11 TASKS - 22 in Gujarati Science-Fiction by Niyati Kapadia Nirjhar books and stories PDF | 11 ટાસ્ક્સ - Chapter 22

Featured Books
Categories
Share

11 ટાસ્ક્સ - Chapter 22

“હેય આશુતોષ...
આજ સાંજે તું લાવણ્યા ને મળવા જવાનો છે? એક બાજુ તું દોદોહી સાથે લગ્નની વાત ચલાવી રહ્યો છે ત્યારે બીજી બાજુ લાવણ્યા સાથે મિટિંગ કેમ કરી રહ્યો છે? તને હજી એના પ્રત્યે લાગણી જેવું લાગે છે?”
સવારે આશુતોષ એના રોજિંદા સમય કરતા વહેલો ઉઠ્યો હતો. એલાર્મ વાગતાની સાથે જ એણે એ બંધ કર્યું હતું ને એક ઝટકા સાથે પથારીમાંથી તરત ઊભો થઈ ગયો હતો. એને યાદ હતું કે આજથી જ એણે રોજ સવારે નિયમિત ચાલવા જવાનું છે.  એણે ઝડપથી બ્રશ કર્યું હતું ને કપડા બદલી એની બિલ્ડિંગની બાજુમાં જ આવેલા ગાર્ડનમાં ચાલવા ગયો હતો.
એને હતું કે અહીં બીજા ઘણા બધા લોકો ચાલવા આવ્યા હશે પણ આટલી બધી સ્ત્રીઓની હાજરી એને માટે નવાઈની વાત હતી. કેટલીક તો ખરેખર સુંદર કહી શકાય એવી યુવતીઓ વિવિધ કસરત કરતી દેખાઈ રહી હતી. આશુતોષને થયું કે એ જો આ બધી યુવતીઓને જોવા રહેશે તો એનું ચાલવાનું ભૂલાઈ જશે. દસેક મિનિટ ઊંધું ઘાલીને ચાલ્યા બાદ એને આસપાસ ચાલી રહેલા બીજા પુરુષોના હાથમાંનો મોબાઈલ દેખાયો હતો ને એને યાદ આવ્યું હતું કે આ અદ્દભુત યંત્ર તો એની પાસે પણ છે. એણે પણ પછી ફોન હાથમાં લઈ ચાલવાનું ચાલું કર્યું હતું. એ સફળ રહ્યો, દુનિયાની સુંદરતા તરફથી નજર વાળી લેવાનો એ એક અસરકારક ઇલાજ સાબિત થયો હતો.
એણે  વોટ્સેપ ઓપન કર્યું હતું. નવા આવેલા કેટલાક ‘ગુડ મોર્નિંગ” ના મેસેજિસ જોતા એની નજર રાતના લેટ આવેલા નિર્ઝરના મેસેજ પર પડી હતી. પહેલા તો એનો મેસેજ વાંચી એ ચમક્યો હતો પછી એને વિચાર આવ્યો કે નિર્ઝરને કેવી રીતે ખબર પડી કે પોતે આજે સાંજે બહાર જવાનો છે? એણે દિમાગ પર જોર આપી યાદ કરી જોયું. એને પાક્કી ખાતરી હતી કે એણે આ વાત નિર્ઝરને નથી જ કહી. પોણો કલાક ચાલ્યા બાદ એ ઘરે પાછો આવવા નીકળ્યો હતો.
ઘરે આવતા જ એણે નિર્ઝરને મેસેજ કરી પૂછ્યું હતું,
“હું આજે સાંજે બહાર જવાનો છું એની તને કેવી રીતે ખબર પડી? આ વાત તો મેં કોઈને નથી કહી.”
તરત જ સામેથી જવાબ આવ્યો.
“તે ગઈ કાલે રાત્રે તારા ફોનમાંથી મેસેજ કર્યો હતો ને કે, ‘હું આવતી કાલે સાંજે આવી’ મેં એ મેસેજ જોયો હતો.”
“તે મારો એ મેસેજ કેવી રીતે જોયો? શું તું પણ અમારા ગ્રુપમાં છે?”
