11 TASKS - 36 in Gujarati Drama by Niyati Kapadia Nirjhar books and stories PDF | 11 ટાસ્ક્સ - Chapter 36

Featured Books
Categories
Share

11 ટાસ્ક્સ - Chapter 36

“હેય આશુતોષ, 
તારે હજી કંઈ પૂછવું હોય, જાણવું હોય, સમજવું હોય તો તું નિસંકોચ મારી સાથે વાત કરી શકે છે.”
આશુતોષે આખો મેસેજ વાંચ્યો ને મેસેજ પૂરો થતા જ એના મોઢામાંથી એક ગાળ આપોઆપ નીકળી પડી...
ઘડીભર એ એમ જ સ્તબ્ધ બનીને બેસી રહ્યો. એક મિનિટ બાદ એ હસી રહ્યો હતો. ખડખડાટ હસી રહ્યો હતો. ગાળો બોલતા બોલતા હસી રહ્યો હતો.
“ઇલેવન ટાસ્ક્સ બાય નિર્ઝર, સાલું એક જ વાક્યના કેટકેટલા અર્થ નીકળી શકે! તમે એક સુવાક્ય સાંભળી એનો તમારી બુધ્ધિ પ્રમાણે અર્થ કાઢો. તમે જો તમારા પોતાના વિશે વિચારી એ સુવાક્યને સમજવા જશો તો એનો અર્થ અલગ હશે. તમે બીજી કોઈ વ્યક્તિને યાદ કરીને એ જ સુવાક્ય સમજવા જશો તો એનો અર્થ કંઈક બીજો જ નીકળશે. તમે જેને નફરત કરતા હો એવી કોઈ વ્યક્તિને યાદ કરીને, એને અનુલક્ષીને, એ જ સુવિચારનો અર્થ કાઢવા જશો તો વળી એના એ જ વાક્યનો એક નવો જ મતલબ સમજાશે." એ સ્વગત બબડ્યો.
“મતલબ કે આ દુનિયાનું એકેય વાક્ય સંપૂર્ણપણે સારું કે ખરાબ છે એમ તમે ના જ કહી શકો. લોકો એમની બુધ્ધિ પ્રમાણે વિચારશે અને એવી રીતે જ એના મતલબ કાઢશે." આ વાક્ય એ થોડેક મોટેથી બોલ્યો.
સુખી અને રુચિ આવી ગયા હતા ને એમણે એમનું કામ ચાલું કરી દીધું હતું. આશુતોષનું એ તરફ ધ્યાન જતા જ એણે બંને છોકરીઓને બેડરૂમમાં બોલાવી. બંને “યસ સર, યસ સર" કહેતી એની સામે આવીને ઊભી રહી હતી.
“આ દુનિયા સૌથી ખરાબ છે, એમ મોટેથી બોલો." એણે બંનેને હુકમ કર્યો.
“આ દુનિયા સૌથી ખરાબ છે.” બંનેએ એકસાથે કોરસમાં કહ્યું.
“હું તમારો માલિક છું અને તમે મારી ગુલામ છો." આશુતોષે એમને એ વાક્ય કહેવા ઈશારો કર્યો.
“હું તમારી માલિક છું ને તમે મારા ગુલામ છો." સુખી અને રુચિએ એકસાથે કહ્યું.
“અરે,અરે એમ નહીં. હું તમારો માલિક ને તને તમે બંને મારી ગુલામ છો એ રીતે કહો."
બંને જણી ગૂંચવાઈને આશુતોષ સામે જોઈ રહી. આશુતોષ કંઈક ગંભીર પણે એમને તાકી રહ્યો હતો. એણે એમને સમજાવતા કહ્યું, “ એમ કહો કે, અમે તમારી ગુલામ અને તમે અમારા માલિક છો."
બંને હવે મોટેથી એ પ્રમાણે બોલી.
આશુતોષ મલકાયો ને એણે કહ્યું, “એનું એ વાક્ય રીપીટ કરો."
