11 TASKS - 20 in Gujarati Drama by Niyati Kapadia Nirjhar books and stories PDF | 11 ટાસ્ક્સ - Chapter 20

Featured Books
Categories
Share

11 ટાસ્ક્સ - Chapter 20

“હેય આશુતોષ...
ગુડ મોર્નિંગ!
તારા માટે મેં એક હાઉસ મેઇડ તથા એક કૂક પસંદ કરી લીધી છે. એ સવારે સાડા આઠ વાગ્યે તારે ત્યાં પહોંચી જશે.
હું કોઈ પુરુષને પણ સેમ કામ માટે મોકલી શકું છું. તું પહેલા આ બે લેડીને ટ્રાય કરી જો. એમનું કામ ન ગમે તો પછી બીજા વિકલ્પ પર જઈશું.”
આશુતોષ આજ ફરી મોડો ઉઠ્યો હતો. એ ઉઠ્યો એવો જ ફોન ચાર્જિંગમાં મૂકી બાથરૂમમાં ઘૂસ્યો હતો. આજ એણે મેસેજ જોવાનું ટાળ્યું હતું. ગઈ રાત્રે એના સ્કૂલ ફ્રેન્ડનું જે ગેટ ટુ ગેધર થવાનું હતું એને લગતા ઘણા બધા મેસેજિસ આવી રહ્યા હતા એટલે કંટાળીને એ પછી નેટ બંધ કરીને સૂઈ ગયો હતો.
એ કમરે ટુવાલ લપેટી બાથરૂમની બહાર આવ્યો ને કિચનમાં ઘૂસ્યો. એ હજી તો ચા બનાવવા નવો, પહેલેથી એંઠો પડેલો ના હોય એવો, કપ શોધી રહ્યો હતો ત્યાં કોઈકે એની ડોરબેલ દબાવી હતી. એને એમ કે ઉપરવાળા અંકલ આવ્યા હશે. એ ઘણીવાર લિફ્ટમાં જતા એમના ફ્લોર ને બદલે એક ફ્લોર નીચે ઊતરી જતા અને પછી આવીને આશુતોષની ડોરબેલ વગાડતા. એ એમને કહી દેતો કે અંકલ તમે ફરી તમારું ઘર ભૂલી ગયા! તમારો ફ્લેટ હજી એક માળ ઉપર છે અને અંકલ, “સોરી, મારાથી ભૂલ થઈ ગઈ.” આટલું કહીને નીકળી જતા.
એણે આવીને દરવાજો ખોલ્યો એવો જ સામે બે સુંદર છોકરીને જોઈ એ શરમાઈ ગયો. એ તો સારું હતું કે એને ટુવાલ વીંટાળેલી અર્ધનગ્ન હાલતમાં જોઈ એ બંનેમાંથી કોઈ હસી નહોતી, બંનેએ જાણે આ પરિસ્થિતિ એકદમ સામાન્ય હોય એમ ચૂપચાપ ઊભી રહી હતી.
“એક મિનિટ હું આવ્યો," આટલું બોલીને આશુતોષ ફ્લેટની અંદર ભાગ્યો, “તમે અંદર આવો." એણે બેડરૂમમાં જતા કહ્યું. બેડરૂમમાં જઈ એણે કબાટ ખોલ્યો અને જે હાથ લાગ્યું એ ટીશર્ટ અને જીન્સ ઉઠાવી પહેરી લીધું. કબાટ ખોલતાની સાથે જ અમુક કપડાં એની પર દુશ્મનની તોપમાંથી છૂટેલા ગોળાની જેમ આવીને પડ્યા હતા એ બધાને એણે કુશળતાથી એક હાથે ભેગા કરી પાછા કબાટમાં ઠુંસી દીધા અને એ બેડરૂમની બહાર ગયો.
દરવાજાની બહાર ઊભેલી બંને સ્ત્રીઓ હવે દરવાજાની અંદર આવી ઊભી હતી. આશુતોષને જોતા જ બંનેએ સહેજ સ્મિત કરી કહ્યું, “ગુડ મોર્નિંગ સર, અમને નિર્ઝર મેડમે મોકલ્યા છે."
“હા, મારી એમની સાથે વાત થઈ હતી."
“મારું નામ સુખી છે, હું રસોઈ બનાવીશ." મધ્યમ ઊંચાઈની, મધ્યમ બાંધાવાળી સ્ત્રીએ કહ્યું.
