Kunwaro Jeth - Part 11 in Gujarati Comedy stories by Vir jadeja books and stories PDF | કુંવારો જેઠ - ભાગ 11

Featured Books
Categories
Share

કુંવારો જેઠ - ભાગ 11

જગાભાઈના લગનનો મંડપ સુરજપર ગામના ઇતિહાસમાં સૌથી મોટો બંધાયો હતો. ભલે અત્યાર સુધી એ કુંવારા રખડતા હતા, પણ ગિજુભાઈની બહેન સોનલ સાથે લગન નક્કી થતાં જ આખા ગામમાં એમનો વટ રાતોરાત વધી ગયો હતો. જે લોકો ગઈકાલ સુધી એમને 'નવરો જગો' કહેતા હતા, એ જ લોકો હવે એમને 'જગદીશભાઈ થિંકર' કહીને માન આપતા હતા.

લગન ના આગલા દિવસે જગાભાઈને પીઠી ચોળવાનો પ્રસંગ હતો. નાથુજી ઓસરીમાં બેસીને હુક્કાના કસ ખેંચતા ખેતરાઉ હિસાબ જોતા હતા. ભગો અને દિલો મહેમાનોના સ્વાગતમાં દોડાદોડ કરતા હતા.

ગીતા અને કવિતાના મનમાં હજુય હાર સ્વીકારવાની દાનત નહોતી. સોનલ સામે એમના પરાજય પછી એમણે નક્કી કર્યું હતું કે, "લગન ભલે થાય, પણ પીઠીના આ પ્રસંગમાં મોટા જેઠનો એવો વરવો દેખાવ કરવો છે કે જાન લઈને જાય ત્યારે આખું મોતીપુરા ગામ હસી પડે!"

જગાભાઈ ધોતિયું પહેરીને, ઉઘાડા ડીલે ઓસરીના વચોવચ પાટલા પર બેઠા હતા. એમની મૂછો આજે ખાસ વળ ખાઈને ઊભી હતી. ગીતા પીઠીનો વાટકો લઈને આવી. પીઠીમાં હળદર, ચંદન અને બીજી સુગંધિત વસ્તુઓ હોય, પણ ગીતા અને કવિતાએ રસોડામાં જઈને એમાં એક નવો જુગાડ કર્યો હતો. એમણે પીઠીની અંદર બાજુના ખેતરમાંથી લાવેલા ખાજકુયલીના પાનનો પાવડર (એવી વનસ્પતિ જેનાથી ભયંકર ખંજવાળ આવે) સહેજ માત્રામાં ભેળવી દીધો હતો!

"લ્યો મોટા જેઠજી, પીઠી ચોળાવી લ્યો, કાલે તો વરરાજા બનવાનું છે!" ગીતાએ બહુ મીઠું હસીને જગાભાઈના ગાલ પર પીઠીનો પહેલો થાપો માર્યો.

કવિતાએ પણ પાછળથી આવીને જગાભાઈની પીઠ પર અને ખભા પર જોરજોરથી પીઠી ઘસવા માંડી. જગાભાઈ તો આંખો બંધ કરીને વટથી બેઠા હતા, "ઘસો વહુબેટા ઘસો! તમારા મોટા જેઠનો લુક એકદમ હીરો જેવો થઈ જવો જોઈએ."

પીઠી ચોળાઈ ગઈ એટલે વહુઓ હસતી હસતી રસોડામાં ભાગી ગઈ. પાંચ જ મિનિટ થઈ ત્યાં જગાભાઈના શરીરમાં અસલી ખેલ શરૂ થયો.

પહેલાં તો એમના ગાલ પર સહેજ બળતરા થઈ. પછી પીઠ પર જાણે સો કીડીઓ એકસાથે કરડી હોય એવી ચચરાટી થવા લાગી! જગાભાઈએ પહેલાં તો મરદ માણસની જેમ સહન કરવાનો પ્રયત્ન કર્યો, પણ ખંજવાળ એટલી ભયંકર હતી કે એમની મૂછોના વળ ઢીલા પડવા લાગ્યા.

"અરે... ઓ ભગા! ઓ દિલા! જરા પીઠ પાછળ હાથ ફેરવો તો, આ હળદરમાં કંઈક લોચો લાગે છે!" જગાભાઈ પાટલા પર બેઠા બેઠા વાંદરાની જેમ કૂદવા લાગ્યા.

દિલો દોડતો આવ્યો, "શું થયું મોટાભાઈ? પીઠીમાં તો હળદર જ હોય ને!"

"હળદરના દીકરા! આ હળદર નથી, આ તો જાણે સળગતો કોલસો ચોપડ્યો છે!" જગાભાઈથી હવે રહેવાયું નહિ. એ ઓસરીમાંથી સીધા દોડીને ચોકમાં ગયા અને ત્યાં ભેંસોને નવડાવવાની જે પાણીની કુંડી હતી, એમાં ધોતિયાભેર સીધો ધૂબાકો માર્યો— છબબબડાક!

આખું ગામ જે પીઠી જોવા આવ્યું હતું, એ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયું. વરરાજા પીઠી ચોળાવીને સીધા ભેંસોની કુંડીમાં બેઠા હતા અને બેય હાથથી આખા શરીરે ખંજવાળતા હતા!

નાથુજીએ લાકડી પછાડી, "અલ્યા જગા! આ શું માંડ્યું છે? કાલે જાન લઈને જવાનું છે ને તું અત્યારથી જ પાણીમાં પડ્યો છે?"

રસોડાની બારીમાંથી ગીતા અને કવિતા આ દ્રશ્ય જોઈને હસી-હસીને બેવડ વળી ગઈ હતી. ગીતા બોલી, "જોયું કવિતા? વરરાજા અત્યારથી જ ઠંડા પડી ગયા!"

"કાલ મંડપમાં જો તમારી બેયના વર (ભગો અને દિલો) પાસે આખી જાન સામે ગીતો ન ગવરાવું તો મારું નામ જગો નહિ!"

જગાભાઈ કુંડીમાંથી બહાર નીકળ્યા, આખું શરીર લાલચોળ થઈ ગયું હતું, પણ એમની ખોપડીમાં હવે લગન મંડપનો સૌથી ખતરનાક પ્લાન આકાર લઈ ચૂક્યો હતો. એવો પ્લાન, જે સીધો ભગા અને દિલાની આબરૂ સાથે જોડાયેલો હતો!

કુંવારા જેઠ મંડપમાં કયો નવો ધડાકો કરવાના હતા? અને ભગા-દિલાને કઈ નવી મુસીબતમાં નાખવાના હતા?

જુઓ આગળનો ભાગ - ભાગ ૧૨!