11 TASKS - 24 in Gujarati Thriller by Niyati Kapadia Nirjhar books and stories PDF | 11 ટાસ્ક્સ - Chapter 24

Featured Books
Categories
Share

11 ટાસ્ક્સ - Chapter 24

1સવારે આશુતોષ વહેલો ઉઠ્યો હતો. મોર્નિંગ વોક માટે જવું કે નહીં એમ વિચારતા એણે પોતાની ફિટનેસ સુધારવા પર ફોકસ કર્યું હતું ને એ ઊભો થયો હતો.
લગભગ પંદરેક મિનિટ ચાલી લીધા બાદ એણે ફોન હાથમાં લીધો હતો. આજે ફરી સવાર સવારમાં નિર્ઝરનો મેસેજ જોવાની એની સહેજે ઈચ્છા નહતી. કમને એણે વોટ્સેપ ઓપન કર્યું ત્યાં જ મહેન્દ્રનો મેસેજ જોયો. એ હજી તો કંઈ વિચારે એ પહેલા નિર્ઝરનો મેસેજ આવી ગયો.
“આ મહેન્દ્ર શું વાત કરી રહ્યો છે? શેનો ગુનો થવા જઈ રહ્યો છે?”
આશુતોષને હવે ખરેખર ચીઢ ચઢી. એક તો નિર્ઝર એના ફોન પર આવેલા દરેક મેસેજ વાંચતી હતી, ઉપરથી એ એને જણાવતી પણ હતી કે હું તારા મેસેજ જોઈ રહી છું!
“તારે બધી વાતમાં માથું મારવાની જરૂર નથી. એ અમારી ઓફિસની અંગત વાત હોય શકે છે.”
“એવું જ હોવું જોઈએ. તું સાચું કહે છે પણ અમારી કંપનીની પોલિસી માટે આ બધું કરવું પડે છે. એ બધું તારા ભલા માટે છે.”
“હું કોઈ નાનો બાબલો નથી અને જો આ બધું મારા ભલા માટે જ હોય તો હું હાલ કહું છું કે મારે એવી કોઈ ભલાઈ નથી જોઈતી. તું મારો ફોન ફ્રી કર.”
“હું દિલગીર છું પણ હું એમ નહીં કરી શકું. એ અમારી પોલિસી વિરૂધ્ધનું છે. જેવા તારા દોદોહી સાથે લગ્ન થઈ જશે હું તારો ફોન ફ્રી કરી દઈશ પણ ત્યાં સુધી તારે આ ચલાવવું પડશે.”
“મારે હાલ તારી સાથે કોઈ વાત નથી કરવી.”
“ઠીક છે, આવતી કાલે રવિવાર છે અને તારી દોદોહી સાથેની મુલાકાત ફિક્સ છે એ યાદ રાખજે. તારે બ્યુટીકેરની હેલ્પ લેવી જોઈએ એવું મારું માનવું છે. પહેલી વખત તારે કોઈ ચાર્જ આપવાનો નહીં થાય. અમારી કંપની તરફથી તને બધી જ સેવા મફત મળશે.”
“પહેલી વાર ફ્રી ને પછીથી કેટલાના ખાડામાં ઉતારશો?”
“પછીથી એમાં પણ ઇએમઆઇ મુજબ ચૂકવણી થઈ શકશે.”
“હું જો ઇએમઆઇ ના ચૂકવી શકું તો?”
“તો અમારી કંપની પાસે બીજા પણ ઘણા વિકલ્પ છે જેની જાણકારી તમને એ વખતે આપવામાં આવશે. તમારે બીજું કંઈ પૂછવું છે?”
“ના.”
“ધન્યવાદ, તો હું રજા લઉ. તમારો દિવસ શુભ રહે.”
