શામજીભાઈની આ વાત સાંભળતા જ મારા મગજમાં બધી કડીઓ જોડાવા લાગી. ભૂતકાળમાં જે લોહી વહ્યું હતું, કપટી રાણીઓનો જે કફોડો અંત આવ્યો હતો અને સુહાના બેગમની જે તડપ હતી—એ બધું જ ક્યાંક ને ક્યાંક આ મહેલની જમીનમાં અને દીવાલોમાં દફન હતું. અને અત્યારે એ બધી નકારાત્મક ઉર્જા તન્વીને પોતાના સિકંજામાં લઈ રહી હતી.
મારા દિલના ધબકારા વધી ગયા હતા. મેં શંભુ કાકા સામે જોયું અને અમે એકપણ ક્ષણ બગાડ્યા વગર ઝડપભેર ઓફિસ તરફ ભાગ્યા.
અમે જેવા ઓફિસના એ અવાવરું રૂમ પાસે પહોંચ્યા, અમારા પગ ત્યાં જ થંભી ગયા. અંદરથી તન્વીનો અવાજ આવી રહ્યો હતો. એ કોઈની સાથે ખૂબ જ ગંભીર અને અજીબ, ભારે અવાજમાં વાત કરી રહી હતી, જાણે સામે કોઈ અદ્રશ્ય વ્યક્તિ ઊભી હોય! પણ રૂમમાં એના સિવાય કોઈ જ નહોતું.
મેં અને શંભુ કાકાએ જેવો રૂમનો દરવાજો સહેજ ધકેલ્યો, એ સાથે જ તન્વી એકદમ ચૂપ થઈ ગઈ. એણે ઝાટકા સાથે અમારી તરફ જોયું. એની આંખોમાં એક પળ માટે અજાણ્યો ગુસ્સો અને નફરત દેખાયા, પણ બીજી જ ક્ષણે એણે પોતાની જાતને સંભાળી લીધી. એકદમ નોર્મલ થવાનો નાટક કરતા એણે તરત જ વાત બદલી નાખી, "અરે... પ્રિયા? શંભુ કાકા? તમે લોકો અત્યારે અહીં? હું તો બસ આ જૂની ફાઈલો જોતી હતી." એના અવાજની એ કૃત્રિમતા અને ચહેરાનો ફિક્કો પડી ગયેલો રંગ મારાથી છૂપો ન રહ્યો.
ઓફિસ પૂરી થયા પછી પણ તન્વીનું વર્તન સાવ શંકાસ્પદ હતું. એ ઓફિસમાંથી નીકળી એટલે મેં શંભુ કાકાને ઈશારો કર્યો. અમે બંનેએ છૂપી રીતે એનો પીછો કરવાનું નક્કી કર્યું. તન્વી સીધી પોતાના ઘરે ગઈ અને અમે પણ એની પાછળ-પાછળ એના ઘરે પહોંચી ગયા.
અમને અચાનક આ રીતે સાંજના સમયે આવેલા જોઈને તન્વીના મમી-પપ્પા પહેલાં તો આશ્ચર્યચકિત થઈ ગયા, પણ એમના ચહેરા પર છૂપો ડર અને ચિંતા સાફ દેખાતા હતા. તન્વી રૂમમાં ફ્રેશ થવા ગઈ એટલે એના પપ્પાએ ભારે હૈયે અને ધ્રૂજતા અવાજે વાત શરૂ કરી, "પ્રિયા બેન, સારું થયું તમે આવ્યા. છેલ્લા કેટલાય દિવસથી તન્વીની હાલત બહુ અજીબ થઈ ગઈ છે. દિવસ દરમિયાન તો એ ગુમસુમ રહે જ છે, પણ રાત્રે અચાનક ઊંઘમાંથી ઝબકીને જાગી જાય છે, ભયાનક ચીસો પાડે છે અને અંધારામાં એકીટશે દીવાલો સામે જોઈને રડ્યા કરે છે. અમને બહુ ડર લાગે છે કે આને શું થઈ ગયું છે!"
પરિસ્થિતિની ગંભીરતા જોઈને મેં અને શંભુ કાકાએ એ રાતે તન્વીના ઘરે જ રોકાવાનો મક્કમ નિર્ણય કર્યો.
રાત ગાઢ થતી ગઈ. આખું ઘર નીરવ શાંતિમાં ડૂબી ગયું હતું. બહાર કૂતરાઓનો રોવાનો અવાજ વાતાવરણને વધુ ડરામણું બનાવી રહ્યો હતો. બરાબર મધ્યરાત્રિએ, એ જ ડર સાચો પડ્યો જેનો અમને અંદેશો હતો. તન્વીના રૂમમાંથી આખા ઘરને ધ્રુજાવી દે તેવી એક કંપારી છૂટી જાય એવી ચીસ સંભળાઈ! અમે બધા દોડીને એના રૂમ તરફ ગયા, પણ એ પહેલાં જ તન્વી એક અગમ્ય, અસાધારણ તાકાત સાથે ઘરનો મુખ્ય દરવાજો તોડીને અંધારામાં બહાર ભાગી. એની દોડવાની ઝડપ જોઈને એવું લાગતું હતું કે એ સીધી પેલા ગોઝારા મહેલ તરફ જ જઈ રહી છે.
