Kunwaro Jeth - Part 4 in Gujarati Comedy stories by Vir jadeja books and stories PDF | કુંવારો જેઠ - ભાગ 4

Featured Books
Categories
Share

કુંવારો જેઠ - ભાગ 4

સવારના સાડા પાંચ વાગ્યા હતા. સીમમાંથી ઠંડો પવન વાતો હતો, પણ જગાભાઈનું કાળજું વહુઓના કાવતરાના લીધે હજુય બળતું હતું. એ સીધા ગામના પાદરે કાળુના ચાના ગલ્લા પર પહોંચ્યા. કાળુ એટલે આખા પંથકનો ઇન્ફોર્મેશન બ્યુરો! કોના પિયરમાં શું હાલે છે અને કોના સાસરામાં કોણ મીઠું-મોરું છે, એ બધી ખબર કાળુ પાસે અપડેટ રહેતી.બસ કાળુ ના બે વખાણ કરો એટલે માહિતી એ ટુ ઝેડ આપી દે.

જગાભાઈએ ગલ્લા પર જઈને મૂછ પર હાથ ફેરવ્યો, "અલ્યા કાળુ, એક કડક માવો ઘસી દે અને તું હમણાં થી ક્રીમ કઈ વાપરે છે?કાળું વખાણ સાંભળવા તલપાપડ થઈ ને કીધું “ક્રીમ બ્રિમ કઈ નથી વાપરતો જગાભાઈ, કેમ એવું પૂછીયું?

અરે ગલ્લા માં પગ મૂકતાં તને ઓળખી ના શક્યો એવુ ગજબ નું શાઈનિંગ મારે છે તારા મોઢાં નું ચામડું”

જગાભાઈ ભાઈ બોલ્યા.ને કાળુભાઈ મોઢે થી યાદ આવ્યું હું શું કહું છું એક ગુપ્ત માહિતી જોઇએ છે. ઓલી ગીતા અને કવિતા... મારી વહુઓ ,આ બેયના પિયર પક્ષના કાંઈ એવા સમાચાર છે જે સાંભળીને એમના મોઢાના રંગ ઊડી જાય?"કાળુએ માવો ઘસતાં ઘસતાં આંખ મારી,

"જગાભાઈ, તમેય તે ક્યાં વાત કરો છો! તમે મારા મોટાભાઈ સમાન એટલે કહું છું બાકી હું કોઈ ને કહું નહીં આવી વાતો સાંભળો,ગીતા ભાભીના પિયરમાં એમના મોટા ભાઈ રમેશજી છે ને, એ આખા પંથકમાં વ્યાજ વટાવના ધંધામાં ફેમસ છે. પણ એમનાથી વધારે ફેમસ એમની કંજૂસાઈ છે! અને કવિતા ભાભીના પિયરવાળા તો સાવ ભોળા, પણ એમના ઘરમાં એક પાલતુ કૂતરો છે 'કાળુડો' (ટોમી), જેનાથી આખું ગામ બીવે પણ કવિતા ભાભી પોતે એનાથી એટલા બીવે છે કે કૂતરો ભસે તોય એ ત્રણ દિવસ સુધી પિયરમાં ઘરની બહાર નથી નીકળતા!"

જગાભાઈના મગજમાં લાઈટ થઈ. એમણે માવો મોઢામાં દબાવ્યો અને મનોમન કીધું, "વાહ કાળુ! તે તો મને બ્રહ્માસ્ત્ર આપી દીધું."જગાભાઈ ઘરે પાછા આવ્યા ત્યારે આખું ઘર નવરાશની પળો માણતું હતું. નાથુજી ઓસરીમાં બેઠા હતા અને ભગો-દિલો ખેતરે જવાની તૈયારી કરતા હતા. ગીતા અને કવિતા ચાની કીટલી લઈને આવી.જગાભાઈએ ખાટલા પર બેસતા જ નવો પત્તો નાખ્યો,

"બાપુજી! આજે પાદરે ગીતા વહુના પિયર પક્ષના માણસો મળ્યા હતા. વહુના ભાઈ રમેશજી તો બહુ મોટા માણસ છે, પણ ગામમાં વાતો થાતી તી કે એ એટલા કંજૂસ છે કે મહેમાન ઘરે આવે તો ચામાં ખાંડની જગ્યાએ મીઠું નાખી દે છે, જેથી મહેમાન બીજી વાર ચા ન માંગે! ગીતા વહુ, તમારા ભાઈ આવા છે એ મને આજે જ ખબર પડી!

"આ સાંભળીને ગીતાનું મોઢું લાલચોળ થઈ ગયું, "જેઠજી! મારા ભાઈ વિશે આવી ખોટી વાતો ન ફેલાવો. એ તો બહુ દયાળુ છે!"ભગો પણ પત્નીનો પક્ષ લેતા બોલ્યો, "હા મોટાભાઈ, ગમે તેમ વાતો ન કરાય.

