11 TASKS - 21 in Gujarati Drama by Niyati Kapadia Nirjhar books and stories PDF | 11 ટાસ્ક્સ - Chapter 21

Featured Books
Categories
Share

11 ટાસ્ક્સ - Chapter 21

Version:1.0 StartHTML:0000000156 EndHTML:0000219929 StartFragment:0000000469 EndFragment:0000219921

“ઓકે. થૅન્ક યુ.“ 

આશુતોષ ફ્લેટમાં એકલો પડ્યો એટલે એને નિરાંત થઈ. એણે આખા ફ્લેટમાં એક ચક્કર માર્યું. ફ્લેટનો એક એક ખૂણો સાફ અને વ્યવસ્થિત હતો! દરેક વસ્તુ એની જગ્યાએ ગોઠવાઈને મુકેલી હતી. એના પલંગની ચાદર અને તકિયાના કવર સુધ્ધા બદલાઈને નવા નંખાયેલા હતા. એનું ધ્યાન ગયું કે બેડ પરની ચાદર નવી હતી, પોતે એ ખરીદી નહોતી તો પછી એ આવી ક્યાંથી? 

એણે રસોડામાં નજર કરી. પ્લેટફોર્મ પર વાસણ ગોઠવવાનું નવું સ્ટેન્ડ મુકાયેલું હતું ને એમાં એક સુંદર ડિનર સેટ ગોઠવાયેલો હતો. કબાટમાં નાના–મોટા નવા ડબ્બા આવી ગયા હતા ને એ દરેકમાં રસોઈને લગતી વિવિધ વસ્તુઓ ભરેલી પડી હતી. ગેસથી થોડે દૂર ખૂણામાં નવું માઇક્રોવેવ પડ્યું હતું, જે એ પહેલા ત્યાં ન્હોતું. એણે માઇક્રોવેવ ખોલ્યું તો એમાં એનું જમવાનું સરસ રીતે ડબ્બામાં પેક કરીને મુકાયેલું હતું. એણે બસ માઇક્રોવેવ ચાલુ કરવાનું હતું ને એનું રાતનું ભોજન, ગરમાગરમ ભોજન, તૈયાર મળી જવાનું હતું. 

એ કપડાં બદલવા બેડરૂમમાં ગયો. એણે કબાટ ખોલ્યું તો એમાં પણ બધા જ કપડાં ફરીથી સુંદર રીતે ગોઠવાયેલા જોવા મળ્યા. બેડ પર એને માટે એક નાઇટ ડ્રેસ પણ પડ્યો હતો. બ્લેક ટ્રાઉઝર્સ અને ઓરેન્જ રંગનું બાંય વગરનું ટીશર્ટ, જે કેટલાય વખતથી કપડાંના ઢગલા નીચે ક્યાંક દબાઈ જવાથી પહેરાયું ન્હોતું! 

આશુતોષને આ બધું ગમ્યું હતું છતાં મનમાં કશુંક ખટકતું હતું. સૌથી પહેલી વાત તો એ કે અહીં જે બદલાવ થયા હતા એ એને પૂછ્યા વગર થયા હતા. કોઈ સામાન્ય કામવાળી જે હજી આજે જ નોકરી પર આવી હોય એ આમ એને પૂછ્યા વગર એના ઘરમાં આટલો મોટો ફેરફાર કેવી રીતે કરી શકે? આ બધું ખરીદવાના રૂપિયા કોણ ભરશે? એણે એના ફોનમાં બપોરે સુખીએ જે બીલ મોકલ્યું હતું એ ચેક કર્યું. એમાં તો ફક્ત કરિયાણું ખરીદ્યું એનું જ લિસ્ટ હતું. એ માટે એક નાનકડી રકમ જ એણે પે કરી હતી તો આ બાકીનો સામાન આવ્યો ક્યાંથી? એણે જોયું કે બેડરૂમમાં કબાટ પાસે એક બોક્સ આવેલું પડ્યું હતું. એણે એ બોક્સ ખોલ્યું. એમાં એક જોડ નવા શૂઝ અને પેપરબેગમાં પેક કરેલ ટ્રેકશૂટ હતો. એણે જે પ્રોડક્ટ એમેઝોનમાંથી ઓર્ડર કરી હતી એ આ નહોતી. આ જૂતા અને કપડાં પણ પેલી વિચિત્ર નામવાળી કંપની ‘DGVEBDHLOPNB’માંથી આવ્યા હતા. એણે બંનેની કિંમત જોઈ, જૂતા દસ હજાર ને ટ્રેક શૂટ આઠ હજારની કિંમતનો હતો. એણે જે વસ્તું એમેઝોનમાંથી ઓર્ડર કરી હતી એ તો ટોટલ ત્રણ હજારમાં બધું પતી જતું હતું. 

