11 TASKS - 13 in Gujarati Love Stories by Niyati Kapadia Nirjhar books and stories PDF | 11 ટાસ્ક્સ - Chapter 13

Featured Books
Categories
Share

11 ટાસ્ક્સ - Chapter 13

“હેય...આશુતોષ,

ખરેખર જો આપણે મળી શકીએ તો, મને તો ખૂબ મજા આવશે. તારા જેવા નવયુવકને મળવાનું ભલા કોને ના ગમે!

એક કામ કર, તું આજનું કામ પૂરું કર ને એના ઇનામ રૂપે હું તને આજે સાંજે સાત વાગ્યે કૉફી પીવડાવીશ. તારી ઓફિસની બાજુમાં જ ‘કાફે કોફી ડે’ આવેલું છે એ તે જોયું હશે. તું ત્યાં આવી જજે.

તારું આજનું કામ: આજ સવારથી લઈને રાત સુધીમાં તારે દસ લોકોને ‘આઈ લવ યુ’ કહેવાનું છે!”


આશુતોષ ઉઠ્યો ત્યારે એનું માથું ભારે લાગતું હતું. આગલી રાતે એને સરખી ઊંઘ નહોતી આવી અને એનું એક કારણ આ અજાણી મેસેજ મોકનાર સ્ત્રી હતી. હવે એને થઈ રહ્યું હતું કે શું ખબર કે એ સ્ત્રી જ છે? બની શકે છે કે એ કોઈ સ્કેમર ટોળી હોય અને કોઈક રીતે એને ફસાવવા માંગતા હોય. કોઈક જૂનો સ્કૂલ સમયનો મિત્ર મજાક કરી રહ્યો હશે તો?
અચાનક એના મગજમાં આ વિચાર આવી ગયો હતો ને એ હતાશામાં સરી ગયેલો. હાલ જ જ્યારે એના સ્કૂલ સમયના જૂના મિત્રોએ ભેગા થવાનું નક્કી કર્યું છે ત્યારે કોઈક એવું હોય શકે છે જે તેને સારી રીતે ઓળખતું હોય. લાવણ્યાને લઈને તે સમયે એના મનમાં જે ફિલિંગ હતી એનો ફાયદો ઉઠાવી ગેટ ટુ ગેધર દરમિયાન કોઈક એની મજાક કરવા ઇચ્છતો હોય એવું બનવું સો ટકા શક્ય છે.
હવે એને પોતાની પર જ ગુસ્સો આવી રહ્યો હતો. પોતે શા માટે એક અજાણી છોકરી કે વ્યક્તિ સાથે વાત કરી? પોતે આટલો બેવકૂફ કેવી રીતે બની શકે? એણે નક્કી કર્યું કે હવે આગળ એ આ અજાણી છોકરી સાથે પોતાની કોઈ પર્સનલ વાત કે ફિલિંગ શેર નહીં જ કરે.

ઉઠતાની સાથે એણે ફોન હાથમાં લીધો હતો. ચિટર ચુડેલ તરફથી મેસેજ આવેલો જોતા એણે એ ઓપન કર્યો હતો. એનો રિપ્લાય વાંચી એને એક રીતે શાંતિ થઈ હતી. આ મેસેજ મોકલનાર કોણ છે એની આખરે આજ સાંજે જાણ થઈ જશે. એ હવે આ પ્રકરણનો અંત લાવવા ઇચ્છતો હતો.

એણે આજના કામ વિશે વિચાર્યું ને હસી પડ્યો. આજે એને લાવણ્યાના સમ નહોતા અપાયા અને એની આ કામ કરવાની જરાય ઇચ્છા પણ નહતી.
આખો દિવસ એ કામમાં ગળાડૂબ રહ્યો. વચ્ચે વચ્ચે ફેસબુક કે વોટ્સેપ કંઈ પણ જોવાનો એને સમય નહોતો મળ્યો.

સાંજના સાડા છ વાગ્યા સુધીમાં એણે પોતાનું બધું કામ પતાવી લીધું હતું. સાંજના ઠીક પોણા સાત વાગ્યે એ કેફેમાં પહોંચી ગયો હતો. એ નહોતો ઈચ્છતો કે પોતે ત્યાં લેટ પહોંચે ને ચિટર ચુડેલને આ મુલાકાત કેન્સલ કરવાનું કોઈ બહાનું મળી જાય.
કાફેમાં જઈને એણે એક કોર્નર પરનું બે વ્યક્તિઓ બેસી શકે એવું ટેબલ પસંદ કર્યું. એ ત્યાં બેસીને કાફેમાં આવનાર વ્યક્તિઓ તરફ જ તાકી રહ્યો હતો. દસ મિનિટ વીતી જવા છતાં કોઈ ઉંમરલાયક સ્ત્રી એને જોવા નહોતી મળી. એણે વિચાર્યું કે છેલ્લી ઘડીએ એ કોઈ બહાનું કરી આજની આ મુલાકાત રદ કરશે.

