Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 105 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 105

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 105

(૧૦૫) સાગરનો વિરોધ મેવાડત્યાગ

         શિરોહી રાજ્યના સેનાપતિ કવિ દૂધા આસિયા પોતાના રાજ્યમાં પાછા ફર્યા. મહારાણા પ્રતાપના મનમાં વીર સુરતાણસિંહની વીરમૂર્તિ ખડી થઈ. મેરપુરના વીર પૂંજાજીએ ખબર આપ્યા હતા કે, સુરતાણજી મહાપરાક્રમી રાજપૂતી આનનો પક્કો રાજપૂત છે. શિરોહીની દોસ્તી મેવાડ માટે ઉપયોગી થાય તેમ છે.

આવા વીરને સંબંધના બંધનમાં બાંધીને મૈત્રી કેમ મજબૂત ન કરી શકાય? યુવરાજ અમરસિંહની પુત્રી માટે સુરતાણસિંહ સર્વથા યોગ્ય હતો.

“મહારાણાજી, ભારતમાં રજકીય જોડાણો માટે આવા લગ્નો ગોઠવવામાં આવતા. ખુદ ચાણક્યે સૈલ્યુકસ નિકેતરની પુત્રી હેલનને ચંદ્રગુપ્ત સાથે પરણાવવામાં ભાગ ભજવ્યો હતો. કૃષ્ણે પોતાની બહેન સુભદ્રા અર્જુન સાથે વરાવી, પાંડવોને પોતાના દોસ્ત બનાવ્યા. વિરાટ રાજાએ ઉત્તરાને અભિમન્યુ સાથે પરણાવી કૃષ્ણ અને પાંડવો બંનેને પોતાના મિત્રો બનાવ્યા. મહારાણા સંગ્રામસિંહે પણ કુંવર ભોજરાજ અને મીરાંબાઇના લગ્નમાં રાઠોડો અને સિસોદિયાઓનો સમન્વય નિહાળ્યો હતો.”

ભામાશાહે મહારાણજીના વિચારને વધાવતા કહ્યું.

મહારાણાજીએ વાત પોતાના “રાજલોક” માં જણાવી.  સર્વત્ર એને આવકાર મળ્યો.

સૌએ સ્વીકાર્યું., સેનામાં સુગંધ મળે એવી આ વાત છે.

બહારગામ ગયેલા સગરને આ વાતની ખબર ન હતી.

“સાગરજી, મહારાણા યુવરાજ અમરસિંહની પુત્રીનું વેવિશાળ શિરોહીના રાવ સૂરતાણસિંહજી સાથે કરવા વિચારે છે.”

સાગર ક્ષણવાર માટે વિચારમાં ડુબી ગયો.

આ કેવી રીતે શક્ય બને? રાવ સૂરતાણસિંહ એટલે દંતાલીના યુદ્ધમાં જેણે કુંવર જગમાલનો  વધ કર્યો હતો તે. યુદ્ધમાં આવું બને તે પણ સમજી શકાય. એ માટે વેરના બીજ જ રોપાય કારણ જગમાલ શાહીસેનામાં રહી લડતો હતો માટે  પોતે દરબારમાં સુરતાણસિંહના વખાણ થતા છતાં મૌન રહ્યો હતો.

પરંતુ રાવ સુરતાણસિંહને યુવરાજ અમરસિંહની પુત્રી પરણાવી એના આ કાર્યને પુરસ્કારવાનું કૃત્ય તો  અયોગ્ય  જ ગણાય.

જગમાલ આપણો દુશ્મન હતો પરંતુ તેથી કાંઇ તેનો વધ કરનારને સરપાવ આપવાની હદ સુધી આગળ વધવાની જરૂર તો નથી જ.

સાગરને મહારાણાનો આ નિર્ણય અયોગ્ય લાગ્યો.

દરબાર ભરાયો હતો. અચાનક ભર દરબારમાં સાગર ઉભા થયા.

“મહારાણાજી, હું આપની સેવામાં નિવેદન કરવા માંગુ છું.”

“ખુશીથી, સાગર તમે ખુશીથી તમારી ઇચ્છા વ્યક્ત કરી શકો છો.” મહારાણા બોલ્યા.

“અવિનય થાય તો ક્ષમા કરશો. મેં સાંભળ્યું છે કે યુવરાજ અમરસિંહની પુત્રીનો વિવાહ શિરોહીના રાવ સુરતાણસિંહ સાથે કરવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે.”

“સાગર, એમાં બધાંનો  સૂર છે. બધાંએ આ વાતને વધાવી લીધી છે. તમે પણ...” મહારાણાજીને બોલતા અટકાવી વચ્ચે જ સાગર બોલ્યા.

“મહારાણાજી, મારો આ બાબતે સખત વિરોધ છે. બલ્કે આ પ્રસંગ પહેલાં મેવાડ ત્યાગીને ચાલ્યો જઈશ.”

“કારણ?”