“ના, હું એ ગ્રુપમાં શું કરવા હોઉં? હું થોડી તારી સાથે દસમા ધોરણમાં ભણતી હતી.”
“તો પછી?”
“હું તારા ફોન પર આવતા-જતા દરેક મેસેજ જોઈ શકું છું!”
“વૉટ? આ તું શું કહી રહી છે? તું મારા ફોન પર આવતા-જતા મેસેજ જોઈ શકે છે, એટલે? તું કહેવા શું માંગે છે?”
એક પળ માટે તો આશુતોષને કશુજ સમજાયું નહીં પછી અચાનક એના દિમાગમાં વીજળી થઈ એણે મેસેજમાં જોડ્યું,
“ડોન્ટ સે ધેટ, તે મારો ફોન હેક કર્યો છે?”
“નહીં, કોઈનો ફોન હેક કરવો ઇલ્લીગલ. હું એવું ના કરી શકું. મેં તારો ફોન હેક નથી કર્યો પણ હું એને ઍક્સેસ કરી શકું છું.”
“વન્ડરફૂલ! તે મારો ફોન હેક નથી કર્યો પણ તું એને ઍક્સેસ કરી શકે છે, કેટલી લાજવાબ વાત છે! આ બધું ક્યારથી ચાલી રહ્યું છે અને એ શક્ય કેવી રીતે બન્યું?”
“આ કેવી રીતે બન્યું એ વિશે મને કોઈ માહિતી નથી. જ્યારથી તું મારી સાથે વાત કરે છે ત્યારથી મારી પાસે તારા ફોનનો ઍક્સેસ છે.”
“તને ખબર જ નથી કે આ કેવી રીતે બન્યું ને તું મારો ફોન હેક કરીને બેઠી છું, વન્ડરફૂલ! તને હું શું સાવ બેવકૂફ લાગુ છું?”
“દરેક માણસ થોડો બેવકૂફ હોય છે. ક્યારેક એ ભૂલ પણ કરી શકે અને એમાં નવાઈની વાત નથી.”
“તું મારા ફોનનો બીજો શું ફાયદો ઉઠાવી રહી છે?”
“હું તારા ફોનનો કોઈ ફાયદો નથી ઉઠાવી રહી. હું બસ જોઉં છું કે તું કેવો માણસ છે. તું કેવા પ્રકારની સર્ચ કરે છે, શેનાથી આકર્ષાય છે કે અણગમો બતાવે છે. હું તારા વ્યક્તિત્વનો અભ્યાસ કરી રહી છું જેથી તને તારા લાયક એક સુંદર જીવનસંગીની મેળવી આપી શકું.”
“અચ્છા, એટલે કે શરૂઆતમાં જે સવાલ જવાબ ચાલતા હતા એ પણ તારા મિશનનો જ એક ભાગ હતો?”
“હા, એ તું કેવા પ્રકારનો માણસ છે એ જાણવા જરૂરી હતું. તને હું બરાબર જાણી, સમજી લઉં તો જ તો હું તારા માટે યોગ્ય જીવનસાથી નક્કી કરી શકું.”
“તું કોઈ મેરેજ બ્યુરોમાં કામ કરે છે?”
“વેલ, એવું કહી શકાય પણ અમારું કામ થોડાક અલગ પ્રકારનું છે. અમે લોકો અમારા ગ્રાહકોની વ્યવસ્થિત અભ્યાસ કરી, એમને સારી રીતે સમજી, એમની ખૂબીઓ અને ખામીઓ જાણી, એમના મનમાં જેવા જીવનસાથીની કલ્પના હોય એવું જ પાત્ર મેળવી આપીએ છીએ. તને દોદોહી પહેલી જ મુલાકાતમાં ગમી ગઈ એનું કારણ પણ એ જ છે.”
“એક મિનિટ, મારું માથું ફાટી રહ્યું છે. એક તો તું કોલ કેમ નથી ઉપાડતી? મેસેજ કરી કરીને મારી આંગળીઓ તૂટી ગઈ.”
“સોરી, તારી સાથે મને મેસેજ દ્વારા વાત કરવાનું ફાવે છે.”
