો. હા એ જ ઠીક છે. ઝેર જ ઝેરનું મારણ છે. મોરના પીંછા જ મોરને ભારે પડે.

હલ્દીઘાટીના યુદ્ધમાં જ્ગમાલે કાંઇ પરાક્રમ કરી બતાવ્યું નહી. એને મોગલતાબાની શિરોહીની નાનકડી જાગીરમાં વર્ષોથી મોકલી દીધો હતો. જો જગમાલ શિરોહી જીતે તો સૂરતાણસિંહનો કાંટો નીકળી જાય અને સૂરતાણસિંહ જગમાલનો વધ કરે તો રાણા પ્રતાપ અને સૂરતાણસિંહ એક થવાને બદલે કટ્ટર શત્રુ બને.

શહેનશાહે મેવાડના આ રાજકુમાર જગમાલને અને જોધપુરના રાજકુમાર રાયસિંહને પોતાની સમક્ષ હાજર થવા આદેશ મોકલ્યો.

બાદશાહી ફરમાન એટલે બંને યોદ્ધા મારતે ઘોડે સ્વસ્થાનેથી દિલ્હી આવી પહોંચ્યા. કુર્નિશ બજાવી, બાદશાહની તહેનાતમાં હાજર થઈ ગયા.

“જગમાલજી, તમને શિરોહીની જાગીર આપવાની છે. તૈયાર થઈ જાવ. તમે મોગલ સલ્તનતના સહારે, મોટા અરમાન લઈને આવ્યા હતા ને! અત્યારસુધી તમે મોગલ સલ્તનતને વફાદાર રહ્યા એ હકીકતને અમે નજર અંદાજ કેવી રીતે કરી શકીએ? શિરોહીના રાજવી સૂરતાણસિંહ રૂપી ભોરિંગ ઝેર ઓકે તે પહેલાં એની ગરદન મરોડી નાખો. મારી સેના તમને આપું છું. યાદ રાખો, આ તમારા માટે મોટી અને છેલ્લી તક છે. તમારી તલવારનું પાણી બતાવો. શિરોહી જીતો, બસ શિરોહી તમારું પણ એક વાત યાદ રાખજો. મને વિજેતા ગમે છે, પરાજીત ઇન્સાનો મને ગમતાં નથી. પછી ભલેને એ ખુદ શેખુબાબા હોય. જાઓ, યોગ્ય સમયે પ્રસ્થાન કરો.”

રાજકુમાર જગમાલ ખુશ થઈ ગયા. એના દુશ્મન મહારાણા પ્રતાપ અરવલ્લીની પહાડીઓમાં રઝળે અને પોતે શિરોહીનો શાસક બને. કેવી સુખદ કલ્પના! આલ્હાદક વેરની વસુલાત. કેવળ મહારાણા પ્રતાપ જ નહિ પરંતુ મેવાડીઓના માથાપર પણ આ એક હથોડાનો ઘા હશે.

“જહાંપનાહ, હું તૈયાર છું. મારી કસોટી ભલે થાય. આ જંગ મારા જીવન-મરણનો જંગ હશે. આ સંગ્રામમાં વિજેતા બનીને જ હું આપને મુખ દેખાડીશ.

“રાવ રાયસિંહજી, જગમાલજીને તમારે પુરી શ્રદ્ધાથી સાથ આપવાનો છે. જો શિરોહી બળવાન થશે તો જોધપુરને પણ ભવિષ્યમાં ખતરો તો ઉભો થવાનો જ. હું માનું છું કે, જોધપુરના મહારાવ ચંદ્રસેનના પુત્રને આથી વધારે ઇશારો કરવાની જરૂર નથી. શાહીસેના સાથે પ્રસ્થાન કરો. મોગલસેનાના બાગીઓને વીણીવીણીને ખતમ કરો.” અકબરનો આદેશાત્મક અવાજ મહેલની દિવાલોમાં ગુંજી ઉઠ્યો.