"તન્વી! ઊભી રહે!" મેં પાછળથી બૂમ પાડી. હું અને શંભુ કાકા એની પાછળ અંધારામાં ભાગ્યા. તન્વીનો ભાઈ અજય પણ પરિસ્થિતિ સમજીને પળવારનોય વિલંબ કર્યા વગર અમારી સાથે જ દોડ્યો. કાળી રાત ચારે તરફ ગાઢ અંધારું, કુતરાઓનું રુદન,સનસનતો પવન અને ઝાડીઓમાંથી પસાર થતો અમારો શ્વાસ... ખુબ જ ડરર પેદા કરી રહ્યો હતો. મને ખુદ પર ગુસ્સો આવી રહ્યો હતો. કે તન્વીની આ હાલતની જવાબદાર હું પોતે જ હતી.... એ વિચારોમા હું દોડી રહી હતી પણ તન્વી... તન્વી તો જાણે હવામાં ઉડતી હોય એમ ભાગી રહી હતી........!!!!!
ભાગતાં-ભાગતાં તન્વી મહેલના કમ્પાઉન્ડમાં આવેલા પેલા જૂના, ઘટાદાર અને રહસ્યમય કામિની વૃક્ષ પાસે આવીને અચાનક ઊભી રહી ગઈ. રાતના એ વૃક્ષ પણ ગજબ ભયાનક લાગી રહ્યું હતું. એની ડાળીઓ જાણે કોઈ વ્યક્તિ ઉભું હોઈ એવું લાગતું હતું.. તન્વીની આંખો શૂન્યમાં તાકી રહી હતી અને એ જોરજોરથી હાંફતી હતી. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર, એણે પોતાના બંને હાથેથી જમીનની પથ્થર જેવી કડક માટી ખોદવાનું શરૂ કરી દીધું! એ પાગલોની જેમ હાથના નખ તૂટી જાય, લોહી નીકળવા માંડે એ હદે જમીન ખોદી રહી હતી, જાણે અંદર એને કોઈ બોલાવી રહ્યું હોય. એના મોંમાંથી સતત કોઈ અજાણી ભાષાના ડરામણા શબ્દો નીકળતા હતા. અને અચાનક... એ હાંફતી-હાંફતી ત્યાં જ જમીન પર બેભાન થઈને ઢળી પડી.
"તન્વી!" અજયે રડમસ અવાજે દોડીને એનું માથું પોતાના ખોળામાં લીધું.
મેં શંભુ કાકા સામે જોયું. હવે પાછા હટવાનો કોઈ જ રસ્તો નહોતો. અજય નજીકમાંથી એક પાવડો લઈ આવ્યો. એ કાલી રાતે, સુમસામ શ્રાપિત મહેલના આંગણામાં, એ કામિની વૃક્ષની નીચે અમે ત્રણેયે મન મક્કમ કરીને ખોદવાનું શરૂ કર્યું. પાવડાના ઘા માટીમાં પડતા રહ્યા, રાતનો સન્નાટો એ અવાજથી ગૂંજતો રહ્યો અને અમારો શ્વાસ અધ્ધર થતો ગયો.
લગભગ ત્રણ-ચાર ફૂટ જેટલું ઊંડું ખોદ્યા પછી, પાવડો કોઈ લોખંડ કે પથ્થરના ભારે સ્લેબ સાથે અથડાયો—ખણંણ્ણ!
અમે ઉતાવળે હાથથી બાકીની માટી હટાવી તો નીચે એક મોટો, વર્ષો જૂનો પથ્થરનો દરવાજો જેવો સ્લેબ દેખાયો. અજય અને શંભુ કાકાએ પોતાની પૂરી તાકાત લગાવીને એ ભારે પથ્થરને એકતરફ ખસેડ્યો. પથ્થર ખસતાની સાથે જ અંદરથી વર્ષોથી બંધ, અંધારી અને ભેજવાળી એક ભયાનક ગુફાનો રસ્તો નીચે ભોંયરા તરફ જતો દેખાયો! એ ગુફા ખુલ્લી થતાં જ અંદરથી સડેલી અને અત્યંત ઠંડી હવા અમારા ચહેરા પર ભટકાણી, જાણે એ સુહાના બેગમના શ્રાપિત ભોંયરાનું આખરી સત્ય ખોલવા માટે જ આપણને આમંત્રણ આપી રહી હતી!