Sandhya - 30 books and stories free download online pdf in Gujarati

સંધ્યા - 30

સુનીલે એક તમાચા સાથે સુધબુધ ખોયેલ સંધ્યાને એમ ભાનમાં લાવી જાણે યમદૂત પાસેથી પોતાની બેનને પાછી ખેંચી લાવ્યો હોય! સંધ્યા ભાનમાં આવી કે એના ગળે અટકેલ દર્દનું ડૂસકું છૂટ્યું હતું. સંધ્યા રડમસ અવાજે એટલું માંડ બોલી શકી કે, "મારોરોરો સૂરરરજજજ". એ સુનીલને ભેટીને રડવા લાગી હતી. એના રુદનથી આખું ઘર ગુંજી રહ્યું હતું. બધા ખુબ જ દુઃખી હતા. સંધ્યા સુનીલને ઈશારામાં આખું ઘર શણગાર્યું એ જણાવી રહી હતી. આંખમાંથી આંસુની ટપકતી ધાર સાથે એ સૂરજના સમીપ બેઠી અને એનો ચહેરો જોયો હતો. સૂરજના ચહેરામાં એને પહેલી વખત જોગિંગ કરતો સૂરજ દેખાય આવ્યો હતો. સંધ્યાએ મહામહેનતે સૂરજની પ્રદક્ષિણા ફરી પુષ્પ અર્પણ કર્યા અને સૂરજના ચરણોમાં પોતાનું શીશ નમાવી પગે લાગી હતી. પંક્તિ હવે અભિમન્યુને સંધ્યા પાસે લાવી હતી.

સંધ્યાને જોઈને અભિમન્યુ બોલ્યો, "મમ્મી! પપ્પાને ઉઠાડ ને! મને ભૂખ લાગી છે. મારે કેક ખાવી છે. તું હવે કેમ રડે છે? જો ને મમ્મી! પપ્પા ઘરે આવી ગયા છે."

અભિમન્યુની વાત સાંભળીને સંધ્યાએ અભિમન્યુને પોતાના છાતી સરસો ચાંપી લીધો, અને અસહ્યવેદના સાથે રડવા લાગી હતી. દક્ષાબહેન એની પાસે ગયા અને કહ્યું, "બેટા હિંમત રાખ. હવે તારે અભિમન્યુને જોઈને કઠણ થવાનું છે." તેઓ ખુદ રડી રહ્યા હતા પણ સંધ્યાને શાંત થવા જણાવી રહ્યા હતા.

સંધ્યાને રડતા જોઈને પંકજભાઈ ખુબ ઢીલા પડી ગયા હતા. આજે પહેલી વખત સંધ્યાએ પોતાના પપ્પાને રડતા જોયા હતા. એમની પાસે જઈને એમને ભેટીને રડી રહી હતી. પોતાની દીકરીની નાની વયમાં કુદરતે આપેલ વેદના જીલવા ખુદ પંકજભાઇ અસમર્થ હતા તો સંધ્યા પર શું વીતતું હશે એ વિચારે તેઓ ખૂબ વધુ દુઃખી હતા.

સંધ્યાનું આખું ગ્રુપ સંધ્યાને આ સ્થિતિમાં જોઈને ખુબ જ દુઃખી હતું. રાજની આંખમાંથી આંસુ થોડી થોડી વારે સરી જતા હતા.

સૂરજની નનામીને ઘરની બહાર સ્મશાન જવા માટે કાઢી હતી. બધા જ પુરુષો સ્મશાને ગયા અને સ્ત્રીઓ ઘરે રહીને ઘરને સ્વચ્છ કરવામાં વ્યસ્ત થઈ ગઈ હતી. અભિમન્યુ અને સાક્ષી બંનેને પાડોશમાં રમવા માટે મોકલી દીધા હતા. સંધ્યાએ સજાવેલ ઘરને સમેટવામાં આવ્યું હતું. એક પછી એક બધું જ ડેકોરેશન કાઢવામાં આવી રહ્યું હતું. જેમ ઘરનો શણગાર ઉતારવામાં આવ્યો, એમ સંધ્યાના પણ બધા શણગાર કાઢવામાં આવ્યા હતા. સંધ્યાને વડીલોએ સૂરજના નામનું નવડાવ્યું હતું. સંધ્યાના માથા પરથી હંમેશ માટે સિંદૂર દૂર થઈ ગયું હતું. સંધ્યા મંગળસૂત્ર કાયમ પહેરતી હતી એ પણ કાયમ માટે દૂર થઈ ગયું હતું. સંધ્યાને બધા જેમ કહે એ એમ કરતી જતી હતી પણ મન હજુ સૂરજના વિચારોમાંથી બહાર જ આવ્યું નહોતું.