“મારું નામ રુચિ છે હું સફાઈ કરીશ. તમે જોજો ઘડીકમાં જ તમારો આખો ફ્લેટ ચકાચક કરી દઈશ." દેખાવે થોડીક ચબરાક લાગતી સ્ત્રીએ કહ્યું.
“સરસ. તમે લોકો તમારું કામ ચાલું કરી શકો છો પણ એ પહેલા મારે રસોઈ માટેની જરૂરી સામગ્રી ખરીદવી પડશે. રસોડામાં કંઈ સમાન નથી પડ્યો. તમે લીસ્ટ બનાવી આપો તો હું એ પ્રમાણેની વસ્તુઓ આપી જવાનું નીચેની દુકાનમાં કહી દઉં."
સુખીએ કહ્યું, “તમે એ બધાની ચિંતા ન કરો. જે કંઈ મારે જોઈતું હશે એ હું ઓનલાઇન ઓર્ડર કરીને મંગાવી લઈશ. જે બિલ થાય એ તમે ઑનલાઇન પે કરી દેજો, હું તમને બિલનો સ્ક્રીન શોટ મોકલી આપીશ."
આશુતોષ બંને સ્ત્રીઓ સામે જોઈ રહ્યો. એમની ઉંમર વિશે અંદાજો લગાવવો મુશ્કેલ હતો. વીસેક વરસની છોકરીઓ જેવી દેખાતી એ બંને બહેનો પહેલી નજરે કોઈ સારા ઘરમાંથી આવતી હોય તેવી લાગતી હતી. એમના કપડાં, દેખાવ બધું એકદમ વ્યવસ્થિત હતું. બંને પછી ભણેલી ગણેલી લાગતી હતી. આજની ટેક્નોલોજી વાપરી જાણતી હતી એ જોઈ એને ખુશી થઈ હતી. પણ, એક વાત એને થોડીક વિચિત્ર લાગી, એ બંનેના ચહેરા એકદમ સાફ હતા, મતલબ કે એની પર એક નાનો સરખો ડાઘો કે નિશાન ન હતું. એમના ગાલ પર સમ ખાવા પૂરતી એક નાની ફોડકી કે તલ પણ નહોતો. એમના વાળ પણ સુંદર હતા. એને થતું હતું કે આટલી સુંદર અને ભણેલી ગણેલી સ્ત્રીઓએ ઘરકામ કરવા શા માટે જવું પડે? એમને તો ગમ્મે ત્યાં જગ્યાએ 9–5 ની જોબ આરામથી મળી શકે...કંઈ નહીં તો એમણે ટીચર તરીકે કે પછી કોઈ ટીવી સિરિયલમાં કામ કરવું જોઈએ. અચાનક આશુતોષને દોદોહી યાદ આવી ગઈ. એ પણ તો આવી જ હતી!
તરત જ આશુતોષે એ સરખામણી બંધ કરી. એની દોદોહી તો એક પરી હતી. એની ગુલાબી ચામડી અને સપ્રમાણ શરીર, એ તો કોઈ કોરિયન મોડલને પણ શરમાવે એટલી સુંદર હતી ત્યાં ક્યાં એ તેને કામવાળી સાથે સરખાવે છે!
એ ઑફિસ જવા નીકળ્યો ત્યારે એનો ફ્લેટ ખુલ્લો હતો. એની પાસે એક ડુપ્લીકેટ ચાવી હતી પણ આ અજાણી સ્ત્રીઓને ઘર સોંપીને જતા એનું મન નહોતું માનતું. પાછું એણે વિચાર્યું કે ઘરમાં ચોરી કરવા જેવું છે શું? રોકડ રૂપિયા કે દાગીના નહોતા પડ્યા, બીજો કોઈ કિંમતી કહી શકાય એવા સામાનમાં એનું લેપટોપ આવી શકે બાકી તો પછી થોડાક વાસણ ને કપડા...એ આગળ વિચારવાનું પડતું મૂકી ઑફિસ જવા નીકળી ગયો.
ઑફિસ પહોંચી એ એની કેબિનમાં જઈને બેઠો હતો. આગલા દિવસે એક ચોકલેટની જાહેરાત માટેની જે વાર્તા એની ટીમે પસંદ કરી હતી એની ફાઇલ એણે સાગર પાસે મંગાવી હતી. ફાઇલ આવે એ પહેલા એણે એના ફોન ચેક કર્યો. આજ સવારે આવેલો નિર્ઝરનો મેસેજ એણે હજી સુધી નહોતો જોયો. એણે એ મેસેજ વાંચ્યો સામે જવાબ આપતા લખ્યું,
“બંને લેડીઝ કામ કરવા આવી ગઈ છે. થેન્ક યુ.”
