ગામ હજી ઊંઘતું હતું.સૂરજ ઊગવા માટે આકાશ પાસે પરવાનગી માગતો હોય એમ, ધીમે ધીમે કેશરી રેખા ફેલાતી હતી. રાતની ઠંડી હજી માટીમાં અટવાઈ હતી. પગ નંગા જમીન પર પડતાં જ જે સળવળાટ થાય, એ જ બાળપણની પહેલી ઓળખ હતી.ફળિયામાં ગાયોની ગળાની ઘંટડી વાગી.ઢોરોને ખુંટે બાંધતા કાકાના હાથમાં લાકડીનો અવાજ—ઠક… ઠક…ઘરના આંગણે તુલસી ક્યારો શાંત ઊભો હતો. મા લોટો લઈને આવી. પાણી છાંટતાં જ માટીની સુગંધ એવી ઉઠી કે જાણે આખું ઘર શ્વાસ લઈ રહ્યું હોય. મા આંખ ઉંચી કરીને બોલી—“હજી સૂઈ રહ્યો છે કે શું?”આ અવાજ સાંભળીને રવિયો પથારીમાં જ હસ્યો.બહાર જવું હતું, પણ દેખાડવું હતું કે હજી ઊંઘ આવે છે.બહાર રસ્તા પર રઘુ બાપા પહેલેથી જ બેઠા હતા. હાથમાં બિડિયો, આંખોમાં અનુભવ. સામે ખેતર નં. ૭ સુધી નજર જઈને અટકી ગઈ. ત્યાં આજે પણ કશું નહોતું—પણ પહેલાં બધું હતું.થોડી જ વારમાં ફળિયાનો સન્નાટો તૂટ્યો.“એ રવિયા… આવેશ કે નહિ?”બુચિયાનો અવાજ હતો—હંમેશા ઉતાવળમાં.ગુરુ હાથમાં લાકડાનો બેટ લઈને ઊભો.“આજે નિયમ બદલ્યો છે હો… કાતરિયો સીધો આઉટ.”નીવિયો થોડો દૂર ઊભો, શર્ટના બટન બંધ કરતો.એના ચહેરા પર હંમેશા કંઈક વિચાર અટવાયેલો રહે.ખેતર નં. ૭ આજે પણ એ જ હતું—વાડ પાસે લીમડો,મધ્યમાં થોડી ઊંચી જમીન,અને ચાર પથ્થર—વિકેટ.દડો ફેંકાતાં જ ધૂળ ઊડી.હાસ્ય, ઝગડો, ચીસો—બધું એકસાથે.રઘુ બાપા દૂરથી બોલ્યા—“અરે… ધીમે રમજો, ભગવાન પણ આઉટ થઈ જશે!”બધા હસ્યા.એ હાસ્યમાં કોઈ બનાવટ નહોતી.સમયને કોઈ ગણતો નહોતો.સાંજ ક્યારે ઢળી, ખબર જ ન પડી.પણ વર્ષો પછી…આ ખેતર શાંત થઈ ગયું.હવે અહીં માત્ર પવન રમતો હતો.રવિયો આજના દિવસે ત્યાં ઊભો હતો.હાથમાં મોબાઈલ.સ્ક્રીન પર સંદેશ ચમક્યો—“આવતી કાલે રમિહુ ફરીથી…”એણે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો.માટીને હાથ લગાવ્યો.અને એ ક્ષણે બાળપણ પાછું શ્વાસ લઈ ઉઠ્યું.
ખાલી ખેતર અને ભરેલું મોબાઈલ
ખેતર નં. ૭ હવે પહેલા જેવું નહોતું.
વાડ પાસેનો લીમડો હજી ઊભો હતો,
પણ એની છાયામાં હવે બાળકો નહોતા.
પવન પાંદડાં હલાવતો હતો,
પણ કોઈ બૂમ, કોઈ હાસ્ય નહોતું.
રવિયો એકલો ઊભો હતો.
હાથમાં મોબાઈલ—
સ્ક્રીન પર નામોની લાંબી યાદી.
પાંચ હજાર મિત્રો.
પણ આજુબાજુ કોઈ નહીં.
એણે એક નામ ખોલ્યું.
પછી બીજું.
બધાં પાસે સ્ટેટસ હતા—
કોઈ હસતું, કોઈ ફરતું,
કોઈ સફળ દેખાતું.
પણ રવિયાને ખબર હતી—
આ બધું દેખાતું હતું,
હોતું નહોતું.
એક દિવસ, શહેરમાં,
રવિયાનો દિવસ ખરાબ ગયો હતો.
નોકરીમાં ઠપકો,
મન ખાલી,
હૃદય ભારે.
એણે ત્રણ મિત્રોને ફોન કર્યો.
એક બોલ્યો—
“અત્યારે મીટિંગમાં છું.”
બીજો—
“કાલે વાત કરીએ.”
ત્રીજાએ ફોન જ ન ઉઠાવ્યો.
રવિયો એ રાતે લાંબા સમય સુધી સૂઈ શક્યો નહીં.
એને યાદ આવ્યો—
જ્યારે ઘૂંટણ ઘાયલ થતું,
ત્યારે બુચિયો એને ટેકો આપતો.
