Kunwaro Jeth - Part 3 in Gujarati Comedy stories by Vir jadeja books and stories PDF | કુંવારો જેઠ - ભાગ 3

Featured Books
Categories
Share

કુંવારો જેઠ - ભાગ 3

જગાભાઈને ભણાવવાના પાઠનું આયોજન ગીતા અને કવિતાએ બપોરે જ ચોકમાં બેસીને પાકું કરી લીધું હતું. પુરુષો ગમે તેટલા હોશિયાર હોય, પણ જ્યારે ઘરની બે વહુઓ 'સંયુક્ત મોરચો' બનાવે, ત્યારે મોટા-મોટા યુદ્ધના મેદાનો પણ નાના પડી જાય!

જગાભાઈની સૌથી મોટી બે નબળાઈઓ હતી: એક– એમનો કડક ૧૩૫ તંબાકુ વાળો માવો (જે દિવસમાં એ દસ વાર ઘસતા), અને બીજું– સવારની અગિયાર વાગ્યા સુધીની કુંભકર્ણ કોપીરાઇટ છાપ ઊંઘ.

વહુઓએ નક્કી કર્યું કે આ બેય પર સીધો સર્જિકલ સ્ટ્રાઈક કરવો.સાંજે પાંચ વાગ્યે જગાભાઈ ચોરેથી રાજકારણની મોટી ચર્ચાઓ પતાવીને ડેલામાં આવ્યા. એમનો નિયમ હતો કે ઘરે આવીને ખાટલે બેસીને પહેલો અવાજ પાડે, "એય વહુઓ, જરા કડક મીઠી ચા મૂકો અને ઓલી માવાની પડીકી પડી છે ઈ આય આપતા જાવ!"

પણ આજે વાતાવરણ અલગ હતું. રસોડામાંથી ગીતા બહાર આવી અને બહુ જ આદરપૂર્વક બોલી, "જેઠજી, બાપુજીએ કીધું છે કે હવે ઘરમાં બધી વસ્તુઓનો હિસાબ રાખવાનો છે. એટલે માવા-સોપારી બધું સામે વાળા વિજુબેન ના ઉકરડે ઘા કરી મૂક્યા છે. અને ચા... ચા તો હવે સાંજે નહિ, સીધું રાત્રે વાળુ વખતે જ મળશે તો મળશે, કારણ કે દૂધ જિઓ નું ડેટા નથી ,લિમિટેડ આવે છે!"

જગાભાઈની આંખો ચાર થઈ ગઈ.

"અરે પણ વહુબેટા, હું આ ઘરનો મોટો દીકરો છું! મારો માવો ઉકરડે?"બરાબર એ જ સમયે કવિતા હાથમાં સાવરણી લઈને નીકળી, "જેઠજી, મોટો દીકરો તો જવાબદારી ઉપાડે એને કહેવાય. ઓલા બન્ને મોંઢા ના મોરા તો ખેતરે લોહી પાણી એક કરે છે, એમને તો માવાનું વ્યસન નથી. વળી, બાપુજી કહેતા હતા કે નવરા બેઠા માણસને માવા ખવરાવીને ઘરનું બજેટ નથી બગાડવું."

જગાભાઈ સમજી ગયા કે આ વહુઓ બાપુજીનું નામ લઈને એમના પર વેર વાળી રહી છે. પણ એ કાઈ બોલી શક્યા નહિ, કારણ કે નાથુજી પોતે પણ વ્યસનના વિરોધી હતા. માવા વગર જગાભાઈનું માથું ભમવા લાગ્યું. આખો દિવસ જે મૂછો વળ ખાતી હતી, એ માવા વિના થોડી ઢીલી પડી ગઈ.

રાત્રે વાળુમાં પણ વહુઓએ શાકમાં મરચું એવું જોરદાર નાખ્યું કે જગાભાઈના કાનમાંથી ધુમાડા નીકળી ગયા, પણ આબરૂના મોહમાં એ ‘અહાહાહાહા’ 'શાક બહુ સરસ બન્યું છે' કહીને પાણીના લોટા ગટકાવતા રહ્યા.અસલી ખેલ તો રાત્રે શરૂ થવાનો હતો.રાતના બાર વાગ્યા. આખું ઘર ઘસઘસાટ ઊંઘતું હતું. જગાભાઈ પણ માંડ-માંડ ઊંઘવાના પ્રયત્નો કરી રહ્યા હતા.

