11 TASKS - 32 in Gujarati Drama by Niyati Kapadia Nirjhar books and stories PDF | 11 ટાસ્ક્સ - Chapter 32

Featured Books
Categories
Share

11 ટાસ્ક્સ - Chapter 32

આશુતોષ ગાડી ચલાવી રહ્યો હતો. એની બાજુની સીટ પર દોદોહી બેઠી હતી. એ ખુશ હતો, એના લગ્ન થઈ ગયા હતા. પરી જેવી સુંદર અને કહ્યાગરી પત્ની એની બાજુમાં બેઠી હતી. ગાડીમાં એક ગીત ચાલી રહ્યું હતું,
“તેરે મેરે મિલન કી યે બેલા, નયા કોઈ ગુલ ખિલાયેગી, નયા કોઈ ગુલ ખિલાયેગી, તભી તો ચંચલ હૈ તેરે નૈના, દેખોના, દેખોના, "
આશુતોષ મૂડમાં આવી ગયો હતો અને એ પણ સાથે સાથે ગાઈ રહ્યો હતો. એણે દોદોહી સામે જોઈ ગાતા ગાતા જ કહ્યું હતું, “દેખોના...દેખોના..."
અચાનક જ દોદોહીના ચહેરા પરની સુંદર આંખોમાંથી બે ડોળા બહાર આવી આશુતોષ તરફ લંબાયા હતા. એ ગોળ, નાના બોલ જેવા, આંખોના ડોળા એક સ્પ્રિંગ સાથે એની આંખોના ખાડા સાથે જોડાયેલા હતા જે આશુતોષ બાજુ વળી એને ચારેબાજુથી નિહાળી રહ્યા હતા.
“શું જોવાનું છે ડાર્લિંગ?" દોદોહી હજી તો બોલી જ રહી હતી કે એટલામાં જ એમની બાજુમાંથી પસાર થઈ રહેલી એક ગાડી એમની ગાડી સાથે અથડાઈ પડી હતી. એ ગાડીમાંથી કોઈ યુવાન “ભૂત ભૂત" ચિલ્લાઈ રહ્યો હતો. આશુતોષની ગાડી બાજુના ડીવાઈડર સાથે જોંશભેર અથડાઈ હતી અને માથે સ્ટિયરિંગ વાગતા એ બેભાન થઈ ગયો હતો.
“હું કહેતી જ હતી કે ગાડી મને ચલાવા દો." દોદોહીએ કહ્યું ને એણે પોતાની આંખોના ગોળા પાછા એની જગ્યાએ અંદર ખેંચી લીધા. એ તરત નીચે ઊતરી અને ડીવાઈડર બાજુનો દરવાજો ખોલવા પ્રયત્ન કરવા લાગી. ગાડી અને ડીવાઈડર વચ્ચે બિલકુલ જગ્યા ન હોવાથી આશુતોષ બેઠો હતો એ તરફનો દરવાજો ખોલવો મુશ્કેલ હતો. દોદોહીએ દરવાજા પાસે ઊભા રહી એની પહેલી આંગળી લાંબી કરી, એમાંથી અચાનક જ એક તેજ લાઈટ બહાર આવી રહી હતી ને એ લાઇટ ગાડી પર જ્યાં જ્યાં પડી ત્યાંથી દરવાજો કપાઈ ગયો. એણે ગાડીમાં બાકોરું પડે એ રીતે દરવાજો કાપ્યો હતો અને પછી એને ત્યાંથી પકડીને ખેંચીને દૂર કર્યો હતો. આશુતોષ બેભાન હતો. દોદોહીએ એને ગાડીમાંથી નાના બાળકની જેમ ઊંચકીને બહાર કાઢ્યો હતો અને એને પોતાના ખભે લટકાવી એ રસ્તા પર દોડવા લાગી હતી. દોડતા દોડતા જ એણે હોસ્પિટલમાં કૉલ કરી જે કંઈ બન્યું એની જાણ કરી હતી અને પોતે દર્દીને લઈ આવી રહી હોવાનું કહ્યું હતું. આસપાસના સૌ આંખો અને મોઢું ફાડીને આ મહિલાને જોઈ રહ્યા હતા. કેટલીય ગાડીઓ એકબીજા સાથે અથડાઈ પડી હતી. રસ્તા પર એક બાર્બી ડોલ જેવી નાજુક છોકરી એના ખભે એક પુરુષને ઉપાડી, ગાડીઓ વચ્ચેથી જગ્યા કરતી  રોકેટ ગતિએ દોડી રહી હતી...
“દોદોહી, બધા આપણને જ જોઈ રહ્યા છે!" આશુતોષે સહેજ ભાનમાં આવતા આંખો ખોલી ચારેબાજુ જોઈ કહ્યું હતું.
