Viraj Palace - 1 in Gujarati Horror Stories by madhuri books and stories PDF | વિરાજ પેલેસ - પ્રકરણ 1

The Author
Featured Books
Categories
Share

વિરાજ પેલેસ - પ્રકરણ 1



બપોરના એ કંપાવી દેનારા અનુભવ પછી મારો ડર બેવડાઈ ગયો હતો. એક દિવસ મેં પ્યુન દાદાને એકાંતમાં પૂછ્યું, "દાદા, તે દિવસે લોબીમાં જે થયું... એવું અહીં અવારનવાર થાય છે?"
દાદાએ આજુબાજુ જોયું, જાણે કોઈ ત્રીજી આંખ અમને જોઈ રહી હોય. તેમણે ધ્રૂજતા અવાજે ચા ની પ્યાલી ટેબલ પર મૂકતા કહ્યું:
બહેન, તમે તો હજી હમણાં આવ્યા છો. હું અહીં ત્રીસ વર્ષથી ફરજ બજાવું છું. આ મહેલ રાત્રે જ નહીં, પણ દિવસેય એના રહસ્યો જીવે છે.એ વાત તમે ના જાણો તોં સારુ તમને કામ કરતા ડરર સતાવશે, પણ મારા જિદ્દી સ્વભાવ આગળ શંભુ દાદા જુકી ગયા.

   વાત આજથી દસ વર્ષ પહેલાની છે, જ્યારે ઓફિસમાં અત્યાર જેટલી રોશની નહોતી. ચોમાસાના દિવસો હતા અને બપોરે જ કાળુંડિબાંગ અંધારું છવાઈ ગયું હતું.
સાહેબે મને પેલા બળી ગયેલા ત્રણ-ચતુર્થાંશ ભાગની દીવાલ પાસે આવેલા જૂના સ્ટોરરૂમમાંથી એક ફાઇલ લેવા મોકલ્યો હતોં . એ સ્ટોરરૂમની બરાબર પાછળ જ એ અવાવરું ઝાડી-ઝાખરા વાળો હિસ્સો છે. હું ટોર્ચ લઈને અંદર ગયો. રૂમમાં સડેલા લાકડા અને ભેજની ગંધ હતી. હજુ હું ફાઈલ શોધતો જ હતો કે અચાનક લોખંડનો ભારેખમ દરવાજો ધડામ કરતો બંધ થઈ ગયો!"