એણે પોતાનો ફોન ચેક કર્યો. ચિટર ચુડેલ તરફથી કોઈ નવો મેસેજ નહોતો આવ્યો. કાફેમાંથી એકવાર એને ઓર્ડર માટે પૂછાઈ ચૂક્યું હતું. હવે ફરીથી પૂછાયું તો પોતે એક અમેરિકાનો ઓર્ડર કરશે એમ એ વિચારી જ રહ્યો હતો કે એના ફોન પર એક નોટિફિકેશન આવ્યું. ચિટર ચુડેલ તરફથી મેસેજ આવેલો.

“ક્યાં છે તું? પહોંચી ગયો?”

“હા, હું કાફેમાં જ તારી રાહ જોઉં છું.”

“હું પણ છેલ્લી પંદર મિનિટથી તારી રાહ જોઉં છું, તું મને કેમ ક્યાંય દેખાયો નહીં?”

“તું ક્યાં છે?”

“હું ઉપર ફર્સ્ટ ફ્લોર પર બેઠી છું.”

“સમજી ગયો. હું નીચે બેઠો હતો. તું ત્યાં જ રહે હું હાલ આવ્યો.”

ફોન હાથમાં લઈ આશુતોષ તરત ઉપર જવા રવાના થયો. એનું મન અજીબ ગડમથલમાં હતું. કોણ હશે આ સ્ત્રી? ઉપર જો કોઈ અજાણી સ્ત્રીને બદલે એનો સ્કૂલ સમયનો જુનો મિત્ર નીકળ્યો તો પોતે જરૂર એના મોઢાં પર એક મુક્કો મારી દેશે...

એ ઉપર પહોંચ્યો. ત્યાં બે સિવાયના બધા જ ટેબલ ખાલી હતા. એક ટેબલ એવું હતું જ્યાં એક યુવાન કપલ બેઠું હતું અને બીજું એક એવું હતું જ્યાં એક સુંદર યુવાન યુવતી બેઠી હતી. આશુતોષ જોઈ રહ્યો. અહીં દેખાવે ઠીકઠાક અને ઉંમરલાયક હોય એવી કોઈ મહિલા નહોતી દેખાઈ રહી.
એણે ફરી બધે નજર કરી. અચાનક એનું ધ્યાન ગયું કે કોર્નરના ટેબલ પર બેઠેલી સુંદર યુવતી એની સામે જોઈ મલકાઈ રહી હતી. એણે ધારીને જોયું, એ પોતાને જોઈને જ હસી રહી હતી. એણે પછી હાથથી ઈશારો કરી એને પોતાના ટેબલ પર આવવા જણાવ્યું.

આશુતોષ ત્યાં પહોંચ્યો ને એ યુવતીની સામેની જગ્યા પર ગોઠવાયો. એના મનમાં અવનવા વિચારોનું પૂર આવી ગયું હતું. એ બસ એકીટશે એની સામે બેઠેલી યુવતીને જોઈ રહ્યો હતો. શું કહેવું એ એની સમજમાં જ નહોતું આવી રહ્યું.

“શું લઈશ તું? કોલ્ડ કૉફી ચાલશે કે કંઈક નવું ટ્રાય કરવું છે."

એણે એકદમ સહજતાથી વાત ચાલુ કરી. આશુતોષ તો હજી એને તાકી જ રહ્યો હતો. ગુલાબી ચહેરા પર હસતા લાલ હોઠ, મારકણી આંખો ને કમર સુધી આવતા સોનેરી ઝાંયવાળા છુટ્ટા વાળ. અવાજ તો એવો કે જાણે સાંભળ્યા જ કરીએ. મોટી ઉંમરની કોઈ ડોશીને બદલે અહીં તો એક રૂપાળી પરી બેઠી એની રાહ જોઈ રહી હતી!

“શું વિચારમાં ડૂબી ગયો?”

“એ જ કે હજી તમારા વિશે મારે કેટલું નવું જાણવાનું બાકી છે. હું અહીં જે લેડીને મળવા આવ્યો હતો એ તમે જ છો?”