આશુતોષ ઘરે આવ્યો ને બાથરૂમમાં ઘૂસ્યો. કમર પર ટુવાલ લપેટી એ બહાર આવ્યો ત્યારે રુચિ બેડ પરની ચાદર ઠીક કરી રહી હતી અને સુખી ખૂણામાં આવેલા સ્ટડી ટેબલ પર નાસ્તો ગોઠવી રહી હતી. પોતાના બેડરૂમમાં બે બે સ્ત્રીઓને ઉભેલી જોઈ એને ગુસ્સો આવ્યો છતાં એણે શાંતિથી એક એક શબ્દ પર વજન આપી કહ્યું,
“હું બાથરૂમમાં હોઉં ત્યારે તમારે બંનેએ બેડરૂમમાં નહીં આવવાનું. જે પણ કામ હોય એ બેડરૂમની બહાર પતાવવાનું.“
“ઠીક છે સર, હવેથી એમ જ થશે." સુખી અને રુચિ બંને વારાફરતી બોલી.
“એક બીજી વાત હું બેડરૂમમાં હોઉં ત્યારે અંદર આવતા પહેલા તમારે દરવાજો ખખડાવી મારી રજા લેવાની પછી જ અંદર આવવાનું."
બંને એ એ વાત પણ મંજૂર રાખી.
“હવે બન્ને બહાર જાઓ."
“જી સર."
બન્ને ગઈ પછી આશુતોષે ટુવાલ હટાવી કપડા પહેર્યા. નાસ્તામાં આજે ઓરેન્જ જ્યુસ અને ઉપમા હતો. એણે સુખીને બૂમ મારીને પૂછ્યું, “ચા નથી બનાવી?"
તરત જ સુખી આવી તો ખરી પણ એ દરવાજે ઊભી રહી ગઈ ને દરવાજો ખખડાવી પૂછ્યું, “હું અંદર આવું સર?"
આશુતોષ ખીજવાયો છતાં એણે શાંતિથી કહ્યું, “આવ. હું બોલાવતો હોઉં ત્યારે અંદર આવવા મારી રજા લેવાની જરૂર નથી."
“જી સર.“
“આજે ચા કેમ નથી બનાવી?“
“મને એમ કે સવારના તમને ઓરેન્જ જ્યુસ પસંદ આવશે.“
“એ તો પસંદ આવ્યો પણ ચા ક્યાં?“
“એટલે તમે જ્યુસ સાથે ચા પણ લેશો?"
“હા, હું પહેલા જ્યુસ પીશ, પછી ઉપમા ખાતા વચ્ચે વચ્ચે ચા પણ લઈશ. જો સવારમાં ભલે ગમ્મે તે બનાવ્યું હોય મારે એક કપ ચા જોઈશે જ, સમજાઈ ગયું?"
“હા, સર. હાલ ચા બનાવી લાવું?"
“નહીં, હવે મને લેટ થશે."
સુખી ત્યાં જ પૂતળાની જેમ ઊભી રહી ગઈ હતી. આશુતોષે એની સામે જોઈ કહ્યું, “હજી અહીં ઊભી કેમ છે? જા જઈને તારું કામ પતાવ."
“જી સર." સુખી પાછી ગઈ.
આશુતોષને આજ બંને છોકરીઓને જોઈને મનોમન ગુસ્સો આવી રહ્યો હતો. એ બંને એને અજીબ નમૂના જેવી લાગી રહી હતી. એ ખરેખર ભોળી ને નાદાન હશે કે એવા બનવાની એક્ટિંગ કરી હશે એ વાત એને સમજાઈ નહોતી રહી પણ જો ખરેખર એ બંને સાવ ભોળી હોવાની એક્ટિંગ કરી રહી હોય તો એમને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવો પડે! મહેન્દ્ર આ બન્નેમાંથી કોના પ્રેમમાં હશે એ નક્કી કરવું મુશ્કેલ હતું પણ એ જાણતો હતો કે બન્નેમાંથી જે પણ હા કહેશે એને મહેન્દ્ર પ્રેમ કરવા લાગશે. આખરે તો બંને છોકરીઓ ખૂબસુરત હતી અને એક ઉંમર વીતી જવા છતાં કુંવારા રહી ગયેલા પુરુષને આવી છોકરી મળતી હોય તો બીજું જોઈએ શું?