બરાબર એ જ સમયે ગીતા અને કવિતા પોતાના રૂમમાંથી બહાર આવી. ગીતાના હાથમાં સ્ટીલનો મોટો ડબ્બો હતો અને કવિતાના હાથમાં વેલણ!એ બંને જગાભાઈના ઓરડાની બારી પાસે ગઈ. ગીતાએ ડબ્બો ઊંધો કર્યો અને કવિતાએ વેલણથી ડબ્બા પર જોરજોરથી તબલા વગાડવાનું શરૂ કર્યું— ધડ.. ધડાધડ.. ધડ! એ સાથે જ ગીતાએ રાડ પાડી, "ચોર.. ચોર.. અરે દોડો, કોઈ ઘર પાછળ ગયું!"જગાભાઈ ઝબકીને જાગ્યા. ઊંઘની ખુમારીમાં એમને લાગ્યું કે સાચે જ ઘરમાં ડાકુ પડ્યા છે. એ ધોતિયું સરખું કરવા રહ્યા વિના, હાથમાં જે લાકડી આવી એ લઈને "ખબરદાર! કોણ છે?" કરતા બારી બહાર કૂદ્યા. પણ વહુઓ તો અંધારામાં ક્યારનીય સંતાઈ ગઈહતી.

જગાભાઈનો અવાજ સાંભળીને નાથુજી, ભગો અને દિલો પણ ટોર્ચ લઈને દોડતા બહાર આવ્યા. "શું થયું જગા? ક્યાં છે ચોર?" નાથુજીએ પૂછ્યું."બાપુજી, ઓલી બારી પાછળથી અવાજ આવ્યો, મોટો ધડાકો થયો અને કોઈ ચોર.. ચોર બોલતું હતું!" જગાભાઈ હાંફતા હાંફતા બોલ્યા.દિલાએ ટોર્ચ મારીને જોયું તો ત્યાં કોઈ નહોતું, બસ જમીન પર કવિતાએ જાણીજોઈને પાડેલો પાણીનો કાદવ હતો, જગાભાઈ આગળ વધ્યા ને જગાભાઈનો પગ લપસ્યો અને એ સીધા કાદવમાં ઊંધા માથે પડ્યા!

“એએએ……હું પડ્યો ભગા……..”

ભગો હસવા લાગ્યો, "મોટાભાઈ, સપનું જોયું કે શું? આખા ગામમાં કોઈની હિંમત નથી કે નાથુજીના ડેલામાં પગ મૂકે. તમે કાંઈક અંધારામાં ચમક્યા લાગો છો."

ત્યાં જ રસોડામાંથી ગીતા આંખો ચોળતી બહાર આવી, "અરે બાપુજી, જેઠજીને રાત્રે ચિંતન કરવાની ટેવ છે ને, એટલે એમને અંધારામાં ભૂત-પ્રેત દેખાતા હશે!

કાલેય ચુડેલરાણી……….ચુડેલરાણી……. સપના માં એવી વાતો કરતા હતા."

નાથુજી ગિન્નાયા, "જગા! તારી આ રાતની રખડપટ્ટીના લીધે આખા ઘરની ઊંઘ બગડે છે. છાનોમાનો જઈને સૂઈ જા, અને સવારે પાંચ વાગ્યે દિલા સાથે ખેતરે પહોંચી જજે, તારો આ રાતનો નશો ત્યાં ઉતરી જશે!"

જગાભાઈ કાદવથી લથબથ થઈને ઊભા થયા. હે…હે……હે…..કરતા કરતા,

એમણે જોયું તો અંધારામાં ગીતા અને કવિતા એકબીજા પર હાથ મૂકીને મલકાતી હતી. જગાભાઈ પાકા ખેલાડી હતા, એ સમજી ગયા કે આ રાતનું 'ઓર્કેસ્ટ્રા' આ બંને રંગી-બિલ્લીઓ એ જ વગાડ્યું હતું.એમણે મનોમન નક્કી કર્યું, 'તમે મારો માવો બંધ કરાવ્યો અને મારી ઊંઘ બગાડીને મને કાદવમાં ઊંધો નાખ્યો ને? હવે જુઓ આ કુંવારા જેઠસાહેબ નો અસલી પાવર! કાલથી આ ઘરમાં એવો વંટોળ ન લાવું તો મારું નામ જગો નહિ!'

બીજા દિવસે સવારે જગાભાઈ પાંચ વાગ્યે જાગી તો ગયા, પણ ખેતરે જવાને બદલે એ સીધા ગામના પાદરે પહોંચ્યા, જ્યાં એમનો એક પાકો ભેરુબંધ ‘કાળુ’ રહેતો હતો. કાળુ પાસે એક એવી માહિતી હતી, જે આ બંને વહુઓના પિયરની પોલ ખોલી શકે એમ હતી!

જગાભાઈ કયો નવો પ્લાન ઘડી રહ્યા હતા? અને કાળુ પાસેથી એમને કઈ એવી ગુપ્ત માહિતી મળવાની હતી જે વહુઓના હોશ ઉડાવી દે?

જુઓ આગળનો ભાગ - ભાગ ૪!