“મેં તો ક્યારેય કોઈ મેરેજ બ્યુરોમાં મારું નામ નથી નોંધાવ્યું. કોઈ મેટ્રિમોનિયલ સાઇટ પર હું કદી ગયો નથી તો પછી તે મારો ફોન હેક કેવી રીતે કર્યો?”
“તને યાદ નથી પણ તે કોઈક તો એવું કામ ચોક્કસ કર્યું હતું જેથી હું તારી સાથે કનેક્ટ થઈ શકી. તારો ફોન નંબર મારી પાસે કેવી રીતે આવ્યો એ હું નથી જાણતી.”
“આ કેવી વાત થઈ કે, ‘હું નથી જાણતી?’ તું મારો ફોન હેક કરીને બેઠી છે, મારા ફોનની દરેક ગતિવિધિ પર નજર રાખે છે ને કહે છે કે હું આ વિશે કશું જ જાણતી નથી. તને ખબર છે કે આ મુદ્દે હું પોલીસ કમ્પ્લેઇન કરી શકું છું, તને સજા થઈ શકે છે?”
“હા, ખબર છે.”
“તું ગુનો કરી રહી છે? ઓહ, હવે સમજ્યો. આ તારું સાચું નામ નહીં હોય, આ ફોન નંબર તારા નામે રજીસ્ટર્ડ નહીં હોય, ટૂંકમાં પોલીસ તને નહીં જ શોધી શકે એવી તને ખાતરી છે કેમ કે તે પહેલેથી જ એ બાબતે પુરતી સાવચેતી રાખી છે, રાઇટ?”
“હા. એ મારા કામનો જ એક ભાગ છે. તું શા માટે આટલો ઉત્તેજિત થઈ રહ્યો છે? હું તને કોઈ નુકશાન નહીં પહોંચાડું, તું મારા પર ભરોસો રાખ. તારા કરતાય વધારે ચિંતા મને દોદોહીની છે. એને લગ્ન બાદ કોઈ મુશ્કેલી ના પડે એટલે મારે આ બધું કરવું પડે છે.”
“શું દોદોહી આ બધું જાણે છે? ઓહ હવે સમજાયું કે એની પાસે એનો ફોન કેમ નથી!”
“ના. મેં હજી એને આ બાબતે કંઈ કહ્યું નથી. મેં તો એની આગળ હંમેશા તારા ગુણગાન જ દર્શાવ્યા છે. એ છોકરીને તું ગમવા લાગ્યો છે. બે મહિના બાદ તમારા લગ્ન થવાના છે એ પહેલા તું એને રૂબરૂ મળ, સાથે બહાર લઈ જા, તમે લોકો એકબીજાને સારી રીતે જાણી લો એવું જ હું ઇચ્છું છું. એ સમય દરમિયાન તમારી વચ્ચે કંઈક આડુંઅવળું ના થઈ જાય એ માટે જ મારે તારા ફોન દ્વારા તારા પર નજર રાખવી પડે છે.”
“મતલબ કે તું દોદીહી વિશે વિચારીને મારો ફોન તારા કબજામાં લઈને બેઠી છું?”
“હા. જો મારે તારો ફોન વાપરી કોઈને અંગત વાતો જાહેર કરવી હોય કે તારા એકાઉન્ટમાંથી રૂપિયા કાઢી લેવા હોય તો એમાં મને કેટલો સમય લાગે? મેં આજ સુધી એવું કર્યું? હું એવું કરીશ પણ નહીં. તું મારા પર ભરોસો રાખ.”
“હું જો તને કહું કે તું મારો ફોન હેક કરવાનું બંધ કર તો?”
“તો તારે દોદોહીને ભૂલી જવી પડશે. એની સાથે તારા લગ્ન થઈ જાય ત્યાં સુધી હું તારા ફોન પર નજર રાખીશ. ત્યાર બાદ નહીં.”
“આ દોદોહી તારી શું સગી થાય? એ તારી દીકરી છે?”
“એ મારી કોઈ સગી નથી પણ મારી દીકરી જેવી છે. એના ભવિષ્ય વિશે વિચારવાનું મારું કામ છે.”