એ ઑફિસ પહોંચ્યો. થોડીક વાર કામમાં વ્યસ્ત રહ્યા બાદ એ જેવો ફ્રી થયો કે એણે મહેન્દ્રને બોલાવ્યો.
“આ ગઈ કાલ રાત્રે તે મને શું મેસેજ કર્યો છે?" જેવો મહેન્દ્ર એની કેબિનમાં આવ્યો એવું જ એણે પૂછ્યું.
“હું તમને એ જ વાત કરવા આવ્યો છું, સાહેબ મારા. તમે મારો વિશ્વાસ નહીં કરો પણ હું જે કહેવા જઈ રહ્યો છું એ સો ટકા સાચું છે."
આશુતોષ આગળની વાત સાંભળવા અધીરો થઈ રહ્યો હતો ને આ વાતમાં મોણ નાખી રહ્યો હતો.
“તું પહેલા વાત ચાલુ તો કર."
“થોડી ખાનગી કહી શકાય એવી વાત છે. હું દરવાજો આડો કરી દઉં?"
આશુતોષે આંખોથી જ સહમતિ આપી એટલે મહેન્દ્રએ કેબિનનો દરવાજો આડો કરી, ટેબલની એકદમ નજીક આવી કહ્યું, “ગઈ કાલે મેં એનો પીછો કર્યો હતો."
“કોનો? તું કોની વાત કરે છે?"
“અરે મારા સાહેબ તમારે ત્યાં કામ કરવા આવે છે એ બે છોકરીઓની વાત કરું છું. આ ગઈ કાલે તમે કહ્યું હતું ને કે તમે બહાર જવાના છો એટલે મને એમ કે સાંજે વધારે રાંધવાનું નહીં હોવાથી એ લોકો જલદી કામ પતાવીને ઘરે જવા નીકળે ત્યારે હું એમને રોકીને મારા દિલની વાત કહીશ. એ લોકો લગભગ સાડા સાત વાગ્યે તમારા ઘરેથી નીકળી હતી. હું એમની પાછળ જ હતો. મારે એમને ઊભા રાખી વાત કરવી હતી પણ આમ કોઈ અજાણી સ્ત્રીને રસ્તા વચ્ચે કેમની ઊભી રાખી શકાય. હું એમની પાછળ ચાલી રહ્યો હતો. મને એમ કે એ લોકો બસ કે રિક્ષા જેવું કંઈક સાધન લે એટલે હું પણ એમની સાથે જ એમાં ચઢી જઈશ અને પછી વાત કરીશ. એ લોકો ચાલતી ચાલતી આગળ જઈ રહી હતી. બાપ રે, શું સ્પીડ હતી એ બંનેની! હું શું વાત કરું મારા સાહેબ, હું એટલી ઝડપથી ચાલી રહ્યો હતો, લગભગ દોડી રહ્યો હતો તોય એમને પહોંચી ન વળ્યો. એ ચાલતી ચાલતી ઘડીમાં તો ક્યાંયની ક્યાંય નીકળી ગઈ. હું થાકી ગયો હતો. મેં જોયું કે એ લોકો એક બિલ્ડિંગના કંપાઉન્ડમાં જઈ રહી હતી એટલે ઉતાવળે ચાલતો હું છેક કમ્પાઉન્ડના ઝાંપા લગી પહોંચ્યો અને પછી થોડીવાર થાક ખાવા રોકાયો. મારા પેટમાં ડાબી બાજુએ એવું દુખવા ચઢ્યું’તું. જો એ દુખાવો ન ઉપડ્યો હૉટ તો મેં છેક લગી એ છોકરીઓનો પીંછો કર્યો હોત. મારી નજર તો એમની પર જ બરાબર ટીંગાયેલી હતી. એ કઈ બિલ્ડિંગમાં ગઈ હતી એની મને ખબર પડેલી પણ કયા માળે ગઈ હશે એ મારે શોધવાનું હતું. મને એમ કે એમના ઘરનું કોઈ બહાર ઊભું હશે તો એને જોઈને જ ખ્યાલ આવી જશે કે આ બધા એક જ ફેમિલીના છે. જ્યાં કોઈ બહાર નહીં ઉભું હોય ત્યાં હું બેલ મારીને જોઈ લઈશ."