દાદાની લાલ આંખોમાં એ જૂનો ખોફ તરી આવ્યો. તેમણે આગળ કહ્યું:
"મેં દરવાજો ખોલવા બહુ ધક્કા માર્યા, પણ એ અંદરથી જકડાઈ ગયો હતો. બહાર કોઈ નહોતું. મેં ટોર્ચ ફેરવી તો મારું લોહી થીજી ગયું. એ રૂમના ખૂણામાં, જ્યાં દીવાલ આગથી કાળી પડી ગઈ હતી, ત્યાં એક સ્ત્રીની કાળી આકૃતિ ઊભી હતી. એના શરીર પર જૂના જમાનાના રાજવી વસ્ત્રોના લીરેલીરા ઊડતા હતા. એણે ધીમેથી પોતાનું મોઢું મારી તરફ ફેરવ્યું... એના ચહેરા પર ચામડી નહોતી, માત્ર બળી ગયેલું માંસ અને સળગતી આંખો હતી! એણે મારી તરફ હાથ લાંબો કર્યો. હું ચીસ પાડીને ત્યાં જ બેભાન થઈ ગયો. બીજા દિવસે સવારે જ્યારે સ્ટાફે દરવાજો તોડ્યો, ત્યારે હું લોહીલુહાણ હાલતમાં મળ્યો હતો. ડૉક્ટરોએ કીધું કે મને આંચકો આવ્યો હતો, પણ હું જાણું છું... એ રાણીવાસની કોઈ કમનસીબ સ્ત્રી હતી જે એ આગમાં જીવતી ભૂંજાઈ ગઈ હતી."દાદાની વાત સાંભળીને મારા શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. ઑફિસના જે હિસ્સાને હું અત્યાર સુધી માત્ર એક જૂની, બળી ગયેલી ઇમારત સમજતી હતી, તે આટલો ભયાનક ભૂતકાળ છુપાવીને બેઠો હશે એની મેં કલ્પના પણ નહોતી કરી. બપોરનો એ ધોમધખતો તડકો પણ હવે મને ઠંડો અને નિસ્તેજ લાગી રહ્યો હતો.
​મેં ધ્રૂજતા અવાજે પૂછ્યું, "દાદા, એ ઘટના પછી તમે ક્યારેય એ તરફ નથી ગયા?"
​દાદાએ નકારમાં માથું ધુણાવ્યું અને ટેબલનો ખૂણો મજબૂતીથી પકડી લીધો. "ના બહેન, એ તરફ જવાની હિંમત તો આખી ઑફિસમાં કોઈની નથી. પણ એ આકૃતિ ત્યાં જ અટકી નથી. આજે પણ, જ્યારે ચોમાસાની રાતોમાં વીજળીના કડાકા થાય છે, ત્યારે એ સ્ટોરરૂમની પાછળથી કોઈના રડવાનો અને દીવાલો પર નખ ઘસવાનો અવાજ આવે છે. કેટલીક વાર તો રાત્રે રોકાયેલા ચોકીદારોએ એ બળી ગયેલી બારીઓમાંથી ધુમાડો નીકળતો જોયો છે, પણ ત્યાં આગ જેવું કંઈ હોતું નથી. એ માત્ર એક ભ્રમ અને અતૃપ્ત આત્માની ચીસ છે."
​મેં મારી નજર ઑફિસની લાંબી, અંધારી લોબી તરફ ફેરવી. પ્યુન દાદાની વાર્તાએ મારા મનમાં એક વિચિત્ર બેચેની પેદા કરી દીધી હતી. એવું લાગતું હતું કે જાણે એ લોબીના છેડે આવેલો દરવાજો મને પોતાની તરફ ખેંચી રહ્યો હોય. દાદા તો પોતાની વાત પૂરી કરીને ધ્રૂજતા પગલે ત્યાંથી ચાલ્યા ગયા, પણ એ વાર્તાનો પડછાયો મારા મગજ પર હાવી થઈ ગયો.
​એ જ સાંજે, ઑફિસ છૂટવાનો સમય થયો ત્યારે બહાર અચાનક વાતાવરણ બદલાયું. બપોરનો તડકો ગાયબ થઈ ગયો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા, બિલકુલ દાદાએ વર્ણવેલા એ દસ વર્ષ પહેલાના દિવસની જેમ. બધા કર્મચારીઓ ઉતાવળે પોતાની બેગ સરખી કરીને નીકળવા લાગ્યા. હું પણ મારી ફાઈલો સમેટી રહી હતી ત્યાં જ મારી નજર ટેબલ પર પડી. મારી સૌથી મહત્ત્વની એક ફાઈલ ત્યાં નહોતી.
​મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું. મને યાદ આવ્યું કે બપોરે કામ કરતી વખતે ભૂલથી એ ફાઈલ લોબીના એ જ છેડે આવેલા જૂના ટેબલ પર રહી ગઈ હતી, જે સ્ટોરરૂમની બિલકુલ નજીક હતું. આખી ઑફિસ ખાલી થઈ ચૂકી હતી અને ચારેય તરફ એક ભેંકાર શાંતિ પથરાઈ ગઈ હતી. વિજળીના એક જોરદાર કડાકા સાથે ઑફિસની લાઈટો ગુલ થઈ ગઈ. હવે ત્યાં માત્ર બારીઓમાંથી આવતો આછો, ડરામણો પ્રકાશ જ બચ્યો હતો.
​હું પગલાં દબાવતી એ અંધારી લોબી તરફ આગળ વધી. દરેક ડગલે મારો પોતાનો જ શ્વાસ મને સંભળાઈ રહ્યો હતો. જેમ-જેમ હું સ્ટોરરૂમની નજીક પહોંચતી ગઈ, તેમ-તેમ હવામાં સડેલા લાકડા અને કંઈક બળવાની તીવ્ર ગંધ ફેલાવા લાગી. બરાબર એ જ ગંધ, જેનો ઉલ્લેખ દાદાએ કર્યો હતો. મેં ટેબલ પરથી ફાઈલ ઉઠાવી અને પાછા ફરવા ગઈ, ત્યાં જ સ્ટોરરૂમની અંદરથી કોઈના ધીમેથી બંગડીઓ રણકવાનો અવાજ આવ્યો... અને સાથે જ એક સ્ત્રીનો ઘેરો, દર્દનાક ડૂસકો હવામાં ગુંજી ઉઠ્યો.