11 TASKS - 23 in Gujarati Thriller by Niyati Kapadia Nirjhar books and stories PDF | 11 ટાસ્ક્સ - Chapter 23

Featured Books
Categories
Share

11 ટાસ્ક્સ - Chapter 23

આશુતોષે લોકર ફરી લોક કર્યું. બે વાર ખેંચીને જોઈ લીધું કે એ ખુલ્લું નથી અને પછી લોકરની ચાવીને કપડાની બે થપ્પીની વચ્ચે છુપાવીને મૂકી દીધી. એ હવે ઓફિસ જવા તૈયાર હતો.
આજે એને ઓફીસ પહોંચતા ઘણું મોડું થયું હતું. સાંજે વહેલા નીકળવું હવે શક્ય નહોતું. આમેય એની ખાસ ઇચ્છા પણ નહોતી. એ કામમાં ડૂબી ગયો. બપોરે એનું ટિફિન આવી ગયું હતું. ઓફિસનો પટાવાળો મહેન્દ્ર ટિફિન આપવા એની કેબિનમાં આવ્યો ત્યારે એ ટિફિન મૂકીને બહાર નીકળી જવાને બદલે ટેબલને સામે છેડે ઊભો રહી ગયો હતો. આશુતોષની એ તરફ નજર જતા એણે પૂછ્યું,
“શું થયું? કંઈ કહેવાનું છે?"
“સાહેબ આ જે છોકરી તમારું ટિફિન આપવા આવે છે એ કોણ છે? તમારી દૂરની કોઈ બહેન છે?" મહેન્દ્ર કંઈક વિચિત્ર રીતે હસીને, શરમાઈને કહી રહ્યો હતો.
આશુતોષને હવે જ ખ્યાલ આવ્યો કે સુખી કે રુચિ એનું ટિફિન જાતે આવીને આપી જતા હતા. એને નવાઈ પણ લાગી કે એ લોકોએ કોઈ ડબ્બાવાળાની હેલ્પ કેમ નહીં લીધી હોય. મુંબઈમાં એ સેવા વિશે બધા જ જાણે છે. એની બિલ્ડિંગમાં પણ ટિફિન લઈ જવા વાળા ભાઈ આવતા હતા અને ઘરેથી ઓફિસ સુધી ટિફિન પહોંચાડતા હતા.
“એ મારી કોઈ સગી નથી થતી એ બસ મારે ત્યાં કામ કરે છે."
“આટલી સુંદર છોકરી કામવાળી કેવી રીતે હોય શકે? તમે આવું જુઠ્ઠું શા માટે બોલો છો, સાહેબ?" મહેન્દ્રે પહેલા સહેજ ખીજવાઇને પછી હસીને કહ્યું.
“એ કામવાળી હોય તોય તને શું વાંધો છે? તું તારું કામ કર ભાઈ."
“એ કામવાળી હોય તો, તો, સારું. અમારા લેવલની થઈ. એનું ઘર કુટુંબ વગેરે જાણવા મળી જાય તો?"
આશુતોષ હવે કંઈ જવાબ આપ્યા વગર બસ એની સામે જોઈ રહ્યો.
“એને પહેલીવાર જોઈ ત્યારથી હું એને મારું દિલ આપી બેઠો છું. એના જેવી છોકરી મેં આજ સુધી નથી જોઈ. મને એવું થાય છે કે બસ, જો આ છોકરી મને મળી જાય તો પછી જીવનમાં મારે બીજું કશું જ નથી જોઈતું." એ ખૂબ ભાવુક થઈને બોલી રહ્યો હતો, છેલ્લે એણે આગળ આવી આશુતોષના હાથ પકડી લેતા કહ્યું, “હું એની સાથે લગ્ન કરવા ઇચ્છું છું. તમારી એની સાથે ઓળખાણ હોય તો મારી મદદ કરો."