સંધ્યા પોતાના જ મનમાં વિચારી રહી, કાશ! મેં સૂરજને એ જતો હતો ત્યારે રોકી લીધો હોત! કાશ! મને થતી હતી એ બેચેની મેં એને પહેલા જ કીધી હોત! આજે સૂરજ વગર એક ક્ષણ નથી નીકળતી તો, હું આખી જિંદગી કેમ વીતાવીશ? સંધ્યા ખુબ નાસીપાસ થઈ રહી હતી. એનું મન એટલી હદે દુઃખી હતું કે, એને થયું સૂરજ વગર મારુ જીવન જ શક્ય નથી. આ વિચાર એના મન પર એવો હાવી થયો કે, એને થયું હું મરી જ જાવ! મૃત્યુના વિચારના આવેશમાં સંધ્યા ખોવાયેલી હતી પણ હજુ એને આ બાબતે વધુ વિચાર આવે ત્યાં જ અભિમન્યુ એની પાસે આવ્યો હતો. અભિમન્યુને જોઈને સંધ્યા એકદમ હકીકતની સામે આવી ગઈ હતી. એને એમ થયું "હું મરી જાવ તો આ અભિમન્યુની શું સ્થિતિ થાય?" આ વિચારથી એ પોતાને ખુબ લાચાર અનુભવી રહી હતી. એ અભિમન્યુને વળગી પડી. મનોમન પોતાના વિચાર માટે એને ઘૃણા થઈ ઉઠી હતી. આંખના આંસુ હજુ પણ વરસી જ રહ્યા હતા.

સંધ્યા કેટલી ઉત્સાહી હતી કે, સૂરજનું આગમન થાય એટલે એને એક પછી એક અનેક સરપ્રાઈઝ સંધ્યાને આપવી હતી. એના બદલે કુદરતે સંધ્યાને આજીવન સૂરજ વગરના જીવનની એકલતા આપી દીધી હતી. સંધ્યાનું મન હજુ એવું જ અનુભવતું હતું કે, હમણાં સૂરજ આવશે. હકીકતનો સ્વીકાર એનું મન કરી જ શકતું નહોતું.

દીકરો બાપને કાંધ આપે એના બદલે ચન્દ્રકાન્તભાઈએ પોતાના પુત્રને કાંધ આપી હતી. ઢળતી ઉંમરે કારમો ઘા એમને ઝીલવો પડ્યો હતો. ચંદ્રકાન્તભાઈને પોતાના જ જુવાન દીકરાની ચિતા પર આગ ચાંપતા એમનો જીવ ખુબ જ બળી રહ્યો હતો. એમને ખુબ તકલીફ થઈ રહી હતી. અભિમન્યુ ખુબ નાનો હતો એટલે એને અંતિમવિધિમાં લાવ્યા નહોતા. અભિમન્યુનો હક એનાથી છીનવીને ચંદ્રકાન્તભાઈને ખુબ દુઃખ થઈ રહ્યું હતું. સુનીલને અને પંકજભાઈને આ સ્થિતિમાં ચંદ્રકાન્તભાઈને દિલાસો આપવાના કોઈ શબ્દો જ નહોતા. બંને મૌન રહીને એમની સમીપ જ રહ્યા હતા. સ્મશાનમાં એટલા બધા લોકોની હાજરી હતી કે, ત્યાં ઉભવાની જગ્યા પણ નહોતી. સૂરજ ખુબ ટૂંકી આવરદામાં ખુબ નામના પામીને પ્રભુચરણ પામ્યો એ લોકોની હાજરી જણાવી રહી હતી. તમારા જીવનમાં તમે કેટલા લોકોના દિલમાં સ્થાન મેળવ્યું એ તમારી અંતિમવેળાએ આવનાર લોકોની હાજરીથી જાણી શકાય છે. બધા જ આમ અચાનક સૂરજ પ્રભુચરણ પામ્યો એ વાત સવીકારી જ શકતા નહોતા. હજુ તો આગલા દિવસે જ ખુબ ખુશ જણાય રહેલ સૂરજ આજ અસ્થ થઈ ગયો એ લોકોને માન્યમાં આવતું નહોતું. થોડા જ સમયમાં સૂરજનો દેહ રાખમાં ફેરવાઈ ગયો હતો. એક હસતો નામચીન ચહેરો પંચતત્ત્વમાં વિલીન થઈ ગયો હતો. ભારે કલેજે બધા પોતાને ઘરે આવ્યા હતા.

