આશુતોષ દોદોહી સાથે બહાર નીકળ્યો એવું જ એણે પૂછ્યું, “તે મારા સંભારમાં ધનેડુ તરતું જોયું હતું તો મને કહ્યું કેમ નહીં?"
“ઓહ, તમને એ નહોતું દેખાયું? મને તો એમ કે તમે જાણીને એવો સંભાર પી રહ્યા હતા."
“કેવી વાત કરે છે, નજર આગળ દાળમાં જીવાત દેખાય તો એને કોણ પીવે?"
“હું પીવું, મારા માટે ઇટ્સ ઓકે! મને ખબર હતી કે દાળમાં ઇયળ ને ધનેડા છે છતાં મેં એ પીધી."
“તારામાં મગજ જેવું કંઈ છે?" એક તો આશુતોષને જ્યારથી એ જાણ્યું કે એની દાળમાં ધનેડુ હતું અને પોતે એ પી ગયો છે ત્યારથી ઊબકા જેવું થતું હતું એમાં હાલ દોદોહીએ જે કહ્યું એ સાંભળ્યા બાદ એના મગજનો પારો બે ડિગ્રી વધારે ઉપર ગયો હતો.
“નહીં. મારામાં મગજ નથી. હું સેન્ટ્રલ પ્રોસેસર રનિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અલ્ગોરીધમ પર કામ કરું છું જે મને નવું શીખવા, વિચારવા અને નિર્ણય લેવામાં મદદ કરે છે." દોદોહી ચહેરા પર એ જ લોભામણું સ્મિત જાળવી રાખી, માસુમિયત ભરી આંખે કહી રહી હતી.
“અચ્છા, મતલબ કે તું માનવીય ભાવના ને બદલે કોડિંગ થકી ચાલે છે?" આશુતોષ ખાસ્સો અકળાયો હતો ને બીજી જ પળે એને ભાન થયું હતું કે આ છોકરી ક્યાંક એની પરીક્ષા તો નહીં લઈ રહી હોય? એણે તરત જ ગુસ્સા પર કાબુ કરી સહેજ હસીને પૂછ્યું, “તું મારી મજાક ઉડાવી રહી છે, હે ને?"
“નહીં, હું કોઈની પણ મજાક ના ઉડાવી શકું."
“અંદર પેલા વેઇટરે તને ફક્ત એટલું પૂછ્યું હતું કે ફૂડ કેવું લાગ્યું? એના જવાબમાં તું ફક્ત ‘સારું હતું કે ઠીક હતું’ એટલું કહી શકી હોત."
“ના, હું ખોટું ના બોલી શકું."
આશુતોષ ધારીને એની સામે ઊભેલી છોકરીને જોઈ રહ્યો હતો. આજે સાડીમાં એ ખરેખર ખૂબ સુંદર લાગી રહી હતી. એના ચહેરાની માસુમિયત, એની ચમકતી આંખો, એનું ફિગર બધું જ પરફેક્ટ હતું છતાં કશુંક ખૂટતું હતું, કંઈક તો એવું હતું જે નોર્મલ નહતું. એ શું ખૂટતું હતું એ આશુતોષને સમજાઈ નહોતું રહ્યું અને એમાં જ એનો મૂડ ઉડી ગયો હતો. કંઈક વિચારીને એણે પૂછ્યું,
“ઠીક છે તો મારા સવાલનો એકદમ સાચો જવાબ આપ, હું તને કેવો લાગુ છું, મારા વિશે તારે શું કહેવું છે? તું મારી સાથે લગ્ન કરવા બાબતે વિચારે છે?" આશુતોષના શરીરની તમામ એનર્જી એની આંખોમાં આવી ગઈ હતી. એ ભારોભાર લાગણીભરી નજરે દોદોહી સામે તાકી રહ્યો હતો. એને ખરેખર જ એ જાણવું હતું કે પોતે ટૂંક સમયમાં જ જે છોકરીને દિલ ફાડીને ચાહવા લાગ્યો હતો એ એને વિશે શું વિચારે છે...
