Viraj Palace - Chapter 3 in Gujarati Horror Stories by its MD books and stories PDF | વિરાજ પેલેસ - પ્રકરણ 3

The Author
Featured Books
Categories
Share

વિરાજ પેલેસ - પ્રકરણ 3

ગઈકાલના એ અજીબ પવનના અનુભવ પછી પણ મારું મન માનવા તૈયાર નહોતું. બીજા દિવસે સવારે હું જેવી ઓફિસ આવી, એટલે દાદાએ મને જોઈને જ કહી દીધું, "દીકરા, હવે તો તારી જીદ છોડ. આ મહેલ સાંજ પછી આપણો નથી રહેતો, તું મોડે સુધી ન બેસ." પણ ફાઈલોનો ઢગલો જોઈને મેં ફરી મારી એ જ જૂની જીદ આગળ ધરી દીધી, "દાદા, કામ પૂરું કર્યા વગર મારાથી નહીં જવાય."

​મારી આ જીદ આગળ દાદાએ આખરે નમતું જોખ્યું. એમના ચહેરા પર એક ગંભીરતા આવી ગઈ. એમણે મારી સામે જોયું અને બોલ્યા, "તું એમ નહીં માને... ચાલ, આજે તને એક સાચો કિસ્સો કહું, જે આ મહેલના એક જૂના ખંડેર ભાગમાં મારી સાથે બનેલો." અમે બંને લોબીના ખૂણા પર બેઠા અને દાદાએ એમના ભૂતકાળના પાના ખોલ્યા.
​"વર્ષો પહેલાની વાત છે દીકરા," દાદાએ ધ્રૂજતા અવાજે શરૂ કર્યું. "આ જ વિરાજ પેલેસના એક બિલકુલ અવાવરું અને જૂના ખંડેર જેવા હિસ્સામાં વર્ષો જૂનો રેકોર્ડ પડ્યો હતો. એક દિવસ સરકારી ઓડિટ માટે એક બહારની ટીમ આવેલી. એ ટીમને જૂના રેકોર્ડની તપાસણી કરવાની હતી. સાહેબે મને એ ખંડેર ભાગમાં જઈને ફાઈલો ગોતવાનું કામ સોંપ્યું. એ ભાગ એટલો અવાવરું હતો કે ત્યાં વર્ષોથી કોઈ માણસે પગ નહોતો મૂક્યો. ચારેય બાજુ ઝાડી-ઝાંખરા અને ધૂળની ડમરીઓ ઉડતી હતી."
​દાદાએ એક ઊંડો શ્વાસ લીધો, જાણે એ દ્રશ્ય એમની આંખો સામે ફરી આવી ગયું હોય. "હું હાથમાં ટોર્ચ લઈને એ અંધારા ગલિયારામાં આગળ વધ્યો. એક જગ્યાએ લોખંડનો મોટો કાટ ખાયેલો દરવાજો હતો, જે વર્ષોથી બંધ હતો. મેં ઘણી મહેનતથી એ દરવાજો ધક્કો મારીને ખોલ્યો. અંદર જતાં જ આખા રૂમમાં એક અજીબ, ભેજવાળી અને દઝાડતી ગરમીનો એહસાસ થયો, જાણે હમણાં જ ત્યાં કોઈએ મોટો અગ્નિ પેટાવ્યો હોય!"
​"હું ધૂળ ઉડાડતો ઉડાડતો કબાટ તરફ ગયો અને રેકોર્ડની ફાઈલો ગોતવા લાગ્યો. હજુ મેં બે-ત્રણ ફાઈલો હાથમાં લીધી જ હશે, ત્યાં જ અચાનક મારી ટોર્ચની લાઈટ ધ્રૂજવા માંડી. રૂમનો દરવાજો પોતાની મેળે જ ધડામ દઈને બંધ થઈ ગયો! આખા રૂમમાં ઘોર અંધારું છવાઈ ગયું. ભયના માર્યા મારા ગળામાંથી અવાજ ન નીકળ્યો. મેં ધ્રૂજતા હાથે ટોર્ચ ચાલુ-બંધ કરવાનો પ્રયત્ન કર્યો. અને જેવી ટોર્ચની લાઈટ સામેના ખૂણા પર પડી..."
​દાદાના કપાળ પર બપોરની ઠંડકમાં પણ પરસેવાના ટીપાં દેખાવા લાગ્યા. એમણે મારો હાથ પકડ્યો અને બોલ્યા, "સામેના ખૂણામાં, ધૂળની વચ્ચે... એક સ્ત્રીની આકૃતિ ઊભી હતી. પણ એ કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. એની આખી આકૃતિ સળગી રહી હતી! એના વસ્ત્રોમાંથી અગ્નિની લપેટો નીકળતી સ્પષ્ટ દેખાતી હતી. એનો અડધો ચહેરો દાઝી ગયેલો હતો અને એની લાલચોળ આંખો બિલકુલ મારી સામે તકાયેલી હતી. એ સળગતી આકૃતિમાંથી નીકળતી ગરમી હું મારી ચામડી પર અનુભવી શકતો હતો. એ ભયાનક દ્રશ્ય જોઈને મારા પગ જાણે જમીન સાથે જકડાઈ ગયા. મારું હૃદય જોરજોરથી ધબકવા લાગ્યું. એ સ્ત્રીએ એક ડગલું મારી તરફ આગળ વધાર્યું... અને એ જ સેકન્ડે મારો શ્વાસ રૂંધાવા માંડ્યો. ડરની એ ચરમસીમા પર મારું મગજ સુન્ન થઈ ગયું અને હું ત્યાં જ જમીન પર બેહોશ થઈને ઢળી પડ્યો!"
​દાદાએ વાત પૂરી કરી ત્યારે એમનો અવાજ કાંપી રહ્યો હતો. "જ્યારે મને હોશ આવ્યો, ત્યારે હું હોસ્પિટલમાં હતો. ઓફિસના સ્ટાફે મને ત્યાંથી બહાર કાઢેલો. એ પછી મને ખબર પડી કે ઇતિહાસમાં આ મહેલના એ જ રૂમમાં કેટલીક રાણીઓએ સામૂહિક રીતે પોતાના જીવ આપી દીધેલા. દીકરા, આ કોઈ અફવા નથી, આ મારો જીવતો અનુભવ છે. એટલે જ કહું છું, તારી આ જીદ છોડી દે."
​દાદાના મોઢેથી આ સળગતી સ્ત્રીની આકૃતિ અને એમના બેહોશ થવાનું વર્ણન સાંભળીને મારું આખું શરીર ધ્રૂજી ઉઠ્યું. મારી અંદરની બધી જ જીદ ક્ષણભરમાં ઓગળી ગઈ....!!!!!!!!