ચંદ્રકાન્તભાઈ ઘરે આવ્યા ત્યારે ઘરનો પ્રભાવ ઉડી ગયો હતો. ઘરમાં સૂરજના ફોટાને ફૂલનો હાર ચડી ગયો હતો. ફોટાની બાજુમાં સફેદ વસ્ત્રમાં સંધ્યા ચુપચાપ વિચારોમાં લીન બેઠી હતી. સંધ્યાની આંખોમાં આંસુઓની વહેતી ધારા બંધ થઈ ગઈ હતી. ચંદ્રકાન્તભાઈ હોલની આવી સ્થિતિ જોઈને ઘરમાં પ્રવેશતા જ પોતાનું સંતુલન ગુમાવી બેઠા હતા. સુનીલે એમને સાચવી લીધા હતા.

જલ્પા, ચેતના અને વિપુલા સંધ્યાની પાસે જ બેઠા હતા. રાજ અને અનિમેષે સંધ્યાને વિધવાના રૂપમાં જોઈને પોતાની નજર તરત જ ફેરવી લીધી હતી. રાજ ફરી રડી પડ્યો હતો. એ હંમેશા સંધ્યાને ખુશ કરવાના વિચારોમાં રહેતો પણ આજે સંધ્યાને ખુશ તો ઠીક પણ એના વહેતા આંસુ રોકવા પણ અસમર્થ હતો. અસહ્ય દુઃખ રાજને થઈ ગયું હતું. પંક્તિએ બધાને ચા બનાવીને પીવડાવી હતી. ધીરે ધીરે બધા પોતાના ઘરે જવા લાગ્યા હતા. અંગત પરિવાર સભ્યો સિવાય બધા જ જતા રહ્યા હતા.

સંધ્યાના ગ્રુપના મિત્રો સંધ્યા પાસે રજા લેવા આવ્યા હતા. સંધ્યાની હવે રાજ અને અનિમેષ તરફ નજર ગઈ હતી. એ બંનેની સામે જેવું સંધ્યાએ જોયું કે રાજને પોતાના શબ્દો યાદ આવ્યા, "તને તો એક સૂરજ જ દેખાય છે. બસ જયારે જુવો ત્યારે સૂરજ સૂરજ અને સૂરજ... કરતી હોય છે. તને અમારી કોઈ કિંમત જ નથી." આ શબ્દોની યાદથી ફરી રાજની આંખમાં આંસુ આવી ગયા હતા. સંધ્યાને એમની સમીપ જઈને એ બંનેને ભેટીને રડવાનું મન થયું પણ આજે એ હવે મર્યાદાની જંજીરમાં બંધાય ચુકી હતી. સંધ્યાની આંખ આ વિચારે વરસી પડી હતી. એક પછી એક બધા પોતાના ઘરે જતા રહ્યા હતા.

સંધ્યાની આજની રાત ખુબ જ વસમી હતી. ગઈકાલે હરખાતી સંધ્યા આજે વિધવા બની ચુકી હતી. પોતાના રૂમમાં એ સૂરજની યાદોને વાગોળી રહી હતી. ઊંઘ સંધ્યાને આવતી જ નહોતી. આખી રાત સૂરજની યાદોની વેદનામાં જ વીતી હતી. સંધ્યાએ એક આંખનું મટકું પણ માર્યું નહોતું.

નવા દિવસનો સૂરજ ઉગી ચુક્યો હતો પણ સંધ્યાના જીવનનો સૂરજ હવે ક્યારેય એને નજર આવવાનો નહોતો.

શું હશે આવનાર દિવસોમાં સંધ્યાની સ્થિતિ?
કેમ પિતાવિહોણા અભિમન્યુને સાચવશે સંધ્યા?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