Viraj Palace in Gujarati Horror Stories by madhuri books and stories PDF | વિરાજ પેલેસ

The Author
Featured Books
Categories
Share

વિરાજ પેલેસ

ઈતિહાસ જ્યાં પથ્થરો બનીને થીજી જાય છે, ત્યાં રહસ્યો આપોઆપ જન્મે છે. શાંતિવન ચોકમાં આવેલો ‘વિરાજ પેલેસ’ એવો જ એક ભયાનક અને અજીબોગરીબ મહેલ છે. આસપાસના વિસ્તારમાં એની સ્તબ્ધતા જ એનો ખોફ બયાન કરતી હતી, પણ જ્યારે મારી નોકરી ત્યાં આવેલી એક સરકારી ઓફિસમાં લાગી, ત્યારે મને ખબર નહોતી કે હું ઈતિહાસના નહીં, પણ એક જીવતા-જાગતા ડરના સામ્રાજ્યમાં પગ મૂકી રહી છું.
મહેલનો પ્રવેશદ્વાર જ કમકમાટી છૂટી જાય તેવો હતો—એક રાક્ષસી, લંબગોળ ગેટ. એ ગેટની અંદર પગ મૂકતાં જ એક સાંકડી, અંધારી ગલી આવતી, જ્યાં દિવસના બપોરે પણ સૂરજનો પ્રકાશ માંડ પહોંચતો. એ ગલી પૂરી થતી લોખંડના એક પ્રચંડ, કાટ ખાઈ ગયેલા દરવાજા પાસે. એ કીચૂડ-કીચૂડ અવાજ સાથે ખૂલતો અને સામે દેખાતો અર્ધવર્તુળાકારમાં ફેલાયેલો ત્રણ માળનો ભવ્ય પણ ખંઢેર મહેલ. આ આખી ઇમારતનો માત્ર ચોથો ભાગ જ અકબંધ હતો, જેમાં અમારી ઓફિસ બેસતી. બાકીનો ત્રણ-ચતુર્થાંશ ભાગ વર્ષો પહેલાં લાગેલી કોઈ અજ્ઞાત, રહસ્યમય આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. એ બળી ગયેલો હિસ્સો કાળોઢિબાંગ, કોલસા જેવો અને હાડપિંજરની જેમ ઊભો હતો.
અંદાજે ૪૦૦ થી પણ વધુ ઓરડા ધરાવતા આ મહેલની કોતરણી અદ્ભુત હતી, પણ એ કોતરણીમાં ક્યાંક ભેજ અને સમયની કાળી વેદના છુપાયેલી હતી. ઓફિસવાળા હિસ્સામાં બંને બાજુ પથ્થરની વળાંકવાળી સીડીઓ હતી. એના પગથિયાં એટલા ઊંચા અને અકુદરતી હતા કે ચડતાં-ચડતાં જ માણસ હાંફી જાય અને એવું લાગે જાણે કોઈ આપણી પાછળ-પાછળ ચડી રહ્યું છે. સીડી પૂરી થતાં જ જમણી બાજુ ભુલભુલામણી જેવા ઓરડાઓની હારમાળા હતી—એક રૂમમાંથી બીજો અને બીજામાંથી ત્રીજો રૂમ! ડાબી બાજુએ એક અનંત ભાસતી, લાંબી અને સૂમસામ લોબી હતી.
દસ્તાવેજો ફંફોસતાં મને ખબર પડી કે ૧૮૫૦માં જ્હાનઅલીખાન ત્રીજાએ બંધાવેલો આ મહેલ વાસ્તવમાં એક 'રાણીવાસ' હતો. ડાબી બાજુના જે ઓરડા હતા, તેના પર સાગના ભારેખમ, કાળા પડી ગયેલા લાકડાના દરવાજા હતા. દરેક દરવાજાની આગળ એક નાની ઓરડી હતી, જ્યાં સૈનિકો પહેરો ભરતા. એ ઓરડાઓ તરફ જોતાં જ એવો ભાસ થતો કે જાણે અંદર કોઈ લાચાર આંખો હજી પણ કેદ છે.
મહેલના બરાબર ચોગાનની વચ્ચે એક રહસ્યમય 'કામોદીપ વૃક્ષ' હતું. એના પર આવતા શ્વેત ફૂલોની સુગંધ એટલી તીવ્ર અને ઘેરી હતી કે માણસનું માથું ભમી જાય. એ ફૂલો માત્ર સૂરજ આથમ્યા પછી, અંધકારમાં જ ખીલતા અને સવાર થતાં પહેલાં કરમાઈ જતા. રાત પડતાં જ મહેલનું લોહી થીજવી દે તેવું સ્વરૂપ સામે આવતું. પાછળના અવાવરું અને ઝાડી-ઝાખરાવાળા ભાગમાંથી હજારો ચમચીડિયાંનો ચીન-ચીન અવાજ અને અજાણ્યા પક્ષીઓની ડરામણી ચીસો ગૂંજવા માંડતી. આ જ ભયાનકતાથી બચવા જૂના જમાનામાં સીડી પાસે હનુમાનજીની એક નાની ડેરી બનાવવામાં આવી હતી, જેથી ત્યાંથી પસાર થતી વખતે કાળજું કંપી ન જાય.