“ડોન્ટ વરી, હાલ મારું કામ મારા પતિદેવની રક્ષા કરવાનું છે. હું તમને મરવા નહીં દઉં." એણે જોયું કે રસ્તા પર આગળ સિગ્નલ બંધ હતું. એ ઊભી રહી ગઈ હતી ને બીજી જ પળે એના માથા પરથી એક નાનો પંખો બહાર આવ્યો હતો. એ પંખો જોર જોરથી હેલિકોપટરના પંખાની જેમ ફરી રહ્યો હતો અને થોડીક જ સેકન્ડ્સ બાદ દોદોહી એના ખભે આશુતોષને ઉપાડી હવામાં અધ્ધર ઊડી રહી હતી...
આશુતોષે આંખો ખોલી ને નીચે જોયું તો લોકો બૂમો પાડી રહ્યા હતા.
“સુપર વુમન!"
“સ્પાઇડર ગર્લ!"
“એવેન્જર્સનું નેક્સ્ટ મૂવી ઈન્ડિયામાં બનવાનું છે, આ એની જ કોઈ જાહેરાત લાગે છે." એક યુવાન એના મોબાઈલમાં વિડિઓ ઉતારતો કહી રહ્યો હતો.
“આ બધું શું ચાલી રહ્યું છે?" એક મહિલા આટલું કહીને રસ્તા પર ઢળી પડી હતી.
અચાનક આશુતોષની આંખ ખુલી. સવારનું અલાર્મ વાગી રહ્યું હતું. સફાળા બેઠા થઈ એણે અલાર્મ બંધ કર્યું. એ હજી જાણે માની નહોતો શકતો કે એણે જે કંઈ જોયું તે એક સપનું હતું! થોડીવાર એ બે હાથ વડે ચહેરો ઢાંકીને બેસી રહ્યો. ફરીથી અલાર્મ વાગ્યું. એણે તરત એ બંધ કર્યું.
“સવારે ચાલવા જવું કે નહીં?" એના મનમાં એક નવો સવાલ આવ્યો.
ઇલેવન ટાસ્ક્સ બાય નિર્ઝર, માય ફુટ! શેને માટે આ બધા ટાસ્ક્સ પૂરા કરવા? જ્યારે દોદોહી છોકરીને બદલે એક માનવ રોબોટ હોય ત્યારે આશુતોષની ફિટનેસ સાથે એને શું લાગેવળગે? પોતે ગમ્મે તેવો જ હોય એનાથી એક રોબોટને શું ફરક પડવાનો?
આશુતોષનું માથું દુઃખી રહ્યું હતું. એણે ચાદર ખેંચી માથા પર લીધી અને ફરીથી ઊંઘી ગયો. દસ મિનિટ બાદ ફરીથી અલાર્મ વાગ્યું. આ વખતે એણે અલાર્મ બંધ કરી એના સેલ કાઢી નાંખ્યા, એનો મોબાઇલ ફોન સ્વીચ ઑફ કરી દીધો અને પાછો સૂઈ ગયો.
લગભગ કલાક બાદ રુચિ અને સુખી એને હલાવીને જગાડી રહ્યા હતા. આંખો ખોલતાં જ એની નજર એ બંનેના ચહેરા પર પડી હતી અને એ થોડો બી ગયો હતો.
“કોણ છો? કોણ છો તમે બંને? અંદર કેવી રીતે આવ્યા?”
“સર હું રુચિ અને આ સુખી, અમે તમારે ત્યાં કામ કરીએ છીએ,"
એક છોકરી બોલી રહી હતી. આશુતોષ એને જોઈ રહ્યો હતો. ધીરે ધીરે એ ઊંઘમાંથી બહાર આવી ભાનમાં આવી રહ્યો હતો. એણે એ બંને છોકરીઓને ઓળખી હતી.
“પણ તમે કેમ આમ મને જગાડી રહી છો? માણસને ઊંઘ આવતી હોય તો એ ઊંઘે પણ નહીં?" આશુતોષે પથારીમાં બેઠા થઈ કંઈક ખીજવાઇને કહ્યું.
“સોરી સર, પણ અમને એમ કે તમારી તબિયત ઠીક નથી." સુખીએ કહ્યું.
“અમે રોજ કરતા આજે વહેલા આવી ગયા. નિર્ઝર મેડમે કહ્યું કે તમે આજે ચાલવા નથી ગયા અને તમારું અલાર્મ કલોક તથા મોબાઇલ ફોન પણ બંધ હતો. એમને તમારી ચિંતા થઈ રહી હતી."