“અમે તમારી ગુલામ અને તમે અમારા માલિક છો."
“સરસ, હવે એ જ વાક્ય હસતા હસતા કહો."
બંનેએ હસતા, હસતા કહ્યું.
“હવે એ જ વાક્ય બંને હાથ ઉપર ઉઠાવી ગોળ ફરતા કહો."
બંને છોકરીઓએ એમના હાથ ઉપર ઉઠાવી, ગોળ ગોળ ફરતા કહ્યું, “અમે તમારી ગુલામ અને તમે અમારા માલિક છો."
“વાહ! ખૂબ સરસ હવે આજે સુખી સફાઈ કરશે ને રુચિ રસોઈ કરશે."
“પણ સર મને રસોઈ કરતા નથી આવડતું. હું ખાલી સફાઈ કરવા માટે પ્રોગ્રામ કરાઈ છું." રુચી એ ચહેરા પર સહેજ સ્મિત લાવી કહ્યું.
“હું ફક્ત રસોઈ કરવાનું જાણું છું." સુખીએ પણ સહેજ સ્મિત સાથે કહ્યું.
“તમે એકબીજાને પૂછી પૂછીને કામ કરો. એકબીજા ને હેલ્પ કરો. જોઈએ તો યુટ્યુબ પર વિડિઓ જોઈ કામ કરો કે પછી તમારા નિર્ઝર મેડમને પૂછો પણ આજે સુખી સફાઈ કરશે ને રુચિ રસોઈ કરશે. જો એવું નહીં થયું તો હું તમારા બંનેને જોબ પરથી છુટ્ટી કરી દઈશ."
“અમે કરી લઇશું સર." બંને જણી સ્મિત સાથે બોલી ને બેડરૂમની બહાર નીકળી ગઈ.
આશુતોષે સંતાઈને જોયું કે એમણે તરત જ એમની હથેળી પર એક જગાએ પ્રેસ કરી કોઈકને કૉલ લગાડ્યો હતો. સામેથી તરત જ એક અવાજ આવેલો. એ લોકોએ શું વાત કરી એ આશુતોષને સમજાઈ નહોતી. એ કોઈક અલગ જ પ્રકારની ભાષામાં વાત કરી રહ્યા હતા. એણે જોયું કે કૉલ કટ કર્યા બાદ એ બંને છોકરીઓ અંદરો અંદર એકમેકના માથાની ડાબી બાજુમાં અંદરની તરફ રહેલી એક ચિપ જેવી ડીવાઈસ બદલી હતી અને પછી...તમે વિચારો પછી શું થયું હશે?
એક જ મિનિટ બાદ સુખી સફાઈ કરી રહી હતી ને રુચિ રસોઈ! મતલબ કે સુખી હવે રુચિ હતી ને રુચિ સુખી. મતલબ કે બંનેનું શરીર એનું એ જ હતું પણ એમનો આત્મા અલાદાબદલી થઈ ગયો હતો. આશુતોષને આમ કર્યા બાદ એક અલગ જ પ્રકારની મજા આવી રહી હતી.
એણે સાવરણી લઈ કચરો વાળી રહેલી સુખી પાસે જઈ કહ્યું કે, “તું પેલી બ્યૂટી કેર વાળી છોકરી જે સર્વિસ આપે છે એવું કામ પણ કરી જ શકે ને. શા માટે મારે એને માટે અલગથી રૂપિયા ખર્ચ કરવા?"
સુખીએ કહ્યું, “ના, હું એવું ના કરી શકું. મને એ વિશે કોઈ જાણકારી નથી."
“તારે જે જાણકારી જોઈએ તે હું આપું તો?"
“હું કોઈ ભૂલ કરી બેસીશ,"
“કશો વાંધો નહીં."
“હું તમને નુકશાન પહોંચાડી શકું."
“એનોય વાંધો નથી."
“હું પ્રયત્ન કરી શકું પણ જે કંઈ થાય એને માટે હું જવાબદાર નથી."