તરત જ સામેથી જવાબ આવ્યો,
“તારા 11 ટાસ્ક્સ તને યાદ છે ને? બે મહિના સુધી તારે ફરજિયાતપણે એનું પાલન કરવાનું છે.”
આશુતોષને યાદ આવ્યું કે આજે એને એ વિશે વિચારવાનો સમય જ નહોતો મળ્યો. એણે ટાઈપ કર્યું,
“હા, મને બધું સારી રીતે યાદ છે. તે કૂક મોકલી આપી એ હેલ્ધી ખાવાનું બનાવશે એટલે એક ટાસ્ક ત્યાં પૂરો. તારી મોકલેલી બીજી મેઇડ, રુચિ, ઘર સાફ કરી બધી વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવી નાંખશે એટલે એ ટાસ્ક પણ પૂરો. બાકી બધું પણ હું કરી લઈશ.”
“અચ્છા તે જે શૂઝ ઓનલાઇન ઓર્ડર કર્યા છે એ કદાચ સવારે ચાલવા જવા માટે તારે ખરીદવા છે, પણ એ એટલા આરામદાયક નથી. એનાથી સહેજ જ વધારે કિંમતમાં ખૂબ આરામદાયક શૂઝ અને એ પણ આજે જ આવી જાય એમ હું ઓર્ડર કરી આપું?”
“તને કેવી રીતે ખબર કે મેં શૂઝ ઓર્ડર કર્યા છે?”
“મને તો એ પણ ખબર છે કે તે એની સાથે કેટલાક કપડાં પણ ઓર્ડર કર્યા છે. એ બધા એની કિંમતના પ્રમાણમાં ક્વોલિટી નહીં આપે. તું કહે તો એ ઓર્ડર કેન્સલ કરી હું વધારે સારી વસ્તુ તને મોકલી શકું.”
“સર, આ નવી જાહેરાત માટેની વાર્તા." સાગરે આવીને એના ટેબલ પર ફાઇલ મૂકી હતી.
આશુતોષે હવે ફોન બાજુએ મૂકી ફાઇલમાં નજર કરી. એમાં જે વાર્તા આપેલી હતી એની પર એક નજર ફેરવી કહ્યું, “તમે લોકો સમજતા કેમ નથી. આપણે ચોકલેટને નાના બાળકોની દુનિયામાંથી બહાર લાવવાની છે. આપણે મોટાઓને પણ ચોકલેટ  ખાતા કરે એવી કોઈ એડ બનાવવાની છે. યુવાન છોકરાછોકરી, વડીલ માણસો વગેરેને અપીલ કરે એવી કોઈ વાર્તા વિચારો."
એણે ફરી ફોન હાથમાં લીધો. નિર્ઝરે એક લિંક મોકલી હતી. એણે એ લિંક ઓપન કરી. એમાં એક જાહેરાત હતી–
એક સ્ટોરમાં એક નાની બાળકી એની મમ્મી સાથે પ્રવેશે છે. મમ્મી બીજી વસ્તુઓ જોતી ફોન પર કહી રહી હોય છે કે ‘કોઈની પાસે એને માટે ટાઇમ જ નથી.’ નાની બાળકી એની મમ્મીનો આંગળી છોડી કાઉન્ટર પર ઊભેલા માણસ પાસે આવે છે ને કહે છે કે, ’એક ચોકલેટ આપો.’
એ બાળકી પછી એનું નાનકડું પર્સ ખોલી એમાંથી નાના નાના પ્લાસ્ટિકના રમકડા જે મોટે ભાગે અમુક બાળકોની વસ્તું સાથે ફ્રી આવતા હોય એ કાઢીને મૂકે છે. એક નાનકડું પ્લાસ્ટિકનું ફૂલ, એક ઇંચનો યુનિકોર્ન, પ્લાસ્ટિકની રિંગ, એ એના હાથે બાંધેલો ફ્રેન્ડશિપ બેલ્ટ પણ કાઢીને કાઉન્ટર પર મુકી દે છે. હવે એની પાસે કંઈ જ નથી બચ્યું. એ કાઉન્ટર ની બીજી તરફ ઉભેલા માણસ સામે જુએ છે. એ માણસ એક મોટી ચોકલેટ કાઢીને બાળકીને આપે છે અને એ બધાં પ્લાસ્ટિકના રમકડા લઈ લે છે.
