ઘાસના ઢગલામાંથી બહાર નીકળેલા જગાભાઈના મોઢા પરથી વટ ઓગળીને સીધો હેઠો બેસી ગયો હતો. મૂછો પર ઘાસના તણખલાં એવી રીતે ચોંટ્યા હતા જાણે કોઈ પક્ષીએ માળો બાંધ્યો હોય!
સોનલ ગાડી પાસે ઊભી ઊભી કમર પર હાથ રાખીને જગાભાઈને તાકી રહી હતી. એની આંખોમાં આશ્ચર્ય અને ગુસ્સો બંને સાફ દેખાતા હતા. ગિજુભાઈ પણ માથું ખંજવાળતા બોલ્યા,
"અલ્યા જગા! આ ટ્રેક્ટર સીધું ચલાવવાનું હોય, તેં તો આખું પાછળ ભગાવીને ઘાસના ગંજીમાં ઘુસાડી દીધું! તને ટ્રેક્ટર ચલાવતા આવડે છે કે તું ખાલી ગપ્પા જ મારે છે?"
ગીતા અને કવિતા મોઢા પર સાડલાનો છેડો દબાવીને અંદરોઅંદર તાળીઓ લેતી હતી. ગીતાએ ધીમેથી કીધું, "જોયું કવિતા? કુંવારા જેઠનો રોકેટ જેવો વટ આજે સાવ ભોંયભેગો થઈ ગયો,રિવર્સ ટ્રેક્ટર ચલાવતાં કોઇ આમના થી શીખે!"પણ જગાભાઈ એટલે ત્રણ પંથકનું પાણી પીધેલો માણસ.
એ ઘાસના ઢગલામાંથી ઊભા થયા, પોતાના ધોતિયા પરથી ધૂળ ખંખેરી, માથાનું ફાળિયું સરખું કર્યું અને એક જોરદાર હાસ્ય વેરતા બોલ્યા, "અરે ગિજુભાઈ! તમેય તે ક્યાં વાત કરો છો! આ જગો ક્યારેય ભૂલ કરે ખરો? આ તો મેં જાણીજોઈને ટ્રેક્ટર પાછળ લીધું!"
"જાણીજોઈને?"
સોનલે આશ્ચર્યથી પૂછ્યું,
"ટ્રેક્ટર ઊંધું વાળવાનું કોઈ જાણીજોઈને કરે?"
"હા, સોનલજી!" જગાભાઈએ પોતાની ખોપડીનો અસલી માસ્ટર સ્ટ્રોક માર્યો, "આજે સવારે જ મેં ન્યુઝપેપરમાં વાંચ્યું કે આ વખતે ઘાસના ઢગલામાં એક ખાસ જાતની જીવાત પડે છે, જે આખા વર્ષના ઘાસને સડાવી નાખે. એ જીવાતને મારવા માટે ટ્રેક્ટરના વજનથી ઘાસને અંદર સુધી દબાવવું પડે,કારણ કે ટ્રૅક્ટર નો ધુમાડો જ એ જીવાતો ને નાશ કરી શકે બીજો કોઇ ઉપાય જ નહીં,એટલે ઢગલો જોઈ તરત મને યાદ આવતા નક્કી કર્યું કે પેલું કામ કીમતી માલ બચાવવાનું કરી નાખું,કેમ કે સોનલ જી કામ પછી પછી કરીશ એવી મારી આદત નહીં!
ભગો તો સીધો સીધો જતો રહેત, પણ મેં કીધું લાવ, સવારે સવારે આ વૈજ્ઞાનિક પદ્ધતિથી ઘાસને દબાવી દઉં જેથી બાપુજીનું નુકસાન ન થાય. હું તો દેશી જુગાડ કરતો હતો!
દીવાલની જેમ ઊભેલી વહુઓના હોશ ઊડી ગયા. ગીતા મનોમન બોલી, "બાપ રે! આ માણસ ટ્રેક્ટર ઠોકીનેય એને 'વૈજ્ઞાનિક પદ્ધતિ' સાબિત કરી ગયો!
ગિજુભાઈ તો સાવ ભોળા હતા, એ બોલ્યા, "વાહ જગા વાહ! તારું મગજ ખરેખર બહુ દોડે છે હો! ખેતીમાંય તું વિજ્ઞાન લાવ્યો."