શાહીસેના સાથે શિરોહીને ધમરોળવા કુમાર જગમાલ સિસોદિયા અને કુમાર રાયસિંહ રાઠોડ, રાજપૂતાનામાં શિરોહીના માર્ગે આગળ વધી રહ્યા હતા.

-૩-

શાહી કાફલો આગળ વધી રહ્યો હતો તે વખતે વિજયસિંહ દેવડા પણ પોતાની ટુકડીઓ તૈયાર કરી રહ્યો હતો. શસ્ત્રોની ધાર પાણીદાર થતી હતી.

એક દિવસે વિજયસિંહ દેવડાએ શાહીસેનામાં જઈ જગમાલ અને રાયસિંહજીની મુલાકાત લીધી. ત્રણે જણા ગાઢ મંત્રણામાં પરોવાઈ ગયા. મંત્રણાના લાંબા દોરમાં ઘણા ચઢાવ-ઉતાર આવ્યા પરંતુ અંતે ત્રણે ખડખડાટ હસતા મંત્રણાની શિબિરમાંથી બહાર નીકળ્યા.

“શિકાર ફસાશે જ. તરફડીને પ્રાણ આપશે. ફાંસલો જેવો તેવો નથી.” કહી વિજયસિંહ દેવડાએ ઘોડાને એડી મારી. સાથીદારો સાથે પવનવેગે અદ્રશ્ય થઈ ગયો.

પરંતુ હર્ષઘેલા ત્રણે મોગલ હિતેચ્છુઓને ક્યાં ખબર હતી કે, રાવ સૂરતાણના જાસૂસો દિલ્હીથી જ તેમની તમામ હિલચાલ અને ષડયંત્રના ખબર મેળવીને પોતાના રાજાને શીઘ્રાતિશીઘ્ર પહોંચાડતા હતા.

મહારાવ સુરતાણસિંહે પોતાનું જાસૂસીદળ કાળજીથી બનાવ્યું હતું. તેઓ કહેતા, “મહાન રાજનીતિજ્ઞ ચાણક્યે કહ્યું છે કે, મહેનત કરવાથી ગરીબાઈ ટકતી નથી. ભજન કરનાર પાસે પાપ ફરકતું નથી. મૌન રહેવાથી ઝગડો વધતો નથી. અને સદા જાગૃત રહેવાથી ભય રહેતો નથી. જાગૃત રાખનાર ગુપ્તચર છે કારણ કે એ તો રાજાની આંખ છે.”

મહારાજ સૂરતાણસિંહે અપ્રત્યાશિત રીતે આવીને જગમાલને પડકાર ફેક્યોં. જ્યાં જગમાલ સિસોદિયા અને રાવ રાયસિંહની છાવણી હતી ત્યાં પોતાની સૈનિક તૈયારી સાથે ટુટી પડ્યા.

શાહીફોજ સાથે જગમાલ મેદાન્મત્ત થઈને ચાલ્યો આવતો હતો. શાહીફોજને એણે રસ્તામાં પડતા ગામડા લુંટવાનો આદેશ આપી દીધો હતો. સેનાએ રહેઠાણો તોડી નાખ્યા. પ્રજાનો માલ મન ભરીને લૂટ્યો. આ જુલ્મથી સૂરતાણસિંહ ખૂબ જ ક્રોધે ભરાયા. પોતાની પ્રજાની પાયમાલની કથની સાંભળી એમના રૂંવે રૂંવે અગ્નિ પ્રકટી ઉઠ્યો.

“જગમાલ આવો નપાવટ. કુમાર રાયસિંહ રાઠોડ રાજપૂતી ભુલી ગયો. બંનેને ભયંકર દંડ આપીશ ત્યારે જ જંપીશ.”

પોતાના રાજાની આવી ભીષણ પ્રતિજ્ઞા સાંભળી સરદારો દ્વિગુણિત ઉત્સાહમાં આવી ગયા.