આશુતોષને નિર્ઝર એની ચિંતા કરી રહી હતી એ વાત સાંભળી હસવું આવી ગયું હતું. એણે ફોન ફરી સ્વિચ–ઓન કર્યો. નિર્ઝરના ત્રણ મેસેજિસ આવેલા હતા. એ ઉઠ્યો કેમ નથી, એનું એલાર્મ કેમ નથી વાગતું, એવા સવાલ પૂછેલા હતા. એને હાલ કોઈ સાથે વાત કરવાનું મન નહતું. એ ઊભો થઈ બાથરૂમમાં ઘૂસી ગયો.
ઑફિસ પહોંચી એ એની કેબિનમાં ગયો ત્યાં સુધી એનું ધ્યાન નહોતું ગયું. એક ફાઇલ મંગાવવા એણે બેલ મારી ત્યારે મહેન્દ્રને બદલે કોઈક બીજું અંદર આવ્યું ત્યારે એને જાણ થઈ કે આજે મહેન્દ્ર ઓફિસ નથી આવ્યો!
અચાનક જ એને યાદ આવ્યું કે આવતીકાલે પોતે મહેન્દ્રને સાથે લઈને દોદોહીને ઘરે ગયો હતો. પોતે એને કહ્યું હતું કે ઘરે પાછા ફરતી વખતે એ એને સાથે લઈ જશે. સાંજે પછી એની સાથે જે કંઈ બન્યું ત્યાર બાદ એનો મૂડ ખલાસ થઈ ગયો હતો. એણે દોદોહીને એના ઘરે ઉતારી ત્યારે મહેન્દ્રને પાછો લેવાનું એનાથી ભૂલાઈ ગયું હતું! માન્યું કે એ ભૂલી ગયો પણ મહેન્દ્ર ત્યાં શું કરતો હતો? એ એની જાતે કેમ ત્યાંથી નીકળી ના ગયો? ક્યાંક એ કોઈ મુસીબતમાં તો નહીં મુકાયો હોય?
છેલ્લા સવાલે આશુતોષને ચિંતા થઈ આવી. એને લીધે બિચારો મહેન્દ્ર કોઈ તકલીફમાં મુકાય એ સારી વાત નહોતી. આખરે તો એ એના સ્ટાફનો માણસ હતો, એની જવાબદારી હતો. એણે મહેન્દ્રની જગ્યાએ આવેલા યુવાનને પૂછ્યું, “મહેન્દ્રનો કોઈ કૉલ આવ્યો?“
“ના, સર. આમ તો એ રજા પાડવાનો હોય તો એડવાન્સમાં કહીને જતો હોય છે પણ આ વખતે એણે કોઈ વાત નથી કરી. મેં એને ફોન કર્યો તો કહે મેં નોકરી છોડી દીધી છે. હવેથી હું ત્યાં કામ પર નહીં આવું."
“અરે પણ આમ કેવી રીતે એ નોકરી છોડી દઈ શકે?"
“એને ક્યાંક બીજે વધારે પગાર વાળી નોકરી મળી ગઈ હશે. એ હવે પાછો નથી આવવાનો."
આશુતોષે ફાઇલ લીધી અને વિચારમાં પડી ગયો. મહેન્દ્રને મળ્યા વગર કે એની સાથે વાત કર્યા વગર હવે એને ચેન નહીં જ પડે એની એને ખાતરી હતી. એણે ફાઈલમ નજર કરી પણ મન ના માન્યું એટલે ફાઇલ બંધ કરી એણે મહેન્દ્રને ફોન લગાડ્યો.
સામેથી એક આખી રિંગ ગઈ ત્યાર બાદ કૉલ લેવાયો, “હલ્લો," સામેથી એક છોકરીનો અવાજ આવ્યો.
“હાય, હું મહેન્દ્ર સાથે વાત કરી શકું? હું એની ઓફિસમાંથી આશુતોષ બોલું છું."
“થોડીવાર રાહ જુઓ હું સરને પૂછીને જણાવું."
મહેન્દ્રને સર કહેનારી આ છોકરી કોણ હશે એમ વિચારી આશુતોષ રાહ જોતો બેસી રહ્યો. એને ફોનમાંથી સંભળાતું હતું. કોઈ છોકરી મહેન્દ્રને પૂછી રહી હતી કે સર તમે હાલ ફોન પર વાત કરી શકશો? એણે પૂછ્યું હતું કે કોનો ફોન છે અને પછી ફોન લીધો હતો.
“હલ્લો...આશુતોષ સર, હા બોલો."
“તું ક્યાં છે મહેન્દ્ર?"
“ત્યાં જ જ્યાં ગઈ કાલે તમે મને છોડી ગયા હતા."
“હજી તું ત્યાં શું કરે છે? તું તારા ઘરે પાછો કેમ ના ચાલ્યો ગયો?"