જ્યારે આઉટ થતો,
ગુરુ લડતો—
“ફેર બોલ આપ!”
ત્યારે કોઈ પાસે મોબાઈલ નહોતો,
પણ બધા પાસે સમય હતો.
બીજા દિવસે
રવિયો ગામે આવ્યો.
સાંજ પડી હતી.
રઘુ બાપા ઓટલે બેઠા હતા.
“આજે બહુ શાંત છે ગામ,”
રવિયોએ કહ્યું.
રઘુ બાપા હસ્યા નહીં.
ધીમે બોલ્યા—
“ગામ શાંત નથી, દીકરા…
લોકો અંદરથી શાંત થઈ ગયા છે.”
એ વાક્ય રવિયાના મનમાં અટકી ગયું.
એ રાતે
રવિયાએ WhatsApp ગ્રુપ ખોલ્યું—
“ગોટી ક્રિકેટ ક્લબ”
એણે લખ્યું નહીં.
ફક્ત ટાઈપ કર્યું…
ડિલીટ કર્યું…
ફરી ટાઈપ કર્યું.
છેવટે એક જ વાક્ય મોકલ્યું—
“આવતી કાલે સાંજે ખેતર નં. ૭.”
કોઈ ઇમોજી નહીં.
કોઈ સમજાવટ નહીં.
મોબાઈલ બાજુએ મૂકી
રવિયો બહાર આંગણે આવ્યો.
આકાશમાં તારાઓ દેખાતા હતા.
એ જ તારાઓ,
જેણે બાળપણ જોયું હતું.
આ વખતનો પ્રશ્ન હતો—
કોણ આવશે?
સાંજ પડી.
સૂરજ ખેતર નં. ૭ની પાછળ ધીમે ધીમે સરકી રહ્યો હતો. આકાશમાં લાલાશ ફેલાઈ હતી, જાણે કોઈ જૂનો ઘા ફરી ખૂલ્યો હોય. પવન ચાલ્યો—હળવો, ઓળખીતો. લીમડાના પાંદડાં સરસરાયા, પણ કોઈએ સાંભળ્યા નહીં.
રવિયો વહેલો આવી ગયો હતો.
એ મેદાનની વચ્ચે ઊભો રહ્યો. હાથમાં કંઈ નહોતું. ન બેટ, ન બોલ. આજે એ કંઈ લાવ્યો નહોતો—કારણ કે એ જાણતો હતો, લાવવાનું બધું અહીં પહેલેથી જ હતું.
એણે ઘડિયાળ જોયું નહીં.
સમયને આજે કસોટી પર મૂક્યો હતો.
પાંચ મિનિટ થઈ.
દસ થઈ.
પંદર.
રસ્તા તરફ નજર ગઈ.
કોઈ નહીં.
પગ નીચે માટી ખસકી.
એ જ માટી, જેમાં ક્યારેક દડો લપસતો.
રવિયાને યાદ આવ્યું—
પહેલા કોઈ આવતો ન હોય તો ગુરુ બોલતો:
“ચિંતા ન કર… કોઈ તો આવશે.”
આજે ગુરુ નહોતો.
દૂરથી કોઈ સાયકલનો અવાજ આવ્યો.
ચેન કડકડી.
હૃદય ધબક્યું.
પણ સાયકલ વળીને બીજી ગલીમાં વળી ગઈ.
રવિયાએ ઊંડો શ્વાસ લીધો.
હસવાનો પ્રયત્ન કર્યો.
“શાયદ મોડું થશે,”
એણે પોતાને સમજાવ્યું.
મોબાઈલ ખિસ્સામાં જ હતો.
એ બહાર કાઢ્યો નહીં.
આ સાંજને સ્ક્રીનમાં ન જોવી હતી.
આકાશ ધીમે ધીમે નીલાશ થઈ રહ્યું હતું.
પંખીઓ પોતાના ઝૂંડમાં પરત ફર્યા.
ગામના દીવા એક પછી એક ચાલુ થવા લાગ્યા.
હવે મેદાન વધુ ખાલી લાગતું હતું.
રવિયો બેચ પર બેસી ગયો.
એ જ બેચ, જ્યાં ક્યારેય કોઈ બેસતું નહોતું—
કારણ કે બેસવાનો સમય જ નહોતો.
એણે આંખો બંધ કરી.
એ ક્ષણે…
પગલાંનો અવાજ આવ્યો.
ખૂબ હળવો.
પણ સાચો.
રવિયાએ આંખ ખોલી.
છાયાં દેખાઈ.
એક માણસ ઊભો હતો.
હાથમાં કંઈ નહોતું.
પણ ચાલમાં ઓળખ હતી.
એ બોલ્યો નહીં.
રવિયો પણ નહીં.
બંને વચ્ચે થોડું અંતર હતું—
વર્ષો જેટલું.
પછી એ માણસ બોલ્યો—
ખૂબ ધીમે—
“હું વહેલો આવી ગયો છું કે મોડો?”
રવિયાના હોઠ કાંપ્યા.
આ પહેલી સાંજ હતી.
કોઈ આવ્યો હતો.
પણ હજી રમત શરૂ થઈ નહોતી.