નિર્ઝર: ખળખળ વહેતું પ્રેરણાનું ઝરણું.
હવે તને સમજાઈ ગયું હશે કે હું કેમ આ નામે જ ઓળખાવા ઇચ્છું છું.
તારા વિશે હું બધું કેવી રીતે જાણું છું?
વેલ, આ સવાલનો જવાબ તારી સોશ્યલ મીડિયા પર મુકાયેલી હજારો પોસ્ટ્સ છે. તને કદાચ ખ્યાલ નથી પણ તું જ્યારે ઉદાસ હોય ત્યારે સોશ્યલ મીડિયા પર લખે છે. તારા એ નાનકડા લખાણમાં તારા જ વાસ્તવિક જીવનનો એક સૂક્ષ્મઅંશ હોય છે. હું એ સૂક્ષ્મઅંશને વાંચી શકું છું. એના પરથી આગળપાછળની આખી વાર્તા વિચારી શકું છું. તે તારા જીવનની આખી કહાની નાના નાના ટુકડામાં ફેસબુક પર લખી છે અને મેં એ વાંચી છે. એ વાંચતા જ મને થયું હતું કે તારે મારી મદદની જરૂર છે અને મેં તારો સંપર્ક કર્યો હતો. તું મને લાવણ્યા સમજ્યો એ તારી ભૂલ હતી. તું ભૂલ કરી રહ્યો છે એ જાણવા છતાં મેં તને તરત નહોતો રોક્યો કેમ કે હું જાણતી હતી કે જો હું સાચું કહી દેત તો તું મારી સાથે વાત કરવા તૈયાર ના થાત.
હું કોઈ રૂપાળી લલના નથી, મારી ઉંમર પણ હવે કહી ના શકાય એટલી વધી ગઈ છે, મારી આગળપાછળ કોઈ નથી, હું સાવ એકલી છું, તારા જેવા એકલવાયું જીવન જીવતા દુઃખી યુવાનોને જોઈ મને દયા આવે છે ને હું એમને મારી વાતોમાં પરોવી એમના જીવનમાં બદલાવ લાવવા પ્રયત્ન કરું છું.
મેં તને મારા વિશે બધું જ જણાવી દીધું. હવે તારે મારી સાથે વાત ના કરવી હોય તો તારી મરજી. તું ઇચ્છે તો મને ના કહી શકે છે. હું તને મેસેજ નહીં કરું.”
આશુતોષ બધું વાંચી ગયો. એ થોડો વિચારમાં પડ્યો. આગળ શું કરવું જોઈએ કે હાલ પૂરતું પણ સામે શું જવાબ આપવો એ એને સમજાઈ નહોતું રહ્યું. એણે તો શું નું શું વિચારીને આ ચેટ ચાલુ કરી હતી અને હકીકત શું નીકળી? ખેર, એ સ્ત્રી જે પણ હોય એણે કોઈ ગલત વાત નહોતી કરી, પોતાનું ભલું જ ઈચ્છ્યું હતું એમ વિચારી એ વાત કરવા તૈયાર થયો.
“તમે ખૂબ દુઃખ ભરી જિંદગી જીવ્યા છો પણ તમારી હિંમતને દાદ આપવી પડે. મને ખરેખર તમારા પ્રત્યે સહાનુભૂતિ છે.”
આશુતોષે મેસેજ મોકલ્યો ને એને એક કૉલ આવ્યો. એ એના એક જૂના સ્કૂલ ફ્રેન્ડનો કૉલ હતો.
“હેલો”
“હાય આશુતોષ. આવતા મહિને અમે લોકો એક રીયુનિયન પ્લાન કરી રહ્યા છે તું પણ આવજે. દસમા ધોરણની આપણી આખી બેચ આવે એવો અમારો ઇરાદો છે."
“આઇડિયા તો સરસ છે પણ હવે એ બધા જૂના દોસ્તોને ક્યાં શોધવા? એમાંના ઘણા ખરા ક્યાંક બીજે રહેવા જતા રહ્યા હશે.”
“એ ખરું પણ એક દોસ્ત મળી જાય એટલે પછી એની નજીકનો બીજો પણ મળી જાય, એમ કરતા કરતા અમે છવ્વીસ લોકોને તો મનાવી લીધા છે. છોકરીઓને બોલાવવાનું કામ લાવણ્યાએ એનાં માથે લીધું છે."
છેલ્લું વાક્ય સાંભળતાં જ આશુતોષને પગના અંગૂઠાથી લઈને માથાના વાળ સુધી એક ઝાટકો લાગ્યો. થોથવાતી જીભે એ બસ એટલું જ કહી શક્યો, “લાવણ્યા?”
“હા, લાવણ્યા. આપણી બેચની ટોપર! કોઈ એને કેવી રીતે ભૂલી જઈ શકે યાર? આપણી આખી સ્કૂલમાં એના જેટલી રૂપાળી છોકરી બીજી એક્કે નહીં હોય."
આશુતોષ કેવી રીતે કહે કે પોતાને એ ખૂબ સારી રીતે યાદ છે અને ગઈ કાલ રાત્રે એના જ ગુજરી ગયાની ખબર આપી એક ડોશીએ પોતાને રડાવ્યો હતો!