એણે તરત નિર્ઝરને કોલ કર્યો. રિંગ જઈ રહી હતી. એક આખી રિંગ પૂરી થઈ છતાં કોઈએ સામેથી ફોન ઉઠાવ્યો નહતો. બે વાર રિંગ કર્યા બાદ, ને બંને વખત નિષ્ફળ ગયા બાદ, એણે એક મેસેજ ટાઈપ કરીને મોકલ્યો. 

“હે નિર્ઝર, 

તારી મોકલેલી બંને છોકરીઓ કમાલની છે. બહુ મસ્ત કામ કર્યું છે પણ મને અમુક વાત સમજાઈ નથી રહી. એમણે મને પૂછ્યા વગર મારા ઘરમાં બદલાવ કેમ કર્યો? નવો ડિનર સેટ, નવું માઇક્રોવેવ, નવા ડબલા અને અહીં જે મારા શૂઝ આવેલા પડ્યા છે એ તો દસ હજારના છે. આટલા બધા રૂપિયા મારે પે કરવાના છે? આ નોકરી મળી એ પહેલા હું 500 રૂપિયાના જૂતા ખરીદીને પહેરતો હતો અને ખુશ હતો. હવે 1500–2000ના જૂતા ખરીદી લઉ છું પણ દસ હજાર! આ મારા માટે વધારે પડતું છે. બીજી એક વાત મને પૂછ્યા વગર કોઈ મારા વતી નિર્ણય લે એ મને બિલકુલ પસંદ નથી. આટલો મોંઘો સામાન મને પૂછ્યા વગર કોઈ કેવી રીતે મંગાવી શકે અને એ પણ એક કામવાળી, આટલો બધો સામાન એ લાવી કેવી રીતે?” 

આશુતોષે મેસેજ સેન્ડ કર્યો ને એને થયું કે થોડુંક વધારે પડતા કડક શબ્દોમાં લખાઈ ગયું. નિર્ઝરને કદાચ ખોટું લાગી જશે તો? એ મેસેજ ડિલીટ કરવા જ જતો હતો ત્યાં તો સામેથી નિર્ઝરનો મેસેજ આવી ગયો. 

“તને પૂછ્યા વગર તારા ઘરમાં બદલાવ કરાયો એ તને ના ગમ્યું હોય તો હું ખરેખર દિલગીર છું. આ બધો જ બદલાવ કરવાનું સુખી અને રુચિને મેં કહ્યું હતું. મને એમ કે તું ઓફિસમાં કામમાં વ્યસ્ત હોય ત્યાં ઘડીએ ઘડીએ તને ડિસ્ટર્બ કરવું સારું નહીં એટલે જ તને પૂછ્યું નહોતું. રહી વાત પેમેન્ટની તો તારે ત્યાં મોકલેલી દરેક વસ્તું અમારી કંપની  ‘DGVEBDHLOPNB’ની છે. દરેક વસ્તુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત છે ઉપરાંત હાલ એ લોકો તને 70% ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. તને સસ્તામાં દુનિયાની બેસ્ટ વસ્તુ વાપરવા મળી રહી છે. એની કિંમત પણ તારે હાલ ને હાલ ચૂકવવાની જરૂર નથી. મેં એ બધા માટે EMI સેટ કરવાનું કહી દીધું છે. મહિને નજીવી રકમ ભરતા તું ઘરે બેઠા દુનિયાની બેસ્ટ ક્વોલિટી વાળી વસ્તુઓ વાપરી શકીશ. 