“હવે હું અહીં જ રહેવાનો છું. મને અહીં નોકરી અને છોકરી બંને મળી ગઈ છે." એણે કંઈક હસીને કહ્યું.
“અબે તું ગાંડો તો નથી ગયો? તને કંઈ ખબર પણ છે કે ત્યાં શું ચાલે છે?"
“મેં બધી જ તપાસ કરી લીધી છે અને બીજું કે હવે હું તમારે ત્યાં નોકરી નથી કરતો એટલે તમારે મને માનથી બોલાવવો."
આશુતોષને હવે ગુસ્સો આવી રહ્યો હતો. મહેન્દ્ર એક તો પહેલેથી જ બેવકૂફ હતો ઉપરથી એણે શું જાણ્યું અને એ શું સમજ્યો એ આશુતોષને જાણવું જરૂરી લાગતું હતું. એણે એક એક શબ્દ પર વજન આપી દાઢમાં કહ્યું, “મહેન્દ્ર સર આપની પાસે સમય હોય તો મારી સાથે વાત કરી શકશો. તમે ગઈ કાલ સાંજે ત્યાંથી શું જાણ્યું અને અહીંની નોકરી કેમ છોડી દીધી એ વિશે મને બધું જ વિગતે જણાવવાની કૃપા કરશો?"
“હું મારો કેટલોક સામાન ત્યાં પડ્યો છે એ લેવા બપોરે આવવાનો છું. હું તમને રૂબરૂ મળીને જઈશ."
“ઠીક છે હું તારી, સોરી તમારી, રાહ જોઈશ.” આશુતોષે ફોન મૂક્યો. એણે જોયું કે નિર્ઝરનો મેસેજ આવ્યો હતો.
તું આજે ચાલવા કેમ નથી ગયો? જો આવી બેદરકારી નહીં ચાલે. તને સોંપાયેલા ઇલેવન ટાસ્ક્સ તારે બે મહિના સુધી રોજ પૂરા કરવાના છે ત્યાર બાદ જ તારા દોદોહી સાથે લગ્ન શક્ય બનશે એ શરત યાદ છે ને?
આશુતોષને સામે જવાબમાં બે ચાર ગાળ દેવાનું ખૂબ જ મન થઈ રહ્યું હતું પણ એણે મગજ પર કાબુ રાખ્યો. પહેલા તો એને મહેન્દ્ર વિશે જાણવું હતું. એ બેવકૂફ કેમ ત્યાં રોકાઈ ગયો એ વિશે ખબર પડે પછી જ આગળ શું કરવું એ વિશે વિચાર થઈ શકે એવું એને લાગતું હતું. એણે ફોન એના ટેબલ નીચેના ડ્રોઅરમાં જવા દઈ એ બંધ કર્યું ને ફાઇલમાં માથું નમાવ્યું.
બપોરના લંચબ્રેક દરમિયાન આશુતોષ ઘરેથી આવેલા ટિફિનની વાનગીઓ ખાઇ રહ્યો હતો ત્યાં જ એની કેબિનના દરવાજે ટકોરા થયા હતા. એણે સહેજ માથું ઊંચું કરી દરવાજે જોયું તો ત્યાં મહેન્દ્ર ચહેરા પર કંઈક રુવાબ ધારણ કરી ઊભો હતો,
“મે આઈ કમ ઇન મી.આશુતોષ?"
આશુતોષને હસવું આવી રહ્યું હતું. એક તો એણે રોજના ખાખી યુનિફોર્મને બદલે આજે યલો જીન્સ અને લાલ શર્ટ પહેર્યો હતો. માથાના વાળમાં કંઈક અજીબ જેવા વાદળી ને પીળા રંગના લસરકા કરાવી એણે એને અદ્દલ મોરના માથે કલગી હોય એવા કરી મેલ્યા હતા. એના દાંતનો લાલ રંગ ગાયબ થઈ ગયો હતો અને એક એક દાંત મોતી જેવો ચમકી રહ્યો હતો. એણે ચાઇનીઝ બ્રાન્ડના શૂઝ પહેર્યા હતા. આંખે કાળા ચશ્મા હતા આ બધા ઉપરાંત એણે ચહેરા પર ધારણ કરી રાખેલો રુઆબ...
“યસ, યસ, યુ મે કમ ઇન સર!” આશુતોષે સહેજ મલકીને કહ્યું. એ અંદર આવ્યો ને ખુરશી ખેંચી આશુતોષ સામે બેઠો.
“આઈ વોન્ટેડ ટુ રિજાઇન. આઈ ડોન્ટ વોન્ટેડ યોર જોબ. ગીવ મી માય, માય સામાન એન્ડ આઈ વિલ ટેલ બાય બાય ટુ યુ એન્ડ ઘીસ ફટીચર કંપની ફોર હંમેશા માટે.” મહેન્દ્ર એની સ્ટાઇલના અંગ્રેજીમાં અક્કડ થઈ બોલ્યો.
