11 TASKS - 2 in Gujarati Science-Fiction by Niyati Kapadia Nirjhar books and stories PDF | 11 ટાસ્ક્સ - Chapter 2

Featured Books
Categories
Share

11 ટાસ્ક્સ - Chapter 2

“હેય આશુતોષ...
ગુડ મોર્નિંગ!
ખરો છે તું પણ, કંઈક જવાબ તો આપ. રાતના એટલું તો કેટલું કામ કરે છે કે પલંગ સુધી પણ લાંબો નથી થઈ શકતો?
ચાલ, હવે ઊભો થઈને ફ્રેશ થઈ જા.”
સવારે એલાર્મના અવાજે આંખ ખુલતા જ એણે માથું ઊંચું કરી અલાર્મ બંધ કર્યું. ફરી આંખો બંધ થઈ. એ થોડો સીધો થયો ને પાછળની બાજુ નમ્યો. ખુરશી પર પીંઠ અઢેલી એ પાછો ઢળી પડ્યો. લગભગ દસેક મિનિટ એમ જ પડ્યા રહ્યા બાદ એ ઊભો થયો. મોબાઈલ હાથમાં લઈ બેટરી તપાસી. હજી પચીસ ટકા બાકી બચી હતી. એણે ફોનનું નેટ ઓન કર્યું. એક સામટા ઘણા બધા મેસેજિસનું નોટિફિકેશન આવ્યું. એણે બાકીના બધા મેસેજિસને ટાળી કામને લગતા ઓફિસમાંથી આવેલા મેસેજિસ તરફ ધ્યાન આપ્યું. રોજની ઑફિસના સ્ટાફ સાથેની એકની એક લપ પતાવી એ ફોન ચાર્જિંગમાં મૂકવા જતો હતો કે એનું ધ્યાન અજાણ્યા નંબર પરથી આવેલા નવા મેસેજ પર ગયું.
એને હવે ખરેખર નવાઈ લાગી રહી હતી. કોણ હતી આ વ્યક્તિ અને એને કેવી રીતે ખબર કે પોતે રાતના કામ પતાવતા પતાવતા ટેબલ પર જ માથું ઢાળીને સૂઈ ગયો હતો?
એણે ઉતાવળે સામો મેસેજ કર્યો,
“ડુ વી નો ઇચ અધર? હુ આર યુ?”
એ ફોન ચાર્જિંગમાં મૂકીને ઊભો થયો ને બાથરૂમમાં ઘૂસ્યો. પંદરેક મિનિટમાં જરૂરી બધી ક્રિયાઓ પતાવી, નહાઈને ટુવાલ લપેટી બહાર આવ્યો. ચા પીવાના ઇરાદે કિચનમાં ગયો ત્યાં યાદ આવ્યું કે ઇન્સ્ટન્ટ ચાની છેલ્લી પડીકી બે દિવસ પહેલા જ વપરાઈ ગઇ હતી. રસોડામાં થોડા એંઠા વાસણો હજી જેમના તેમ પડ્યા હતા. એક વાર એ તરફ એની નજર ગઈ કે તરત જ એણે એને ત્યાંથી પાછી વાળી લીધી. આજે પણ ઓફિસમાં જઈને ચા મંગાવી લેવાશે એમ વિચારી એ બેડરૂમમાં આવ્યો હતો. પલંગ પર પડેલા અડધો ડઝન શર્ટ અને ચારેક પેન્ટમાંથી એણે આછા લીલા રંગનું શર્ટ અને બ્રાઉન જીન્સ ઉઠાવી પહેરી લીધું. આગલા દિવસે પહેરેલા પેન્ટમાંથી બેલ્ટ કાઢીને આજના પેન્ટ પર ચઢાવ્યો. શૂઝની બાજુમાં પડેલા ગઈ કાલના મોજા ઉઠાવી આજે પણ એના એ જ ફરી પહેરવા જતો હતો ત્યાં અચાનક એને એ નાક આગળ લઈ ગયો હતો. એણે એ મોજાને પલંગ પર છુટ્ટા ફેંકી દીધા. મોજાની નવી જોડ લેવા એણે કબાટ ખોલ્યું ત્યાં તો અંદરથી કપડાનો એક મોટો ઢગલો સીધો એની ઉપર ધસી આવ્યો. એણે માંડ માંડ એક હાથે એ કપડાંને અંદર ધકેલતા બીજા