“દંતાલીના યુદ્ધમાં કુમાર જગમાલનો શિરોહીના નરેશ સુરતાણસિંહે વધ કર્યો હતો એ વાત તો જગ જાણીતી છે. કોક દિવસે કોક મેવાડી કોક શિરોહી આ વાતે ચડભડી પડશે અને યુદ્ધની નોબત આવી પડશે. જગમાલ ભલે આપણો દુશ્મન હતો પરંતુ  એને ખત્મ કરનારને મારી આંખો કેવી રીતે વારંવાર, આ મેવાડમાં અતિથિ તરીકે સહન કરી શકશે? બોલો? આનો જવાબ આપો?

કદી ન બોલનાર સાગર આટલો ઉકળી ઉઠ્યો એથી સૌ સ્તબ્ધ બની ગયા.

“સગરજી, રાજનીતિમાં આટલો કોપ ન ચાલે. દિલ્હીના શહેનશાહે દંતાલીના યુદ્ધનું આયોજન જ એટલા માટે કર્યું હતું કે, જો જગમાલજી જીતે તો સુરતાણસિંહ જેવો ઉગતો વીરશત્રુ ખતમ થાય. અને જો જગમાલજી સુરતાણસિંહના હાથે માર્યા જાય તો શિરોહી અને મેવાડ દુશ્મન બની જાય. ભાવનાના પ્રવાહમાં વહીને દુશ્મનની ચાલમાં ફસાવાની જરાયે જરૂર નથી. હવે દુશ્મનની ચાલને ઉંધી પાડવીએ રાજનીતિ ખરી કે નહી?” ભામાશાહ બોલ્યા.

“ભામાશાહજી, આપની રાજનીતિ મને નથી સમજાતી. મને બુદ્ધિની કસરત આવડતી નથી. હું તો કાંડાની તાકાત અજમાવનારો.  મને લાગે છે કે મહારાણાજીએ ખોટો નિર્ણય કર્યો છે. હવે એ સામે હું બળવો તો નહિ કરું પરંતુ મેવાડમાં હું હવે રહી શકું તેમ નથી.

સાગરના મેવાડ ત્યાગને ટાળવા ખૂબ કોશિશ કરવામાં આવી. પરંતુ સાગરે મેવાડનો ત્યાગ કર્યો.

રાત્રિનો સમય હતો. મહારાણાજી વિચારમાં પડ્યા. સાગર મહારાણાના હૈયાને આંચકો આપી ગયો. આ ઘટના કલ્પનાતીત હતી. જો સર્વ પ્રથમ આ પ્રત્યાઘાતની પોતાને  ખબર હોત તો કદાચ  સાગરના મનને રાખવા પોતે વાતને ત્યાં જ અટકાવી દેત પરંતુ વાત ફેલાઇ ચૂકી હતી. સાગરની વિચારધારા આદર્શ હતી પરંતુ આ દુનિયા આદર્શો વડે નથી ચાલતી. સાગર ગયો. સાગરે મને ગાદીપતિ થયા પછી આજ સુધી લક્ષ્મણ રામને સાથ આવે તેમ સાથ આપ્યો. એના ભાવને ક્યાં ભૂલાય? રાજનીતિ ખરે જ ક્રુર છે. ચંદ્રગુપ્તની રાણી જેને ચાણક્યે ખૂબ મમતાપૂર્વક આણી હતી. સેલ્યુકસ અને ચંદ્રગુપ્તના જોડાણ ખાતર, રાજકીય જોડાણ ખાતર, નેપથ્યમાં ધકેલીને ગ્રીક રાજકન્યા હેલનને પ્રાધાન્ય આપ્યું. તત્વજ્ઞાન અને રાજનીતિ સમુદ્રના બે કિનારા જેવા છે. સાગર ગુસ્સે થઈ મોગલ દરબારમાં જવા પ્રસ્થાન કરે અને હું એને રોકી ન શકું? કેવી કર્મની પરિણતિ! સંસાર પાણીના પરપોટા સમાન ક્ષણભંગુર છે. ધન પ્રાપ્ત થાય છે અને ચાલ્યું પણ જાય છે.  જન્મ અને મરણ, ઉત્થાન અને પતન, અંધકાર અને પ્રકાશ, ભરતી અને ઓટ, આ ચક્ર સદાયે ફરતું રહે છે. એ ચક્રના ફરવાનું નામ જ સંસાર છે. જો માનવીના મનનું ધાર્યું જ બન્યા કરત તો સંસાર અસાર શાને કહેવાય? સાગર મોગલસેનામાં ગયો એ મારી મોટી કમનસીબી નિયતિના ચક્રમાં આપણે માત્ર પિસાવાનું જ છે. હું સ્પષ્ટ જોઇ રહ્યો છું કે, મોગલસત્તાને મજબૂત કરવામાં મોગલો કરતાં રાજપૂતો વધારે ઉત્સાહી છે. મારો પિત્રાઇ રાજા માનસિંહ, મારાં વંધુ સગર આ જ પંથે આગળ વધી રહ્યાં છે. એમને કોણ સમજાવે? જેમ મને કોઇ સમજાવી શકતું નથી. તેમ એમને પણ કોઇ સમજાવી શકે જ નહિ?