“હું સીધો એમની બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ઘૂસી ગયો હતો. ત્યાં ટોટલ ચાર બિલ્ડિંગ હતી એમાંની એકના ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભો હું આગળ જવું કે નહીં એમ વિચારી રહ્યો હતો. ત્યાંજ એક ફ્લેટની અંદરથી એક છોકરીનો અવાજ સાંભળી મેં એ ફલેટના દરવાજે બેલ મારી હતી. તરત જ દરવાજો ખૂલ્યો હતો. સામે એક છોકરી ઊભી હતી. એની મોકળાશ પણ તમારે ત્યાં કામ કરતી છોકરીઓ જેવી જ હતી. મને એમ કે ઘર મળી ગયું. ત્યાં તો એ કહે, ‘તમે અહીં કેમ આવ્યા છો, તમારે કોનું કામ છે?’ હું હજી તો કંઈ વિચારું, કંઈ જવાબ આપું એ પહેલા તો ફ્લેટની અંદર એક જાડિયો મૂછછડ માણસ મારી સામે તાકી રહેલો દેખાયો. એણે એ દરવાજે ઉભેલી છોકરીને અંદર બોલાવી અને એ મારી તરફ આવ્યો."
“મારામાં એક જન્મજાત આવડત છે, મને કંઈક નવાજુની થવાની હોય તો પહેલેથી જાણ થઇ જાય, સામેવાળો મારી ધોલાઈ કરવાનો હોય તો હું પહેલેથી જ ચેતી જાઉં છું. એવા સંજોગોમાં ત્યાંથી ભાગી જવામાં મારી માસ્ટરી છે.એ જાડિયાને જોતા જ હું ત્યાંથી ભાગ્યો હતો. મને ભાગતો જોઈ એ જાડયાપાડયા માણસે બૂમ મારી ચોકીદારને કહ્યું કે, ‘ સિક્યુરિટી, જોજે આ ગેટ તરફ ભાગ્યો છે, એ બહાર ના જવો જોઈએ.’ હું સમજી ગયો કે આ જાડિયો અને ચોકીદાર બંને મળીને મને બિલ્ડીંગની બહાર નહીં જવા દે. જાડિયો મુચ્છડ મારી તરફ આવી રહ્યો હતો જ્યારે કે હું ચોકીદાર ઉભો હતો એ તરફ ભાગી રહ્યો હતો. ઘડીકમાં જ મારા મનમાં વિસ્ફોટ થયો કે આ હું શું કરી રહ્યો હતો. હું તો સામે ચાલીને બે પહેલવાનો વચ્ચે સેન્ડવીચ થવા જઈ રહ્યો હતો. એક જ પળમાં મેં નિર્ણય લીધો ને હું દોડીને બિલ્ડિંગમાં ઉપર જવા આવેલી સિડી તરફ ભાગ્યો. બીજું કોઈ રસ્તો ના સૂઝતા હું સિડી ચડવા લાગ્યો. મારું નસીબ સારું કે ઉપરના માળે એક ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો. હું એમાં ઘૂસી ગયો ને મેં બારણું અંદરથી વાસી દીધું. ત્યાંથી હું બાલ્કનીમાં સંતાઈ રહ્યો હતો. એ જાડિયો એક એક કરી બધા ફલેટના બારણા ખોલાવી રહ્યો હતો ને હું ફફડતો બાલ્કનીમાં બેઠો રાહ જોઈ રહ્યો હતો કે સહેજ તક મળે તો કૂદીને નીચે જઈ ભાગી જાઉં."