સૂરતાણસિંહ મહાવીર યોદ્ધા હતા. આવા નરપુંગવો માટે ભર્તૃહરીએ  નીતિ-શતકમાં સાચે જ સુંદર કહ્યું છે. “સત્ય વ્રતધારી તેજસ્વી મનુષ્ય પોતાની પ્રતિજ્ઞાનો ક્યારેય ત્યાગ કરતા નથી. ભલે એ માટે પ્રાણોનું બલિદાન આપવું પડે.”

શિરોહીનરેશની ગુસ્સાભરી આંખોમાં સૌને જગમાલ અને કુમાર રાયસિંહના વધના સપના દેખાવા માંડ્યા.

રાવ સૂરતાણસિંહની સેના દંતાણીક્ષેત્રમાં આવી પહોંચી. એક બાજુથી વિજયસિંહ દેવડા પોતાની સેના સાથે અને મંડોર જીલ્લા આગળથી જગમાલ અને રાયસિંહની સેના આવી પહોંચી.

મહાવીર સૂરતાણસિંહે જોયું કે પોતાની સેના આગળ પાછળથી વિજયસિંહ દેવડા અને શાહીફોજથી ઘેરાઈ ચૂકી છે. પરંતુ હિંમત હારે તો સૂરતાણસિંહ શાનો? ગમે તેવું ભીષણ સંકટ કેમ ન આવી પડે. ધીરજવાન પુરૂષ ધૈર્ય કદીયે ગુમાવતા નથી જ અગ્નિની જ્વાળાઓ ગમે તેટલી નીચી વાળવા પ્રયત્ન કરો પરંતુ તે ઉપર તરફ જ વધવાની, વીરો આફતમાં જ ઝળકી ઉઠે છે.

આ યુદ્ધ વિક્રમ સંવત ૧૬૪૦, કાર્તિક શુકલ અગિયારસના દિવસે એટલે કે ઇ.સ.૧૫૮૪ માં થયું.

મહાકાય કેસરી ઘોડી પર વિરાજમાન શિરોહી નરેશ સાક્ષાત કાર્તિકેય સ્વામી, દેવોના સેનાપતિ જેવા લાગતા હતા. પ્રચંડ ઘેરા અવાજે સિંહનાદ કરતા બોલ્યા, “મારા વીર સિપાહીઓ, બંને બાજુ શત્રુઓ છે. પણ નિરાશ ન થશો. વારંવાર આપણી સામેથી ભાગી છૂટતા વિજયસિંહ દેવડાથી શું આપણે બી જઈશુ? શાહીસેનાને હિંદુસ્તાનની આવડી ધરતી ઓછી પડી છે એટલે આપણા જ ફૂટેલા રાજપૂતોને મોકલીને જમીનભૂખ ભાંગવા નીકળી પડી છે. આપણી માતૃભૂમિને દાસી બનાવવા નીકળેલા એ નાપાવટોની હસ્તી મિટાવી દેવા તમારી શમશેર ચલાવો. શત્રુ બળવાન છે પરંતુ આપણો જુસ્સો એના કરતાં બુલંદ છે. જો તમે પીછેહઠ કરી છે તો શિરોહીનું પાણી લજવાશે.”

પોતાના વીરનેતાની વીરવાણી સાંભળી સેનામાં નવો પ્રાણસંસાર થયો. શિરોહીની સેના મરણિયો જંગ ખેલવા ટુટી પડી.

પ્રથમ જોરદાર આક્રમણ મહાવીર સૂરતાણસિંહે કર્યુ, એમની જોરદાર અસિ ફરવા માડી. શાહીસેનાના મહાવીર યોદ્ધાઓના મસ્તક રોળાઇ ગયા હાહાકાર મચી ગયો.

જોધપુરના રાજવી મહારાજા ચંદ્રસેનના ત્રીજા નંબરનો પુત્ર કુમાર રાવ જયસિંહ રણરંગ પારખી ગયો. એણેવિચાર્યું કે જો સૂરતાણસિંહ આમ જ પરાક્રમ દાખવતા રહેશે તો શાહીસેના ગભરાઇ જશે.