દોદોહીએ સહેજ પણ વિચલિત થયા વિના, એના ચહેરા પરનું મોહક સ્મિત જાળવી રાખી, આશુતોષની આંખોમાં આંખો પરોવી કહ્યું, “તું પાંચ ફૂટ સાડા અગિયાર ઈંચની ઊંચાઈ ધરાવતો ઘઉંવર્ણો યુવાન છે. તારા શરીર પર વધારાની ચરબી નથી. તારા શરીર પર યોગ્ય પ્રમાણમાં મસલ્સ નથી દેખાતા. તારી આંખો થોડીક વધારે મોટી અને પાંપણો હજી વધારે ભરાવદાર હોત તો એ વધારે પ્રભાવશાળી લાગત. તારી હેર સ્ટાઇલ નેવુંના દશકાના પુરુષો જેવી છે. તારા શરીર પર કેવા કપડાં અનુકૂળ આવશે એ વિશે તને કોઈ ખ્યાલ નથી. તું ટેબલમેનર્સ નથી જાણતો. જમતી વખતે તે બે વખત મોટેથી ઓડકાર લીધા હતા ને સંભાર પીતા તું ધ્યાન રાખવા છતાં અવાજ કરતો હતો. તું ખોરાક ચાવી રહ્યો હોય ત્યારે તારા હોઠ વિચિત્ર રીતે હલતા હોય છે અને ત્યાંથી ‘ચપ, ચપ’ જેવો અવાજ આવતો હોય છે. તને કામ કરવાની સૂઝ નથી. કોમર્સમાં ગ્રેજયુએટ થઈ તું બેન્કિંગ કે ફાઇનાન્સ ક્ષેત્રે કામ કરવાને બદલે ફિલ્મ મેકિંગના વ્યવસાયમાં પડ્યો છે. તારા કામ પ્રમાણે તારી સેલરી ગણી ઓછી છે છતાં તું પોતાની એડ એજન્સી ચાલુ કરવા વિચારી નથી રહ્યો. તું આળસુ છે. તારી પાસે ભવિષ્યનું કોઈ પ્લાનિંગ નથી,"
“સ્ટોપ, સ્ટોપ, મને ખબર પડી ગઈ કે હું કેવો માણસ છું હવે બીજા સવાલનો જવાબ આપ, તું મારી સાથે લગ્ન કરીશ?" આશુતોષે પોતાના ગુણગાન સાંભળવા કરતા ફાઈનલ જવાબ પર ફોકસ કરવાનું જરૂરી માની પૂછ્યું.
“હા, તમે તૈયારી બતાવશો તો હું તમારી સાથે લગ્ન કરીશ."
આશુતોષને સાતે કોઠે દીવા થઈ ગયા છતાં એણે એક સવાલ પૂછ્યો, આમ તો એ સવાલની કોઈ જરૂર નહતી પણ એ છતાં એનાથી પૂછ્યા વગર ના રહેવાયું, “તને મારામાં આટલી બધી ખામીઓ દેખાય છે એ છતાં તું મારી સાથે લગ્ન કરવા રાજી છે એનું કારણ?“
“મારી પોતાની કોઈ મરજી કે પસંદ–નાપસંદ નથી. નિર્ઝરમેમ સૂચના આપે એ પ્રમાણે જ હું કામ કરું છું.”
“ફરીથી નિર્ઝર! આખરે કોણ છે આ નિર્ઝર?" આશુતોષ અજીબ અકળામણ અનુભવી રહ્યો હતો. કશુંક તો એવું હતું જે એની નજર આગળ જ હતું છતાં એ તેને જોઈ નહોતો શકતો અને એ વાત હવે એને ખૂંચી રહી હતી.
“નિર્ઝર મારી ડેવલોપર છે એ જે કમાન આપે એ રીતે કામ કરવા હું ટેવાયેલી છું." ચહેરા પર સહેજ પણ ફેરફાર લાવ્યા વગર એ છોકરી એનું મોહક સ્મિત જેમનું તેમ જાળવી રાખી કહી રહી હતી.
“તું કેવા વિચિત્ર જવાબ આપી રહી છે, મને કંઈ જ સમજાઈ નથી રહ્યું." આશુતોષનું દિલ અને દિમાગ હવે બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. એનું દિલ કહી રહ્યું હતું કે આ તારી પ્રેમિકા છે અને એ તારી સાથે મજાક કરી રહી છે. એ તારી પરીક્ષા લઈ રહી છે એ જોવા કે તું કેટલો સપોર્ટીવ છે. એનું મગજ કહી રહ્યું હતું કે કંઈક તો ખોટું છે, વિચિત્ર છે. એ કોઈ જાળમાં ફસાઈ રહ્યો છે અને દોદોહી એને ફસાવવા માટેનો ચારો માત્ર છે. એક નાની માછલીને પકડવા કાંટામાં જીવાત ભરાવવામાં આવે છે જેથી માછલી આકર્ષાય અને એ જીવાત ખાવા દોડી આવે. જેવી માછલી જીવાત મોઢામાં લે કાંટો એના મોઢામાં ફસાઈ જાય અને માછલી માછીમારની જાળમાં સપડાઈ જાય. આશુતોષને લાગી રહ્યું હતું કે માછલીનો કાંટો એના હોઠમાં ફસાઈ રહ્યો છે, ધીરે ધીરે એ એની પક્કડ મજબૂત કરી રહ્યો છે... એણે પોતાની જાત પર કાબુ મેળવ્યો ને દોદોહી સામે તટસ્થ નજરે જોઈ કહ્યું,
“આઈ લવ યુ દોદોહી! હું તને ખરેખર ચાહવા લાગ્યો છું. તું મારા એક છેલ્લા સવાલનો બિલકુલ સાચો જવાબ આપીશ?"