“ઓકે, ડન! આજે સાંજે હું ઘરે પાછો આવું ત્યારે તું અહીં હાજર રહેજે. આજે હું તને પેડીક્યોર કરતા શીખવીશ."
એણે કિચનમાં જઈ રુચિને પૂછ્યું, “નાસ્તો રેડી છે?"
“યસ સર, હું લઈ આવું છું આપ બેસો."
આશુતોષે જોયું કે રુચિએ બનાવેલી ચા અને સુખોની ચા સેમ ટુ સેમ હતી. બંનેમાં સહેજ પણ ફરક નહોતો. એણે રુચી એ બનાવેલ વેજિટેબલ ઉત્તપમ અને એની સાથેની કોપરાની ચટણી ટેસ્ટ કરી. એનો સ્વાદ પણ બિલકુલ સુખીના હાથની રસોઈ જેવો જ હતો. આશુતોષને શંકા તો ક્યારનીય હતી કે આ બે છોકરીઓ કંઈક અલગ છે એ માણસો જેવી નથી, મહેન્દ્ર સાથેની વાતચીત પરથી એ નક્કી થઈ ગયું હતું કે આ બંને રોબોટ્સ છે, પણ એને સમજાતું નહોતું કે કોઈ અત્યંત કિંમતી એવા માનવ રોબોટ્સ એને ત્યાં નજીવા પગારે શા માટે મોકલે?
એણે રુચિને કહ્યું, “જે કામ સુખી એકલી કરી શકે એમ છે એને માટે મારે તને રાખવાની શી જરૂર છે. આવતી કાલથી તું કામ પર ના આવતી. રસોઈ અને સફાઈ બંને કામ સુખી કરી કરી લેશે."
“મને લાગે છે કે આ વિશે તમારે નિર્ઝર મેડમ સાથે વાત કરી લેવી જોઈએ. આમાં હું કે સુખી કોઈ નિર્ણય નહીં લઈ શકીએ."
“તમારે કામ પર આવવું કે નહીં એનો નિર્ણય તમે જાતે લો કે કોઈને પૂછીને લો એ તમારી મરજી છે પણ મારે કોને કામ પર રાખવા ને કોને નહીં એનો નિર્ણય તો હું પોતે લઈ શકું છું અને મેં નિર્ણય લઈ લીધો છે."
“જી આપ પોતે એ નિર્ણય લઈ શકો, છતાં આપ નિર્ઝર મેમ સાથે વાત કરી લો તો સારું રહેશે."
આશુતોષને હવે નિર્ઝરનું નામ સાંભળતા એક અલગ જ પ્રકારનો આનંદ આવતો હતો. ધીરે ધીરે એને સમજાઈ રહ્યું હતું કે નિર્ઝર નામે એ જે કોઈ વ્યક્તિ કે કોઈ પ્રોગ્રામ હતી એ એના જીવનમાં ઉધઈની માફક ફેલાઈ રહી હતી. ઘરમાં જ્યારે ઉધઈ નામની જીવાત આવી જાય ત્યારે એ કોઈને જાણ પણ ના થાય એમ લાકડાનું બધું જ ફર્નિચર સ્વાહા કરી જતી હોય છે. નિર્ઝર નામની ઉધઈ આશુતોષના જીવનમાં ફેલાઈ રહી હતી એ એને સારી રીતે સમજાઈ ગયું હતું. એણે હવે એ જ જોવાનું હતું કે ઉધઈએ એનું શું નુકશાન પહોંચાડ્યું હતું કે નુકશાન પહોંચાડી શકે એમ હતી. એને દૂર કર્યા વગર હવે આશુતોષને ચેન પડવાનું નહતું. એણે એને દોદોહી રૂપે એક માનવ રોબોટ આપ્યો હતો એ હકીકત હતી. દોદોહી સાથે એની આસપાસ બીજા કેટલા માનવ રોબોટ્સ ફરી રહ્યા હતા એ જાણવું જરૂરી હતું. સૌથી મહત્વની વાત એ લોકો શા માટે આશુતોષને જ ટાર્ગેટ કરી રહ્યા હતા?
