આખામાં ગામ મા જ્યારે પણ કોઈના લગનની શરણાઈ વાગતી, ત્યારે સુરજપર ગામના નાથુજીના ડેલામાં એક લાંબો નિસાસો નંખાતો. નાથુજીના ત્રણ દીકરા. મોટો જગાભાઈ (જગદીશ), વચલો ભગો (ભગવાન) અને નાનો દિલો (દિલીપ). ઉંમરના હિસાબે જગાભાઈ અત્યારે પાકાં ત્રીસ વટાવીને એકત્રીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરી ચૂક્યા હતા, પણ એમના નસીબમાં હજુ સુધી કોઈ કન્યાએ 'મંગલ પ્રવેશ' કર્યો નહોતો.
જગાભાઈ દેખાવે પાછા એવા ખોટા નહોતા. ઊંચો પૂરો કદ, માથે ઘાટીલા વાળ અને મૂછોનો વળ. પણ ભગવાને એમને સ્વભાવમાં એક એવી અદભુત આળસ અને જીદ આપી હતી કે એમની આદતો આખા પંથકમાં ફેમસ હતી. જગાભાઈ સવારે અગિયાર વાગ્યા પહેલાં પથારીમાંથી હેઠા ઉતરે તો સૂરજ પૂર્વની જગ્યાએ પશ્ચિમમાં ઊગ્યો ગણાય! આખો દિવસ ચોરે બેસીને રાજકારણની મોટી-મોટી વાતો કરવી, માવા ઘસવા અને રાત્રે ભજન મંડળીમાં જઈને મંજીરા વગાડવા– આ એમની દિનચર્યા. કમાવવાની વાત આવે એટલે જગાભાઈ કહેતા, "લક્ષ્મી તો ચંચળ છે ભાઈ, એની પાછળ ન દોડાય, એ આપણી પાછળ દોડતી આવવી જોઈએ!" હવે લક્ષ્મી તો ઠીક, પણ કોઈ કન્યાના બાપ પણ એમના ઘર પાછળ દોડતા નહોતા આવતા.
"અલ્યા જગા! આ અજયના લગનનું કંકોતરી આવી છે , તું ક્યાંક ઠેકાણે પડ તો અમારાય દિવસો વળે ને!" વચલો ભગો પોતાનું મોઢું બગાડતા બોલ્યો. ભગાની ઉંમર ૨૭ની થઈ ગઈ હતી અને નાના દિલાની ૨૫ની. બેય ભાઈઓ ધંધે વળગી ગયા હતા. ભગો ટ્રેક્ટર ચલાવતો અને દિલો ડેરીનું કામ સંભાળતો. પણ સમાજનો વણલખ્યો નિયમ હતો– 'મોટો પરણે નહિ ત્યાં સુધી નાનાની જાન જોડી ન શકાય.'"તમે ચિંતા શું કામ કરો છો? મારો ગ્રહ હમણાં બદલાવવાનો છે. જ્યોતિષીએ કીધું છે કે આ વરસે મને પદ્મિની કન્યા મળશે!" જગાભાઈએ મોઢામાં માવો દબાવતા કીધું.
નાથુજીએ દીકરાના લગન માટે સમાજના જાણીતા વચેટીયા– મંગળદાસ ગલઢાને બોલાવ્યા. મંગળદાસ એટલે કુંવારાના બેલી. એમણે આવીને સોફા પર બેસતા જ પૂછ્યું, "નાથુજી, જગાની પ્રોફાઈલ તો ક્યો? સામેવાળા પૂછે તો મારે શું કહેવું?"જગાભાઈ પોતે જ બોલ્યા, "લખી લ્યો મંગળકાકા! દેખાવમાં હીરો, સ્વભાવમાં ગીરો, વ્યસનમાં માત્ર સોપારી-માવો અને ભવિષ્યનો જમીનદાર!"મંગળદાસે ચશ્મા સરખા કર્યા, "જગા, તારી આ આદતો ગામ આખાને ખબર છે. તું બપોર સુધી સૂતો રહે છે, કોઈ દી ખેતરે આંટો મારતો નથી, ને પાછો પૂછવા જઈએ તો કહે કે હું 'થિંકર' (વિચારક) છું! કન્યાના બાપને વિચારક નહિ, કમાતો વર જોઈ.
