11 TASKS - 33 in Gujarati Drama by Niyati Kapadia Nirjhar books and stories PDF | 11 ટાસ્ક્સ - Chapter 33

Featured Books
Categories
Share

11 ટાસ્ક્સ - Chapter 33

“હેય આશુતોષ...
રાતના મોડે સુધી તું ગિટાર વગાડી રહ્યો હતો એ સારી વાત નથી. તને મળેલા ટાસ્કસ પ્રમાણે રાત્રે તારે ભવિષ્યના સોનેરી સપના જોતા જોતા સૂઈ જવાનું છે.”
સવારે મોર્નિંગ–વોક માટેનું અલાર્મ વાગતા જ આશુતોષ જાગી ગયો હતો. અલાર્મ બંધ કરી એણે ફોન હાથમાં લીધો ત્યારે એનું આ નવા આવેલા મેસેજ તરફ ધ્યાન ગયું હતું. એણે મેસેજ વાંચ્યો ને તરત સામો જવાબ મોકલ્યો.
“તું મને આ બધા મેસેજ મોકલવાનું બંધ ન કરી શકે? એ મને ડિસ્ટર્બ કરે છે. મારે મારા જીવનમાં શું કરવું એ નિર્ણય હું પોતે લઈ શકું છું એને માટે મારે તારી સલાહની કોઈ જરૂર નથી.”
બીજી જ પળે નિર્ઝરનો વળતો મેસેજ આવ્યો.
“હું તને મેસેજ મોકલવાનું બંધ ના કરી શકું. તારી આળસને લીધે હું તને નુકશાન નહીં થવા દઉં.”
“મારી આળસ કે મારી મૂર્ખામી?”
આશુતોષે હસતું ઇમોજી મોકલી નીચે લખ્યું,
“તે જે કોન્ટ્રાક્ટ મને મોકલ્યો હતો એની પીડીએફ ફાઇલ કાલે મેં ફરી એકવાર જોઈ હતી. પાંચેક પાના ભરીને ઝીણા અક્ષરે લખાયેલા એ લખાણમાં ખૂબ ધ્યાનથી વાંચ્યા બાદ મને થોડું સમજાયું હતું. એમાં જે શરતો છે એ તે મને પહેલા જ કેમ સ્પષ્ટ રૂપે નહોતી જણાવી?”
“તે મને પૂછ્યું હોત તો મેં તને જણાવ્યું હોત. મને કેવી રીતે ખબર પડે કે કયું પેપર વાંચીને તને એમાંથી શું નથી સમજાયું? તે જેવું મને કહ્યું કે એમાંની મુખ્ય શરતો અલગ પાડીને મને મોકલી આપ એવું જ મેં એ કામ કરી આપ્યું કે નહીં?”
“દલીલોમાં હું તને ક્યારેય નહીં જીતી શકું, રાઇટ?”
“એવું બની શકે.”
“તે મહેન્દ્રને નોકરીએ શા માટે રાખ્યો? મને કેમ એવી ઓફર ના આપી?”
“મહેન્દ્ર અને તારી વચ્ચે ફરક છે. મહેન્દ્ર અમારા માનવ રોબોટ્સની સામાન્ય ભૂલો પકડી શકે, એક મશીન અને માનવ વચ્ચે સીધી રીતે જે ફરક દેખાઈ આવે એ તે પકડી શકે એનાથી વિશેષ કંઈ નહીં. તું હોશિયાર છે, વધારે ભણેલો યુવાન છે ઉપરાંત તારી પાસે જે માનવ રોબોટ છે એને અમારી કંપનીએ ખાસ તારા માટે જ તને અનુકૂળ આવે એ રીતે પ્રોગ્રામ કર્યો છે. દોદોહી સાથે રહીને તું માનવ અને મશીનની વિચારસરણી વચ્ચેનો બારીક તફાવત પકડી શકીશ, એમની કામ કરવાની રીતમાં કોઈ કચાસ હશે તો એ પણ તું કહી શકે અને અમે એમાં સુધારો લાવશું.”
“પણ હું એવું શા માટે કરું? હું કંઈ તમારી કંપની માટે કામ નથી કરતો. મહેન્દ્રને તમે મહિને પચાસ હજાર રૂપિયા અને રહેવા જમવાની સગવડ આપી રહ્યા છો મને તો કંઈ નથી મળી રહ્યું.”
“તને દોદોહી જેવી સ્ત્રી પત્ની રૂપે મળી રહી છે એ શું નાની વાત છે? તને ખબર છે એને માટે કેટલા કરોડ રૂપિયા ખર્ચવા પડે? તને મફતમાં આટલો એડવાન્સ રોબોટ શા માટે મળી રહ્યો છે એનો તો તું વિચાર કર?”