ઑફિસ પહોંચી ગયા બાદ પણ આશુતોષના મગજમાંથી આ વિચારો દૂર નહોતા થયા. એને અચાનક મહેન્દ્ર યાદ આવી ગયો. એ તો નિર્ઝરના કહેવા પર અહીંની નોકરી છોડી રોબોટ્સ વચ્ચે રહેવા ચાલ્યો ગયો હતો. એ જો ઇચ્છે તો આશુતોષને ઘણી બધી માહિતી આપી શકે.
એણે નિર્ઝરને કૉલ જોડ્યો. એક, બે, ત્રણ રિંગ ગઈ પછી સામેથી નિર્ઝરનો એક મેસેજ આવ્યો.
“યસ આશુતોષ, તારે જે વાત કરવી હોય તે અહીં મેસેજ રૂપે છોડી દે.”
“અત્યાર સુધીમાં તો તે મારા વિશે બધું જ જાણી લીધું હશે તો પછી તું સામેથી સીધો જવાબ જ આપી દેને, તને ખ્યાલ આવી જ ગયો હશે કે મારે શી વાત કરવી છે?”
“હા, તારે હવે સુખી અને રુચિ બંનેમાંથી ફક્ત સુખીને કામ પર રાખવી છે, રુચિને કાઢી મૂકવી છે, રાઇટ?”
“હમ્મ...”
“તારે એવું શા માટે કરવું છે. બધું કામ એકલી સુખી કરશે તો એને ડબલ સમય લાગશે. બે છોકરીઓ ઝડપથી બધું કામ પતાવી લેશે.”
“મારે પગાર પણ તો બે છોકરીઓને ચૂકવવો પડે છે. જો એક જ છોકરી બધું કામ કરી લેતી હોય તો મારા રૂપિયા બચે.”
“એમાં રૂપિયા નહીં બચે. રસોઈ અને સાફસફાઈ બંને કામના અલગ અલગ જે ચાર્જ થાય છે એ તો તારે ચૂકવવો જ પડે પછી ભલે એ કામ એક વ્યક્તિ કરે કે બે.”
“સુખી હાલ મારે માટે જમવાનું બનાવે છે. એ જો એની સાથે સાથે ફ્લેટની સફાઈ અને વાસણ ધોવાનું કામ પણ કરી લે અને એ માટે હું એને મહિને બે-ત્રણ હજાર એકસ્ટ્રા આપું તો?”
“તું જો એમ ઈચ્છતો હોય કે રુચિ અને સુખી બંને ભેગા મળીને તારા ઘરે જે કામ કરે છે એ હવેથી કોઈ એક જ છોકરી જ આવીને કરી જાય તો તારે એ માટે ડબલ પેમેન્ટ આપવું  પડે.”
“એવું કેમ? અમારે ત્યાં જે બીજી કામવાળી બહેનો આવે છે એ તો એક જ ઘરનું બધું કામ મળતું હોય તો સસ્તામાં કરી આપે છે. બીજા લોકોને તો પરિવાર પણ મોટો હોય છે જ્યારે મારે ત્યાં તો હું એકલો જ છું. મારે એકલી સુખી જ જોઈએ છે અને એ પણ મહિને સાત હજારમાં ઘરનું બધું જ કામ કરી આપશે એ શરતે.”
“એ શક્ય નથી.”
“ઠીક છે તો આવતી કાલથી મારે એક પણ કામવાળી નથી જોઈતી.”
“તો પછી તારા ઘરનું કામ કોણ કરશે? તારા માટે હેલ્ધી જમવાનું કોણ બનાવશે?”
“હમણાં થોડા દિવસ એ હું જાતે મેનેજ કરી લઈશ અને એકવાર દોદોહી સાથે લગ્ન થઈ જાય ત્યાર બાદ તો એ જ આ બધું સંભાળી લેશે.”