“ફર્સ્ટ ઓફ ઓલ મહેન્દ્રજી ઘીસ ઈઝ નોટ માય કંપની, આઈ એમ જસ્ટ વર્કિંગ હિયર સેમ લાઈક યુ એન્ડ અધર સ્ટાફ મેમ્બર્સ. ઇફ યુ વોન્ટ ટુ ક્વીટ યુ શુડ આસ્ક ટુ ધ સિનિયર ઓથોરિટી."
મહેન્દ્ર આંખો ફાડીને આશુતોષ સામે જોઈ રહ્યો હતો, જેવું આશુતોષે બોલવાનું બંધ કર્યું એણે તરત જ કહ્યું, “મળી ગઈ શાંતિ? મારા જેવો ઓછું ભણેલો પટાવાળો એક દિવસ જો સારા કપડાં પહેરે, થોડું ઘણું અંગ્રેજી બોલી લે તો એ તમારા જેવા સાહેબોથી સહેવાતું નથી!”
“એક્ઝ્યુઝ મી, મેં તમારી સાથે શું એવું શું કર્યું જે મારે ના કરવું જોઈએ?" આશુતોષે ભવા ચઢાવીને પૂછ્યું.
“મને સમજાય નહીં એવું અંગ્રેજી ફાડ્યું! તમને ખબર છે મારું અંગ્રેજી બોલવામાં થોડું કાચું છે એટલે મારી આવી મશ્કરી કરવાની!"
હવે આશુતોષથી ના રહેવાયું ને એ હસી પડ્યો. એણે કહ્યું, “અંગ્રેજીમાં વાત કરવાની શરૂઆત કોણે કરેલી? માનથી બોલાવવાનું કોણે કહ્યું હતું, હમ્મ?"
મહેન્દ્ર પણ હસી પડ્યો અને કહ્યું, “એ તો હું થોડી ગમ્મત કરતો’તો."
“ખરું કહું તો, અહીં હું તમને થૅન્ક યુ કહેવા આવ્યો છું. તમે મને ત્યાં લઈ ગયા ને મારું નસીબ ઊઘડી ગયું." મહેન્દ્ર હવે ગંભીર થઈ કહી રહ્યો હતો.
“મને કંઈ સમજાઈ નથી રહ્યું. તું આખી વાત કર. હું તને ત્યાં મૂકીને ગયો ત્યારથી લઈને અત્યાર સુધી જે જે બન્યું એ બધું જ જણાવ."
“તમે તમારા મેડમને લઈને નીકળ્યા ત્યારે હું એક વિચારમાં હતો. તમને યાદ હોય તો આપણે જ્યારે ઉપર ચોથા માળે પહોંચ્યા હતા ત્યારે ત્યાં બે 902 નંબરના ફ્લેટ હતા. એમાંથી આપણે ક્યાં જવાનું છે એ નક્કી કરવા આપણે બંનેએ એક એક ફ્લેટની ઘંટડી વગાડી હતી. જે દરવાજે મેં ઘંટડી વગાડી હતી એ પહેલો ખુલ્યો હતો અને એમાંથી જે મેડમ મને દેખાઈ હતી એ અદ્દલ તમારા મેડમ જ જેવી દેખાતી હતી. હું એમને પૂછું કે દોદોહી બહેન અહીં રહે છે એ પહેલા તમે મને બોલાવી લીધો હતો. જેવા મેં મેડમને જોયા હું છક થઈ ગયો હતો. સામેવાળા ફ્લેટમાં જાણે એમની જુડવા બહેન રહેતી હતી. તમે લોકો બહાર જવા નીકળ્યા એટલે તરત જ મેં ફ્લેટમાં હાજર છોકરીને પૂછ્યું હતું કે દોદોહી મેડમને કોઈ જુડવા બહેન છે? સામેના ફ્લેટમાં જે છોકરી રહે છે એ કોણ છે?
એ છોકરીએ મને કહ્યું હતું કે દોદોહીને કોઈ બહેન નથી. સામે જે છોકરી રહે છે એ દોદોહી-2 છે."
“પહેલા તો હું કંઈ સમજ્યો નહોતો. મેં એને ચોખ્ખું પૂછ્યું કે તમે કહેવા શું માંગો છો, દોદોહી-1, દોદોહી-2, દોદોહી-3 આ તો શું કોઈ ફેક્ટરીમાંથી નીકળતી પ્રોડક્ટ છે તે એક જ નામ પાછળ નંબર આપી રાખ્યા છે? એ છોકરીએ કહ્યું કે હા, આ એવું જ કંઈક છે. મેં એને કહ્યું કે મને વિગતે સમજાવ, હું અભણ માણસ છું અને મને તારી વાતમાં કંઈ સમજ નથી આવી રહ્યું."