આજે બપોરે મેં તને તારા માટે જૂતા ને ટ્રેક શૂટ ઓર્ડર કરવાનું પૂછ્યું હતું. તે જ મને ‘ઓકે’ કહ્યું હતું ને ત્યાર બાદ મેં એ મંગાવ્યું હતું.  તું એ બંને અને બાકીની બધી જ પ્રોડક્ટ વાપરી જો, તને જે કંઈ પસંદ ના પડે એ વસ્તુ બદલી આપવામાં આવશે.” 

આશુતોષને હવે યાદ આવ્યું કે નિર્ઝર સાથે સવારે ચાલવા જતી વખતે પહેરવાના કપડાં અમે જૂતા બાબતે ચર્ચા થઈ હતી ખરી. પોતે જ એને જે ગમે તે કરવાનું કહ્યું હતું. એણે સામો મેસેજ કર્યો. 

“અરે હા યાદ આવ્યું. સોરી, હું એ વાત ભૂલી ગયો હતો.” 

“ઠીક છે, એમાં કોઈ નવાઈની વાત નથી. માણસો કામમાં વ્યસ્ત હોય ત્યારે આવી નાની નાની વાતો ભૂલી જાય એ નોર્મલ છે. આવી બધી ભૂલો દૂર કરી માનવજીવનને વધારે બહેતર બનાવવાનું જ અમારું લક્ષ્ય છે.” 

“અમારું લક્ષ્ય એટલે? તારું ને બીજા કોનું?” 

“અમારું એટલે મારું, અમારી કંપની DGVEBDHLOPNB, અને એમાં કામ કરતા દરેકનું સપનું.” 

“તું કોઈ મલ્ટી લેવલ માર્કેટિંગ કરતી કંપની સાથે જોડાયેલ છે?” 

“થોડેક અંશે એવું કહી શકાય. હકીકતે અમારી કંપની દુનિયામાં મહત્વના બદલાવ લાવવા ઈચ્છે છે. ભવિષ્યમાં માણસો માટે જીવન વધારે બહેતર, વધારે આરામદાયક અને વધારે આનંદદાયક બનાવવું એ અમારું લક્ષ્ય છે.” 

“લુક, મારે શું જોઈએ છે ને શું નહીં એ નિર્ણય હું ખુદ લેવાનું પસંદ કરું છું. તે મારી મદદ કરી એ માટે દિલથી હું તારો આભાર માનું છું. આજે તે જે પણ વસ્તુઓ મોકલાવી એ બધી હું રાખી લઈશ પણ મહેરબાની કરીને ભવિષ્યમાં ફરી આવું ન કરતી. મને પૂછ્યા વગર તો બિલકુલ નહીં.” 

“ઓકે, હવેથી તને ઓફિસમાં ડિસ્ટર્બ કરવું પડે તોય હું સુખી ને રુચિને કહી દઈશ કે કોઈ પણ ફેરફાર કરતા પહેલા સરને પૂછીને એમની પરમિશન લઈ લેજો. ઠીક છે? 

તને નથી લાગતું કે આ બધું ખૂબ અવ્યવસ્થા સર્જનારું બની રહેશે. મતલબ કે સુખી અને રુચિ તારા ઘરનું સંપૂર્ણપણે ધ્યાન રાખી તને એક મોટી જવાબદારીમાંથી બહાર લાવવાનું કામ કરી રહી છે ત્યારે તારે શા માટે અકળાવું જોઈએ? ભવિષ્યમાં જ્યારે તું દોદોહી સાથે પરણી જઈશ ને  તે આ દરેક બાબતનું ધ્યાન રાખશે ત્યારે પણ શું તું આમ નારાજગી દેખાડીશ?” 

“ના, ના, એવું નથી. દોદોહી સાથે લગ્ન થયા બાદ તો ઘરની દરેક જવાબદારી એની રહેશે. એણે જે કરવું હોય તે કરવાની છૂટ રહેશે. એ મારી પત્ની બનવાની છે, આ ઘરની માલકાણ હશે જ્યારે કે સુખી અને રુચિ તો જસ્ટ એક કામવાળી છે.” 