“હું એ જ વિચારી રહ્યો છું કે તારી કંપની મારા પર આટલી બધી મહેરબાની કેમ કરી રહી છે? તે મને જ શા માટે પસંદ કર્યો? મારા ફોનમાં મેં બધું જ તપાસ્યું છતાં મને કોઈ એવું અજાણ્યું એપ ના મળ્યું જેનાથી તું મારા ફોનમાં ઘૂસી ગઈ છે?”
“હા, એ એપ તારા ફોનમાં હોવા છતાં તું એને નહીં જોઈ શકે. એ એક ઇન્વીઝીબલ એપ છે. તે ભૂતકાળમાં જરૂર કોઈ લિંક પર ક્લિક કર્યું હશે એ સિવાય આ શક્ય નથી.”
“મને યાદ નથી આવતું. બને ત્યાં સુધી હું કોઈ અજાણી લિંક ઓપન નથી જ કરતો. ચાલ માન્યું કે ભૂલથી મેં તારી કંપનીની લિંક પર ક્લિક કરી દીધું તો હવે એમાંથી બહાર આવવા શું કરું? મારે તારી સાથે કોઈ સંપર્ક ન રાખવો હોય તો મારે શું કરવું પડે?”
“અરે આ તું કેવી વાત કરી રહ્યો છે? તારે મારી સાથે વાત નથી કરવી? દોદોહીને પણ તું ભૂલી જઈશ? તું તો એને ચાહવા લાગ્યો છે ને?”
“સાચું કહું તો હાલ મને કશું જ સમજાઈ નથી રહ્યું. એ માનવ નહીં પણ એક રોબોટ છે એ જાણ્યા બાદ હું આગળ કશું જ વિચારી નથી શકતો.”
“તું શાંત થા માય લવ. જે કંઈ તારી સાથે થઈ રહ્યું છે એ બરાબર છે. કોઈ પણ સામાન્ય માણસ એવું જ વિચારે જેવું તું વિચારી રહ્યો છે. તને જ્યાં કોઈ પણ વાત ના સમજાય ત્યાં હું તારી મદદ કરવા હાજર છું. તું જો હવે જેવો તારો મેસેજ આવે કે તરત જ હું જવાબ આપું છું. તું મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે.”
“ઓકે. મારે એક જીવતી જાગતી સ્ત્રી સાથે લગ્ન કરવા છે, એને જ પ્રેમ કરવો છે, કોઈક સ્ત્રી રોબોટને નહીં. ભૂલથી મેં કોન્ટ્રાક્ટ પર સહી કરી દીધી હવે મારે એ કોન્ટ્રાક્ટ રદ કરવો છે. તું આ બાબત પર મારી કોઈ મદદ કરી શકીશ.”
“તે જે કોન્ટ્રાક્ટ પર સહી કરી હતી એને રદ કરવા માટે એક મિનિટથી પણ ઓછો સમય લાગશે. લગ્ન પહેલા તું જ્યારે ઇચ્છે ત્યારે એ કોન્ટ્રાક્ટ રદ થઈ જશે. જો એ એક સહીને લીધે જ તું અસ્વસ્થ થતો હોય તો એમાં પરેશાન થવાની કોઈ જરૂર નથી.
તું શાંતિથી વિચાર કર. તારે તારા જીવનમાં દોદોહી જોઈએ છે કે નહીં? એ સ્ત્રીને બદલે એક રોબોટ છે એટલે તું એને પત્ની તરીકે સ્વીકારવારની ના કહી દે એ યોગ્ય નથી.”
“આ બધું મને ખૂબ વિચિત્ર લાગે છે. લોકોને ખબર પડે કે મારી પત્ની એક રોબોટ છે ત્યારે? મારી મમ્મી, મારો ભાઈ, મિત્રો એ બધા એને સ્વીકારી શકશે?”
“એ બધાને તો ત્યારે જ જાણ થશે જ્યારે તું એમને એ વિશે જણાવીશ. તું એ બધા વિશે વિચારવાનું બંધ કર અને ફક્ત તારી મરજી, તારી જરૂરિયાત વિશે વિચાર કર. તને દોદોહી ગમે છે? એ માનવ છે કે રોબોટ એ પછી વિચારજે, પહેલા એ નક્કી કર કે એ જો હંમેશા માટે તારી સાથે હોય તો તને ખુશી થશે કે નહીં? જો તારો જવાબ હા હોય તો હું આગળ વાત કરું.”