“એટલે તું એમ કહેવા માંગે છે તારે દોદોહી સાથે ફક્ત એટલા માટે લગ્ન કરવા છે જેથી તને ફ્રીમાં ઘરનું બધું જ કામ કરવા વાળી બાઈ મળી જાય?”
“હા, સામાન્ય રીતે બધી પત્નીઓ એવું જ કરે છે એમાં નવાઈ શી છે?”
“દોદોહી એક સામાન્ય સ્ત્રી નથી એ તું સારી રીતે જાણે છે. એ ઘરકામ સિવાય પણ બીજા અનેક કામ કરી શકે છે. તું જો એનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકે તો એ તને આર્થિક રીતે પણ સહાય કરી શકશે. એ ઘરે બેઠા બિઝનેસ કરી શકે છે અને એને એકલે હાથે બધું જ હેન્ડલ પણ કરી લેશે.”
“આપણે દોદોહી વિશે ચર્ચા કેમ કરી રહ્યા છીએ? હું અહીં એટલું કહેવા માંગુ છું મારે એક સાથે બે કામવાળી નથી જોઈતી. મારે એક જ એવી કામવાળી છોકરી જોઈએ છે જે દશ હજાર રૂપિયામાં ઘરનું નાનું મોટું બધું જ કામ કરી લે. રવિવારે મને બ્યૂટી ટ્રીટમેન્ટ પણ કરી આપે. એક રવિવારે હેર સ્પા, બીજા રવિવારે પેડીક્યોર ને ત્રીજા રવિવારે ફેશિયલ, ચોથા રવિવારે ફુલ બોડી મસાજ. આવી કોઈ છોકરી હોય તો મોકલી આપ બાકી મારે કોઈ કામવાળી નથી જોઈતી.”
“તને નથી લાગતું કે તું વધારે પડતું માંગી રહ્યો છે? કોઈ એક છોકરી એ બધું જ કેવી રીતે કરી શકે?”
“કેમ ના કરી શકે? સ્ત્રી એટલે શક્તિ! એને તો ચાર ચાર અદૃશ્ય હાથ હોય છે જે દેખાય નહીં પણ કામ કરી લે. અમારે ત્યાં તો છોકરીઓ ચપટી વગાડતા ઘરનું બધું જ કામ કરી લે છે. તારી એજન્સીમાં છોકરીઓને સરખી ટ્રેનિંગ નથી આપતા લાગતા. તારાથી આ ના થઈ શકે તો વાંધો નથી હું મારી મેળે એવી છોકરી શોધી લઈશ.”
“મેં ક્યાં કહ્યું કે મારાથી આમ નહીં થઈ શકે પણ એ માટે મારે થોડો સમય જોઈશે. તું થોડાક દિવસો જેમ ચાલે છે એમ ચાલવા દે ત્યાં સુધી હું તારા માટે નવી કામવાળી તૈયાર કરું છું.”
“મેં કહ્યું એ બધું જ કામ અને એ જ પગારમાં?”
“હા.”
“ઠીક છે હું ત્રણ દિવસ રાહ જોઈશ ત્યાર બાદ સુખી અને રુચિ બંનેની છુટ્ટી કરી દઈશ. રૂપિયા કંઈ ઝાડ પર થોડા ઉગે છે કે હું એને વેડફ્યા કરું!
હવેથી મારે દોદોહીને રોજ મળવું છે. તું રોજ સાંજે એને મારા ઘરે મોકલી આપ જેથી અમે બંને એકબીજાને વધારે સારી રીતે સમજી શકીએ. અમારા લગ્નની તારીખ પણ નક્કી કરી લઈએ.”
“ઠીક છે. હું એને કહી દઈશ.”
આશુતોષના મનમાં કશુંક ચાલી રહ્યું હતું. એણે કંઈક વિચારી લીધું હતું અને એનો પ્લાન અમલમાં મુકાઈ ચૂક્યો હતો...