“હા અને ના. હું એ લેડીના કહેવા પર અહીં આવી છું. નિર્ઝરમેમ, એમણે મને કહ્યું છે કે આજની સાંજ હું તારી સાથે ગાળું. તું આજનો ખાસ મહેમાન છે અને મારે તારું ધ્યાન રાખવાનું છે. હું એમના હાથ નીચે કામ કરું છું." એ યુવતીએ સ્વસ્થતાથી કહ્યું.
સામે બેઠેલી યુવતી નિર્ઝર નથી એ જાણી આશુતોષે નારાજ થવું જોઈતું હતું પણ એને એવી કોઈ લાગણી નહોતી થઈ, ઉલટાનું એને તો ખુશી થઈ રહી હતી. એણે સાવધ થઈ પૂછ્યું, “મને જે મેસેજ મળે છે એ નિર્ઝર મેડમ પોતે કરે છે કે એ પણ તમે જ લખો છો?"

“મેસેજ લખવાનું કામ મેડમ જ કરે છે. એમનામાં માણસોને પારખાવાની અનોખી શક્તિ છે. કોઈક સાથે થોડીક વાતચીત કરતા જ એ એને વિશે ઘણું બધું જાણી લે છે."

“મારી ઇચ્છા તો એમને જ મળવાની હતી."

“તારી લાગણી હું સમજું છું આશુતોષ પણ એમની ઇચ્છા કદાચ આપણને બંનેને મળાવવાની હતી. તારે જે કંઈ પૂછવું હોય, જે કોઈ સવાલ તારા મનમાં આવ્યા હોય, એ તું મને પૂછી શકે છે હું તને દરેકનો સાચો અને વિગતવાર જવાબ આપીશ."

આશુતોષ શું કહે, એના મનમાં જે પહેલો સવાલ આવ્યો એ હતો, “વીલ યુ મેરી મી?" જેને એણે પરાણે પાછો ઠેલ્યો ને એક જ ધડાકે કહી દીધું, “આઈ લવ યુ"

સામેથી આંખો પહોળી થઈ ને સ્મિતભર્યા ચહેરે આશુતોષ સામે જોઈ રહી.

“નિર્ઝર મેડમે આજે મને દસ લોકોને ‘આઈ લવ યુ’ કહેવાનું કહ્યું હતું. મારો ટાસ્ક પૂરો કરવામાં એક જ વ્યક્તિ ખૂટતી હતી."

“બધી જગ્યાએ જો તમે આ જ રીતે કહ્યું હોય તો હું કહીશ કે તમે આજનો ટાસ્ક વેડફી નાંખ્યો. એક વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિને જ્યારે પણ ‘આઈ લવ યુ’ કહે ત્યારે એ ફક્ત શબ્દો ના હોવા જોઈએ. શબ્દો સાથે એક હૂંફભરી લાગણી બંને તરફ અનુભવાય એ પણ જરૂરી છે.

“ઓહ્, લાગે છે કે મારાથી ટાસ્ક સમજવામાં ભૂલ થઈ." આશુતોષને આગળ શું કહેવું એ કંઈ જ સૂઝી નહોતું રહ્યું.

છોકરો ઓર્ડર લેવા માટે આવીને ઊભો હતો. યુવતીએ એક કોલ્ડ કૉફી કહી આશુતોષ સામે જોયું એણે અમેરિકાનો ઓર્ડર કરી.

“હું તમારું નામ જાણી શકું?"

“હા, બિલકુલ. મારું નામ દોદોહી છે." એ યુવતી મારકણું હસી પડી.

આ કેવું નામ છે? એ કઈ ભાષાનો શબ્દ હશે એ પણ એના મગજમાં આવ્યું પણ એ બોલ્યો નહીં. હાલ આશુતોષ દોદોહીના ગાલમાં પડતા ખંજન સામે જ જોઈ રહ્યો હતો. એના મનમાં અત્યારે બે વિચાર એક સાથે ચાલી રહ્યા હતા. એક વિચાર કહેતો હતો કે તું અહીં નિર્ઝરને મળવા આવ્યો હતો, આ યુવતિ નિર્ઝર નતજી, આ એક ટ્રેપ છે ભાગી જા અહીંથી ને એ જ વખતે બીજો વિચાર કહેતો હતો કે જો મોત પણ આવું ખુબસુરત હોય તો કબૂલ છે!
અહીં આશુતોષે એક ચાલાકી કરી હતી. એણે પોતાનો ફોન હાથમાં લઈ જાણે કોઈ અગત્યનો મેસેજ જોઈ રહ્યો હોય એમ વિડિઓ ઓન કરી સામે બેઠેલી યુવતીનો દસ સેકન્ડનો વિડિઓ લઈ લીધો હતો.