એ થોડીવાર અટક્યો હતો. આશુતોષ રાહ જોઈ રહ્યો હતો કે કંઈક નવું, કંઈક ઇન્ટ્રેસ્ટિંગ આવે.
“એ લોકોએ પછી ઉપરના માળે જઈને તપાસ કરી હતી. હું ઉંદરની જેમ બાલ્કનીમાં ભરાઈ રહ્યો હતો. એકવાર તો થયું કે હું બહાર જાઉં ને કહી દઉં કે હું શા માટે અહીં આવ્યો હતો. હું થોડો જ કોઈ ચોર કે કે બદમાશ હતો, પણ મારી હિંમત ના થઈ. મારી વાત સાંભળ્યા પહેલા જ એ જાડિયો મને મારવા લે એવી શક્યતા વધારે હતી. મેં જોયું કે ગેટ પરનો ચોકીદાર અને પેલો જાડિયો મૂછ્છડ બંને ઉપર ગયા હતા મતલબ કે ગેટ પાસે કોઈ ચોકી પહેરો નહોતો. હું બાલ્કનીમાંથી નીચે કૂદી પડવાનું વિચારી રહ્યો હતો. મેં કઠેડા પરથી નમીને નીચે જોયું તો નીચે પથ્થર નાંખેલા હતા. જો હું સરખી રીતે ના પડું તો મારા હાથપગ ભાંગે એવી પૂરી શક્યતા હતી. ફ્રેકચર થાય, મહિનો પાટો બાંધવો પડે એની મને ફિકર નહોતી પણ સાલું નીચે પડ્યા બાદ જો હું ઊભો ના થઈ શકું તો મારું આવી બને. એ લોકો તો પછી મને ચોર જ કહી દે ને. ભલા કોઈ શરીફ માણસ કોઈક અજાણ્યાની બાલ્કનીમાંથી ભૂસકો શા માટે મારે? હું કોઈક બીજો રસ્તો વિચારી રહ્યો હતો. મનમાં એમ પણ થયું કે અંધારું થઈ જાય ત્યાં સુધી અહીં જ રાહ જોઉં. આ લોકો આઘાપાછા હોય ત્યારે પછી અંધારાનો લાભ લઈ નીકળી જવાશે. હું ખાસ્સી વાર સુધી બાલ્કનીમાં ભરાઈ રહ્યો હતો. એ જાડિયો ને ચોકીદાર પછી નીચે આવ્યા હતા. હું જે ફ્લેટમાં છુપાયો હતો ત્યાં આવીને એમણે કહ્યું કે એ ભાગી ગયો લાગે છે, ઉપર કોઈ નથી. ચોકીદાર નીચે ચાલ્યો ગયો એટલે એ જાડિયાએ પછી કશુંક કહ્યું હતું. એ શું બોલ્યો એની મને ખબર નહોતી પડી પણ એક કમરામાંથી બે નાજુક ફૂલ જેવી છોકરીઓ બહાર આવી હતી."
આશુતોષ ક્યારનોય એની લાંબીલચક વાત સાંભળી કંટાળ્યો હતો. હવે જ એમાં કંઈક રસ પડે એવું આવ્યું હતું ત્યાં એ પાછો અટકી ગયો હતો.
“ચાલ હવે તારી વાત પૂરી કર. અત્યાર સુધી મને એવું કંઈ નથી મળ્યું જે કંઈક ગલત હોય."
