વિરાજ મહેલનું રહસ્ય: પ્રકરણ - ૨
હું અને તન્વી દોડીને અમારી ઓફિસના રૂમમાં પહોંચ્યા. તન્વી તો જાણે બેભાન થઈ ગઈ હોય તેમ ખુરશી પર પછાડાઈ ગઈ. મારામાં પણ બોલવાની કોઈ શક્તિ રહી નહોતી, પણ મગજમાં વિચારો એક પછી એક આવી રહ્યા હતા.
આ બધી ગડમથલ ચાલી રહી હતી ત્યાં જ શંભુ કાકા ત્યાં આવી પહોંચ્યા. તેઓ તન્વીની આવી હાલત જોઈને બેબાકળા બની ગયા અને પૂછવા લાગ્યા, "શું થયું તન્વીબેન? શું થયું?" મેં ધ્રુજતા હાથે તન્વીને પાણીનો ગ્લાસ પકડાવ્યો.
મારી પાસે શંભુ કાકાને આ બધી વાતોમાં સાથે લીધા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. મેં શંભુ કાકાને ભોંયરામાં બનેલી બધી વાત વિગતવાર કહી. એ સાંભળીને શંભુ કાકા હેબતાઈ ગયા, કારણ કે તેમને પણ આ ભોંયરા વિશે કોઈ ખ્યાલ નહોતો.
તેમણે ગંભીર અવાજે મને કહ્યું, "બેન, તમે આ બધામાં ના પડો. આ મહેલમાં કેટલાય રાઝ દફન છે, તેને દફન જ રહેવા દો. ભૂતકાળ ખોલવાથી નુકસાન જ થશે, કોઈ ફાયદો નહીં થાય. માણસ હાથે કરીને જ દુઃખી થતો હોય છે અને તમે પણ અત્યારે એ જ કરી રહ્યા છો, પ્રિયાબેન!" શંભુ કાકાએ થોડા ઊંચા અવાજે મને ટોકી.
છતાં પણ મેં શંભુ કાકાને શાંત પાડતા કહ્યું, "હોઈ શકે કાકા, આ બધું શોધીને આપણે કોઈની આત્માને મુક્તિ અપાવી શકીએ!"
"કેવી મુક્તિ પ્રિયાબેન, કેવી મુક્તિ? આપણે તો પામર મનુષ્ય છીએ, આપણે કોઈને શું મુક્તિ આપી શકીએ?" શંભુ કાકાએ લાચારીથી કહ્યું.
ત્યાં જ રિસેસ પૂરી થઈ અને બાકીનો સ્ટાફ ઓફિસમાં આવીને પોતપોતાના કામમાં પરોવાઈ ગયો, જેથી અમારી વાત અધૂરી રહી ગઈ.
બીજી સવારે ઓફિસ ખુલતાની સાથે જ હું પહોંચી ગઈ. મેં શંભુ કાકાને મુશ્કેલી થી મનાવીને સાથે લીધા, કેમકે એમના સિવાય બીજું કોઈ ના હતું કે જેના પર ભરોસો કરી શકુ,અમેં મહેલના જૂના દસ્તાવેજો શોધવાનું શરૂ કર્યું. એ દસ્તાવેજોમાંથી ખબર પડી કે આ મહેલ જહાન અલી ખાન ત્રીજાએ ઈ.સ. 1850માં બનાવ્યો હતો, જ્યારે શહેરમાં બ્રિટિશ રાજ હતું.
જહાન અલી ખાન વિશે ગૂગલ પર સર્ચ કરતા ખબર પડી કે તેઓ શબનમ બેગમ અને અશરફ ખાનનું એકમાત્ર સંતાન હતા. જૂના દસ્તાવેજોમાંથી જે તે સમયે મહેલની કામગીરી સંભાળતા કેટલાક દરબાન અને સિપાહીઓની માહિતી તથા સરનામાં પણ મળી આવ્યા.
તે સરનામાંના આધારે મેં અને શંભુ કાકાએ તપાસ આરંભી. આ બધી દોડધામ વચ્ચે તન્વી ફક્ત અમે શું કરી રહ્યા છીએ તેના પર એક ઊડતી નજર નાખીને મોં ફેરવી લેતી હતી. જ્યારથી પેલી ભોંયરાવાળી ઘટના બની હતી, ત્યારથી તેણે અમારી સાથે બોલવાનું સાવ બંધ જ કરી દીધું હતું. ઘણી વાર તે મહેલની દીવાલો તરફ ચકોર નજરે ગુમસુમ જોઈ રહેતી, જાણે તે કોઈની રાહ જોઈ રહી હોય!