“નિર્ઝર મેડમનો કોઈ વિડિઓ કે ફોટા હું જોઈ શકું કે એમાં પણ પાબંધી છે?"

એ યુવતી ફરી હસી પડી ને કહ્યું, “સોરી, નિર્ઝરમેમનો એક પણ ફોટો કે વિડિઓ મારી પાસે નથી."

“આજના જમાનામાં કોઈ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતી વ્યક્તિનો ક્યાંય એક પણ ફોટો જોવા ન મળે એ શક્ય છે?"

“ઑફકોર્સ શક્ય છે. નિર્ઝરમેમનાં કેસમાં તો એ જ હકીકત છે."

“મને હજી કંઈ સમજાતું નથી, એમણે પોતાને વિશે જે કંઈ જણાવ્યું હતું એ બધું ખરેખર સાચું છે? એમણે પોતે અહીં આવવાને બદલે તને કેમ મોકલી?"

“વેલ, એક વાતની હું તને ખાતરી આપી શકું, નિર્ઝર મેમ ક્યારેય કોઈને જાણીને ખોટી માહિતી નહીં જ આપે. બાકી એમણે આપણે બંનેને કેમ મળાવ્યાં એ તો તું જો એમના ઇલેવન ટાસ્કસ પૂરા કરવા સહમત થઈશ તો એ સામેથી તને બધું જ જણાવશે."

“એક મિનિટ, ઇલેવન ટાસ્ક્સ મતલબ એ મને જે કામ કરવાનું કહે છે તે? રોજ એ મને જે ટાસ્ક આપે છે એ બધા તો અમારી શરૂઆતની ચેટમાં પુછાયેલ અગિયાર સવાલ છે. જો એ જ પૂરા કરવાના હોય તો હું એકસાથે બધા જ પુરા કરી લઉ. એમાં આટલી રાહ જોવાની શી જરૂર છે?"

“તને અગાઉ શું સવાલ પૂછાયા એને વિશે મને માહિતી નથી. હવે પછી તને જે ટાસ્ક્સ મળવાના છે એને વિશે હજી તારી સાથે કોઈ વાત નથી થઈ. હું નિર્ઝર મેમને કહીશ કે તું એમના ટાસ્કસ જાણવા ઈચ્છે છે. એમની મરજી હશે તો એવું પણ શક્ય થશે."

આશુતોષ એને માટે આવેલી કોફી પી રહ્યો હતો. આગળ વાત કરવાને હવે એની પાસે કંઈ જ નહતું. એને આ સુંદર યુવતી ગમી ગઈ હતી. ખૂબ ગમી ગઈ હતી. એનું ચાલત તો એ ત્યાં જ એને પ્રપોઝ કરત. આજ સુધી જેટલી પણ સ્ત્રીઓ એના જીવનમાં આવી હતી એ બધી કરતા આ યુવતી કંઈક નોખી હતી. એને જોતા જ એના મનમાં કંઈક અજીબ સંવેદન થઈ રહ્યું હતું. વાત કરતી વખતે એના ચહેરાના બદલાતા જતા હાવભાવ, એનું મરક મરક કે ખુલીને હસવું, એના વાળની સોનેરી ઝાંય, એના પ્રમાણસર લાંબા નખની આછી જાંબલી–ગુલાબી નેઇલપોલીસ, નાનકડા ચમકતા ડાયમંડ વાળી કાનની બુટ્ટી, સિલ્કનું સફેદ છેક ગળા સુધી આવતું ટોપ અને એના હાથમાં પહેરેલું એકદમ પાતળું ત્રણ ડાયમંડ વાળું બ્રેસલેટ!

આશુતોષ પહેલી નજરે જ ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. એ આ છોકરી સાથે કોઈ પણ હદે આગળ જવા તૈયાર હતો. એક જ મુલાકાતમાં તેણે એના જીવનમાં આવેલી અત્યાર સુધીની તમામ યુવતીઓ ભુલવાડી દીધી હતી. એ વિચારી રહ્યો કે કોણ હશે આ યુવતી? એ ખરેખર નિર્ઝરને ત્યાં કામ કરતી હશે કે એ પોતે જ નિર્ઝર હશે? એવું પણ તો બની શકે ને કે એ પોતે જ નિર્ઝર હોય અને દોદોહી બની પોતાની પરીક્ષા લઈ રહી હોય!

કોણ હશે આ નિર્ઝર? એ શું કામ મારામાં આટલો બધો રસ લઈ રહી છે? એને મારી પાસેથી શું જોઈતું હશે? આશુતોષના મનમાં ઘણા બધા સવાલ હતા, એ સવાલ પૂછવા એ બેતાબ પણ હતો અને સામે બેઠેલી યુવતી તરફ નજર કરતા જ એ જાણે શૂન્ય થઈ જતો હતો.