મહેન્દ્ર કોઈ જાતના હાવભાવ વગર આશુતોષ સામે ઘડીક જોઈ રહ્યો પછી કહ્યું, “આગળ હું જે કહેવા જઈ રહ્યો છો એ સાંભળવા તમારે છાતી કઠણ કરવી પડશે સાહેબ. તમે બધું જાણતા હો તો ઠીક નહીંતર તમારાથી વધારે બેવકૂફ માણસ કોઈ નથી. એ છોકરીએ મને કહ્યું કે દોદોહી, સામેવાળા ફ્લેટમાં રહેતી દોદોહી-2, હું અને આ બિલ્ડિંગમાં બીજી જેટલી પણ છોકરીઓ રહે છે, અમે બધી માનવ રોબોટ્સ છે. અમને એવી રીતે તૈયાર કરાઈ છે જેથી અમે માનવોની દુનિયામાં ભળી જઈ માનવોની લાગણી અને જરૂર સમજી અને એમને મદદરૂપ થઈ શકીએ. ભવિષ્યમાં અમારી કંપની માનવીને એમની રોજબરોજની જિંદગીમાં ઉપયોગમાં આવી શકે એવા રોબોટ્સ બનાવીને આપવા માંગે છે. સીધી રીતે કહું તો તમારા ઘરની કામવાળીથી લઈને પત્ની સુધીની ફરજ બજાવી શકે એવી સ્ત્રીઓ એ લોકો તૈયાર કરી રહ્યા છે. તમને જો આલિયા ભટ્ટનો ભોળો ચહેરો ગમતો હોય, પ્રિયંકા ચોપડાનું ફિગર અને સુષ્મિતા કે ઐશ્વર્યા જેવી આંખો જોઈતી હોય એ લોકો આ બધું એમના સ્ત્રી રોબોટમાં ઉમેરી આપશે. એ ઉપરાંત એક સ્ત્રી કે પુરુષ જે જે કામ કરી શકે એ બધું જ આ રોબોટ્સ પણ કરી આપશે, એમનાથી વધારે સારું ને વધારે ઝડપથી કરી આપશે. મેં એને પછી પૂછ્યું કે થોડાક દિવસો પહેલા મેં જાડિયા માણસને બે છોકરીઓને એની બગલમાં ઘાલીને ઉપાડી જતી જોઈ હતી, એ શું હતું? છોકરીઓ સાથે કોઈ આ રીતે કેમ વર્તી શકે? એણે કહ્યું કે એ છોકરીઓ પણ રોબોટ છે અને એમની બેટરી પૂરી થઈ ગઈ હશે એટલે એ જાડિયો માણસ એમને ઉઠાવીને અંદર લઈ ગયો હશે. ત્યાં એણે એ લોકોને ચાર્જ કરવા મૂકી હશે. મેં એને નહોતું કહ્યું કે એ બંને છોકરીઓ જેવી જન્મી હશે એવા જ રૂપે હતી, મતલબ કે સાવ નાગી હતી! હવે આવું બોલતા, એય એક છોકરી આગળ બોલતા, મારી જીભ ના જ ઊપડે. એણે મારી સામે જોયું હતું. મારા ચહેરા પરના ભાવ જોઈ એણે કહ્યું, તમને મારી વાત પર વિશ્વાસ નથી આવતો? લો તમે જાતે ચેક કરી લો, ને એણે શું કર્યું કહું?" મહેન્દ્ર આશુતોષ સામે તાકી રહ્યો.
“હા, આગળ વાત કર."