“એટલે જ તો કહું છું કે સુખી ને રુચિને જેમ કરવું હોય તેમ કરવા દે. દોદોહી જ્યારે તારા ઘરે રહેવા આવે ત્યારે એને ત્યાં ઓછી તકલીફ પડશે. બાકી પછી જેવી તારી મરજી. દોદોહી સુખી અને રુચિ કરતા ક્યાંય વધારે હોશિયાર છે. એ તારા ઘરમાં આવતા જ આ બધા ફેરફાર કરશે એની મને ખાતરી છે. તું જો એને અનુકૂળ થવા ઇચ્છતો હોય તો પહેલા સુખી અને રુચિ સાથે અનુકૂળ થતા શીખ.” 

આશુતોષને થયું કે આ કેવી વાત કરી રહી છે. પોતાની પત્ની સાથે એડજસ્ટ થવા પહેલા મારે કામવાળી બાઈઓ સાથે એડજસ્ટ થતા શીખવું પડશે? 

ઘડીક રહીને એને પાછો વિચાર આવ્યો, દોદોહી કેટલી નાજુક છે એ એકલી ઘરનું બધું કામકાજ કેવી રીતે કરી શકશે? એને તકલીફ ન પડે એ માટે થઈને પણ મારે ઘરમાં કામવાળી તો રાખવી જ પડશે. કામવાળી રાખવી પડશે તો એમના નખરા પણ ઉઠાવવા પડશે. એણે પોતાના માથે હાથ ફેરવતા વિચાર્યું, ચલ બેટા આશુતોષ અબ બદલને કા વક્ત આ ગયા હૈ... આજ સુધી તું એકલો હતો. ફ્લેટને બોયઝ હોસ્ટેલના એક ગંધાતા રૂમમાં ફેરવી એમાં આળસુ બની પડ્યા રહેવાની મોજ માણી લીધી હવે તું પતિ બનવાનો છે, એય દોદોહી જેવી સર્વાંગસુંદરીનો પતિ ત્યારે ફ્લેટને બોયઝ હોસ્ટેલના રૂમને બદલે ઘર જેવો બનાવવો રહ્યો. 

“ઓકે. મને તારી વાત સમજાય છે પણ તું મારો પગાર તો જો. મહિને સીતેર હજાર રૂપિયામાં થોડું ઇન્સ્ટેન્ટિવ જોડાતા એંસી હજાર જેવી રકમ હાથમાં આવે છે. એમાથી હું કેટલું ખર્ચી શકું એ તું જાતે જ વિચાર કર.” 

મને તારો પગાર અને તારી ખર્ચ કરી શકવાની શક્તિ બંનેનો અહેસાસ છે અને એટલે જ તો તારા ટાસ્કમાં નવું સાહસ કરવાનું કહ્યું છે. એક ધ્યેય નક્કી કરવાનું ને એને માટે મહેનત કરવાનું કહ્યું છે. તું જો આવો નાનકડો ખર્ચ કરતા પણ ખચકાઈશ તો વિચાર કર દોદોહી જેવી છોકરીને એને ગમતા કપડા, જૂતા, પર્સ વગેરે કેવી રીતે અપાવીશ? 

આશુતોષને લાગ્યું કે વાત આડે પાટે જઈ રહી છે ને એ કોઈ પણ સંજોગોમાં દોડોહીને ગુમાવવા નહોતો ઈચ્છતો. એક બાજુ એનું મન એમ પણ કહી રહ્યું હતું કે આ નિર્ઝર વળી દોદોહી વિશે કેટલું ને શું જાણતી હશે? પોતે એને એટલો પ્રેમ આપશે કે એને દુનિયાની બહારની માયાની કોઈ જરૂર જ નહીં રહે. ઘરમાં એક પ્રેમાળ પતિ હાજર હોય જે એની પત્નીને ખૂબ પ્રેમ કરતો હોય, દરેક વાતે એને મદદ કરવા ઈચ્છતો હોય, ત્યારે પત્નીને ભલા મોંઘા ડ્રેસ, જૂતા કે મેકઅપ જેવા બહારી દેખાડાની શી જરૂર પડી જવાની? એણે કંઈક વિચાર્યું ને મેસેજ લખ્યો. 