છોકરી દોડતી એની મમ્મી પાસે જાય છે, એને ચોકલેટ આપે છે ને કહે છે, “હેપ્પી બર્થ ડે મમ્મી!"
એની મમ્મી અચરજથી છોકરી અને ચોકલેટ સામે જોઈ રહે છે. પાછળ બેકગ્રાઉન્ડમાં અવાજ સંભળાય છે, “કુછ અચ્છા હો જાયે."
આશુતોષ આ જાહેરાત જોઈ હસી પડ્યો. એણે તરત નિર્ઝરને સામે મેસેજ કર્યો.
“આ તો ડેરીમિલ્ક ચોકલેટની જૂની જાહેરાતની બેઠી કોપી છે. એમની ટેગ લાઇન, ‘કુછ મીઠા હો જાયે ને બદલી, કુછ અચ્છા હો જાયે’ લખી દેવાથી નવી જાહેરાત બનાવી એમ ન કહેવાય.”
તરત સામેથી જવાબ આવ્યો.
“તું ઇચ્છે તો હું આ ટેગ લાઇન સુધારી શકું. એને હજી થોડીક વધારે કાવ્યાત્મક કે લાગણીસભર બનાવી શકું. તું ઇચ્છે તો હું વાર્તામાં પણ થોડો બદલાવ લાવી એક નવો પ્લોટ રેડી કરી આપું?”
“નહીં. મને નવા ને ફ્રેશ આઇડિયા ગમે છે. એકવાર જે વિષય પર જાહેરાત બની ગઈ હોય એને જ ફરી દેખાડવામાં હું નથી માનતો.”
“ઓકે તો હું તને પહેલા ક્યારેય ન વપરાયા હોય એવા કોઈ નવા આઇડિયા આપું?”
“હમ્મ, આપ.”
“1. એક છોકરો ફૂટબોલને લાત મારી છેલ્લો, વિજયી ગોલ કરે છે. ઓડિયન્સમાં બેઠેલ દરેક વ્યક્તિ ઉભી થઈ તાળીઓના ગડગડાટથી એને વધાવી લે છે. આ જ વખતે એ છોકરાની મમ્મી બે હોઠ વચ્ચે રાખેલી વ્હીસલ વગાડતી ઊભી થાય છે. એ દોડીને મેદાનમાં પોતાના દીકરા પાસે જાય છે. એના પર્સમાંથી એક ચોકલેટ કાઢે છે ને એના દીકરાને ખવડાવતા કહે છે, “મીઠે લોગ. મીઠી પસંદ."
2. એક છોકરો વરસાદમાં પલળતો ચાલી રહ્યો છે. એના હાથમાં એક ચોકલેટ છે એ પલળી ન જાય એટલે એ બીજા હાથથી એને ઢાંકી રહ્યો છે. ત્યારે જ એક છોકરી પાસે આવી એની તરફ પોતાની છત્રી નમાવે છે. છોકરો છોકરીને જોઈ સ્માઈલ આપે છે ને એના હાથમાંની ચોકલેટ ખોલી છોકરી સામે ધરે છે. બંને એમાંથી બટકું બટકું ખાય છે. બેકગ્રાઉન્ડમાં અવાજ સંભળાય છે “મીઠી યાદે, દિલ સે દિલ તક."
તું ઇચ્છે તો આ જાહેરાતમાં હું વૃધ્ધ માણસોને પણ જોડી શકું. તું ઇચ્છે તો અહીં એક આખો પરિવાર પણ જોડી શકાય. તું ઇચ્છે તો બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં હજી વધારે લાગણીસભર શબ્દોવાળું ગીત મૂકી શકું.”
આશુતોષે મેસેજ વાંચ્યો અને જવાબ આપતા લખ્યું,
“થૅન્ક યુ નિર્ઝર પણ મને આમાંથી એકેય આઇડિયા પસંદ નથી આવી રહ્યો. આ બધું એવું લાગે છે કે હું પહેલા ક્યાંક કોઈ જાહેરાતમાં જોઈ ચૂક્યો છું.”
“ઓકે, જો તું મને જણાવે કે તારે કેવા પ્રકારની જાહેરાત બનાવવાની ઈચ્છા છે તો હું તને એ રીતે નવા આઇડિયા આપી શકું.”
“નહીં. આ કામ હું મારી ટીમ સાથે મળીને કરી લઈશ. નવી જાહેરાત બનાવવાનો તો મને પગાર મળે છે એ મને મારી રીતે જ વિચારવા દે.”