"પણ જગાભાઈ અટક્યા નહિ, એમણે બીજું તીર કવિતા તરફ છોડ્યું, "અરે ભગા, હું તો જે સાંભળ્યું એ કહું છું. અને હા, ઓલી કવિતા વહુના પિયરની તો વાત જ ન પૂછો! એમના ઘરે એક એવો કૂતરો રાખ્યો છે કે વહુ પોતે એનાથી બીને ઓરડામાં પુરાઈ રહે છે. જે વહુ કૂતરાથી બીતી હોય, એ ઘરમાં રાત્રે ચોર-ચોરની બૂમો પાડીને ડબ્બા વગાડે એ વાતમાં કોઈ દમ નહી હો!

"જગાભાઈએ સીધો ગઈ રાતનો હિસાબ ચૂકવી દીધો! નાથુજીએ કવિતા અને ગીતા સામે જોયું. કવિતા તો તળ ને ફળ વાળી, એને લાગ્યું કે ગીતાએ જ પિયરની આ 'કૂતરા વાળી' ખાનગી વાત જેઠને કહી દીધી હશે, કારણ કે ગીતાને જ આ વાતની ખબર હતી.કવિતાએ ગીતા સામે આંખો કાઢી,

"ગીતાબૂન, તમે મારા પિયરની વાતો જેઠને વહેંચવા માંડ્યા એમ ને? પોતાની આબરૂ બચાવવા મારી આબરૂ કાઢી?"

ગીતા અકળાઈ, "અરે કવિતા, મેં કાંઈ નથી કીધું! આ જેઠજી પોતે જ લુચ્ચા છે, એ આપણને લડાવે છે!"

પણ જગાભાઈએ આગમાં ઘી હોમ્યું, "હું શું કામ લડાવું વહુ બેટા?મારે તો તમે બન્ને દીકરીઓ જેવીઓ,આ તો ગીતા વહુ કાલે રસોડામાં કહેતા હતા કે કવિતા સાવ બીકણ છે, એટલે મને યાદ આવ્યું."

બસ, કુંવારા જેઠનો આ પાસો બરાબર પડ્યો. બંને વહુઓ વચ્ચે ફરીથી અવિશ્વાસની દીવાલ ચણાઈ ગઈ. ગીતા રસોડામાં જઈને ધડામ દઈને બારણું બંધ કરી દીધું, અને કવિતા ઓસરીના ખૂણામાં જઈને મોઢું ફુલાવીને બેસી ગઈ. ભગો અને દિલો માથું ખંજવાળતા ખેતરે ઉપડી ગયા કે આ ઝેર ના ફુવારા જેવો જેઠ ઘરે હોય ત્યાં સુધી ઘરમાં શાંતિ નહિ થાય.

રાત્રે વાળુ વખતે વહુઓએ રોષમાં આવીને જગાભાઈની થાળીમાં રોટલી તો મૂકી, પણ જગાભાઈએ જોયું કે રોટલી સાવ કાચી-પાકી હતી. જગાભાઈ સમજી ગયા કે આ વહુઓ હજુ હારી નથી, એ અંદરોઅંદર ભલે લડે પણ મારો બદલો લેવાનું ચૂકતી નથી.જગાભાઈએ હસતા હસતા નાથુજીને કીધું,

"બાપુજી, વહુઓ પિયરના આઘાતમાં છે એટલે રોટલી આજે બરાબર શેકાઈ નથી. મને લાગે છે કે મારે જ હવે રસોડાનો કારભાર સંભાળવો પડશે!

"ગીતાએ રસોડામાંથી જ જોરથી અવાજ કર્યો, "જેઠજી, રસોડાનો કારભાર સંભાળવા ની જરૂર નથી સમજયા, કમાઈને અનાજની ગુણ ઘરે લાવો તો બસ છે, નવરા બેઠા વાતો કરવાથી ઘર ભાંગે ,ઘર વસે નહીં!

"આ આખો સંવાદ ચાલી રહ્યો હતો ત્યાં જ ડેલાની બહાર એક ભવ્ય અને મોંઘીદાટ ગાડી આવીને ઊભી રહી.

ટો…ટો….હોર્ન નો અવાજ વાગ્યો, આ નાના એવા સુરજપર ગામમાં આવી લક્ઝરી ગાડી જોઈને આખું ઘર જોવા બહાર દોડ્યું.ગાડીમાંથી એક બહુ જ પ્રતિષ્ઠિત અને ઠાવકો માણસ બહાર આવ્યો. નાથુજી પાસે આવી એણે નાથુજીને રામ-રામ કર્યા અને પછી સીધી જગાભાઈ સામે નજર કરી.

એ માણસ કોણ હતો? અને એ લક્ઝરી ગાડીમાં જગાભાઈ માટે કયો મોટો વળાંક છુપાયેલો હતો?


જોઈએ ભાગ-૫ માં …..