મને ઓફિસમાં મોડે સુધી એકલા કામ કરવાની આદત હતી. એ દિવસે શિયાળાની થીજવી દેતી સાંજ હતી. ઘડિયાળમાં સાડા સાત થયા હતા અને મહેલ પર કાળી રાતનો અંચળો ઓઢાઈ ગયો હતો. હું ઉતાવળે ઓફિસ લોક કરી, સીડી ઉતરીને નીચે ચોગાનમાં આવી. ચારેય તરફ ઘોર અંધારું અને સન્નાટો હતો. હજુ હું ગેટ તરફ ડગલું માંડું ત્યાં જ મારો હાથ ખિસ્સા પર ગયો—મારો મોબાઈલ બીજા માળના એ જ અંધારા રૂમમાં જ રહી ગયો હતો!
મારા પગ ત્યાં જ જલાઈ ગયા. પાછા જવું એટલે એ અંધકારના કૂવામાં ઉતરવા જેવું હતું. પણ ફોન જરૂરી હતો. હું પાછી ફરી. પગથિયાં ચડતી વખતે પથ્થરોમાંથી એક અજીબ, ઠંડી ધ્રુજારી મારા પગમાંથી પસાર થઈ રહી હતી. સીડીના વળાંક પાસે પહોંચતા જ મને એવું લાગ્યું કે પક્ષીઓનો અવાજ અચાનક બંધ થઈ ગયો છે... સાવ શાંતિ! શ્વાસ રોકીને હું બીજા માળે ગઈ, ધ્રૂજતા હાથે ટેબલ પરથી ફોન લીધો. જેવી હું પાછી વળી, મને રૂમની અંદર કોઈના હલકા શ્વાસ લેવાનો અવાજ સંભળાયો! એ ક્ષણે મારા રોમરોમ ઊભા થઈ ગયા. હું સીડીઓ પરથી જે રીતે નીચે ભાગી, એ હાંફતો ડર હું આજે પણ ભૂલી શકી નથી. એ રાત પછી મેં મોડે સુધી બેસવાનું કાયમ માટે બંધ કરી દીધું અને મારા સરે પણ મને કહી દીધું, "ત્યાં મોડે સુધી રોકાવું સલામત નથી."
પણ સૌથી નાટકીય અને ચોંકાવનારી ઘટના તો ધોળા દિવસે બની! બપોરનો ધગધગતો સમય હતો. આખો મહેલ સૂમસામ હતો. હું અને અમારા પ્યુન દાદા સાહેબની સહી કરાવવા ફાઈલો લઈને એ લાંબી લોબીમાંથી પસાર થઈ રહ્યા હતા. બપોરની ગરમીમાં હવા બિલકુલ સ્તબ્ધ હતી, એક પણ પાંદડું હલતું નહોતું, બધી જ બારીઓ સજ્જડ બંધ હતી.
અચાનક... અમારી પાછળથી એક અતિશય ઠંડો, બરફ જેવો પવનનો ઝાપટો આવ્યો! જાણે કોઈ શક્તિ અમારી બંનેની બરાબર વચ્ચેથી, અમને હડસેલીને અત્યંત વેગથી પસાર થઈ ગઈ! એ હવામાં કોઈના રેશમી વસ્ત્રોનો સરસરાટ અને ઝાંઝરનો ઝીણો અવાજ એક પળ માટે ગૂંજ્યો અને ગાયબ થઈ ગયો. પ્યુન દાદાના હાથમાંથી ફાઈલો નીચે પડી ગઈ. અમે બંને પથ્થરની મૂર્તિની જેમ એકબીજા સામે જોઈ રહ્યા. એ ધોળા દિવસે પણ લોબીમાં તાપમાન અચાનક ઘટી ગયું હોય તેવી ઠંડક પ્રસરી ગઈ હતી!
પછીથી સ્ટાફના લોકોએ ચોખવટ કરી કે નાઇટ ડ્યુટી કરનારાઓને તો અવારનવાર કોઈના રડવાનો, તો ક્યારેક ઓરડાઓમાંથી કોઈ અદ્રશ્ય સ્ત્રીઓના આપસમાં ગણગણાટ કરવાનો અવાજ આવતો. લોકવાયકા એવી હતી કે ભૂતકાળમાં ઘણી રાણીઓએ આ મહેલની ચાર દીવાલો વચ્ચે ગૂંગળાઈને પોતાના જીવ આપી દીધા હતા.
એ મહેલ રદ્ધિવાળો હતો કે કોઈ અગમ્ય માયાજાળ, એ તો ખબર નથી, પણ ત્યાં એક એવી ખેંચાણ હતી કે ડર લાગવા છતાં ત્યાંથી ખસવાનું મન ન થતું. આજે અમારી ઓફિસ ત્યાંથી શિફ્ટ થઈ ગઈ છે. મહેલની છત અને સ્લેબનો મોટો હિસ્સો જમીનદોસ્ત થઈ ચૂક્યો છે. પેલું કામોદીપ વૃક્ષ પણ હવે કદાચ સુકાઈને એક હાડપિંજર જેવું થઈ ગયું હશે—અમારા ગયા પછી એને પણ કોઈ અણધારી એકલતા (અણહાગરો) ખાઈ ગઈ હશે. વિરાજ પેલેસ આજે પણ પોતાની કાળી દીવાલો પાછળ એ સેંકડો રાણીઓની ચીસો, ઈતિહાસના લોહીલુહાણ રહસ્યો અને એ અદ્રશ્ય દુનિયાને છુપાવીને કાળની થાપટો સામે ઊભો છે... જાણે કોઈ નવી શિકારની રાહ જોતો હોય!