“સરસ નિર્ણય. આ નિર્ણય જ બતાવે છે કે તું તારા કામ પ્રત્યે કેટલો જવાબદારીથી વર્તે છે.  તારી જો ઇચ્છા હોય તો ગમ્મે ત્યારે હું તને નવા આઇડિયાઝ આપી શકીશ.”
“થેન્ક્સ અગેન, પણ હમણાં હું મારી જાતે વિચારીને કામ કરવા ઇચ્છું છું.”
“ઠીક છે તને તારા નવા આઇડિયા માટે શુભેચ્છા. હું તારા માટે વધારે સારા જૂતા અને કપડાં ઓર્ડર કરી દઉં છું જે સાંજ સુધીમાં તારા ઘરે પહોંચી જશે.”
રાહુલ અને સાગર બંને કોઈ નવા આઇડિયા સાથે એની કેબિનમાં આવ્યા હતા. એમને જોઈ આશુતોષે વધારે વિચાર્યા વગર નિર્ઝરના મેસેજના જવાબમાં અંગૂઠાનું ઇમોજી મોકલ્યું ને ફોન બાજુએ મૂક્યો.
રાહુલ અને સાગર જે નવો આઇડિયા લઈને આવ્યા હતા એ હમણાં નિર્ઝરે બતાવેલા જાહેરાતના આઇડિયા કરતા સહેજ જ અલગ પડતા હતા. આશુતોષે નવાઈ પામીને પૂછ્યું કે તમે આ આઇડિયા ક્યાંથી મેળવ્યો?
એમણે એકબીજા સામે જોઈ થોડુંક અચકાઈને કહ્યું, “સર, અમે AI ની હેલ્પ લીધી. એ સેકન્ડ્સમાં નવા નવા આઇડિયા આપે છે. નવી જાહેરાતનો વિડિઓ પણ બનાવી આપે છે. આપણે એમાંથી કોઈક નવો આઇડિયા લઈ આપણી જાહેરાત બનાવી શકીએ."
“જો આપણે જ AI ની મદદ લઈ જાહેરાત માટેના આઇડિયા વિચારીશું તો એ વિચાર આપણી પાસે જાહેરાત બનાવવા આવનાર કંપનીને નહીં આવે? એ લોકો આપણી પાસે આવે એના કરતા AI પાસેથી સસ્તામાં આખો વિડિઓ જ ડાઉનલોડ નહી કરાવી લે. આર યુ ગોઇંગ મેડ, તમે તમારા પોતાના જ પેટ પર લાત મારવાની વાતો કરો છો?" આશુતોષ અચાનક જ ઉત્તેજિત થઈ મોટા અવાજે કહી રહ્યો.
રાહુલ અને સાગર બંને, “સોરી સર“ કહીને ત્યાં જ બેઠા કંઈક નવું વિચારવા પ્રયત્ન કરી રહ્યા.
આશુતોષના મોબાઈલમાં એક નવો મેસેજ આવ્યો હતો.
સુખીનો મેસેજ હતો. એણે જે ઘરે રસોઈ કરવા માટે જે સામગ્રી મંગાવી હતી એના બિલનો સ્ક્રીન શોટ અને પેમેન્ટ કરવા માટે એક ક્યુઆર કોડ મોકલ્યો હતો. આશુતોષે રકમ જોઈને ક્યુઆર કોડ સ્કેન કરી પેમેન્ટ કર્યું. એણે નોંધ્યું કે એના રૂપિયા કોઈ વિચિત્ર નામ વાળી કંપનીના એકાઉન્ટમાં ગયા હતા. આ એક એવું નામ હતું જેને આપણે બોલી ના શકીએ. એમાં સ્વર ને વ્યંજન વચ્ચે જાણે કોઈ સંબંધ ન હતો, એમાંથી કોઈ શબ્દ બનતો જ નહોતો.
આશુતોષ વિચારી રહ્યો કે ટેક્નોલોજી ઝડપથી વિકસી રહી છે એ એકબાજુ સારું છે તો બીજી બાજુ એના ગેરલાભ પણ છે. એને થયું કે શું નિર્ઝર પણ કોઈ AI ચેટ બોટ સાથે વાત કરી પોતાને જવાબ આપતી હશે?