અંતે, મને અને શંભુ કાકાને એક મોટી સફળતા મળી. ખબર પડી કે આ મહેલમાં આનંદપુર ગામના શામજીભાઈના વડીલો કામ કરતા હતા. તેથી હું અને શંભુ કાકા તરત જ એ ગામડે જવા નીકળી પડ્યા.
શામજીભાઈનું ઘર ગામના છેવાડે આવેલું એક કાચું મકાન હતું. અમને અચાનક ત્યાં આવેલા જોઈને તેમને એમ થયું કે અમે કોઈ સરકારી સહાય આપવા માટે આવ્યા છીએ. સરકારી સહાયના બહાને જ મેં વાતની શરૂઆત કરી, "મેં સાંભળ્યું છે કે તમારા વડીલો વિરાજ મહેલમાં કામ કરતા હતા?"
શામજીભાઈ ગર્વથી બોલ્યા, "હા બેન, એ વાત સાચી. મારા પરદાદા ત્યાં સિપોઇ હતા. તેમણે એ ગોજારા મહેલની ઘણી સેવા કરી હતી."
મારાથી અચાનક બોલાઈ જવાયું, "ગોજારો...?"
"હા બેન, ગોજારો જ ને! ત્યાંનો રાજા બહુ રંગીન મિજાજનો હતો. ના જાણે કેટલીય સ્ત્રીઓએ ત્યાં પોતાના જીવ દીધા છે!"
મેં આ વિશે વધુ જાણવાનો પ્રયત્ન કર્યો, પણ શામજીભાઈએ આગળ કંઈપણ કહેવાની સાફ ના પાડી દીધી. તેમણે કહ્યું, "હું એ ગોજારા મહેલનો પડછાયો પણ મારી ઝૂંપડી પર પડવા દેવા નથી માંગતો બેન, મને માફ કરો."
પરંતુ મેં હિંમત ના હારી. સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને મેં તેમને થોડી લાલચ આપી, એટલે શામજીભાઈ વશ થયા અને આગળની વાત ચાલુ કરી.
"તો સાંભળો બેન... વાત ઈ.સ. 1835ની છે, જ્યારે મારા પરદાદા આ મહેલની રખેવાળીમાં જોડાયા હતા. એમના મુજબ રાજકુમાર જહાન અલી ખાન પહેલેથી જ ખૂબ જિદ્દી, આકરા સ્વભાવના રાજા હતા. તેમણે પોતાની જુવાનીના દિવસોમાં આ મહેલ ખાસ પોતાની ચહેતી રાણીઓ માટે બનાવડાવ્યો હતો. જે એક રાણીવાસ હતો..એવુ પણ સાંભળેલ કે રાજા દિલના દયાળુ હતા. તેના રંગીન શોખ જેવી અફવા તેના દુશ્મનોએ તેમને બદનામ કરવવા ઉડાવેલી, એવુ પણ ઘણા કેહતા કે તેમણે ક્યારેય કોઈ સ્ત્રીનો ગેરલાભ નહોતો ઉઠાવ્યો."
"રાજકુમાર ને કુલ ત્રણ રાણીઓ હતી. બેરજાનપુરના રાજાએ આ રિયાસતની શાન-શૌકત જોઈને પોતાની વહાલી રાજકુમારી સુહાનાના નિકાહ રાજા જહાન અલી સાથે કરાવ્યા હતા. સુહાના બેગમ જાણે રૂપનો ખજાનો હતા! તેઓ જેટલા રૂપવાન હતા, એટલા જ હોશિયાર અને ચબરાક પણ હતા. તેમને વિવિધ પુસ્તકો વાંચવાનો અને નવી નવી ભાષા શીખવાનો ઘણો શોખ હતો, એટલે રાજકુમાર ખાસ તેમના માટે વિદેશથી સારા-સારા પુસ્તકો મગાવતા. સુહાના બેગમ ધીમે ધીમે રાજાની સૌથી વધુ ચહેતી રાણી બનવા લાગ્યા."
"આ બાબત બાકીની ત્રણેય રાણીઓમાં ખૂંચવા લાગી... અને અંતે, જે ન થવાનું હતું તે જ થયું! જેનો શ્રાપ આ મહેલને લાગ્યો અને તે શ્રાપમાંથી આ મહેલ આજદિન સુધી મુક્ત નથી થઈ શક્યો..."