“મેઈન વાત જ હવે આવે છે મારા સાહેબ. હું જે કહીશ એ તમે માની નહીં શકો પણ મેં મારી આ બે સગ્ગી આંખે એવું બનતું જોયું છે.એ જાડિયાએ કંઈક વિચિત્ર કહ્યું ને કમરામાંથી બે નાજુક ફૂલ જેવી છોકરીઓ બહાર આવી. એ બંને છોકરીઓ સાવ એટલે સાવ નાગી હતી. સમખાવા પૂરતું એક કપડું એમના અંગ પર નહોતું. એ બિચારી આવીને એ જાડિયા આગળ ઊભી રહી ગઈ હતી. હું તો આંખો ફાડીને આ દૃશ્ય જોઈ રહ્યો હતો. મનમાં તો થતું હતું જે થવાનું હોય તે થઈ જાય, હું અંદર જઈ પેલા નરાધમ માણસ પર હલ્લો કરી દઉં. એક સેકન્ડ માટે મેં એનું ને પછી મારું કદ જોયું હતું ને વિચારેલું કે હાલ હલ્લો કરી દેવાથી કોઈ લાભ નથી થવાનો. આવા લોકોને પોલીસને હવાલે કરી દેવા એ જ એક કાયમી ઉપાય છે. હું બાલ્કનીમાં ઉભો હતો અને એનો ગ્લાસ મેં બંધ કરી દીધો હતો એટલે એ લોકો મને જોઈ શકતા નહોતા. રૂમમાં લાઇટ ચાલુ હતી એટલે હું એમને સ્પષ્ટપણે જોઈ શકતો હતો પણ બહાર અંધારું હોવાથી હું એમને નહોતો દેખાતો. રૂમની અંદર પહેલા પેલો જાડિયો અવળો ફરીને ઊભો હતો અને એની સામે બે નાગી છોકરીઓ. એમના મોઢાં જોઈ હું કહી શકું કે એ આપણા અહીંની નહોતી. એ મહારાષ્ટ્રીયન કે ગુજરાતી તો બિલકુલ નહોતી. એ કોઈક બીજા જ રાજ્ય કે દેશમાંથી આવી હોય એવી એકદમ ગુલાબી ચામડીની હતી. પેલા રાક્ષસે એ બંને યુવતીઓની ગરદન પકડી હતી. મને એ સરખું દેખાયુ નહોતું પણ એણે કંઈક તો વિચિત્ર રીતે વાર કર્યો હતો ને એ બંને છોકરીઓ જાણે બેભાન થઈ ગઈ હોય એમ સાવ લસ્ત થઈ ગઈ હતી. એમની આંખો બંધ થઈ ગઈ હતી ને એ રાક્ષસે એ બંનેને પોતાની એક એક બગલમાં દબાવી ઉઠાવી લીધી હતી. મને એટલો તો ગુસ્સો આવી રહ્યો હતો પણ હું કશું જ કરી શકું એવી હાલતમાં નહોતો. એ સાલો એ બંને છોકરીઓને ઉઠાવીને અંદરના રૂમમાં ચાલી ગયો હતો ને મેં એ મોકાનો ફાયદો ઉઠાવી બાલ્કનીમાંથી નીચે પડતું મૂક્યું હતું. પડવાની બીક તો ઘણીય લાગી હતી સાહેબ મારા, પણ જે દૃશ્ય અંદર જોયું હતું એ જોઈ હું હલી ગયો હતો. એ બિચારી સ્ત્રીઓની મજબૂરી જોઈ ભલભલા પીગળી જાય ત્યારે હું તો પહેલેથી ખૂબ લાગણીશીલ છું. હું નીચે કૂદ્યો ત્યારે ઊભો ઊભો ને જ પડેલો. મારા ઢીંચણમાં એક જોરદાર સણકો પડેલો પણ હું ઠીક હતો. મેં ધીરે ધીરે ચાલવાનું ચાલું કર્યું હતું. ચોકીદારની નજરે ના પડાય એમ હું અંધારામાં લપાતો છુપાતો છેક ગેટ સુધી પહોંચી ગયો હતો. મારું નસીબ મારી સાથે હતું કે હું ગેટ પાસે પહોંચ્યો ત્યારે ગેટ સહેજ આડો કરેલો