બપોરે લંચ બ્રેકના સમયે આશુતોષ માટે ઘરેથી ટિફિન આવી ગયું હતું. એણે જોયું કે એ ટિફિન નવું જ ખરીદેલું હતું. એમાં પેક કરેલું ભોજન લાંબો સમય ગરમ રહે એવી રીતે એ બનાવેલું હતું. સાથે ચમચી, સલાડ, ચટણી વગેરે મૂકવા માટે અલગ વ્યવસ્થા હતી. એણે એ ટિફિનની કંપનીનું નામ જોયું, ફરી એક એવું જ નામ જેને બોલવું મુશ્કેલ પડે, ‘DGVEBDHLOPNB’
એણે ટિફિનની વાનગીઓ જોઈ. પાલક, વટાણા અને બ્રોકલીનું શાક, મિક્સ દાળ, જીરા રાઈસ, ઘી વગરની એકદમ પાતળી ને નરમ રોટલી, સલાડ જેની પર ચીઝવાળો વ્હાઈટ શૉસ લગાડેલ હતો, આલ્કલાઇન વોટરની બોટલ પણ સાથે હતી.
દરેક વાનગી એકદમ ઓછા તેલ મસાલા વાપરીને બનાવેલી હતી. સ્વાદના શોખીન આશુતોષને ખાવાનું મોળું લાગ્યું પણ એ ચાલે એવું હતું. એણે વિચાર્યું કે નિર્ઝરે જ એની કૂક સુખીને આ બધું કરવા કહ્યું હશે. એણે નિર્ઝરને આભાર સૂચવતો મેસેજ મોકલવાનું વિચાર્યું પછી એ સામા બીજા મેસેજ કરી કરી એનો સમય બગાડશે એમ વિચારી રહેવા દીધું.
એને દોદોહી ને એકાદ મેસેજ મોકલવાની અદમ્ય ઇચ્છા થઈ રહી હતી. એણે એને કહેવું હતું કે હું તને મેળવવા માટે કંઈ પણ કરી શકું છું. એને થયું કે નિર્ઝરને કહી એ દોદોહી સાથે એક મુલાકાત ગોઠવી લે પણ પછી એણે વિચાર્યું કે પહેલા થોડા દિવસ એને સોંપાયેલા ટાસ્ક પર કામ કરી થોડોક વધારે ફિટ, વધારે આકર્ષક બની જાઉં પછી એને મળું. આખરે આટલી સુંદર છોકરી આશુતોષને પસંદ કરે એ માટે એણે પોતે પણ મહેનત કરવી પડશે એ વાત એને સારી રીતે સમજાઈ ગઈ હતી.
એ સાંજે સાડા સાત વાગ્યે ઘરે પહોંચ્યો ત્યારે એના ફ્લેટનો દરવાજો આડો કરેલો હતો. એ જેવો અંદર પહોંચ્યો એણે જોયું કે રુચિ એની રાહ જોતી બેઠી હતી.
“ગુડ ઇવનિંગ સર, આ આપના ફ્લેટની સ્પેર કી. મેં આની ડુપ્લીકેટ બનાવી લીધી છે જેમાંની એક સુખી પાસે અને એક મારી પાસે રહેશે. હવેથી અમારા લીધે આપનો સમય નહીં બગડે."
“સરસ." આશુતોષે ચાવી લેતા કહ્યું.
“હું તમારા માટે ચા કે કૉફી બનાવી લાવું?"
“નહીં, હાલ જરૂર નથી. રાતનું જમવાનું તૈયાર છે?"
“હા, સુખી હાલ જ એ રેડી કરીને નીકળી. આપ હાલ જમવાના હો તો હું એને ટેબલ પર મૂકી દઉં."
“નહીં, હાલ જમવાની મારી કોઈ ઇચ્છા નથી. તું પણ હવે જઈ શકે છે." આશુતોષને વરસોથી એકલા રહેવાની આદત પડી ગઈ હતી. હાલ આ અજાણી ને રૂપાળી યુવતીને પોતાના ફ્લેટમાં જોઈ એને કંઈ અજીબ લાગણી થઈ રહી હતી.
“ઠીક છે હું જાઉં છું. કંઈ જરૂર પડે તો મને કૉલ કરી દેજો હું આવી જઈશ. સવારે જે નંબર પરથી સુખીએ આપને મેસેજ મોકલ્યો હતો એ જ નંબર પર કૉલ કે મેસેજ કરજો. હું ને સુખી બંને સાથે જ રહીએ છીએ. અમારામાંથી કોઈનું પણ કામ હોય તમારે એ નંબર પર જ સંપર્ક કરવો."
“ઓકે. થૅન્ક યુ.“