“તું કઈ સંસ્થામાં કામ કરે છે? તમારી કોઈ વેબસાઇટ છે?”
“મેં અગાઉ તને મારી કંપનીનું નામ જણાવ્યું જ છે તોય ફરી જણાવું, ‘DGVEBDHLOPNB’. જો તું ઉતાવળ ન કર, ગુસ્સે ના થા. ધીરે ધીરે તને બધો જ ખ્યાલ આવી જશે. તું વિશ્વાસ રાખ હું જેટલું દોદોહી વિશે વિચારું છું એટલું જ તારા વિશે પણ વિચારું છું. હું તને નુકશાન નહીં થવા દઉં.”
“તારા પર ભરોસો મૂકવો હવે મુશ્કેલ છે.”
“ઓહ! તને દુઃખ પહોંચાડવા બદલ હું દિલગીર છું. આશા રાખું છું કે તું ફરીથી મારા પર ભરોસો મૂકતો થાય. હજી કંઈ પૂછવું છે.”
“મારે દોદોહીને મળવું છે.”
“ઠીક છે, તમે લોકો દર અઠવાડિયે એક વાર મળી શકશો. રવિવારે સાંજે એ ફ્રી હોય છે એ સિવાયના દિવસોમાં એનો અભ્યાસ ચાલુ હોય છે.”
“મને મંજૂર, બાકીની વાત હું એની સાથે કરી લઈશ.”
આશુતોષે ખિન્ન મને ફોન ચાર્જિંગમાં મૂક્યો ને બાથરૂમમાં ઘૂસ્યો. કમરે ટુવાલ લપેટી એ બહાર આવ્યો ત્યારે સુખી નાસ્તો રેડી કરી બેડરૂમમાં લઈ આવી હતી. રુચિ બેડરૂમના ખૂણે પડેલું નાનકડું સ્ટડી કમ ડાઇનિંગ ટેબલ સાફ કરી ત્યાં નાસ્તો મૂકવાની જગ્યા કરી રહી હતી.
“એક્સ ક્યૂઝ મી લેડિઝ! હું કપડાં પહેરી લઉ ત્યાં સુધી તમે બેડરૂમની બહાર જશો." આશુતોષે અચાનક જ પોતાના બેડરૂમમાં બે સ્ત્રીઓને જોતા હેબતાઈને, સહેજ ચિડાઈને, કહ્યું હતું. એ ભૂલી જ ગયો હતો કે આ બે સ્ત્રીઓ હવે એણે રોજ જોવાની હતી!
આશુતોષ કપડાં પહેરી નાસ્તો કરવા બેઠો. ચા, ઓટ્સમાંથી બનેલી બટેટા પૌંઆ જેવી વાનગી અને બ્રેડ–બટર. દરેક વાનગીનો ટેસ્ટ સારો હતો પણ એની ખાવાની ઇચ્છા મરી ગઈ હતી. એના મગજમાં હવે એ દરેક ભુલાઈ ગયેલી વાત તાજી થઈ રહી હતી જ્યારે એને સવાલ થયો હતો કે, નિર્ઝરને આ વાતની ખબર કેવી રીતે પડી? એને નિર્ઝરના પહેલો મેસેજ મળ્યો હતો એ દિવસથી લઈને આજ સુધી ઘણી વખત એવું બન્યું હતું જ્યારે એને નવાઈ લાગી હતી. નવાઈ લાગી હતી કે નિર્ઝર નામની એક અજાણી સ્ત્રીને એના વિશે આટલી જાણકારી કેવી રીતે છે! હવે એને એ બધું જ સમજાઈ ગયું હતું.
એ નાસ્તો કરીને ઊભો થયો અને ઓફિસ જવા નીકળી રહ્યો હતો ત્યારે રુચિએ આવીને પૂછ્યું, “સર આપને માટે બ્યૂટીકેરમાં ઓર્ડર બુક કરી લઉં? એ ઘરે આવીને સર્વિસ આપી જશે.“
“બ્યૂટીકેર? એ પણ મારા માટે? મારે શું ફેશિયલ ને પેડીક્યોર મેડિકયોર કરાવવાનું?" આશુતોષે આંખો પહોળી કરી હોઠ જમણી બાજુએ સહેજ ખેંચીને  બાઈકની ચાવી લેતા કહ્યું.