“તને કંઈ ભાનબાન પડે છે? તું આ શી લવારી કરી રહ્યો છે? પહેલી નજરનો પ્રેમ ને છોકરીને એકવાર જોતા જ આમ ગાંડા થઈ જવું એ બધું ફિલ્મો ને વેબ સિરીઝમાં સારું લાગે, અસલ જિંદગીમાં એવું બધું ના હોય. લોકો તને ગાંડો કહેશે, તારી મજાક ઉડાવશે. હું તને વરસોથી ઓળખું છું એટલે કહું છું, એ છોકરીના ચક્કરમાં ન પડતો ભાઈ."
મહેન્દ્રએ આશુતોષનો હાથ છોડ્યો ને એના ખભેથી હાથ રૂમાલ હટાવી એને સ્ટાઇલથી હવામાં ઝટકતાં કહ્યું, “ગરીબને સલાહ સૌ આપશે પણ મદદ કોઈ નહીં કરે. કશો વાંધો નહીં સાહેબ, આ જંગ હું મારી મેળે લડીશ ને જીતીને દેખાડીશ."
એ બહાર ગયો ને દરવાજો બંધ કરતા જ “જબ પ્યાર કિયા તો ડરના ક્યા..." ગીત ગાવા લાગ્યો હતો. આશુતોષને એની પર દયા આવી રહી હતી. એને ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે સુખી કે રુચિ બંનેમાંથી એક પણ છોકરી એની બરાબરીની નહોતી. એ બંને એની પહોંચની ક્યાંય બહાર હતી. ક્યાં એક સામાન્ય પટાવાળાની નોકરી કરતો, સહેજ શ્યામ રંગી મહેન્દ્ર અને ક્યાં એ બે અપર મિડલક્લાસમાં જ એમના શોખથી રસોઈ કામ કરતી હોય એવી છોકરીઓ. એમના લગ્ન માટે તો કેટલાય સારું કમાતા, વેલ્સેટ ઘરના છોકરાઓ ચપટી વગાડતા તૈયાર થઈ જાય ત્યાં એ આ મહેન્દ્ર સામે નજર પણ શા માટે કરે?
આશુતોષ આ બધું વિચારી રહ્યો હતો ત્યાં જ એની નજર આગળ એનો પોતાનો કેસ આવી ગયો. દોદોહી અને એની વચ્ચે પણ તો એ જ ફરક હતો જે એ મહેન્દ્ર અને સુખી વચ્ચે વિચારી રહ્યો હતો! દોદોહી સાથે પરણવા તો કોઈ મોટો બિઝનેસ મેન, કોઈ આઈએસ ઑફિસર, નેતા, અભિનેતા તૈયાર થઈ શકે ત્યારે એ મારા જેવા મામૂલી માણસ સાથે લગ્ન કરવાનું શા માટે ઇચ્છે?
પોતે પણ મહેન્દ્રની જેમ જ એને જોતા જ પાગલ થઈ ગયો હતો. એને પોતાની જીવનસંગીની બનાવવા એ કંઈ પણ કરવા તૈયાર હતો, કરી રહ્યો હતો...જો મહેન્દ્રનો પ્રેમ એને બાલિશ લાગતો હોય તો પછી એને દોદોહીને જોતા જ જે લાગણી થઈ હતી એને શું કહી શકાય?
એ સાંજે એ ઑફિસેથી નીકળવામાં મોડો પડ્યો હતો છતાં એના સ્કૂલ સમયના મિત્રોને મળવા ગયો હતો. ખાસ તો એ સીધો ઘરે જવા નહોતો ઈચ્છતો એટલે જ ત્યાં ગયો હતો. આખો દિવસ ઓફિસ ને પછી ઘર વચ્ચે એને એક નાનકડો બ્રેક જોઈતો હતો.