“હું તારા દરેક સવાલનો સાચો જવાબ આપીશ. તું મને કંઈ પણ પૂછી શકે છે." એણે એ જ હાવભાવ સાથે કહ્યું.
આશુતોષની આંખોમાં પાણી આવી ગયું હતું, એણે મક્કમ મને પૂછ્યું, “તું માણસ છે કે રોબોટ?"
“હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વડે સંચાલિત એક માનવ રોબોટ છું."
એ લોકો જે કેબમાં અહીં આવ્યા હતા એ એમને ઉતારીને ચાલી ગઈ હતી. પાછા ફરવા હવે બીજી કેબ બોલાવવાની હતી અને આશુતોષ જાણે એની બધી જ શક્તિ ખોઈ બેઠો હતો. એણે ખૂબ જ શાંતિથી કહ્યું, “દોદોહી તું આપણા માટે કેબ બોલાવી શકીશ?"
“હા, હું એમ કરી શકીશ. આપણે ક્યાં જવું છે?"
“પહેલા તારા ફ્લેટ પર જઈશું. તને ત્યાં ઉતારી પછી હું મારા ફ્લેટ પર ચાલ્યો જઈશ." એ એકદમ શાંતિથી, અવાજમાં કોઈ પણ પ્રકારના આરોહ અવરોહ ભેળવ્યા વિના કહી રહ્યો હતો.
“ઓકે."
આશુતોષને જાણ હતી કે દોદોહી પાસે એનો મોબાઈલ નથી. એ ખાલી હાથે જ બહાર આવી હતી તો હવે એ કેબ બોલાવવા શું કરશે? એની પોતાની પ્રેમિકા એક છોકરી જ છે, રોબોટ નથી, એ સાબિત કરવા એની એક છેલ્લી પરીક્ષા લઈ રહ્યો રહ્યો હતો.
દોદોહીએ એના ડાબા હાથની હથેળી પર બીજા હાથની આંગળી વડે જાણે મોબાઈલ સ્ક્રીન પર ટાઈપ કરતી હોય એમ કશુંક દબાવ્યું અને પછી આશુતોષ સામે જોઈ કહ્યું, “કેબ બુક થઈ ગઈ. એ આવી રહી છે."
આશુતોષે એનો એક હાથ છાતી પર મૂક્યો, એને લાગ્યું જાણે ત્યાં અચાનક કશીક હલચલ થઈ રહી હતી. એને ત્યાં અચાનક જ ઝીણું દર્દ થઈ રહ્યું હતું, એ હાર્ટએટેક આવ્યાનું દર્દ નહોતું, એનાથી સહેજે ઊતરતું પણ નહતું, એ હાર્ટબ્રેકનું દર્દ હતું!
એની પ્રેમિકાની નાજુક હથેળી એક મોબાઈલ ફોનની જેમ કામ કરે છે એ જોઈ એણે ખુશ થવું કે દુઃખી? એ ના ખુશ હતો, ના દુઃખી, એ મનોમન હસી રહ્યો હતો, ના કોઈ આનંદમાં કે ના કોઈ ગમમાં, એ બસ એમ જ હસી રહ્યો હતો.
ટેક્સી આવી ગઈ. બંને બેઠા અને ટેક્સી ચલાવા લાગી. એમાં એક ગીત ચાલી રહ્યું હતું,
“ચાહા ક્યા..., ક્યા મિલા..., બે વફા...આ... તેરે પ્યાર મેં,"
ગીતની લાઇન સાંભળી આશુતોષ હસી પડ્યો, આ વખતે મનોમન નહીં પણ એ સાચુકલું હસી પડ્યો હતો. ડ્રાઈવરે પૂછ્યું પણ ખરું કે ગીત ચલાવા દઉં કે બંધ કરી દઉં? આશુતોષે એ ચાલવા દીધું...