સોનલ પણ થોડી શાંત થઈ, જોકે એના મનમાં હજુય થોડી શંકા હતી. એણે કીધું, "ભલે જે હોય તે, પણ લગન પછી ટ્રેક્ટર હું જ ચલાવીશ, તમારે ખાલી સલાહ આપવાની!"
"અરે સોનલજી, તું ચાવી હાથમાં લે તો મારે તો શાંતિ જ છે ને!" જગાભાઈએ હસતા હસતા કીધું અને તિરછી નજરે ગીતા-કવિતા સામે જોયું. એ નજરમાં સાફ ચેતવણી હતી— 'તમે ગમે એટલા ખાડા ખોદશો, આ જગો એ ખાડામાંય ખાતર નાખીને ગુલાબ ઉગાડી દેશે!
બપોરે આખું ઘર ઓસરીમાં બેઠું હતું ત્યારે નાથુજીએ જગાભાઈને બોલાવ્યા.
"જગા, તારી સગાઈ તો થઈ ગઈ પણ હવે લગનનો ખર્ચો કોણ ઉપાડશે?
ભગો અને દિલો તો હજુ હમણાં જ પરણ્યા છે, એમની પાસે કાંઈ બચત નથી. ગિજુભાઈ મોટા માણસ છે, એમની જાન ધામધૂમથી લઈ જવી પડશે. જો તું ક્યાંકથી પૈસાની સગવડ નહિ કરે, તો મારે આપણી પાંચ વીઘા જમીન ગીરો મૂકવી પડશે!"આ સાંભળીને ગીતા અને કવિતાના કાન ચમક્યા.જો જમીન ગીરો મુકાય, તો ભવિષ્યમાં ભગા અને દિલાના ભાગમાં કાંઈ ન આવે.
ગીતાએ તરત જ ઓસરીમાં આવીને કીધું, "હા બાપુજી, વાત તો સાચી છે. મોટા જેઠના લગન માટે અમે અમારા ઘરની જમીન શું કામ ગીરો મૂકીએ? જેઠજી આટલા મોટા સલાહકાર બન્યા છે, ગાડીઓ વાળા એમને પૂછવા આવે છે, તો લગનનો ખર્ચો પણ એ પોતે જ કેમ નથી કાઢતા?
"કવિતાએ પણ ટેકો આપ્યો, "સાચી વાત છે, પોતાના લગન માટે નાના ભાઈઓની જમીન દાવ પર ન લગાવાય!
"નાથુજી પણ મૂંઝવણમાં હતા. જગાભાઈ ખાટલા પર બેઠા બેઠા માવો ચોળતા હતા. એમણે જોયું કે વહુઓએ હવે આર્થિક નુકસાનનો નવો પાસો ફેંક્યો છે. જો જગાભાઈ પૈસા ન લાવે, તો સમાજમાં એમની થૂ-થૂ થાય અને લગન અટકી પડે.
જગાભાઈ ઊભા થયા અને મૂછ પર વળ દેતા બોલ્યા, "બાપુજી! તમે ચિંતા શું કામ કરો છો? નાથુજીના મોટા દીકરાના લગન માટે જમીન ગીરો મૂકવી પડે તો તો મારી આ સોશિયલ ખોપડી પર ધૂળ પડી કહેવાય! તમે લગનની તારીખ કઢાવો, રૂપિયા એક લાખ હું પોતે જ રોકડા લાવીને આ ઓસરીમાં મૂકીશ, અને એ પણ મારી પોતાની મહેનતથી!
"એક લાખ રૂપિયાની વાત સાંભળીને ગીતા અને કવિતા એકબીજાના મોઢા જોવા લાગી. સુરજપર ગામમાં નવરો બેસતો જગો એક લાખ રૂપિયા ક્યાંથી લાવશે?
જગાભાઈએ મનોમન એક નવો જ ધંધો શરૂ કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો, જે આખા સુરજપર ગામમાં કોઈએ ક્યારેય વિચાર્યો નહોતો!
એવો તે કયો અનોખો ધંધો શરૂ કરવાના હતા જગાભાઈ? અને શું વહુઓ એ ધંધામાં પણ કાંકરી ચાળો કરવાની હતી?
જુઓ આગળનો ભાગ - ભાગ ૯!