“આ આખો આઇડિયા જ એનો છે. બે દિવસ પહેલા મેં એની એક ફેસબુક પોસ્ટ પર કોમેન્ટ કરેલી ત્યારે એણે મારો ફોન નંબર માંગેલો અને પછી અમારી વાત થઈ હતી. આમ તો એ કેનેડામાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે પણ હાલ ઈન્ડિયા આવેલી છે. એની ઇચ્છા છે કે આપણે સૌ એકવાર મળીએ ને જુના દિવસોને યાદ કરી ધમાલ કરીએ. બોલ તું આવીશ ને? અમે ફેસબુક પર એક ગ્રુપ બનાવ્યું છે તું પણ એમાં જોડાઈ જા. કોઈ મિત્ર રહી જતો હોય ને તને યાદ આવે તો એનું નામ સજેસ્ટ કરજે."
ફોન કૉલ કટ કરી આશુતોષે ફેસબુક ઓપન કર્યું. નોટિફિકેશનમાં એને એક ગ્રુપમાં જોડાવા માટેની રિકવેસ્ટ આવેલી પડી હતી. આ રિકવેસ્ટ એ જ મિત્રએ મોકલી હતી જેનો કૉલ આવ્યો હતો. આશુતોષે રિકવેસ્ટ સ્વીકારી ગ્રુપ જોઈન કર્યું. એની આંખો ભરોસો ના કરી શકે એમ ગ્રુપ સાથે જોડાતા તરત જ લાવણ્યાનો એને “વેલકમ" કહેતો મેસેજ આવ્યો હતો. એણે ફ્રેન્ડ રિકવેસ્ટ પણ મોકલી હતી.
આશુતોષે એની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વિકારી અને એ સાથે જ લાવણ્યાએ ટૂંક સમયમાં મૂકેલી અનેક પોસ્ટ એને દેખાવા લાગી.
અહીં થયું હતું એવું કે આશુતોષ જ્યારે ફેસબુક પર આવ્યો ત્યારે એણે સ્કૂલના બે ખાસ મિત્રોને છોડીને બીજા કોઈને ફ્રેન્ડ રિકવેસ્ટ નહોતી મોકલી. પછીથી જેમણે એને સામેથી રિકવેસ્ટ મોકલી હતી એ તેણે સ્વીકારી હતી. લાવણ્યાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવાની આજતક એની હિંમત નહોતી ચાલી, લાવણ્યાએ સામેથી ફ્રેન્ડ રિકવેસ્ટ છેક આજે મોકલી હતી. આશુતોષની હાલત એવી હતી કે એને રડવું હતું, ગુસ્સો કરવો હતો ને એ સાથે જ ઊભા થઈને ગાંડાની જેમ નાચવું પણ હતું, એને આ બધી જ ક્રિયાઓ એકસાથે અને એ પણ એ જ સમયે કરવી હતી. લાવણ્યાએ આજે એને મેસેજ મોકલ્યો હતો, ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી અને સૌથી વધારે ખુશીની વાત – એ હજી જીવતી હતી! આ જ પૃથ્વી પર એનુંય અસ્તિત્વ હતું. એને હવે નિર્ઝર ઉર્ફ ચિટર ચુડેલ પર બરાબરની ખીજ ચઢી હતી.
એણે તરત વોટ્સેપ ખોલ્યું ને ચિટર ચુડેલ પર એક મેસેજ લખ્યો.
“તારું નામ પહેલા મેં લાવણ્યા લખી સેવ કર્યું હતું. પછીથી એને બદલીને ચિટર ચુડેલ કરેલું. હજી અડધો કલાક પહેલા જ તારી દુઃખભરી દાસ્તાન વાંચી હું તારું નામ નિર્ઝર રૂપે સેવ કરવાનો હતો પણ હવે મેં ઇરાદો બદલી લીધો છે. તું એક નંબરની ચીટર છે અને તારું નામ ચિટર ચુડેલ જ બેસ્ટ છે!”
થોડીક સેકન્ડ થઈ હશે ને અચાનક જ એણે ફોન હાથમાં લઈ ચિટર ચુડેલને મોકલેલો મેસેજ ચેક કર્યો. હવે જ એનું ધ્યાન ગયું કે એણે છેલ્લો મેસેજ ટાઈપ જરૂર કર્યો હતો પણ હજી મોકલ્યો ન હતો. એ મેસેજ હજી સ્ક્રીન પર ડ્રાફ્ટ રૂપે જ હતો. એણે એક લાંબો શ્વાસ લીધો ને ડ્રાફ્ટ રૂપી મેસેજ ડિલીટ કર્યો.
થોડુંક વિચારીને એણે એણે એક નવો મેસેજ ટાઈપ કર્યો,
“મારે તને મળવું છે. તારો દેખાવ, તારી ઉંમર, કશું જ મેટર નથી કરતું. આપણે દોસ્ત છીએ અને હંમેશા દોસ્ત રહીશું. આપણે મળી શકીએ?”
એણે આ નવો મેસેજ મોકલી આપ્યો. છેક મોડી રાત સુધી આશુતોષે ફોન પર નજર રાખી હતી, નિર્ઝર ઉર્ફ સંકલ્પ ઉર્ફ વિદ્યા ઉર્ફ ભાવના ઉર્ફ ચીટર ચૂડેલ તરફથી નવો એક પણ મેસેજ નહોતો આવ્યો. એણે વિચાર્યું હતું કે રૂબરૂ મળવાની વાત જાણી કદાચ હવેથી એ મેસેજ નહીં કરે પણ એમ વિચારવું એની ભૂલ હતી.