“હું તારી વાત સમજી ગયો. મારી મદદ કરવા બદલ આભાર. તે મને જે અગિયાર ટાસ્કસ આપ્યા છે એની પર હું અમલ કરીશ ને બે મહિના બાદ દોદોહી સાથે લગ્ન પણ કરીશ.” 

“સરસ નિર્ણય લીધો. ચાલ હવે સમયસર રાતનું ભોજન લે અને વહેલો સૂઈ જા જેથી સવારે વહેલી ઊઠે.” 

આશુતોષે અંગૂઠા વાળું થમ્સ અપનું ઇમોજી મોકલી એની વાતને સમર્થન આપ્યું અને પછી માઇક્રોવેવ ચાલુ કર્યું. એક મિનિટ ખાવાનું ગરમ કર્યા બાદ એ તેને સ્ટડી કમ ડાઇનિંગ ટેબલ પર લઈ આવ્યો. ત્યાં એક પ્લેટ અને ગ્લાસ પહેલેથી જ ઉંધા વાળીને મુકાયેલા હતા. એણે પ્લેટ સીધી કરી, બાજુમાં પડેલ ચમચી અને કાંટો ઉઠાવી પ્લેટમાં મૂક્યો ને જમવાનું ખોલ્યું. એક ડબ્બામાં લેટ્યસ લીફ, બ્રોકોલી, ઓલિવ્સ, કાકડી, ટમેટા વગેરેનો ઓલિવ ઓઇલમાં ચીઝ નાંખીને બનાવેલો સલાડ હતો તો બીજામાં સ્વીટ કોર્ન સૂપ હતો. એણે બંને વાનગી ખાવી ચાલુ કરી. એ ટેસ્ટી હતી ને એને ખાવાની મજા આવી. એનું પેટ ભરાઈ ગયું. એ બેડરૂમમાં આવ્યો. દોદોહી સાથે સુખી લગ્ન જીવનના સપના જોતો બેડ પર આડો પડ્યો. સૂતા પહેલા એક નજર નાખવાના હેતુથી જ એણે ફોન હાથમાં લીધો હતો. એણે જોયું કે એમની દસમા ધોરણની સ્કૂલની બેચનું ગેટ ટુ ગેધર ગાંધીનગરમાં ગોઠવાયું હતું અને એની પહેલા એક મીની ગેટ ટુ ગેધર મુંબઈમાં આવતી કાલે સાંજે થવાનું હતું. 

આશુતોષના મોટા ભાગના દોસ્તો હવે ગાંધીનગરમાંથી બહાર નીકળી ગયા હતા. એમાંના કેટલાક બીજા કોઈ દેશમાં સ્થાયી થયા હતા તો અમુક બીજા રાજ્ય કે શહેરમાં. એના ક્લાસના કેટલાક છોકરી-છોકરા હવે મુંબઈમાં સ્થાયી થયા હતા કે કોઈ કારણોસર હાલ મુંબઈમાં હાજર હતા. એ બધાએ અહીં મુંબઈમાં જ મળવાનું નક્કી કર્યું હતું. આશુતોષ વિચારી રહ્યો હતો કે એનાથી ગાંધીનગર જવાનું તો હાલ શક્ય નહી બને પણ અહીં જ જે દોસ્ત ભેગા મળી રહ્યા છે એમને મળવા જઈ શકાય. લાવણ્યા પ્રત્યેનો એનો મોહ હવે છેક તળિયે પહોંચી ગયો હતો, એને મળવા એ છેક ગાંધીનગર લાંબો થાય એ વાતમાં દમ નહોતો, પણ હા, અહીં મુંબઈમાં જો એ મળી જાય તો એની સાથે વાત કરવાનો લહાવો એ ગુમાવવા નહતો માંગતો. ઉલટાનું એને લાગી રહી હતું કે હવે એ લાવણ્યા સાથે વધારે આત્મવિશ્વાસથી વાત કરી શકશે. 

એણે એમના રીયુનિયનના ફેસબુક ગ્રુપમાં મેસેજ છોડ્યો, 

“હું આવતીકાલે સાંજે આવીશ.”