“કોલીસિંહ, આપણે સૂરતાણસિંહને જ ખત્મ કરીએ.”

બંને અશ્વારોહી સૂરતાણસિંહની સામે આવવા નીકળ્યા.

એક મોગલ સરદાર સાથે તલવાર ખેલતા ખેલતા લાગ જોઇ સૂરતાણસિંહે તેની છાતીમાં તલવાર ખોસી દીધી.

એ જ વખતે કાલિસિંહે ભાલો ઉંચો કર્યો, ચાલાક સૂરતાણસિંહે કટાર કાઢી કોલીસિંહની છાતીમાં ખરચ દઈને મારે દીધી. છતાં કોલીસિંહ તલવાર કાઢી ધસ્યો પરંતુ ચપળ સૂરતાણસિંહે નીજી બાજુથી તલવાર કાઢી તેની તલવાર સામે ધરી. હવે બંનેના બાહુઓ જોર અજમાવવા લાગ્યા. અચાનક કોલીસિંહની તલવાર છટકી ગઈને તે  સાથે જ સુરતાણસિંહની તલવારે તેને હણી લીધો.

એ જ પળે કુમાર રાયસિંહ આવી પહોંચ્યો.

“સૂરતાણસિંહજી, મેં સાભળ્યું છે કે, તમે જબરાં ધનુર્ધારી છો. આવી જાઓ. આજે તમારી કસોટી થશે.”

બંને વચ્ચે તીરયુદ્ધ મંડાયું. બંને મહારથી હતા. તીરો વચ્ચે જ અથડાઇને ખતમ થઈ જતા. તીરયુદ્ધ પછી તલવાર લઈ બંને મહારથી યુદ્ધ કરવા લાગ્યા.

આજે સુરતાણસિંહના કિસ્મતનો સિતારો બુલંદ હતો. એક પળે બધાયને લાગ્યું કે, જોધપુર યુવરાજની તલવારે સૂરતાણસિંહની ગરદન ઉડાવી દીધી ત્યાં તો ચિત્તાની ઝડપે તેઓ ઝુકી ગયા ને વીજળી વેગે વળતો કુમાર પર ઘા કર્યો જેને માટે કુમારે તૈયાર જ ન હતો. કુમાર રાયસિંહ વીરગતિ પામ્યા. સેનામાં સોંપો પડી  ગયો.

-૪-

હવે તો સુરતાણસિંહ રૂદ્રાવતાર બની ગયા. કેસરી પર સવાર સુરતાણસિંહે વિજયસિંહ દેવડાને ધરાશયી કરી દીધો. દુશ્મનદળ તો હૈરત પામી ગયું. કેસરી ઘોડાની તેજસ્વિતા અને ચંચળગતિ જોઇને સ્તબ્ધ બન્યા. આ યુદ્ધમાં રાજપૂતાનાના  તે વેળાના મહાવીર રાવ ગોપાલદાસ, કિશનદાસ સોતુ, રાઠોડ શાર્દુલસિંહ, કૃષ્ણસિંહ કુંપાવત. રાઠોડ પુરણાવત, રાઘવજીત પડિહાર, ભાણ સખાવત, બિજલ દેવડા, નૈનસિંહ ઉદાવત વીરગતિ પામ્યા.

વીર સુરતાણસિંહને જોતાં જ ભલભલા દુશ્મન સરદારો મોતની બીકે યુદ્ધ મેદાન છોડીને ભાગી છૂટવા લાગ્યા.

બીજી બાજુ, સેનપતિ કવિ દૂધા આસિયા, જે આજાનબાહુ ધનુર્ધર હતા અને માંડણના કુંભાજીએ પોતાના માલિકના આદેશથી શાહીદળની ગજસેનાને ખતમ કરવા તીરોનો વરસાદ વરસાવવા માંડ્યો.