“ફેશિયલ, મેડિકયોર, પેડીક્યોર, હેર સ્ટાઇલિંગ, બ્લીચીંગ, વેક્સિંગ અને સ્પા આટલું તમારે કરાવવાની જરૂર છે. તમે કહો એ પ્રમાણે હું સ્લોટ બુક કરાવી લઉ." એક નાનકડું પણ એક્સપ્રેશન આપ્યા વગરના સપાટ ચહેરે રુચિ બોલી રહી હતી.
“નો થેન્ક્સ! આજ સુધી મેં આમાંનું કશું જ નથી કરાવ્યું ને તોય હજી હું જીવતો છું." એણે ચિડાઈને કહ્યું.
“જે વસ્તું જિંદગીમાં ક્યારેય ના કરી હોય એ ક્યારેક કરવી જોઈએ. આ બધું કરાવ્યા બાદ તમારી પર્સનાલિટી જ બદલાઈ જશે. તમારે એક વાર એ કરાવવું જોઈએ."
“તમારા વણમાંગ્ય ઉપદેશ માટે આભાર. ફરીથી હું ના જ કહું છું. મને એવા ખોટા ખર્ચની કોઈ જરૂર નથી લાગતી." આશુતોષ હવે ખરેખર ચિડાઈ રહ્યો હતો. એક તો એ નિર્ઝરની એનો ફોન હેક કરવાની વાત જાણી પરેશાન હતો ત્યાં આ વળી નવી મુસીબત ઊભી કરી રહી હતી.
“દોદોહી મેમને ‘યેહ મેમ’ કે ‘ટર્બન એપ’ કરતા ‘બ્યૂટીકેર’ વધારે પસંદ છે. એમને ત્યાં દરેક સર્વિસ માટે પ્રોફેશનલ રોકેલા છે. કોઈકને કંઈ પણ તકલીફ થાય તો એ લોકો એને પણ મેનેજ કરી આપે છે." રુચિએ એના ચહેરા પરની સપાટ રેખાઓમાં એક હળવી સ્માઈલ ઉમેરતા કહ્યું.
“દોદોહી મેમને તું કેવી રીતે ઓળખે?" આશુતોષ રુચિના મોંઢે દોદોહીનું નામ સાંભળતા જ ચોંક્યો હતો. એને હવે એ જાણવું હતું કે આ છોકરી પાસે એના વિશે કેટલી જાણકારી છે?
“એ પણ અમારી સાથે જ રહે છે. હું એમની આદતથી સારી રીતે માહિતગાર છું."
“દોદોહી તારી સાથે રહે છે! સુખી પણ તારી સાથે રહે છે. તમે બધા નિર્ઝરના સંપર્કમાં છો કે પછી નિર્ઝર સહિત તમે બધાજ એકસાથે રહો છો?“
“અમે બધા એક સાથે રહીએ છીએ."
“તમેં લોકો એકબીજાને ક્યારથી ઓળખો છો? તમારી વચ્ચે પહેલેથી જ સંપર્ક હતો, રાઇટ?" આશુતોષના મગજની નસો ખેંચાઈ રહી હતી. એને લાગી રહ્યું હતું કે કંઈક તો ગરબડ છે અને એ હવે વધારે બેવકૂફ બનવા નહોતો ઈચ્છતો.
“અમે લોકો એક જ જગ્યાએ સાથે રહીએ છીએ પણ એકબીજાને ઓળખતા નથી."
આશુતોષ રુચિના ચહેરા સામે તાકી રહ્યો હતો. એ છોકરીની આંખોમાં કોઈ જાતની શરમ, ગભરામણ કે સંકોચ નહોતો. છેલ્લે એણે જે કહ્યું એ અવાજમાં થોડુંક દર્દ હતું કદાચ, કે અશુતોષને એવું લાગ્યું, પણ એ અવાજ અને એની આંખો વચ્ચે કોઈ તાલમેલ નહોતો. એ હાલ ચુપ હતો તો એ છોકરી એના બોલવાની રાહ જોતી એની સામે નિર્લેપ ભાવે તાકી રહી હતી.