"વાત એમ હતી કે ગયા મહિને જ એક મુરતિયો જોવા આવ્યા હતા. છોકરીવાળા ઘરે આવ્યા ત્યારે જગાભાઈ ધોતિયું અને ફાટેલી બંડી પહેરીને લીમડા નીચે ખાટલા પર નસકોરાં બોલાવતા હતા. છોકરીના બાપે પૂછ્યું, "આ ભાઈ રાત્રે ચોકીદારી કરે છે કે શું?" દિલાએ માંડ-માંડ વાત વાળી લીધી હતી કે, "ના, એ તો મોટાભાઈ રાત્રે સમાજ સેવાનું ચિંતન કરતા હતા એટલે થાકી ગયા છે!" પણ છોકરીવાળા ગયા એ ગયા, પછી ક્યારેય પાછા ન આવ્યા.આમ ને આમ વાતો વહેતી ગઈ. ગામના ચોરે ચર્ચા થવા લાગી કે, "જગાના લગન તો હવે ડોસા થાય ત્યારે જ થાશે, પણ એના ચક્કરમાં ઓલા બેય વાંઢે-વાંઢા રહી જાશે!" ભગા અને દિલાના મનમાં હવે પાપડ શેકાવા લાગ્યા હતા. ઉંમર વહી જતી હતી અને મોટાભાઈના ઠેકાણા નહોતા.એક દિવસ ભગો અને દિલાએ નાથુજી પાસે જઈને બળવો પોકાર્યો.
"બાપુજી, મોટાભાઈ તો આખી જિંદગી કુંવારા રહીને માવા જ ઘસવાના છે, પણ અમારા શું વાંક? જો આ સાલ અમારા લગન નહિ થાય, તો અમે બેય કાં તો આશ્રમમાં વયા જઈશું ને કાં તો ભાગીને કરી લઈશું!"
નાથુજી મૂંઝાયા. એમણે સમાજના આગેવાનોની બેઠક બોલાવી. સમાજે પણ ચુકાદો આપ્યો કે, "નાથુભાઈ, જગાની ઉંમર મોટી થઈ ગઈ છે અને એની આદતો સુધરે એમ નથી. નાના ભાઈઓનો હક્ક ન મરાય. જગાને કહી દો કે ભાઈ, તું તારો મુરતિયો શોધ્યા કર, પણ હવે ભગા અને દિલાની જાન જોડાશે."જગાભાઈના અહંકાર પર મોટો ઘા વાગ્યો. "સારું! પરણાવી દો એમને! હું પણ જોઉં છું કે મારા વગર આ ઘરમાં વહુઓ કેવી રીતે આવે છે અને ઘર કેમ ચાલે છે!" જગાભાઈએ ગુસ્સામાં તાળી દીધી.
છ મહિનાની અંદર જ ભગા અને દિલાના લગ્ન એક જ મંડપમાં લેવાઈ ગયા. ભગાના લગ્ન ચપળ અને થોડી તીખી એવી 'ગીતા' સાથે થયા, અને દિલાના લગ્ન શાંત પણ કાનની કાચી એવી 'કવિતા' સાથે થયા.ઘરમાં બે નવી વહુઓનું આગમન થયું. આખું ઘર હર્ષોલ્લાસમાં હતું. પણ આ હર્ષોલ્લાસ વચ્ચે જગાભાઈ ઘરમાં 'કુંવારા જેઠ' તરીકે એક નવું જ સ્થાન લઈને બેઠા હતા. વહુઓ માટે જેઠ એટલે પિતા સમાન, પણ આ જેઠ તો ઉંમરમાં એમના પતિઓથી માત્ર થોડાક જ મોટા હતા અને આદતોમાં સાવ બાલિશ!
લગ્નના બીજા જ દિવસે સવારે, નવી વહુ ગીતા ચાની કીટલી લઈને રસોડામાંથી બહાર આવી. એણે જોયું તો મોટા જેઠ જગાભાઈ ડ્રોઈંગરૂમના સોફા પર આડા પડ્યા હતા, એમનું મોઢું ખુલ્લું હતું અને નસકોરાંનો અવાજ આખા ઘરમાં ગુંજતો હતો. ગીતાએ કવિતાને ઈશારો કર્યો, "જોયું કવિતા? આ આપણા મોટા જેઠ! સવારના આઠ વાગ્યા છે તોય હજુ જાગ્યા નથી."બરાબર એ જ વખતે જગાભાઈએ ઊંઘમાં જ એક એવો પલટો માર્યો કે એમનું ધોતિયું સોફાની સ્પ્રિંગમાં ભરાઈ ગયું. ગીતા ચાની પ્યાલી ટેબલ પર મૂકવા ગઈ, ત્યાં જ જગાભાઈ ઝબકીને જાગ્યા. જાગતાની સાથે જ એમણે સામે નવી વહુને જોઈ. વહુ સામે વટ બતાવવા જગાભાઈ ઉભા થવા ગયા, પણ ધોતિયું સ્પ્રિંગમાં ભરાયેલું હોવાથી... એક જોરદાર ફાટવાનો અવાજ થયો!ગીતા અને કવિતાએ મોઢા પર સાડલાનો છેડો દબાવી દીધો. જગાભાઈ શરમના માર્યા લાલચોળ થઈ ગયા.
પણ વાર્તા અહીં પૂરી નહોતી થતી. જગાભાઈએ પોતાની આ શરમ છુપાવવા માટે નવી વહુઓ સામે એક એવો નવો દાવ ખેલ્યો, જે જોઈને આખા ઘરના હોશ ઊડી ગયા!