ભૂખ્યા સિંહની માફક આ યોદ્ધાઓએ અને તેમના બીજા સાથીઓએ દુશ્મન દળના હાથીઓની સૂંઢોને કેળના પત્તા કાપે તેમ કાપી નાખી. હાથીઓ ગભરાયા. પાછા હઠવા લાગ્યા. યુદ્ધના મેદાનમાં પાછા હઠતા હાથી પોતાની જ સેના માટે ખતરનાક સાબિત થાય છે. પોરસની ગજસેના પણ અકાળે વરસાદ વરસતા પારોઠા પગલાં ભરી ગઈ અને પોરસને પરાજય મળ્યો હતો. સ્વયં ગજરાજો પોતાનો પ્રાણ બચાવવા આમતેમ ભાગદોડ કરવા માંડ્યા. આમાં શાહીસેનાનો જ ખુરદો બોલાઈ ગયો. શાહીસેના અને એનાં સાથી રાજાઓ આથી કારમી હારને કિનારે આવી પહોંચ્યા. પરંતુ આ વેળા જ સુરતાણસિંહના જમણા હાથ સમા સુમેરસિંહના વીરગતિના સમાચાર સૌને આઘાત અપાવી ગયા.

સેનાપતિ ફસલૂખાન અને સુમેરસિંહ જંગમાં સામસામે આવી ગયા. જ્યારે દેવડા સુમેરસિંહે સાંભળ્યું કે, હાથીઓને શરાબ પિવડાવી છોડી મૂકનાર સેનાપતિ ફસલૂખાન હતો ત્યારથી તેને ખતમ કરવાનો તેણે પાકો નિર્ધાર કરી લીધો.

બંને મહાવીરો સામસામે આવી ગયા. બંનેના ભાલા એકબીજાને વીંધવા વિક્રમ પુરુષાર્થ કરવા લાગ્યા. એક પળે બંનેના ભાલા એકબીજામાં પરોવાઇ ગયા.

હાથી પર સવાર થઈને જગમાલ લાલચોળ ડોળા કાઢી સુરતાણસિંહ સામે આવી પહોંચ્યો.

“જગમાલજી, તમે પાછા વળો. મારા હૈયામાં હજું મેવાડના રાજદેહ પર ઘા ન કરવાની અભિલાષા છે. તમે હાર સ્વીકારી લો. હું મેવાડી મહારાણાના પુત્ર અને ભાઇ એવા જગમાલની હત્યા કરવા માંગતો નથી. તમે કાં તો પાછા વળો, કાં તો હાર સ્વીકારો,.” સુરતાણસિંહે કહ્યું.

“સુરતાણસિંહ, થોડા વીરો વીરગતિ પામવાથી શાહીસેના પરાજય સ્વીકારી શકે નહી. બાદશાહ અકબરની ભારતવિજયી સેના સામે તમારું ગજુ કેટલું? સૂરજ સામે પતંગિયાની હસ્તી શી? તમે થાકી ગયા લાગો છો. મરવાની બીક તમને સતાવી રહી છે. વાણી વિલાસ છોડી દો. યુદ્ધ કરો. “ જગમાલ બોલ્યો.

બંને વચ્ચે પ્રચંડ યુદ્ધ થયું. તીરોનો મારો, જગમાલના તીરોએ સૂરતાણસિંહને ઘાયલ કર્યા તો સૂરતાણસિંહના તીરે જગમાલને.  જગમાલ હવે સૂરતાણસિંહના હાથે જ મરવા માંગતો હતો.

સુરતાણસિંહ ધારત તો જગમાલને ક્યારનાય ખત્મ કરી શક્યા હોત. પરંતુ તેઓ મહારાણા પ્રતાપના આ મૂર્ખ બંધૂને મારી નાખવા ઇચ્છતા ન હતા. તેમણે ઘાયલ જગમાલને પકડવા દાવ સાધ્યો.