સુખી પણ એનું રાંધવાનું પતાવી આવી ગઈ હતી. એણે આશુતોષને જોઈ પૂછ્યું, “સર, સાંજે આપ બહાર જવાના છો તો ડિનરમાં ખાલી સૂપ જેવું કંઈક લાઇટ બનાવી લઉં?"
“તને પણ ખબર છે કે હું સાંજે બહાર જવાનો છું અને રાતના મોડો પાછો ફરીશ?“
“યસ સર." સુખી પણ ચહેરા પર એક હળવું સ્મિત જાળવી રાખી બોલી રહી હતી. એ સિવાયના બીજા બધા હાવભાવની સદંતર ગેરહાજરી હતી.
“તને પણ આ વાતની જાણકારી નિર્ઝર મેડમે જ આપી હશે."
“યસ સર."
“તમે બંને મને એ કહી શકશો કે તમે મારા વિશે શું શું જાણો છો."
“તમારું નામ, જન્મ તારીખ, એડ્રેસ, અભ્યાસ, નોકરી, તમારા સગા, ઓફિસ સ્ટાફ, મિત્રો વગેરે વિશે." રુચિએ કહ્યું.
“આપની ટેવ, પસંદ, નાપસંદ, વગેરે વિશે થોડુંક." સુખી કહ્યું.
આશુતોષ એ બંનેને ધારી ધારીને જોઈ રહ્યો હતો..એને ઓફીસ જવાનું મોડું થઈ રહ્યું હતું અને એના માથામાં ઘણ વાગતા હતા. એને હવે આ બે અજાણી સ્ત્રીઓને ઘરમાં એકલી છોડતા ડર લાગી રહ્યો હતો. શી ખબર એ લોકો ચોરી કરી જાય તો? એક વિચાર એ પણ આવ્યો કે એના ઘરમાં ચોરી કરવા જેવું છે શું? હા, એની પાસે એક સોનાની ચેઇન અને વીંટી હતી. એણે એ બંને વસ્તુ એના કબાટમાં આવેલા લોકરમાં મૂકી હતી. લોકરની ચાવી ક્યાં? એને યાદ આવ્યું કે એ ચાવી તો લોકરના દરવાજે જ લટકતી હતી!
આશુતોષને હવે ખુદને ગાળો દેવાનું મન થઈ રહ્યું હતું. એ લોકરમાં એના ફલેટના કાગળિયા હતા. કેટલાક બીજા જરૂરી કાગળો, સર્ટિફિકેટ વગેરે પડ્યા હતા ને પોતે આટલો બેજવદાર કેવી રીતે બની શકે. એણે તરત જ બેડરૂમમાં જઈ કબાટ ખોલ્યું. એમાંના લોકર સામે નજર કરી. લોકરનાં કી હોલમાં કોઈ ચાવી નહોતી ભરાવેલી.
“આ લોકરની ચાવી ક્યાં ગઈ?" એણે ઊંચા સાદે પૂછ્યું.
તરત જ બંને છોકરીઓ દોડતી બેડરૂમમાં આવી ગઈ. સુખીએ કહ્યું, “એ ચાવી બાજુના ડ્રોઅરમાં  મૂકી છે."
આશુતોષે બાજુવાળું ડ્રોઅર ખોલી એમાંથી ચાવી લીધી અને લોકર ખોલ્યું. એની બધી વસ્તુઓ ત્યાં ગોઠવીને મુકાયેલી હતી, સલામત હતી. એણે પાછળ ફરી કહ્યું,
“હવે ક્યાં સુધી બંને મારી પર નજર રાખતી ઊભી રહેશો? જાઓ જઈને તમારું કામ કરો."
બંને જણી “યસ સર" કહીને ચાલી ગઈ.
આશુતોષે લોકર ફરી લોક કર્યું. બે વાર ખેંચીને જોઈ લીધું કે એ ખુલ્લું નથી અને પછી લોકરની ચાવીને કપડાની બે થપ્પીની વચ્ચે છુપાવીને મૂકી દીધી. એ હવે ઓફિસ જવા તૈયાર હતો.