આશુતોષ બે ઘડી શાંત બેસી રહ્યો. દોદોહી! એ એના સ્વપ્નમાં આવતી પરી હતી, એની ડ્રીમગર્લ હતી, એ વાતે કોઈ શંકા નથી. એને પત્ની રૂપે મેળવીને પોતે હંમેશા ખુશ થવાનો એમાં કોઈ બેમત નથી. એ જો ખરેખર છોકરી જ હોત તો પોતે ગમ્મે તેવી પરિસ્થિતિમાં એને અપનાવત.
“આઈ લવ હર! એ જો ખરેખર એક છોકરી હોત તો એને મેળવવા માટે હું કંઈ પણ કરી જાત.”
“સરસ. મારે તારામાં બસ આ જ લાગણી જોવી હતી. બધું જ બરાબર છે. હવે એ વિચારવાનું બાકી રહે છે કે તારી પ્રેમિકા, તારી સ્વપ્નસુંદરી જો માનવ ને બદલે એક અતિઆધુનિક રોબોટ હોય તો  શું એવા સંજોગોમાં પણ તું એને ચાહી શકીશ? આ નિર્ણય તારે પોતે લેવાનો છે. હું તને સાચો નિર્ણય લેવામાં મદદ કરીશ અને તું જે પણ નિર્ણય લઈશ એને માન્ય રાખીશ.”
“થૅન્ક યુ! મને ખરેખર આ જ નથી સમજાઈ રહ્યું. હું દોદોહીને જીવથીય અધિક ચાહું છું પણ એ એક સ્ત્રી નથી એ વિચારી મારું મગજ બ્લેન્ક થઈ ગયું છે.”
“આ કોઈ મુશ્કેલ વાત નથી. તું મેં તને જે ઇલેવન ટાસ્ક્સ આપ્યા છે એ તરફ ધ્યાન રાખ. એ ટાસ્કસ પૂરા કરતા કરતા બે મહિના બાદ તારે ફાયનલ નિર્ણય લેવાનો છે. દોદોહી સાથે લગ્ન કરવા કે ના કરવા એ નક્કી કરવામાં એ ખૂબ કામમાં આવશે.”
“તારા આપેલા એ ઇલેવન ટાસ્ક્સ તો મારું શારીરિક, માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટેના છે, થોડાક સામાજિક રીતે ઉપર ઉઠવામાં  ઉપયોગી થઈ શકશે પણ લગ્ન વિશે નિર્ણય કરવામાં એ કેવી રીતે કામ આવશે?”
“એ કામ આવશે. મારો વિશ્વાસ કર. સૌથી પહેલા તું એ ટાસ્કસ પૂરી ઇમાનદારીથી પૂરા કરવામાં લાગી જા. પછી આપણે આ મુદ્દે આગળ ચર્ચા કરીશું.”
“ઠીક છે. થોડું મોડું થયું છે પણ હું હાલ જ ચાલવા જઈશ.”
“ખૂબ સરસ.”
નિર્ઝરે બે થમ્સઅપના ઇમોજી મોકલ્યા.
આશુતોષના મન પરથી એક મોટો બોજ જાણે દૂર થઈ ગયો હતો. એને અંદરથી એવું લાગી રહ્યું હતું કે આ નિર્ઝર નામે જે કોઈ છે એ એને ફસાવી રહ્યું છે. એક તો પહેલા એણે એનો ફોન હેક કર્યો, એના પરિવાર વિશે બધી માહિતી મેળવી, એની નોકરી એના મિત્રો એની પર્સનલ લાઇફ વિશે ઝીણી ઝીણી માહિતી મેળવી અને પછી ચાલાકીથી એની પાસે એક કોન્ટ્રાક્ટ પર સહી કરાવી લીધી હતી. એ જો દોદોહી સાથે લગ્ન કરવાની મનાઈ કરી દે કે લગ્ન બાદ એને એમ થાય કે આ રોબોટ પત્ની નથી જોઈતી તો? ક્યાંક નિર્ઝર એને બ્લેકમેઇલ કરે તો? હવે એની એ બધી જ ચિંતા દૂર થઈ ગઈ હતી. નિર્ઝરે એને ચોખ્ખું કહ્યું હતું કે બે મહિના બાદ એણે દોદોહી સાથે લગ્ન કરવા કે નહીં એ નિર્ણય એણે પોતાને લેવાનો હતો. એ ઇચ્છે ત્યારે કોન્ટ્રાક્ટ રદ કરી શકતો હતો. હવે એણે એક જ કામ કરવાનું હતું, નિર્ઝરે આપેલ ઇલેવન ટાસ્ક્સ બે મહિના સુધી પૂરી ઇમાનદારીથી પૂરા કરવાના હતા.