“અરે મારા સાહેબ, એ છોકરીએ બે હાથ પાછળ લઈ જઈ એના ડ્રેસની ચેન ખોલી નાંખી ને બંને ખભા પરથી ડ્રેસના પડખા નીચે ઉતારી દીધા. હું તો એટલો શરમાઈ ગયો હતો કે મેં મારી બંને આંખો બંધ કરી એની આડે હાથ રાખી દીધો હતો. એણે મારી સામે આવી અવળા ફરી કહ્યું, આ જુઓ. મેં ઝીણી નજરે જોયું તો એની પીઠ પર બે કાણા હતા. આપણા ઈલેક્ટ્રીસિટી બોર્ડ પર હોય એવા જ બે કાણા. એણે કહ્યું કે અહીં ચાર્જર ભરાવી અમને ચાર્જ કરવામાં આવે છે. એક વાર ફુલ ચાર્જ થઈ જાય પછી ચોવીસ કલાક બેટરી ચાલે છે. હું તો અભો બની ગયો હતો. એ છોકરીને મેં પછી સુખી અને રુચિ વિશે પૂછ્યું. એણે કહ્યું કે એ પણ રોબોટ્સ છે. એમને સહેજ અલગ રીતે તૈયાર કરાઈ છે. એમને ખાસ પ્રકારના કામ કરવા માટે જ પ્રોગ્રામ કરાઈ છે. જેમ કે રુચિ સાફસફાઈ કરવા માટે બનાવાઇ છે તો સુખી રસોઈ કરી જાણે છે. એમની અમુક છોકરીઓ ખેતરમાં કામ કરે છે તો અમુક બ્યૂટી પાર્લરનું કામ કરે છે. દુનિયામાં માણસો જે કામ કરી શકે છે એ તમામે કામ એમના  રોબોટ્સ કરી શકશે અને માનવ કરતા વધારે હોશિયારી તથા ચીવટથી કામ કરી આપશે. જ્યારે દરેક જગ્યાએ કામ કરવા માટે રોબોટ મળતા થઈ જશે ત્યારે આ દુનિયાની શકલ બદલાઈ જશે. અહીં પછી દિવસ રાત જોયા વગર સતત કામ ચાલુ રહી શકશે. હડતાળ પર ઉતરી જતા કે પગાર વધારો માંગી માલિકને પરેશાન કરનાર મજૂર  તમને ક્યાંય જોવા નહીં મળે.”
“મેં પછી એને પૂછ્યું કે આ માનવ રોબોટ્સ પણ ખૂબ મોંઘા હશે ને? સામાન્ય માણસ તો એને ખરીદવાનું વિચારી પણ નહીં શકે. એણે કહ્યું કે હાલ આ બધું નવું છે એટલે મોંઘું છું, પછીથી સસ્તું થશે. જેમ કે મોબાઈલ ફોન નવો આવ્યો ત્યારે મોંઘો હતો આજે હવે ઘરની દરેક વ્યક્તિ ના હાથમાં સ્માર્ટ ફોન જોવા મળે છે એમ જ ભવિષ્યમાં દરેક વ્યક્તિ પાસે એનો પર્સનલ રોબોટ હશે. જો કે એ સમય આવવાને હજી વાર છે પણ અમારી કંપનીએ એ દિશામાં કામ કરવાનું ચાલુ કરી દીધું છે. અમારી કંપની માનવ જેવું વિચારી, સમજીને કામ કરી શકે એવા રોબોટ્સ બનાવવા પ્રયત્ન કરી છે. એને માટે જ અમારે પ્રાયોગિક ધોરણે આશુતોષ જેવા છોકરાઓને અમારા સ્ત્રી રોબોટ્સ વાપરવા આમંત્રિત કરાયા છે. મેં એને પૂછ્યું કે આશુતોષ સાહેબ જ કેમ? તો એણે કહ્યું કે એ વિશે એને જાણકારી નથી. શરૂઆતના વીસ સ્ત્રી રોબોટ્સ કોને પત્ની રૂપે આપવા એનો નિર્ણય નિર્ઝર મેમ લે છે. આશુતોષને પણ એમણે જ સિલેક્ટ કર્યો છે."
“મેં એને કહ્યું કે મને આવો કોઈ સ્ત્રી રોબોટ પત્ની રૂપે ના મળી શકે? એ રોબોટ છોકરીએ કહે, હા, ચોક્ક્સ મળી શકે જો તમારી પાસે પાંચ કરોડ કે એનાથી વધારે રૂપિયા હોય તો! મેં કહ્યું કે મારી પાસે જો એટલા રૂપિયા હોત તો હું જીવતી જાગતી સ્ત્રીને આરામથી પરણી શક્યો હોત. હું તો નીચલા મધ્યમવર્ગનો એક નોકરિયાત માણસ છું.”
“મેં પછી અમસ્તુ જ એને પૂછ્યું કે જો મારે તમારી કંપનીમાં કામ કરવું હોય તો? મને અહીં નોકરી મળી શકે? હું સ્ત્રીઓને ખૂબ સારી રીતે સમજું છું અને તમારા બનાવેલા સ્ત્રી રોબોટ્સ કેવા બન્યા છે એનું પરીક્ષણ હું કરી શકીશ. એણે કહ્યું કે અહીં કોને નોકરી આપવી એ નિર્ણય નિર્ઝર મેમ લે છે. તમારે એમને વાત કરવી પડે. મેં એને કહ્યું કે તું જ મારી એમની સાથે વાત કરાવી દે ને. મેં પછી બહુ બધી કાકલુદી કરી એટલે એણે મારી વાત નિર્ઝર મેડમ સાથે કરાવી."