હતો, બંધ નહોતો, એના બે પંખીયા વચ્ચે થોડીક જગ્યા હતી. ચોકીદાર જમી રહ્યો હતો. એ કેબિનમાં બેઠેલો હતો ને એનું ધ્યાન એની થાળીમાં હતું. હું બહાર નીકળી ગયો. બહાર નીકળતા જ મેં પાછળ નજર કરી હતી. એ જાડિયો માણસ જે રૂમમાં બે છોકરીઓને ઉઠાવીને લઈ ગયો હતો એની લાઇટ્સ બંધ થઈ હતી ને એ અંધારાનો સાક્ષી બની હું ઊભો રહી ગયો હતો. રહી રહીને મને થતું હતું કે હાલ જ પોલીસને લઈને હું ત્યાં પહોંચી જાઉં ને એ બે છોકરીઓને છોડાવી લઉં. મને એક વિચાર આવી ગયેલો કે જે બે છોકરીઓ તમારે ત્યાં કામ કરે છે એમની પણ ક્યાંક આવી જ હાલત તો નહીં હોય? એ બહુમાળી ઈમારત લગભગ ચાર માળવાળી હતી. દરેક માળ પર બે ફ્લેટ્સ હતા. એમાં કુલ કેટલી છોકરીઓ રહેતી હશે? એ બધી ક્યાંથી આવી હશે? આ લોકો એમને કોઈ લાલચ આપી ઉઠાવી લાવ્યા હશે કે પછી જબરદસ્તી કિડનેપ કરી લઈ આવ્યા હશે? રોજ રોજ એમની પર બળાત્કાર થતો હશે? છી...મને તો આવું બધું વિચારતાય કંઈકનું કંઈક થાય છે. હું ખૂબ પોચા દિલનો માણસ છું મારા સાહેબ. હવે તમે જ આમાંથી કોઈ રસ્તો કાઢો. આપણે એ છોકરીઓને બચાવવી જ છે. તમે સાથે નહીં આવો તો હું એકલો કંઈક કરીશ પણ એમને આવી હાલતમાં તો નહીં જ છોડી શકું."
“તને એ જગ્યાનું એડ્રેસ ખબર છે ને?" આશુતોષે પૂછ્યું. એને દોદોહીનો વિચાર આવી ગયો હતો. એ પણ તો ત્યાં જ રહેતી હતી!
“અરે મારા સાહેબ, આંખો બંધ કરીને પણ હું તમને ત્યાં લઈ જઈ શકું એમ છું. આપણે પોલીસને સાથે લઈને ત્યાં પહોંચી જઈએ?"
“મને લાગે છે કે આપણે પહેલા પૂરી તપાસ કરી લઈએ પછી કોઈ એક્શન લઈએ. ઉતાવળ કરવામાં જો એ લોકો ચેતી ગયા તો રાતોરાત ત્યાંનું બધું જ બદલાઈ જશે. પોલીસ પર પણ વધારે ભરોસો કરવા જેવો નથી. ત્યાં જો કોઈ વ્યવસ્થિત રેકેટ ચાલતું હશે તો શક્ય છે કે પોલીસ પણ એમાં ભળેલી હોય. આપણે ખૂબ વિચારીને આગળનું સ્ટેપ લેવું પડશે."
“હા, એ વાત તમે બરાબર કહી. તમે કહો એમ કરીએ પણ એ છોકરીઓને બચાવી લઈએ."
“હમણાં સુખી કે રુચિ મારું ટિફિન લઈને આવશે. તું બને તો એમની સાથે વાત કરવા પ્રયાસ કરજે પણ ધ્યાન રાખજે સીધેસીધું કંઈ ના પૂછતો. ચાલાકીથી બસ એટલું જાણવાનો પ્રયત્ન કરજે કે એ લોકોને અહીં મુંબઈમાં ફાવે છે? એમને ઘર યાદ આવે છે? એમના પરિવારમાં કોણ કોણ છે વગેરે જેવી સામાન્ય જાણકારી, સમજ્યો?"
“સમજી ગયો મારા સાહેબ. આજે એ કામ થઈ જશે. લંચ બ્રેક પૂરો થાય એટલે હું આવીને તમને રિપોર્ટ આપીશ."
“ચાલ હવે તું જા ને મને મારું કામ કરવા દે."