હાથે મોજા બહાર ખેંચી લીધા અને કબાટ બંધ કર્યું. ઘાસના ઢગલામાંથી સોય શોધવાનું કામ જેટલું મુશ્કેલ છે એનાથીય વધારે મુશ્કેલ કામ આશુતોષના કબાટમાંથી મોજા શોધવાનું છે, છતાં એ શોધી લેતો હતો. આ રવિવારે બધું જ વ્યવસ્થિત રીતે ગોઠવી દઈશ એમ વિચારતા એણે ડ્રેસિંગ ટેબલ આગળથી પરફ્યુમની બોટલ ઉઠાવી. બે વાર બે બગલ અને બે વાર ડાબે તથા જમણે જોઈ ગળા નીચે, એમ ટોટલ ચાર વાર પરફ્યુમનો ફુવારો ઉડાડી એ ઓફિસ જવા નીકળી ગયો.
આખો દિવસ એ કામમાં વ્યસ્ત રહ્યો. વચ્ચે વચ્ચે સમય મળે એણે વોટ્સેપ નોટિફિકેશન પર ધ્યાન આપ્યું હતું પણ પેલી અજાણી વ્યક્તિ કોણ હતી એ  સવાલનો હજી સુધી કોઈ જવાબ નહોતો આવ્યો.
એ સાંજે એને એક મિટિંગમાં જવાનું હતું. બધું કામ પતાવી ઘરે આવતા આવતા રાતના અગિયાર વાગીને ઉપર પાંચ મિનિટ થઈ ગઈ હતી. એના ઘરની નજીકની અને એને પરવડે એવી હોટલ “ધ પેરેડાઇઝ ભોજનાલય" બંધ થવાની તૈયારીમાં હતી. એ જઈને ત્યાં ઊભો રહ્યો કે ત્યાં વેઇટરનું કામ કરતા સુંદરે કહ્યું, “આ જાઓ ભૈયા, યુ તો સાડે દસ બજે કે બાદ એન્ટ્રી બંધ હૈ પર આપ કે લિયે યે નિયમ નહીં હૈ. આપ તો હમારે પૂરાને કસ્ટમર હો."
સુંદર નામના પચીસેક વરસના છોકરાએ હોટેલનું અડધું નીચે પાડી દીધેલું શટર સહેજ ઊંચું કર્યું અને આશુતોષ આભાર ભરી એક નજર એની તરફ નાંખી અંદર પ્રવેશી ગયો. સુંદરે ફરી દરવાજા આગળનું શટર નીચું કર્યું.
આશુતોષે જોયું કે ‘ધ પેરેડાઇઝ ભોજનાલય’માં હજી ચાર જણા જમી રહ્યા હતા. એણે પણ બેઠક લીધી અને રોજિંદી ગુજરાતી થાળી જમી પાછો એનો ફ્લેટ હતો એ બિલ્ડિંગમાં આવી ગયો. આજે ફરી પાછી બિલ્ડિંગની લિફ્ટ ખોટકાઈ હતી. ત્રણ વાર બટન દબાવી રાહ જોયા છતાં લિફ્ટમાં કોઈ અસર ના દેખાતા એણે મનોમન બિલ્ડિંગના સેક્રેટરી, વોચમેન અને લિફ્ટ સરખી કરવાવાળાને ગાળો આપી. પાંચ માળ ચાલીને એના ફલેટના દરવાજે પહોંચ્યો ત્યારે એ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. દરવાજા પર આખું શરીર નાંખી દઈ એણે લેચમાં ચાવી ભરાવી હતી. ચાવી ફેરવતા જ બારણું ખુલી ગયું હતું અને દરવાજા સાથે ચિપકાઈને જ એ અંદર ધસી ગયો હતો. બારણું અંદરથી બંધ કરી એ બેડરૂમમાં આવ્યો. ત્યાં પડેલા બધા જ કપડાં ઉઠાવી એણે એને પલંગ પર જ એક સાઈડમાં ભેગા કર્યા. શૂઝ અને મોજા ઉતારી સ્લીપર્સ પહેર્યા. રસોડામાં જઈ ફ્રીઝમાંથી બિયરનું એક કેન ઉઠાવી મોંઢે માંડ્યું અને પછી પલંગ પરની ખાલી જગ્યામાં પડ્યો એવો નસકોરા બોલાવતો ઊંઘી ગયો.