થોડીકવાર અટકીને એણે કહ્યું, “આહ, શું બાઈ છે એ! એનો અવાજ સાંભળીએ તો થાય કે સાંભળ્યા જ કરીએ. એ નકરા ઓર્ડર જ આપે રાખે છે અને તોય એના એક એક ઓર્ડર માટે ફના થઈ જવાનું મન થાય. એણે મારી બધી વાત શાંતિથી સાંભળી ને તરત જ કહ્યું તું આશુતોષની કંપનીમાંથી રાજીનામું આપી દે મારી પાસે તારા માટે એક સરસ નોકરી છે. એણે મને રહેવા માટે એ બિલ્ડિંગમાં જ એક રૂમ ને કામ બંને આપ્યા.”
થોડીકવાર અટકીને મહેન્દ્ર આશુતોષ સામે તાકી રહ્યો હતો. એણે મલકાઈને પૂછ્યું, “એમણે મને શું કામ સોંપ્યું હશે, વિચાર કરો તો?" મહેન્દ્ર વિચિત્ર રીતે હસતો આશુતોષ સામે જોઈ રહ્યો.
“નિર્ઝર મેડમે કામ સોંપ્યું છે તો કંઈક જોરદાર જ હશે. તું એ મેડમને રૂબરૂ મળ્યો કે ખાલી ફોન પર જ વાત થઈ?" આશુતોષ દાઢમાં બોલ્યો.
“મળ્યો નથી, હજી ફોન પર જ વાત થઈ છે પણ શું મેડમ છે, ખરેખર કહેવું પડે. મને તો એમણે ત્યાં રહી એ બધી રોબોટ્સ બાયું  સાથે ઘર ઘર રમવાની નોકરી આપી છે." મહેન્દ્ર થોડુંક શરમાઈને કંઈક વિચિત્ર રીતે હસી રહ્યો હતો.
“ઘર ઘર રમવાની નોકરી એટલે?"
“કહું છું સાહેબ, મારા તો જાણે ભાગ્ય ઊઘડી ગયા. મહિને પચાસ હજાર પગાર, રહેવા જમવાનું મફત ને આખો દિવસ કરવાનું શું તો રૂપાળી રૂપાળી પરી જેવી છોકરીઓને સાથે એમનો પતિ બનીને રહેવાનું. એમને સારી પત્ની બનવાની ટ્રેનિંગ અપાયેલી છે એમાં એ કેટલી ખરી ઉતરી એ મારે નક્કી કરીને એનો રિપોર્ટ આપવાનો. કહો જોઈએ તમને પણ મારી નોકરીની ઈર્ષા આવી ગઈ ને?“ એ પાછો આશુતોષ સામે જોઈ હસી રહ્યો.
“એ રૂપાળીઓ સાચુકલી છોકરી નથી. એ બધી પાવરફુલ માનવ રોબોટ્સ છે એ ખબર છે ને?"
“હા, હવે ખબર છે અને મને એમાં કોઈ વાંધો નથી. એ સાચુકલી છોકરીને બદલે રોબોટ્સ છે એટલે તો મને આ નોકરી મળી. હું તો હવે ત્યાં જ લાગી રહેવાનો. અહીં મારો જે સામાન પડ્યો છે એ લઈ જાઉં છું આ મહિનામાં જેટલા દિવસ મેં કામ કર્યું એનો પગાર આપવાના હો તો મને ગુગલ પે કરી દેજો."
મહેન્દ્ર ઊભો થયો ને બે હાથ જોડી “આવજો સાહેબ” કહી કેબીનની બહાર નીકળી ગયો. આશુતોષ ક્યાંય સુધી એ ગયો તે દિશામાં તાકી રહ્યો. એને સમજાતું નહતું કે આ તે કેવો માણસ છે! સાચુકલી સ્ત્રીને બદલે એ ભલા કોઈ રોબોટ સાથે કેવી રીતે રહી શકે?
એણે બાકીનું ખાવાનું અધૂરું છોડ્યું ને ઊભો થઈ ગયો. સાંજના મોડે સુધી એનું કામ ચાલતું રહ્યું. લગભગ આઠ વાગ્યે એ ઘરે પહોંચ્યો ત્યારે સુખી અને રુચિ એમનું કામ પતાવી ત્યાંથી નીકળી ગયા હતા. એણે કપડાં બદલ્યા અને ફોન લઈ ઘરે ફોન જોડ્યો. એણે એની મમ્મી સાથે વાત કરી. એને સારું લાગ્યું. આજે ફરી એને ગિટાર વગાડવાની ઇચ્છા થઈ આવી હતી. ફલેટના બારી બારણા બંધ કરી એ બેડ પર બેઠો ને ગિટાર એના ખોળામાં મૂકી વગાડવાનું ચાલું કર્યું.