“તારે બીજું કંઈ પૂછવાનું, કહેવાનું ના હોય તો હું રજા લઉ?" એ યુવતી એની કાળી ભમ્મર ને બીજી યુવતીઓ કરતાં નૈસર્ગિક રીતે જ સહેજ વધારે લાંબી પાંપણો ઉપર ઉઠાવી પૂછી રહી હતી.
આશુતોષ બિચારો શું જવાબ આપે. કેટલાક સવાલોના જવાબ મેળવવા એ અહીં આવ્યો હતો ને બદલામાં પહેલી નજરના પ્રેમનું દર્દ રુદિયામાં ભરીને જઈ રહ્યો હતો. એનું મન કહી રહ્યું હતું કે આ જ એ યુવતી છે જે ફક્ત એને માટે બની છે. એને કહેવું હતું કે રોકાઈ જા હજી, મને તારા વિશે વધારે જણાવ, તારો ફોન નંબર આપ. હું તારા ઘરે આવીને તારા માબાપ પાસે તારો હાથ માંગીશ. હું કોઈ છેલબટાઉ છોકરો નથી. સાચે જ પહેલી નજરે મને પ્રેમ થઈ ગયો છે અને એવું લાગે છે કે જો તું મને ના મળી તો મારું જીવન વ્યર્થ જવાનું. હવે તારા સિવાય બીજી કોઈ યુવતી આ દિલને ભાવશે નહીં, ફાવશે નહીં. હું તને રાણીની જેમ રાખીશ. કોઈ વાતે દુઃખ નહી પડવા દઉં. જીવનભર તારો ગુલામ થઈને રહીશ...

“જઈએ?" એ યુવતીએ ઊભા થતા કહ્યું.
આશુતોષ માંડ મન અને શરીર બંનેને સંભાળતો ઊભો થયો. બંને સાથે સાથે જ સીડી ઊતરી નીચે આવ્યા ને એ યુવતી એક મીઠું સ્મિત આપી, બાય કહી ચાલી ગઈ. આશુતોષ એ દેખાતી બંધ થઈ ત્યાં સુધી એને જોઈ જ રહ્યો.

એ પાર્કિંગ તરફ જઈ રહ્યો હતો. બાઇક બહાર કાઢી એ સવાર થયો ને હજી સ્ટાર્ટ કરવા જ જતો હતો ત્યાં એક મેસેજ આવ્યો. એણે તરત ફોન હાથમાં લઈ નોટિફિકેશન જોયું.

“લવ યુ ટુ...”

ચીટર ચૂડેલ તરફથી આવેલો એ મેસેજ હતો. એણે ફોન ગજવામાં સેરવ્યો ને બાઇક સ્ટાર્ટ કર્યું. એની બિલ્ડિંગમાં દાખલ થતા પહેલા એણે ગેટ પાસે ઉભેલા સિક્યોરિટી ગાર્ડને મોટેથી કહ્યું, “આઈ લવ યુ ભાઈ, આખો દિવસ અહીં ઉભો તું અમારી રક્ષા કરે છે એ બદલ તું અમારા પ્રેમનો અધિકારી છે."
સિક્યુરિટી ગાર્ડ શરમાઈને હસ્યો ને સામે, “લવ યુ ટુ ભૈયા” કહ્યું.

આગળ જતા પછી આશુતોષે બિલ્ડીંગના માળીને, એના ફ્લેટની નીચે આવેલી દુકાનના દુકાનદાર અને એને ત્યાં કામ કરતા છોકરાને, ધ પેરેડાઇઝ ભોજનાલયવાળા સુંદર અને રોજ એની સાથેના જ સમયે જમવા આવતા એક બિહારી ભાઈને “આઈ લવ યુ” કહ્યું હતું. ઘરે આવીને એણે ફેસબુક ગ્રુપમાં જેટલા પણ મિત્રો મળ્યા હતા એ બધાને ‘લવ યુ યાર’ કહેતો મેસેજ કર્યો હતો.

એ રાત્રે પછી એની ઊંઘ ઊડી ગઈ હતી. એના આખા શરીરમાં પુષ્કળ તાજગી અનુભવાઈ રહી હતી. એને લાગતું હતું જાણે આજનો આખો દિવસ એણે ઓફિસમાં કામ નહોતું કર્યું પણ ઊંઘ્યા જ કરેલું ને હવે એ એકદમ ફ્રેશ હતો...