સ્કૂલમાં એની સાથે ભણેલા ત્રણ છોકરા અને બે છોકરીઓ એક ગાર્ડન રેસ્ટોરન્ટમાં બેઠા એની રાહ જોઈ રહ્યા હતા. આશુતોષ એ બધાને જોતા જ ઓળખી ગયો હતો. વરસો બાદ એ આ સૌને મળી રહ્યો હતો છતાં એમને જોતા જ ઓળખાણનો એક અંકુર એના મનમાં ફૂટી નીકળ્યો હતો. બંને છોકરીઓ એને સારી રીતે યાદ હતી. સ્કૂલ સમયે સાવ પાતળી લાગતી એ બંને હવે થોડી ફૂલી ગઈ હતી પણ એમના ચહેરા પર કંઈક એવું હતું જેને જોઈને આશુતોષને લાગ્યું હતું કે એ તેમને વરસોથી ઓળખે છે. એના એક મિત્રના વાળ ઓછા થયા હતા, એક શરીરે થોડો મેદસ્વી થઈ ગયો તો બીજો સુકાયો હતો. એ બધા પરણી ગયેલા હતા અને એમના ઘરની, પતિપત્ની વચ્ચેના સંબંધોની રમૂજી શૈલીમાં વાતો કરી રહ્યા હતા.
આશુતોષ ઘડીભર લાવણ્યા સામે તાકી રહ્યો હતો. એને નવાઈ લાગી રહી કે આ જ એ છોકરી છે જે હમણાં થોડા દિવસો પહેલા એના માટે સર્વસ્વ હતી? આજે એને એવી કોઈ જ લાગણી નહોતી અનુભાઈ રહી. એ છોકરીમાંથી સ્ત્રી બની હતી, કોઈકની પત્ની, માતા બની હતી, શરીરે બદલાઈ હતી એ બધા સહિત એ તેને ચાહતો હતો. એ એને માટે એનો પહેલો પ્રેમ હતી અને કોઈ પણ પરિસ્થિતિમાં આવકાર્ય હતી. હજી આજે પણ એ જો આશુતોષને કંઈ કહે તો એને ના પાડવાની એની હિંમત નહોતી થવાની, એ કોઈપણ ભોગે એને મદદ કરવા તૈયાર થઈ શકે એમ હતો પણ હવે એ એના પ્રેમમાં ન હતો. હવે એ એને માટે એક સ્કૂલ ફ્રેન્ડથી વધારે કંઈ જ નહોતી.
આ બધા વિચારો સાથે એ એક બીજી વાત પણ નોંધી રહ્યો હતો. આ બધાના ચહેરા પર બદલાતા જતા હાવભાવ. વાત કરતી વખતે એમના અવાજના રણકામાં, બોલવાના ભાવમાં, આવતા ઉતાર ચઢાવ. એમના ચહેરા પર રહેલી અસંખ્ય ઝીણી ઝીણી રેખાઓ જે પોતાની વાત કહેતી કે બીજાની વાત સાંભળતી વખતે હલનચલન કરતી હતી. એને લાગ્યું કે સુખી અને રુચિ બંનેમાં એ વસ્તુ નહતી, એ બોલતી હોય ત્યારે એમના હોઠ અને આંખો કંઈક વિચિત્ર રીતે હલતા હતા.
“અરે શું વિચારમાં ડૂબી ગયો છે આશુતોષ?" એક મિત્રએ કહ્યું.
“આ હજી એવો ને એવો જ રહ્યો! જો ને સહેજે બદલાયો નથી. સ્કૂલમાં પણ આમ જ શાંત રહેતો." લાવણ્યા કહી રહી હતી.
આશુતોષને થયું કે વાહ, એણે એની હાજરીની નોંધ લીધી હતી. એને એ પણ ખયાલ આવ્યો હશે કે પોતે એને ચાહતો હતો, એની પાછળ પાગલ હતો?
જમવાનું પતાવી બંને છોકરીઓ વોશરૂમમાં ગઈ હતી ત્યાં એક મિત્રે આશુતોષને પૂછ્યું, “હજી તું લાવણ્યાને યાદ કરે છે? મુવ ઓન યાર. હવે એ બધું ભૂલી કોઈ નવી છોકરી સાથે આગળ વધ."