રાવ સૂરતાણે જગમાલના હાથીના હોદ્દા પર પોતાની કેસરી ઘોડી ટેકવી એના બંને પગ ટેકવીને એક જ જોરદાર ઘા એ મહાવતનું મસ્તક છેડી નાખ્યું. ત્યાં તો જગમાલે પણ શમશેર કાઢી. એક પળનો સવાલ હતો. પોતે શમશેર ન ચલાવે તો, સ્‍હેજ દયા દાખવે તો જગમાલ પોતાને ખતમ કરી નાખે. અને સૂરતાણસિંહની શમશેર જગમાલનો સંહાર કરી દીધો. કુંવર જગમાલનું મસ્તક ધડથી અલગ થઈ ગયુ.

આમ શિરોહી નરેશે આ યુદ્ધ જીતી લીધું.

-૫-

મેવાડી દરબારમાં ગમગીની છવાઇ ગઈ હતી. મહારાણા પ્રતાપ દુઃખી ચહેરે સિંહાસન પર બેઠા હતા.

ભામાશાહ, તારાચંદ, સરદાર ગુલાબસિંહ, સરદાર કાળુસિંહ, સોનગિરાજી કુમાર સાગર તથા સર્વે કુમાર જગમાલની વીરગતિથી મૃત્યોચિત માન આપવા લાગ્યા.

સદ્‍ગત મહારાણાના પુત્ર કુમાર જગમાલને પણ મેવાડે શોક પાળી મૃત્યોચિત માન આપ્યું.

આ સમાચર જ્યારે શિરોહી પહોંચ્યા ત્યારે રાવ સુરતાણસિંહે પોતાના પરમપ્રિય સેનાપતિ કવિ દૂધા આસિયાને પરિસ્થિતિની સ્પષ્ટતા કરવા મહારાણા પાસે મોકલી આપ્યા.

રાવ સૂરતાણસિંહને આશંકા હતી કે,ક્યાંક ગેરસમજથી હિંદુધર્મધારક મહારાણાજી સાથે દુશ્મની ન થઈ જાય.

દૂધા આસિયા મહારાણા પ્રતાપ પાસે પહોંચ્યા. તેમણે રાવ સુરતાણસિંહની પરિસ્થિતિ સમજાવી અને કેવી પરિસ્થિતિમાં જગમાલજી પર શમશેર ચલાવવી પડી એનું ધ્યાન કર્યું.

આ સાંભળી મહારાણા પ્રતાપે કહ્યું, “ યુદ્ધના મેદાનમાં સામસામે ટકરાયા પછી બાપ બેટો પણ એકબીજા પર શસ્ત્ર ચલાવે એમાં કશું અજુગતુ નથી. રાવ સુરતાણસિંહના પરાક્રમોથી ફરી એકવાર ૧૫૭૬ પછી ૧૫૮૫માં રાજપૂતી ગૌરવશાળી બની છે. જગમાલજી મૃત્યુ પામ્યા એનો ગમ છે.  પરંતુ સુરતાણસિંહને હાથે હણાયા એનો ગુસ્સો નથી. જ્યાં સુધી હિન્દુત્વ અને માતૃભૂમિની સ્વતંત્રતાની લડતનો સવાલ છે ત્યાં સુધી મેવાડ શિરોહી બંને એક જ છે અને એક જ રહેશે. રાવ સૂરતાણસિંહ તો મારો જમણો બાહુ છે. જો મને થોડા રાવ સૂરતાણસિંહ જેવા રાજાઓ મળી ગયા  હોત તો હું રાજપૂતાનાનો નકશો ૧૫૨૬ પહેલાંનો બનાવી દેત.”

“વાહ, મેવાડી રાણા ! રંગ છે, રાજપૂતાનાના  કવિઓ સાચે જ કહે છે.

“માઇ એહ્ડા પૂત જણ,

જેહડા રાણ પ્રતાપ”

શિરોહીના માર્ગે પાછા વળતા તેના સેનાપતિ કવિ દૂધા આસિયા ગળગળો થઈ ગયો.