“એ બધું તો સ્કૂલ છૂટી એવું જ પાછળ રહી ગયું હતું. કોલેજમાં મને બીજી છોકરીઓ ગમી હતી અને હાલ હું એક બીજી નવી છોકરી સાથે છું. બે મહિના બાદ કદાચ અમે પરણી જઈશું.” આશુતોષે એના ફોનમાં ગેલેરી ખોલી અને દોદોહીનો ફોટો કાઢી સૌને બતાવ્યો.
સૌ આંખો ફાડીને એ ફોટાને જોતા રહી ગયા. એ ખરેખર ખૂબ સુંદર હતી. એકાદ મિનિટ મૌન રહી સૌ પછી આશુતોષને ઘેરી વળ્યા.
“આટલી સુંદર છોકરી તે પટાવી કેવી રીતે?"
“મને નથી લાગતું કે તું જાતે એને પટાવી શકે, નક્કી આ તારા માબાપે બતાવેલું સગું હશે."
“તને એ છોકરી ગમી એ તો સમજ્યા હવે પણ એને તું કેવી રીતે ગમી ગયો?"
આશુતોષે તરત એક વાર્તા ઘડી કાઢતા જણાવ્યું કે એમની મુલાકાત એક ડેટિંગ એપ દ્વારા થઈ હતી. એની સાથે વાતો કરતા કરતા જ એ એના પ્રેમમાં પડી ગયો હતો..
“અરે યાર આજકાલ રોજ છાપામાં ફ્રોડના કેસ આવતા હોય છે. કેટલાક લોકો આવી સુંદર છોકરીઓને વેલસેટ છોકરાઓ સાથે પરણાવવાની લાલચ આપી એમને લૂંટી લેતા હોય એવા બનાવ પણ બને છે. તું ધ્યાન રાખજે કોઈ લૂંટારી દુલ્હનના હાથે ફસાઈ ના જતો."
લાવણ્યા અને એની સાથેની છોકરી વોશરૂમમાંથી આવી ગઈ હતી અને બધા પુરુષોએ એમની ચર્ચા અટકાવી. સૌ હવે છુટા પડવા અને ગાંધીનગરમાં મળવા વિશે ચર્ચા કરી રહ્યા હતા. આશુતોષ ગાંધીનગર નહોતો જવાનો એટલે એને એ ચર્ચામાં આમેય કોઈ રસ નહોતો. છેલ્લે જે વાત થઈ, લગ્નને નામે થતા ફ્રોડ અને લૂંટારી દુલ્હન, એ વિશે જાણીને એના મગજમાં એને લગતા જ વિચાર હવે ચાલી રહ્યા હતા. નિર્ઝરે એનો ફોન હેક કર્યો હતો, બે અજાણી સ્ત્રીઓની એના ઘરમાં અવરજવર હતી, આ બધું જ એને હવે શંકાસ્પદ લાગી રહ્યું હતું.
રાત્રે મોડેથી એ ઘરે આવ્યો ત્યારે થાકેલો હતો. શરીર કરતાય મનનો, વિચારોનો થાક વધારે હતો ને એણે પથારીમાં પડતું મૂક્યું હતું.
આશુતોષ સૂઈ ગયો ત્યારે એના ફૉન પર મહેન્દ્રનો એક મેસેજ આવ્યો હતો.
“આશુતોષ સાહેબ, મારે તમારી સાથે થોડી વાત કરવી છે.
એક મોટો ગુનો થવા જઈ રહ્યો છે. આપણે સતર્ક રહી એને અટકાવી શકીશું.
રાતના મોડું થઈ ગયું હોવાથી હું ફોન નથી કરી રહ્યો. હું આવતીકાલે ઓફિસમાં રૂબરૂમાં જ તમારી સાથે વાત કરીશ.
-મહેન્દ્ર